મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / રાણી દુર્ગાવતી અને રાણી અવંતિબાઈ

- યુદ્ધગાથા એક મુઘલો સામે ઝઝૂમ્યા તો બીજા અંગ્રેજો સામે લડ્યા. ઈતિહાસમાં ડોકિયું કરતાં ઈકકાદૂકકા નહીં પરંત

શતરંગ / રાણી દુર્ગાવતી અને રાણી અવંતિબાઈ

- યુદ્ધગાથા

એક મુઘલો સામે ઝઝૂમ્યા તો બીજા અંગ્રેજો સામે લડ્યા.

ઈતિહાસમાં ડોકિયું કરતાં ઈકકાદૂકકા નહીં પરંતુ ચીંથરે વીંટયાં અનેક રતન મળી રહેતા હોય છે. ચંદ્રના તેજમાં તારલા ઓછા દેખાય. તો પણ તારલાને અવગણવા ભાગ્યે જ વાજબી ગણાય. અમુક ઐતિહાસિક ઘટનાઓ ધૂમકેતુ જેવી હોય છે. રાણી દુર્ગાવતી અને રાણી અવંતિબાઈ બંને ઐતિહાસિક પાત્રો આકાશમાં ચમકીને લીસોટો છોડી જતાં ધૂમકેતુ સમાન છે. બંને વીરાંગનાઓએ હિમ્મતભેર લડત આપી. બંને વીરાંગનાઓને આગોતરી માહિતી હતી કે, દુશ્મન બળવત્તર છે. શત્રુસેનાનું કદ પોતાની સેના કરતાં અનેક ગણું છે. છતાં બંનેએ માભોમની રક્ષા કાજે લડવું પસંદ કર્યું. શત્રુથી ડરીને ક્યાંક છુપાઈ જવાનો વિકલ્પ સ્વાભાવિક રીતે પ્રાપ્ય જ હોય. તેવો નમાલો રસ્તો પકડવાના બદલે બંનેએ લડતા લડતા મોત વ્હાલું કર્યું.

બંને ઘટનાઓ ઉપલબ્ધ માહિતીના પ્રમાણમા ઈતિહાસમાં નોધાયેલી છે. આધિકારિક નોંધ ઓછી છે. પ્રમાણમા તાજેતરની ઘટના અને અંગ્રેજોના રાજ સમયે બનેલો પ્રસંગ છતાં, રાણી અવંતિબાઈના કિસ્સામાં તો મોટા ભાગની માહિતી લોકમુખેથી નોંધવામાં આવી છે. બંને વીરાંગનાઓની કરણી થોડા અંશે ધરબાઇ ગયેલી છે. લોકમુખે ખાસ ચઢેલી નથી. બંને વીરાંગનાઓનું ઋણ સરકારોએ ઉતારવા પ્રયત્નો પણ કર્યા છે. જે અલબત્ત આપણી ધરોહરને મજબૂતી બક્ષવા જરૂરી પણ છે. નહીતર કાળક્રમે તવારીખના પાનાઓ પરથી પણ તે અદ્રશ્ય થઈ જવાની ભીતિ રહે.  

રાણી દુર્ગાવતીનો (05.10.1524 - 24.06.1564) જન્મ વર્તમાન ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના અપરાજેય ગણાતા કલિંજર કીલ્લામાં થયો હતો. દુર્ગાવતીના લગ્ન સને 1542માં હાલમાં મધ્યપ્રદેશમાં સ્થિત ગોંડવાનાના રાજા સંગ્રામ શાહના પુત્ર રાજા દલપત શાહ સાથે થયા હતા. દલપત શાહનું નાની વયે મૃત્યુ થયું. દુર્ગાવતી અને દલપત શાહને વીર નારાયણ નામે એક પુત્રરત્ન પણ હતા. દલપત શાહના મૃત્યુ સમયે ઉત્તરાધિકારી રાજકુમાર કેવળ પાંચ વર્ષના હતા. બાલ રાજાની કાચી વયને અનુલક્ષીને રાણી દુર્ગાવતી રાજ્ય વહીવટ સંભાળતા થયેલા.

વર્ષ 1562માં ગોંડવાનાના પાડોશી પ્રદેશ માળવાને મુઘલ બાદશાહ અકબરે ફતેહ કર્યું. તેમ થતાં જ  દુર્ગાવતીના રાજ્યની સીમા મુઘલ સામ્રાજ્યને સ્પર્શવા લાગી. પરંપરા મુજબ મુઘલોની લાલચુ નજર રાણીના રાજ્ય પર પડી. તત્કાલિન મુઘલ સેનાપતિ ખ્વાજા અબ્દુલ મજીદ અસફ ખાનની ગોંડવાનાની સંપતિ પર દાનત બગડેલી. પરિણામ રૂપે મુઘલ સેનાપતિએ રાણી દુર્ગાવતીના પ્રદેશ પર હલ્લો બોલાવ્યો. મુઘલોના હુમલાના સમાચાર મળતાજ રાણીએ રાજ્યની રક્ષા કરવાનો નિર્ણય લીધો. શત્રુની શક્તિ જાણતા દીવાને ચેતવણી પણ આપી કે મુઘલ સેના વિરાટ છે. શસ્ત્ર સરંજામ અખૂટ છે. પરંતુ, ડરી જાય તે રાણી દુર્ગાવતી નહીં. રાણીએ કોઈ પણ ભોગે મુઘલોનો સામનો કરવાનું ઠેરવ્યું. રાણીએ શરમજનક શરણાગતિ સ્વીકારવાના બદલે આગવી ખુમારી  પૂર્વક મરવું પડે તો મરવું પસંદ કર્યું.

હવે, ખરાખરીના જંગમાં મુઘલોના પક્ષે પ્રશિક્ષિત(ટ્રેઇન્ડ) સૈનિકોની વિશાળ સેના હતી. તે સમયના શ્રેષ્ઠ આયુધો  હતા. જ્યારે રાણીના પક્ષે જરી પુરાણા આયુધો સાથે અપ્રશિક્ષિત મૂઠીભર સૈનિકોની ટુકડી હતી. રાણીના તાબા હેઠળના સામંતો પાસે સૈનિકો હતા, પણ અલગ અલગ સામંતોની સૈનિક ભરતી કરવાની પધ્ધતિ અસમાન હતી. ફળ સ્વરૂપ સૈનિકોમાં અનિવાર્ય તેવું શિસ્ત કે યુધ્ધ કૌશલ્યનો અભાવ હતો. અલબત્ત, અંતે થયું પણ તે જ, કે જેની આશંકા હતી. રાણીના સૈનિકો યુધ્ધમાં કાચા પુરવાર થવા લાગ્યા. રાણીએ મુઘલો પર ગેરીલ્લા નીતિથી હુમલો કરવા આયોજન કર્યું. પરંતુ, કોઈ આયોજનણો  અમલમાં થાય  તે પૂર્વે તો મુઘલ સેનાપતિએ મોટી તોપો તૈયાર રાખેલી. રાણી પુત્ર વીર નારાયણ જોડે સમારંગણમાં કૂદી પડ્યા. યુધ્ધ મેદાનમાં પુત્રને ગંભીર ઇજાઓ થતાં તેમને સલામત સ્થળે લઈ જવા પડ્યા. પુત્રને ઇજાઓ થવા છતાં રાણી દુર્ગાવતી હિમ્મત હાર્યા વગર લડતા રહ્યા. યુધ્ધ દરમિયાન મુઘલોનું એક તીર રાણીના કાન પાસે ગંભીર ઇજા કરવામાં  સફળ થયું. થોડા જ સમયમાં એક બીજું તીર તેમની ગરદનની આરપાર થયું. ગરદન પર તીર લગતા જ રાણી બેહોશ થઈ ગયા.

થોડા સમયે દુર્ગાવતીને હોશ આવતા સેનાપતિએ તેમને સલામત સ્થળે ખસેડવાની ભલામણ કરી. રાણીએ ખુમારી જાળવતા બીજા સ્થળે જવાની સ્પષ્ટ ના કહી. રાણીને પ્રતીતિ થઈ કે, હવે મુઘલો સામે જંગ જારી રહી શકે તેમ ન હતો. મુઘલોને જીતી શકાય તેવી શક્યતા ન હતી. રાણીએ મેદાન છોડવાની નાલેશી સ્વીકારવાના બદલે મોત વ્હાલું કર્યું. પોતાના ખંજર વડે જ રણ મેદાનમાં આત્મહત્યા કરી લીધી.

ભારતીય સરકારે રાણીના સન્માન રૂપે 1988માં એક ટપાલ ટિકિટ બહાર પાડી. ભારતીય તટ રક્ષકદળે પોતાની એક ‘ઇનશોર’ વેસલને આઇસીજીએસ રાણી દુર્ગાવતીનું નામ આપીને રાણીની યાદો જીવંત કરી. રેલ્વે વિભાગે જબલપુર-જમ્મુતાવી ટ્રેનને ‘રાણી દુર્ગાવાતી એક્સ્પ્રેસ’ નામ આપ્યું છે.

આજે જેમને યાદ કરવા ધાર્યા છે તેવા બીજા વીરાંગના છે રાણી અવંતિબાઈ લોધી(16.08.1831-20.03.1858).રાણી અવંતિબાઈ લોધી વર્તમાન મધ્યપ્રદેશના રામગઢના (ડિંડોરી) રાણી સાહીબા હતા. વર્ષ 1857ના બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે થયેલા વિદ્રોહમાં અવંતિબાઈએ વિપ્લવકારીઓનું નેતૃત્વ કરેલું.(આ વિદ્રોહ દરમિયાન જ મંગલ પાંડેએ શહીદી વહોરેલી.) બદનસીબી એ છે કે 1857ના વિપ્લવ દરમિયાન અંગ્રેજો સામે બાથ ભીડવા છતાં અવંતિબાઈ વિષે ખાસ માહિતી મળતી નથી. જે પણ માહિતી છે તે લોકવાયકાઓમાંથી મળે છે. કદાચ, અંગ્રેજોએ ઈરાદા પૂર્વક રાણી અવંતિબાઈના નામે કશું નોંધ્યું જ ન હોય !

અવંતિબાઈના લગ્ન  ડિંડોરીના રાજા લક્ષ્મણસિંહ સાથે થયેલા. લક્ષ્મણસિંહનું વર્ષ 1850માં મૃત્યુ થતાં રાણી અવંતિબાઈએ રાજ કારોબાર જાતે સંભાળેલો. રાણી દ્વારા ચાલતો રાજય વહીવટ અંગ્રેજોને ખૂંચવા લાગેલો. અંગ્રેજોએ ‘કોર્ટ ઓફ વોર્ડ્સ’નો (સગીરોનો વહીવટ પોતાના હાથમાં લેવાની અંગ્રેજોની કારીગરી) કાયદો લાગુ કરીને શેખ સરબારહકરની નિમણૂક કરી. બ્રિટિશરોના આ પગલાને રાણી અવંતિબાઈએ વ્યક્તિગત અપમાન માનીને શેખને રાજ્ય બહાર ધકેલી મૂક્યા, સાથોસાથ, રાજ્યના ખેડૂતોને સૂચના આપેલી કે અંગ્રેજોના હુકમનો અનાદર કરવો.

1857ની ક્રાંતિ દરમિયાન અવંતિબાઈને યોજાનારી પરિષદના પ્રચારની જવાબદારી સોંપવામાં આવેલી. પ્રચાર કાર્યમાં રાણીએ અદભૂત પરિણામ લાવી આપેલું. તેણીએ સ્થાનિક રાજાઓને અંગ્રેજ સામે એક કરવા તમામ રાજ્યોમાં પત્ર સાથે બંગડીઓ મોકલેલી. તેણીએ લખેલું કે “કાં તો માતૃભૂમિની રક્ષા માટે કમર કસો અથવા કાચની બંગડીઓ પહેરીને ઘરે બેસો, તમારે તમારા ધર્મની પ્રતિજ્ઞા પૂરી કરવી જ જોઈએ.“ રાણીની આક્રમક પ્રચાર નીતિથી રજાઓ દેશ માટે સઘળું બલિદાન કરવા તૈયાર થઈ ગયેલા.

1857નો બળવો ફાટી નીકળતા અવંતિબાઈ ચાર હજાર સૈનિકોની સેના ઊભી કરીને અંગ્રેજો સામે યુધ્ધ મેદાને ઉતરી પડેલા. પ્રથમ લડાઈમાં રાણી અંગ્રેજોને માત દેવામાં સફળ પણ નીવડેલાં. જેના જવાબ રૂપે અંગ્રેજોએ ‘રીવા’ના રાજાની મદદ લઈને રાણીના પ્રદેશ પર હુમલો કર્યો. રાણી અવંતિબાઈ જાણતા હતા કે પરાજ્ય નિશ્ચિત છે. છતાં શક્ય હતું ત્યાં સુધી અવંતિબાઈ અંગ્રેજોનો સામનો વટભેર કરતાં  રહ્યા. અંતે તારીખ 20.03.1858ના દિવસે  પોતાની જ તલવારથી દેશ માટે જાતની  આહુતી  આપી.

ભારત સરકારે રાણી અવંતિબાઈના સન્માનમાં કુલ બે વખત ટપાલ ટિકિટો બહાર પાડી છે. દુખદ વાત છે કે હાલમાં રાણીની સમાધિ જર્જરિત હાલતમાં છે. વર્ષ 2012માં બે રાજકીય પક્ષોના વિરોધ વચ્ચે સરકારે ‘NCERT’ના અભ્યાસક્રમમાં રાણી અવંતિબાઈ  વિષે એક સંક્ષિપ્ત નોંધ દાખલ કરી છે.

- ફાલ્ગુન મોદી

આ સમાચાર શેર કરો