મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / કિસ્સા: ઈરફાનની ભૂલાવી દેવાયેલી એક જાનદાર, શાનદાર ફિલ્મ

- બિયોન્ડ એન્ટરટેઈમેન્ટએક્ટર: ઈરફાન ખાન, ટિસ્કા ચોપરા, તિલોત્તમા સોમ, સોનિયા બિન્દ્રા,

શતરંગ / કિસ્સા: ઈરફાનની ભૂલાવી દેવાયેલી એક જાનદાર, શાનદાર ફિલ્મ

- બિયોન્ડ એન્ટરટેઈમેન્ટ

એક્ટર: ઈરફાન ખાન, ટિસ્કા ચોપરા, તિલોત્તમા સોમ, સોનિયા બિન્દ્રા, રાધિકા દુગ્ગલ

ડિરેક્ટર: અનૂપ સિંહ

આપણે ભારતીય સિનેમા ટૉપ રેટેડ એક્ટર્સની વાત કરીએ ત્યારે મરહુમ ઈરફાન ખાનનો ઉલ્લેખ અચૂક કરીએ છીએ. તેમની જાણીતી ફિલ્મો જેવી કે, ધ નેમસેક, હાંસિલ, મકબૂલ, હિન્દી મીડિયમ, પાન સિંહ તોમર, હૈદરને પણ યાદ કરીએ છીએ. આ તમામ ફિલ્મોમાં ઉત્કૃષ્ઠ કામ થકી ઈરફાને આપણા બધાના મન-મગજમાં એક અમિટ છાપ છોડી છે પણ તેમની એક બહુ જ શાનદાર અને એક અર્થમાં માસ્ટરપીસ કહેવાય તેવી ફિલ્મને આપણે ભૂલાવી દીધી છે! 2015માં આવેલી આ ફિલ્મનું નામ 'કિસ્સા' છે જે હિન્દી-પંજાબી ભાષામાં બનેલી છે.

ફિલ્મની વાર્તા ભારત-પાકિસ્તાનના વિભાજન પછી પોતાનું બધુ ગુમાવી ચૂકેલો એક પરિવાર જે પંજાબમાં આવે છે તેની આસપાસ ફરે છે. અંબર સિંહ (ઈરફાન)ના માથે પરિવારની તમામ જવાબદારી છે. અંબર પાસે આમ તો ભગવાને આપેલું ઘણું બધું છે. એક સુંદર પત્ની (ટિસ્કા ચોપરા) સાથે ત્રણ પુત્રીઓ સાથેનો હર્યોભર્યો પરિવાર છે. પણ હજી તેમને એક દીકરાની ચાહ છે અને કુદરતને કદાચ તે મંજૂર નથી. ચોથી વખત પણ તેમને ત્યાં દીકરી આવે છે. પહેલા એક સંકુચિત વિચારશરણી વાળા પિતા તરીકે અંબર દુ:ખી થાય છે પણ પછી તે કુદરતના આ વિધાનને બદલવાનું નક્કી કરે છે. તે પોતાની ચોથી જન્મેલી દીકરીનો ઉછેર એક દીકરા તરીકે કરે છે. તે તેનું નામ પણ કુંવર સિંહ રાખે છે. બધું બરાબર ચાલી રહ્યું હોય છે પરંતુ એક જગ્યાએ પહોંચીને અંબર સામે પોતાની આ દીકરાની જેમ પાલવેલી દીકરીના જીવન માટે ખૂબ જ કપરો અને પરંપરાથી વિરુદ્ધ નિર્ણય લેવાની પરિસ્થિતિ પેદા થઈ જાય છે. વાર્તામાં આગળ શું થાય છે તે જાણવા આ ફિલ્મ તમારે જોવી પડશે.

આ ફિલ્મમાં એક્ટિંગ બાબતે દરેક એક્ટરે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઈરફાનના કેરેક્ટરને તો તમે વર્ષો સુધી ભૂલાવી નહીં શકો. આ ફિલ્મ થકી જ તિલોત્તમા સોમને પણ ફિલ્મી બેડામાં એક જાનદાર એક્ટ્રેસ તરીકેનો તમગો મળેલો. ડિરેક્શનમાં અનૂપ સિંહે પણ વાર્તાની ગૂંથણી ખૂબ સારી રીતે કરી છે અને તેની ગંભીરતાને અક્ષુણ ટકાવી રાખી છે. ફિલ્મનું સંગીત પણ સ્થિતિ-પરિસ્થિતિને ખૂબ સારી રીતે કન્વે કરે છે.

મસાલા અને કૉમેડી ફિલ્મોની ચાહમાં આપણે ગંભીર અને અર્થપૂર્ણ ફિલ્મો મિસ કરતા આવ્યા જ છીએ. ઈરફાનની કિસ્સા પણ તેમાં અપવાદ નથી. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ તાળીઓ અને વાહવાહીઓ ઊઘરાવનારી આ ફિલ્મ ભારતમાં ભાગ્યે જ કોઈ થિએટરમાં 4 દિવસ ચાલી હશે. હાલ પણ કદાચ કોઈ પ્લેટફોર્મ પર અવેલેબલ નહીં હોય. છતાંય શોધીને જોજો, શાંતિથી જોજો. અલગ જ મજા આવશે.

- આગંતુક

આ સમાચાર શેર કરો