શતરંગ / પંચ ઈન પંચ આઉટ
- નાગણ નોકરી નોકરિયાત જીવ કાયદેસર પંચમહાભૂતમાં વિલીન થઈ જાય તો ય એને બે ચિંતા તો સતાવતી જ હોય એક એની જગ્યાએ કોણ પલિત આવશે

- નાગણ નોકરી
નોકરિયાત જીવ કાયદેસર પંચમહાભૂતમાં વિલીન થઈ જાય તો ય એને બે ચિંતા તો સતાવતી જ હોય એક એની જગ્યાએ કોણ પલિત આવશે ને બીજું પંચ આઉટ કર્યું કે નહિ!! નોકરી કરનાર માણસને નોકરી માટે આટલી નફરત ન હોય જો એણે ચોક્કસ સમયે પહોંચીને આંગળી, અંગૂઠો કે થોબડું દેખાડવાનું ન હોય! કંઈપણ થઈ જાય, કંઈ પણ; ભૂકંપ આવે, સુનામી આવે, દુનિયા ઊંધી થઈ જાય કે ચતી સવારે સમયસર પહોંચીને પંચ ઈન તો કરવાનું જ. જેવી કંપની એ મુજબનું ટોર્ચર. હાસ્તો, કાયદેસર ટોર્ચર જ. અંદર આવો એટલે પંચ ઈન અને ક્યાંય પણ જાવ તો પંચ આઉટ થવું જ જોઈએ.
મારે તો પહેલી નોકરી વખતે અંગૂઠો દબાવવા વાળું મશીન હતું. મેં તો ઘરે કહી રાખેલું કે નહિ ને મને ચાલુ નોકરીએ કશું થઈ જાય તો પહેલાં મારો અંગૂઠો કાપીને ઑફિસમાં આપતા આવજો જેથી મશીનમાં નાંખી શકે એન મારી એ દિવસની નોકરી ગણાય જાય, બાકી રજા અથવા પગાર કપાઈ જશે બાપ!! કેવો કાયદો એમ, હિટલર જેવું જ લાગે અમને તો કે તમે સિરિયસલી કે સિન્સયરલી નોકરી કરી છે કે નહિ એનું માપદંડ આવવા જવાના સમય ને એની નોંધણી કરતું મશીન નક્કી કરશે! સમય જતાં ચહેરો દેખાડવાનો આવ્યો, મોઢું જોઈને મશીન બોલે thank you અને આપણે એન્ટ્રી કરી શકીએ, ઘોર કળિયુગ. આખી જિંદગી ઢસરડા કરીએ ને કોઈ આભાર માને નહિ ને આ મારું બેટુ મશીન એન્ટ્રી આપવા થેંક યુનું સગુ થાય.
હવે તો એપ આવી ગઈ છે. અરે એપ્લિકેશન. જેમાં તમારા આવવા જવાનો હિસાબ તમારો જ મોબાઈલ રાખે. ચિત્રગુપ્તના ચોપડાં જેવું લાગે સાલું. એપ્લિકેશન વડે જ પંચ ઈન ને પંચ આઉટ થાય, લોકેશન ઓન કરો એટલે ઑફિસના એડ્રેસ દેખાડે. જો તમારું નેટ ચાલતું ન હોય કે મોબાઈલમાં બેટરી ન હોય તો એ દિવસે ઘરે જતું રહેવું કેમકે આમ પણ તમારી એ દિવસે ગેરહાજરી અથવા તો લેટ કમિંગ દેખાય. તારી ભલી થાય, ગધેડાને ગલી થાય. આ જ જોવાનું બાકી હતું કે એક એપ્લિકેશન આપણી જિંદગી હલાવી નાંખે!
સૌરાષ્ટ્રના એક ગામમાં આવુ મશીન લાગ્યુ ને પછી શું થયું હશે? હા એ જ. જે તમે વિચાર્યું. કાઢી નાખવું પડ્યું. દર કલાકે બે વખત માવો થૂંકવા બહાર જતા કર્મચારીઓ પંચ ઈન ને આઉટ કર્યા કરે ને મશીન ત્રાસી ગયું કે ભાઈઓ તમે રમો, આપણે નથી રમતા. આવજો. રજિસ્ટર રાખ્યું પછી તો. એકથી ચારમાં એકેય એન્ટ્રી ન દેખાતા આખરે એક માણસ રાખ્યો, માણસની અવરજવર પર નજર રાખવા માટે!! એમ થાય કે ગુરુ દક્ષિણામાં કોઈ અંગૂઠો માંગી લો ભાઈ.
એમાં ય પાછું એક ટાઈમ જો ઈન કે આઉટ કરવાનું રહી ગયું તો હાફ ડે દેખાડે, હાંફ ચડાવી દે એવી ઘટના ઘટી જાય. એક જમાનો હતો જ્યારે ઑફિસમાં આવવા જવા માટે લોકોને ઉત્સાહ રહેતો, આજે ડર રહે છે.
જુઓ ભાઈ અમે ગુજરાતી. જુગાર અને જુગાડ અમારી નસેનસમાં છે. તમે જેટલા કાયદા બનાવશો એને ગુણ્યા બે જેટલી અમે છટકબારીઓ લાવીશું. ઑફિસમાં આમ એન્ટ્રી અને એક્ઝિટ માટે જે નિયમો બનાવવામાં આવ્યા હોય એના કરતાં એમાંથી બચવાના ઉપાયોની પોલિસી વધુ સ્માર્ટ રીતે બનાવવામાં આવે. કઈ રીતે? મને ગલીના કૂતરાએ બટકું ભર્યું છે કે હું અહીં જાહેર કરું?! એ જાણવા મને ફેસબૂક પર મેસેજ કરવો. ના એટલે મને તો આવી કોઈ છટકબારી શોધતા આવડી જ નથી કેમકે આપણે સીધા બારણાં જ ઉઘાડ્યાં છે!
આજે પંચ ઈન પંચ આઉટ વિશે સહેજ વાત કરી. સહેજ હો, આ તો ફક્ત પ્રસ્તાવના અને છબછબિયા છે. આવતા અઠવાડિયે આવા જ એક અન્ય યંત્રના ટોર્ચર વિશે વાત કરીશું. અમથી નથી કહી આને ભૈ, નાગણ નોકરી!!








