મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / પરમવીર ચક્ર વિજેતા: સૂબેદાર મેજર (ઓનરરી કેપ્ટન) શ્રી બના સિંઘ

- યુદ્ધગાથા પંજાબ સરકારે ફાળવેલી 25 એકર જમીન જતી કરી: જમ્મુ-કશ્મીર સરક

શતરંગ / પરમવીર ચક્ર વિજેતા: સૂબેદાર મેજર (ઓનરરી કેપ્ટન) શ્રી બના સિંઘ

- યુદ્ધગાથા

પંજાબ સરકારે ફાળવેલી 25 એકર જમીન જતી કરી: જમ્મુ-કશ્મીર સરકારે રૂ.166/- પેન્સન ઠેરવ્યું

ફરી એક વાર પાકિસ્તાને અવળચંડાઈ કરેલી. વર્ષ 1987માં આપણાં સિયાચીન ગ્લેશિયર પર વ્યૂહાત્મક રીતે મહત્વની એક જગ્યા પર પાકિસ્તાને કબ્જો કર્યો. કબ્જો કરીને તે જગ્યાને નામ પણ આપી દીધું. “કૈદ પોસ્ટ’’. (કૈદ શબ્દ રીતભાત, Etiquette અને કાયદાના અર્થમાં સંહિતાનો અર્થ ધરાવે છે.) પાકિસ્તાને જે સ્થાને અડ્ડો જમાવેલો તે 6500 મીટરની ઊચાઇએ છે. ત્યાંથી પાકિસ્તાન ભારતીય સૈન્યની તમામ ગતિવિધિ પર ચાંપતી નજર રાખી શકે તેમ હતું. ઊંચાઈના કારણે સલટોરો રેન્જ(કારાકોરમ પર્વતમાળાની એક ઉપ-પર્વતમાળા) સાથે સિયાચીન ગ્લેશિયરનું નિરીક્ષણ પાકિસ્તાન માટે આસાન હતું. પરિણામ સ્વરૂપે શત્રુએ એવું સ્થાન ઓળવી લીધું કે જ્યાં પહોંચીને તેમને ખદેડવાનું કામ અતિવિકટ રહે. શત્રુ જાણે  ઠંડાગાર બરફની 457 મીટર ઊંચી દિવાલોના કીલ્લામાં સુરક્ષિત થઈને બેઠા હતા.

તે દિવસ હતો 18મી એપ્રિલ 1987નો. જ્યારે પાકિસ્તાને કોઈ જ કારણ વગર કે બોર્ડર પર થતી રહેતી હોય છે, તેવી ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો. 6400 મીટરની ઊંચાઈ પર આવેલી આપણી ‘સોનમ પોઈન્ટ’ નામની ચોકી પર તૈનાત બે સૈનિકોને વીંધી નાખ્યા. તેમ કરીને પાકિસ્તાને વાઘને કાંકરી ચાળો કર્યો. જેના પરિણામ પાકિસ્તાને થોડા સમયમાં જ ભોગાવવા પડવાના છે. લશ્કરી વ્યૂહ મુજબ ભારતે નક્કી કર્યું કે પહેલા દુશ્મનોની રેકી કરવામાં આવે. રેકી માટે પચીસ વર્ષના સેકન્ડ લેફટેનંટ રાજીવ પાંડેની પસંદગી કરવામાં આવી. તારીખ 29મી મે 1987ના દિવસે લેફટેનંટ રાજીવ પાંડે પોતાના સાથીઓ સાથે યોજના મુજબ આગળ વધ્યા. તેમણે ત્રણ કીલીમીટર ખુલ્લા આકાશનીચે બિનપર્વતીય ચઢાણ પસાર કરવાનું હતું. દુશ્મનો સહેલાઇથી વીંધી નાખે તેવી સ્થિતિ હતી. તે બાદ 12000 ફુર ઊંચી બરફ દીવાલ ચડવાની હતી. પાંડે અને સાથીઓ દુશ્મને પચાવી પડેલા લક્ષથી કેવળ ત્રીસ મીટર દૂર હતા. તેવામાં જ શત્રુઓની નજરે ચઢી ગયા. પાકિસ્તાની સૈનિકોએ કરેલા તીવ્ર ગોળીબારમાં સેકન્ડ લેફટેનંટ રાજીવ પાંડે અને તેમના પાંચ સાથીઓ શહીદ થયા.

રાજીવ પાંડેની શહાદત બાદ મેજર વરિન્દરને અધૂરું રહેલું કામ સોંપવા આવ્યું. મેજરે પાકિસ્તાનીઓ પર અનેક હુમલાઓ કર્યા. કમભાગ્યે તેમના હુમલાઓ અપૂરતા સાબિત થયા. અંતે નાયબ સૂબેદાર બના સિંઘને પાકિસ્તાનીઓની ખબર લેવાની ફરજનો હુકમ કરવામાં આવ્યો.

નાયબ સૂબેદાર બના સિંઘનો જન્મ  6ઠી જાન્યુઆરી 1949માં જમ્મુ-કશ્મીરના કડયાલના એક શીખ કુટુંબમાં થયેલો. તેમના પિતા ખેડૂત હતા જ્યારે કાકા સૈન્યમાં સેવારત હતા. તેમની નિમણૂક 8મી જમ્મુ-કશ્મીર લાઇટ ઈનફંટરીમાં થઈ હતી. તેમણે ઊંચાઈ પર સ્થિત યુધ્ધ ક્ષેત્રોની તાલીમ હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ સોનમર્ગ અને ગુલમર્ગ ખાતે લીધી હતી.

તારીખ 26મી જૂન 1987ના દિવસે નાયબ સૂબેદાર બના સિંઘ અને સાથીઓએ દુશ્મનની કલ્પનામાં પણ ન આવે તેવી યોજના અમલમાં મૂકી. બના સિંઘ અને તેમના નેતૃત્વ હેઠળની ટુકડીએવધુ દુષ્કર, વધુ લાંબો અને અનેક તકલીફો વાળા રસ્તે દુશ્મનોને ઊંઘતા ઝડપવાનું નક્કી કર્યું. તેમણે બરફની બનેલી 457 મીટર ઊંચી દીવાલ સર કરવાની હતી. સદનસીબે, ટુકડી ચઢી રહી હતી ત્યારે જ બરફનું તોફાન ચાલુ થયું. સામાન્ય અર્થમાં તો ઘટના ટુકડીની વિરુધ્ધની લાગે. પરંતુ વાસ્તવમાં બરફનું તોફાન બના સિંઘની ટીમ માટે લાભપ્રદ પુરવાર થયું. બરફની આંધીમાં  દ્રશ્યતા એકદમ ઘટી જતી હોય છે. આશરે પાંચ-સાત ફૂટના અંતરે શું બની રહ્યું છે તે ન દેખાય. અડચણને અવસરમાં ફેરવીને ટુકડી પાકિસ્તાની સૈન્યએ બનાવેલા બંકર(ભોંયરું/તલઘર/સૈનિકોનું યુધ્ધ દરમિયાનનું સુરક્ષિત રહેઠાણ) સુધી પહોંચવામાં સફળ થઈ.

ટોચ પર પહોંચતા જ બના સિંઘને ખ્યાલ આવ્યો કે બધુ મળીને એક જ  બંકર છે. બના સિંઘે સમય પારખીને બંકરમાં એક હૅન્ડ ગ્રેનેડ ફેંક્યો. ગ્રેનેડ ફેંકતાની સાથે જ દોડીને બંકરનો દરવાજો બંધ કરી દીધો. બંકરમાં ચંદ સેકંડો પછી ગ્રેનેડનો વિસ્ફોટ થતાની સાથે જ અંદર રહેલા તમામ પાકિસ્તાની સૈનિકો મૃત્યુ પામ્યા. બહાર રહેલા દુશ્મન સૈનિકો સાથે બના સિંઘની ટુકડીએ હાથોહાથની લડાઈ કરી. મોકો મળતાની સાથે જ ગનમાં આગળના ભાગે રહેલી છૂરા જેવી દેખાતી બેયોનેટ(સંગીન) વડે શત્રુ સૈનિકોનો નાશ કર્યો. બના સિંઘે જોયું કે થોડા દુશ્મન સૈનિકો જીવ બચાવવા ઊંચાઈ પરથી નીચે કૂદી રહ્યા હતા. થોડા સમય પછી નીચે કૂદેલા છ સૈનિકોનાં મૃતદેહો ભારતીય સૈનિકોએ જોયેલા.

કશ્મીરના એક રેડિયો જૉકી સાથે બના સિંઘે સાક્ષાત્કાર દરમિયાન આપણાં જેવા નાગરિકોના રુંવાડાં ઊભા થઈ જાય તેવી વાતો કરેલી, તેમને ચઢાઈ પહેલા હુકમ મળેલો કે અગર દુશ્મનનો ખાતમો ન બોલાવી શકો તો પરત ન ફરશો. ભારત પાસે બીજા આંઠસો સૈનિકો દુશ્મનોનો સફાયો કરવા તત્પર જ છે. તેમણે કહ્યું કે જ્યારે સમરાંગણમાં હોઈએ ત્યારે ડર ન લાગે, એટલું જ નહીં, માતા-પિતા કે પત્ની પણ યાદ ન આવે. સાથી સૈનિકના શરીરના ચીંથરા જેવા હાલ થાય તો પણ હીમત રાખીને યુધ્ધ જારી રાખવું પડતું હોય છે.  આવા કપરા સમયે  એક જ  જવાબદારી માથામાં ઘુમતી હોય. દુશ્મનનો નાશ કરવાની જવાબદારી. ટાસ્ક પૂર્ણ કરવાની ધુન. બના સિંઘે જણાવ્યુ કે ફિલ્મોમાં બતાવે છે તેમ અંધાધૂંધ ગોળીબારી અપવાદ રૂપ સંજોગોમાં જ કરવામાં આવતી હોય છે. દરેક ગોળીથી એક દુશ્મન મરવો જ જોઈએ તે જાણે શિલાલેખ હોય છે. આડેધડ ગોળીઓ છોડવાથી અમ્યુનિશન/દારૂ ગોળો/બુલેટ્સની ખોટ પડે તો ચાલુ યુદ્ધધ દરમિયાન નવો પુરવઠો મેળવવો અત્યંત વિષમ હોય છે. બના સિંઘે યુધ્ધ દરમિયાનની શારીરિક સ્થિતિની વાત કરી. યુધ્ધ દરમિયાન સૈનિકોને કલાકો સુધી ઊંઘ, કે દિવસો સુધી ભૂખ કે પ્યાસનો એહસાસ જ નથી થતો હોતો.

વર્તમાનમાં શ્રી બના સિંઘ, 75 વર્ષની ઉમરે પરમવીર ચક્ર વિજેતા, માનદ કેપ્ટન; તંદુરસ્તી સાથે કાશ્મીરમાં નિવૃત પરંતુ એક્ટિવ જીવન વ્યતીત કરી રહ્યા છે. આ માણસની ખુમારી, સ્વમાન અને વાજબી હક્ક સિવાય કઈ પણ ન લેવાનો સિધ્ધાંત આશ્ચર્યકારક છે. તેમણે પંજાબ સરકારે આપવા દરખાસ્ત કરેલી 25 એકર જમીન, મહિને રૂ. 15000/-નું પેન્શન અને રોકડા રૂપિયા સ્વીકારવાની ના કહેલી. તેમણે કહેલું કે હું પંજાબમાં ન રહી શકું. મારૂ વતન કશ્મીર છે.

શિસ્ત સંગ સ્મિત:

પેલા સૈનિક પાસે બે મગજ છે. એક ખોવાયું છે. બીજું ખોવાયેલા મગજને શોધી રહ્યું છે.

- ફાલ્ગુન મોદી

આ સમાચાર શેર કરો