શતરંગ / હથેળી પુરાણ
- સ્વાન્ત: સુખાય બાળપણમાં મા અને દાદીએ એવી ટેવ પાડેલી કે સવારે ઉઠતાં જ પોતાની હથેળી સામે જોઈ કરાગ્રે વસતે લક્ષ્મી શ્લોક બોલવો જો

- સ્વાન્ત: સુખાય
બાળપણમાં મા અને દાદીએ એવી ટેવ પાડેલી કે સવારે ઉઠતાં જ પોતાની હથેળી સામે જોઈ કરાગ્રે વસતે લક્ષ્મી શ્લોક બોલવો જોઈએ. એ ટેવ ઘણા વર્ષો ચાલી પણ પછી કોઈ કારણોસર એ પ્રાતઃદર્શન બંધ થઈ ગયું. આજે અચાનક વહેલી સવારે ઉઠતા સાથે જ હથેળી જોવાનું બન્યું અને બસ પછી તો હથેળીએ મનનો કબજો લઈ લીધો.
કવિ શ્રી રમેશ પારેખે લખ્યું છે કે,
આ હથેળી બહુ વહેમવાળી જગા છે
અહીં સ્પર્શ વસતાં એ પ્રેતો થયા છે
હથેળી શરીરનું એક એવું અંગ છે જે અનેક પ્રકારે ઉપયોગમાં લેવાય છે. ચાલતા શીખનાર બાળક જ્યારે પોતાના બે પગ પર સમતુલા નથી જાળવી શકતું ત્યારે હથેળીઓને જમીન પર ટેકવે છે અને વૃદ્ધાવસ્થામાં આ જ હથેળીઓ દિવાલ પર ટેકવાય છે. બન્ને હથેળી વડે કોઈ ચહેરો પકડે તો વહાલની નિશાની બને અને એ જ હથેળી જો ગાલ પર પડે તો હિંસાની નિશાની બને છે. આ એ જ હથેળી છે જેની રેખાઓ પરથી ભવિષ્ય જોવાય છે. એ જ હથેળીઓની છાજલી બનાવી દૂરની વસ્તુને પણ સ્પષ્ટપણે જોઇ શકાય છે અને અને એ છાજલીના પણ કેટલા પ્રકાર? પોતાના પાલતુ પશુઓને ચરાવતો ગોવાળ આંખ પર હથેળીની છાજલી રાખી પોતાના પશુઓ પર નજર રાખતો હોય અથવા તો કોઈ પ્રોષિતભર્તુકા પોતાની આંખો પર હથેળીની છાજલી કરી પ્રિયતમના આવવાનો રસ્તો પોતાની આંખોમાં ભરી દેતી હોય છે. કોઈ વૃદ્ધ જ્યારે હથેળીની છાજલી કરી શૂન્યમાં તાકતો દેખાય તો સમજી જજો કે પોતાના વિતી ગયેલા જીવનને જોઈ રહ્યો છે.
વિવિધતાથી ભરપૂર આપણા દેશમાં હથેળીમાંથી કંકુ પ્રગટ કરનારાઓ પણ મળી આવે છે અને સતી પૂજાના પ્રતિક તરીકે હથેળીની પ્રતિમા પણ પૂજાય છે. ગુજરાતી લોકબોલીમાં વેવિશાળ પ્રસંગ માટે હથેવાળો કર્યાનો શબ્દપ્રયોગ પ્રચલિત છે. પછી એ જ જોડાણને કાયમી સ્વરૂપ આપવા હસ્તમેળાપમાં પણ હથેળીઓ જ વપરાય છે. આ જ હથેળીઓ તાળી પાડી શકે અને તાબોટા પણ પાડી શકે. બન્ને હથેળી સામસામે જોડાઈ જાય તો વંદન, પ્રણામ અને શરણાગતિ પણ અમુક રીતે જોડાય તો તોબા પોકારી ગયાની નિશાની ! બંને હથેળીઓ લય સાથે ધ્વનિ ઉત્પન્ન કરે તો કીર્તન પણ બને અને આ જ તાળીઓ જો સમૂહમાં પ્રગટે તો શ્રોતાઓ કે પ્રેક્ષકોના સમર્થનનો દસ્તાવેજ પણ બની જાય. અરે આ જ હથેળી હવામાં લહેરાય તો જનસમર્થનને નેતાઓ દ્વારા અપાતી પાવતી પણ બને અને વિદાય લેતી વ્યક્તિને ફરી આવવાનું ઇજન આપતી 'આવજો' મુદ્રા પણ બને. મજાની વાત તો એ છે કે એ જ મુદ્રા અમુક રીતે લહેરાય તો ના પાડવાનો ઈશારો પણ બને. ગાલ પર પડે તો થપ્પડ અને મસ્તક પર મુકાય તો આશીર્વાદ. આ આશીર્વાદનું પ્રતીક બનતી હથેળી આમ તો શ્રી ભગવદગીતાનું પ્રતિનિધિત્વ કરે. આ જ હથેળીની વિવિધ મુદ્રાઓથી મૂક બધિર જનો માટે પ્રત્યાયનની ભાષા પણ બને છે. આ જ હથેળીની વિવિધ મુદ્રાઓ યોગ ક્રિયાઓનો હિસ્સો પણ બને છે.
પંચમહાભૂતના પ્રતીક સમી પાંચ આંગળીઓને પોતાના પરિવારમાં સમાવી લેતી આ હથેળી જ હાથમાં જળ લઈ સંકલ્પ પણ બની શકે અને આ જ હથેળી શાળાઓમાં કુમળા હાથો પર ગુસ્સા સાથે પડતી ફૂટપટ્ટી પણ ઝીલે. દુનિયાની દરેક આર્થિક લેવડદેવડની સાક્ષી સમી હથેળીઓ જો જોડાઈને ખોબો બની જાય તો તરસ છીપાવવાનું સાધન બની જાય. વૈરાગ્યના માર્ગે ચાલનાર કોઈ સન્યાસી ખોરાક કે જલપાન માટે જ્યારે પણ ખોબાનો ઉપયોગ કરે ત્યારે તે સાચા અર્થમાં કરપાત્રી બની જતા હોય છે.
ખાલી હથેળી યાચક બની જાય અને એ જ હથેળી પુસ્તક ધારણ કરીને વાચક પણ બની જાય. હસ્તમુદ્રા જો બુદ્ધ કે મહાવીરની હોય તો યુગ પ્રવર્તક આશીર્વાદ દ્વારા ઘરે ઘરે સ્થાપિત થાય અને એ જ હથેળી ભરેલી બંદુક પકડી આતંકવાદી પણ બની જાય. બે દેશોના વડાઓની હથેળી મળે તો એ રાષ્ટ્રના ઇતિહાસ લખી શકે અને બે દુશ્મન દેશોના વડાઓની હથેળી મળે તો વિશ્વ શાંતિની વાહક પણ બની શકે.
- પ્રણવ ત્રિવેદી








