શતરંગ / પેકરનું સર્કસ: વન-ડે ક્રિકેટનો ઈતિહાસ બદલી નાખતી ઘટના
- ફ્રી હિટ આજે આપણે જે T20 પાછળનું ગાંડપણ જોઈએ છીએ તેના ઊંડા મૂળિયામાં એક વ્યક્તિ અને તે

- ફ્રી હિટ
આજે આપણે જે T20 પાછળનું ગાંડપણ જોઈએ છીએ તેના ઊંડા મૂળિયામાં એક વ્યક્તિ અને તેની જીદ જવાબદાર છે. આ વ્યક્તિનું નામ હતું કેરી પેકર. ક્રિકેટમાં રંગીન કપડાં, સફેદ બોલ, અને ફ્લડલાઇટ્સ લાવનાર એટલે કેરી પેકર.
1977ના મે મહિનાની 9મી તારીખે કેરી પેકરે ઓસ્ટ્રેલિયામાં એક રેબલ સિરીઝની જાહેરાત કરી હતી. આમ તો 2007ની આસપાસ આપણે ત્યાં પણ ICL નામની રેબલ લીગ શરુ થઇ હતી પરંતુ તેનું બાળમરણ થઇ ગયું કારણકે એ સમયે BCCIએ ICC સાથે મળીને પોતાની રમત બરાબર રમી હતી.
પરંતુ 1977 અને તેના એકાદ વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પોતાના પત્તાં બરાબર ન ઉતારી શક્યું અને પરિણામે કેરી પેકર નામના બિઝનેસમેને અહિંના ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો હતો. એવું તે શું બન્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં બનેલી તેમની અંદરની ઘટનાએ આજના ક્રિકેટના મૂળ રોપ્યા?
બન્યું એવું કે 1975-76ની આસપાસ કેરી પેકરે પોતાની ચેનલ 9 માટે ઓસ્ટ્રેલિયામાં રમતી તમામ ટેસ્ટ મેચોના ટીવી રાઈટ્સ માંગ્યા. પરંતુ એક જમાનામાં જેમ ભારતમાં પણ સરકારી દૂરદર્શન જ ક્રિકેટ મેચનું ટેલીકાસ્ટ કરતું એમ ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (ABC) પાસે જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ ક્રિકેટ ટેલીકાસ્ટ કરવાના હક્ક હતા.
વળી, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના અધિકારો અને ABCના અધિકારીઓ આ બાબતે વર્ષોથી કુલડીમાં ગોળ ભાંગતા રહેતા હતા. આમ, કેરી પેકરની માંગણી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે એક ઝાટકે રદ્દ કરી દીધી અને કેરી પેકરને સખ્ખત લાગી આવ્યું.
બસ! પછી તો પેકરે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના એ સમયના કેપ્ટન ઇયાન ચેપલ અને ઇંગ્લેન્ડના કેપ્ટન ટોની ગ્રેગને સાધ્યા અને તેમને પોતાના ‘એજન્ટ’ બનાવ્યા. આ બંનેનું કામ એવું હતું કે આ બંનેએ પોતપોતાના અને વિદેશના ક્રિકેટર્સ સાથે વાત કરીને તેમને કેરી પેકરના રેબલ ક્રિકેટમાં રમવા માટે રાજી કરીને તેમની પાસે કોન્ટ્રેક્ટ સાઈન કરવાના હતા.
આ બધું દોઢથી બે વર્ષ છાનું છપનું ચાલતું રહ્યું. 1977માં જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે એશિઝ માટે 17 ખેલાડીઓની જાહેરાત કરી ત્યારે કેપ્ટન ઇયાન ચેપલ સહિત 13 ખેલાડીઓએ બળવો પોકારીને પોતે કેરી પેકરની વર્લ્ડ સિરીઝ ક્રિકેટમાં રમશે તેવી જાહેરાત કરી અને ક્રિકેટ જગતમાં ધરતીકંપ લાવી દીધો.
શરૂઆતમાં ICCને લાગ્યું કે ભાઈ, આ તો ઓસ્ટ્રેલિયા ક્રિકેટની અંદરની વાત છે એટલે આપણે એમાં માથું મારવું નહીં. પરંતુ બાદમાં તો ઇંગ્લેન્ડના ખેલાડીઓ, વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ અને અન્ય દેશોમાંથી પાકિસ્તાનના ખેલાડીઓએ પણ કેરી પેકરના કોન્ટ્રેક્ટ સાઈન કરી દીધા હોવાના સમાચાર આવ્યા.
જેમ આગળ આપણે જાણ્યું તેમ 9 મે 1977ના દિવસે ઓફિશિયલી આ વર્લ્ડ સિરીઝ ક્રિકેટની જાહેરાત થઇ અને મૂળ ત્રણ ટીમો બનાવવામાં આવી, ઓસ્ટ્રેલિયા WSC, વેસ્ટ WSC અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ WSC. આવા નામ પાડવા પાછળ કારણ એવું હતું કે ICCએ આ વર્લ્ડ સિરીઝ ક્રિકેટને ગેરકાયદે જાહેર કરીને તેમાં બનતા રન, પકડતા કેચ અને લેવામાં આવતી વિકેટોને રેકોર્ડ પર નહીં લેવાની જાહેરાત કરી.
વિશ્વના મીડિયાએ પણ આ નવા પ્રકારના ક્રિકેટની આકરામાં આકરા શબ્દોમાં ટીકા કરી. ટેસ્ટ મેચ બાદ કેરી પેકરે વન-ડે મેચો પણ રમાડવાની જાહેરાત કરી જેમાં સહુથી પહેલીવાર ખેલાડીઓ રંગીન કપડા પહેરીને ઉતર્યા. પહેલીવાર મેચો બપોરે શરુ થતી અને મોડી રાત્રિ સુધી ચાલતી અને તે પણ ફ્લડલાઇટ્સના અજવાળામાં. અત્યારે જે ડ્રોપ-ઇન પીચની ચર્ચા ચાલે છે એ પણ કેરી પેકર જ સહુથી પહેલીવાર લાવ્યા હતા.
આ રીતે વિશ્વનાં ક્રિકેટ રસિયાઓએ પહેલીવાર આવી ઝાકમઝોળ જોઈ અને કેરી પેકરની ચેનલ 9 પર આ તમામ મેચોનું સ્વાભાવિકપણે એક્સક્લુઝિવ ટેલીકાસ્ટ થતું હતું એટલે પેકરને પણ જાહેરાતના જબરદસ્ત પૈસા મળવા લાગ્યા. જો કે મીડિયાએ આ રંગીન કપડા વગેરે જોઇને તેને કેરી પેકરનું સર્કસ જાહેર કરી દીધું હતું.
પરંતુ કેરી પેકરને આની પડી ન હતી. તે નવા નવા ખેલાડીઓને કોન્ટ્રેક્ટ આપતા જતા હતા અને પોતાનું વર્લ્ડ સિરીઝ ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં વધુને વધુ લોકપ્રિય બનાવતા જતા હતા. એવું ન હતું કે આ દરમ્યાન પેકર અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ વચ્ચે કોઈ વાતચીત ન થઇ. વાતચીત થતી પરંતુ પેકર એક જ રટણ કરતા મેં મારી ચેનલ 9ને ઓસ્ટ્રેલિયામાં રમાતી ટેસ્ટ મેચોના ટેલીકાસ્ટ માટે રાઈટ્સ આપો અને વાતચીત અધવચ્ચે જ તૂટી પડતી.
છેવટે 1979માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે હથિયાર હેઠાં મૂકી દીધા અને કેરી પેકરની કંપની ચેનલ 9ને આગામી દસ વર્ષ માટે ઓસ્ટ્રેલિયામાં રમાતા તમામ ક્રિકેટના ટેલીકાસ્ટ માટેના રાઈટ્સ આપી દીધા.
પેકર સાચા હતા કે ખોટા એ ચર્ચામાં ન પડીએ તો, એમના પ્રયાસે ક્રિકેટની દુનિયાનો ઈતિહાસ સમૂળગો બદલી નાખ્યો એ તોજરૂરથી કહી શકાય. એ કદાચ પેકરની દ્રષ્ટિ જ હતી જેણે અગાઉ સફેદ કપડામાં રમાતી વન-ડે ક્રિકેટને રંગીન કપડા અને સફેદ બોલમાં રમાતી જોઈ અને તેના પર અમલ પણ કર્યો.
એ પેકરની જ દ્રષ્ટિ હતી જેણે ઓફિસેથી ઘરે આવીને કે પછી સ્ટેડિયમમાં જઈને મેચ જોઈ શકનારો આખો વર્ગ ઉભો કર્યો અને જેના ફળ આપણે આજે પણ જોઈ રહ્યા છીએ. કેરી પેકરને કારણે એ સમયે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન વગેરે ક્રિકેટ બોર્ડ્સને ઘણું સહન કરવાનું આવ્યું હશે પરંતુ તેને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને એક નવો શ્વાસ લેવાની તક જરૂર મળી.
પેકરને કારણે ક્રિકેટનું કમર્શિયલાઈઝેશન થયું જે છેવટે ક્રિકેટરો માટે જ ફાયદાકારક બન્યું અને આજે દુનિયામાં સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ક્રિકેટરોને પોતાની, પોતાના પરિવારોની કે પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરવી પડતી નથી એ એટલું જ સત્ય છે, હેં ને?
- સિધ્ધાર્થ છાયા








