શતરંગ / આપણી જાત્રાઓ: ધાર્મિકતા કે ધડબડાટી?
- જોગી જ્ઞાન હમણાં કેદારનાથમાં થયું એવું કે લાખો લોકો રેકોર્ડબ્રેક ઉમટી પડ્યા. અગાઉના વરસો કરતા લગભગ 60 ટકા વધારે. 40

- જોગી જ્ઞાન
હમણાં કેદારનાથમાં થયું એવું કે લાખો લોકો રેકોર્ડબ્રેક ઉમટી પડ્યા. અગાઉના વરસો કરતા લગભગ 60 ટકા વધારે. 40 કિલોમીટર સુધી રોડ બ્લોક થઈ ગયો એવો ટ્રાફિકજામ, હજારો લોકો તો 25 કલાક સુધી રસ્તા પર ગાડીઓમાં જ ફસાય ગયા. જે કંઈ ભાથું સાથે હતું એ ખાઈ પીને ચલાવી લેવું પડ્યું, અથવા તો ભૂખે ભેટ ભજન કરવા પડ્યા. કમનસીબે, એમાંથી પાંચ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા.
વાત ફક્ત કેદારનાથની નથી, વેકેશનમાં ફરવાનો કે યાત્રાધામોનો ક્રેઝ તો હોય જ છે. અને ચારધામ કે અમરનાથ જેવા ધાર્મિક સ્થાનોએ તો મંદિરો ખુલવાની અમુક મૌસમ જ હોય છે. એટલે ત્યાં અનુકૂળ સમયે ઓફ સીઝનમાં શાંતિથી જઈ શકાતું નથી. પણ હાથે કરીને ઉભી કરેલી તકલીફ એ છે કે ડાકોર, શિરડી, નાથદ્વારા, તિરુપતિ જેવા સ્થળોએ પણ વેકેશનમાં લાખો લોકો ઉમટી પડે છે. તિરુપતિ બાલાજી અને શિરડીની વ્યવસ્થા યાત્રિકોની ભીડ છતાં વખાણવી પડે. બાકી બીજા સ્થળોએ તો કેટલાય લોકો વારે તહેવારે ધક્કામુક્કીમાં કચડાય ગયાના દાખલા છે.
હવે આવા સ્થળોએ ધરાર બાળકોના વેકેશનમાં પુણ્ય કમાવા ઉપડી જવુ એ નાદાની જ છે. એક તો પૈસા ખર્ચતા રહેવા જમવાની સગવડો મળે નહીં, ઊપરથી હેરાન પરેશાન થવાની સજા નફામાં. વળી, રૂટિન લાઇફથી મગજ શાંત કરીને આધ્યાત્મિકતાનો આનંદ લેવા ગયા હો, એને બદલે ધક્કામુક્કીમાં મગજ અને શરીર બેય ટલ્લે ચડી જાય. અધૂરામાં પૂરુ,ક્યારેક જીવ જોખમમાં મૂકાય જાય!
છતાં જનતા અને પ્રશાસન બન્ને આ બાબતે વર્ષોથી કાચા ફળો જ તોડી લેવામાં માને છે. સરકારને તો ટુરિઝમમાંથી કમાવાનું હોય છે. ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં તો લોકલ નાગરિકોનું ઘર અને સરકારની તિજોરીઓ યાત્રિકો થકી જ ચાલે છે. પણ અફસોસ સાથે કહેવું પડે છેકે આ જ યાત્રાધામોની પવિત્રતા અને ચોખ્ખાઈ બગાડવામાં પણ આપણો અને આપણી સરકારોનો જ ફાળો છે.
ઓફ સીઝનમાં હરિદ્વાર, ઋષિકેશ કે બનારસ જાઓ તો ગંગામૈયાને કિનારે જીવ સીધો શિવ સુધી પહોંચી જાય એવી પરમ શાંતિ હોય. શિરડી કે ડાકોર કે મથુરા કૃષ્ણભૂમિમાં અમુક તહેવારો અને વેકેશન સિવાયના ગાળામાં જાઓ તો શાંતિથી દર્શન થાય, ભીડ પણ ઓછી ને હોટેલો ધર્મશાળાઓમાં ઓછા ખર્ચે સારી અને શાંતિમય સગવડો. પણ મોટાભાગના લોકો આ રીતે યાત્રા પ્રવાસો કરવામાં માનતા જ નથી.
વળી, અમુકની લાગણી દુભાવાની ખાતરી હોવા છતાં કહેવું પડે કે પ્રવાસન સ્થળોની જેમ યાત્રાધામોમાં અમુક હોટેલ, રેસ્ટોરન્ટ કે ખુદ પ્રવાસન વિભાગ પ્રોફેશનલિઝમને ફરજ માનીને લોકોની સગવડો સાચવવામાં માનતું નથી. એટલે જે સગવડો ફૂલ સિઝનમાં પૈસા ખર્ચનારને મસૂરીમાં મળે, એ હરિદ્વારમાં નથી મળતી. માઉન્ટ આબુમાં મળે એ નાથદ્વારામાં નથી મળતી. વળી, કેદારનાથ કે ગંગોત્રી જેવા ભારતના હ્ર્દય જેવા પવિત્ર સ્થળોએ તો વ્યવસ્થિત રજિસ્ટ્રેશન સિસ્ટમ જ નથી કે બેચ બનાવીને ઓછી ભીડમાં પબ્લિક પોતાના દિલ અને દિમાગ સુધી ધાર્મિકતા ઉતારી શકે!
અરે મિત્રો, જરાક સમાચારો જોઈને થોડીક ઓફ સીઝનમાં ફરવાનું રાખો. કેદારનાથ કે અન્ય ધાર્મિક સ્થળોએ જઈને અવશ્ય આધ્યાત્મિકતાનો આનંદ લો, પણ પછી ધાર્મિકતા કે આસ્થાને બદલે ભીડનો ભોગ બનીને કચડાય જવાનો મોહ ના રાખો. બાળકોના ભણતરને કારણે ચોક્કસ સમય તો વેકેશનનો જ છે, પણ થોડાક દિવસો પ્રવાસો કરી લેવામાં કોઈનું કરિયર બગડી ગયાનું હજી સુધી જાણમાં નથી. ઉલટું મગજ ફ્રેશ થશે તો પછી બમણા જોરથી ભણી શકાશે. કેદારનાથ જેવા ચોક્કસ મૌસમમાં જ ખુલતા સ્થળોએ પણ દિવાળી અગાઉ જાઓ તો પરમ શાંતિ જ હોય છે.
ખૈર, આપણા કહેવાથી કે લખવાથી ક્રાંતિઓ થતી નથી. પ્રશાસન વિભાગ અને જનતા બન્ને એ જ રહેવાના, કોઈ ફરક વિના! અંતે તો આપણા પ્રખ્યાત લેખક તારક મહેતા લખતા એમ, આપણને યાત્રાઓમાં કષ્ટ ના પહોંચે ત્યાં સુધી આપણી જાત્રાઓ સફળ નથી થતી...
- ડૉ.ભગીરથ જોગિયા








