મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / રંગીન મિજાજી, ચલતા પુરજા શિંડલરે બારસો યહુદીઓના જીવ બચાવ્યા હતા

- યુદ્ધગાથા માન્યામાં ન આવે તેવું વ્યક્તિત્વ. ઓછામાં પૂરું બીજા વિશ્

શતરંગ / રંગીન મિજાજી, ચલતા પુરજા શિંડલરે બારસો યહુદીઓના જીવ બચાવ્યા હતા

- યુદ્ધગાથા

માન્યામાં ન આવે તેવું વ્યક્તિત્વ. ઓછામાં પૂરું બીજા વિશ્વયુધ્ધ દરમિયાનનું જર્મની તેમનું કાર્યક્ષેત્ર. કાલ્પનિક ચલચિત્રોને બાદ કરતાં તેમના જેવુ વ્યક્તિત્વ જોવા ન મળે. તેમનું નામ ઓસ્કર શિંડલર. ઓસ્કર શિંડલર એક બહુરંગી માણસ હતા. બહુધા રંગો ગ્રે શેડ યાની કે રાખોડી ઝાંય ધરાવે છે. પરંતુ, જે એક સફેદ શેડ છે, તે અપ્રતિમ શુભ્ર છે. બાકી બધા ગ્રે શેડને જાણે ઢાંકી દે તેવો સફેદ રંગ. એક તરફ હિટલરના સૈન્ય અમાનવીય શોષણ અને જનસંહાર કરતું જતું હતું.  બીજી તરફ લૂટફાટ, યુધ્ધ, બોમ્બાર્ડિંગ, મૃત્યુ અને યુધ્ધની ચરમ વિકૃતિઓ હતી. તેવા સમયે જ ઓસ્કર શિંડલરે એક હજાર બસો યહુદીઓને હિટલરની અમાનુષી સેનાથી બચાવ્યા. હિટલરના રક્તરંજિત હાથોથી તે યહુદીઓને સલામત રાખ્યા.

શિંડલર વ્યતિગત રીતે ચલતા પુરજા સમાન હતા. 1928માં લગ્ન પછી શિંડલરે ઝેક આર્મીમાં નોકરી કરી હતી. આર્મીમાં લાન્સ કોરપોરલની રેન્ક સુધી પણ પહોંચેલા. દોઢેક વર્ષ આર્મીની સેવા કર્યા બાદ એક બેંકમાં સાત વર્ષ નોકરી કરી. 1931-32 દરમિયાન જાહેરમાં નશો કરેલી હાલતમાં અનેક વખત લોકઅપની હવા પણ ખાઈ આવેલા. શિંડલરને શાળા સમયની મિત્ર જોડે લગ્નેત્તર સંબંધો હતા. તે સંબંધથી એક પુત્ર અને એક પુત્રી પણ હતા. મોકો મળ્યે તેમણે સરકારી મિલકતો વેચવાની દલાલીથી ચાલુ કરીને ડ્રાઇવિંગ સ્કૂલ અને ખેતીના સાધનો વેચવાનો પ્રયત્ન કર્યો હતો. શિંડલર પાક્કા વેપારીને જેમ નાણાં કમાવવાની કોઈ તક છોડતા નહીં. યુધ્ધના અંતે શિંડલરે યહુદીઓ પાસેથી 10,56,000 ડોલર થયેલા ખર્ચ પેટે માંગેલા.     

ઓસ્કર શિંડલર(28.04.1908-09.10.1974) મૂળભુત રીતે એક જર્મન ઉદ્યોગકાર અને માનવકલ્યાણની ભાવના ધરાવતી વ્યક્તિ હતા. સાથે જ હિટલરની નાઝી (નાઝી પાર્ટીનો ઉદય વંશવાદી અંતિમવાદી વલણ ધરાવતા સમૂહમાથી થયેલો.) પાર્ટીના સભ્ય પણ ખરાં જ. સરળ ભાષામાં કહીએ તો શિંડલર જર્મન સૈન્ય માટે બીજા દેશોની જાસૂસીનું કામ કરતા. એ રીતે હિટલર તરફી હતા. ઝેકોસ્લોવેકિયાની ગુપ્ત પોલીસના દસ્તાવેજો અનુસાર શિંડલર એક ઊંચા ગજાના અને જોખમી જાસૂસ હતા. ઝેકોસ્લોવેકિયાની ગુપ્ત પોલીસે એક તબક્કે તેમની ધરપકડ પણ કરેલી.

નાઝી પાર્ટી એટલે હિટલરનું કહ્યાગરું સૈન્ય કે જેણે સાંઠ લાખ જેટલા યહુદીઓને મારી નાખ્યા. હિટલર યહુદીઓને મોતને ઘાટ ઉતારવા માટે વિવિધ કીમિયા કરાવતો. મોટા ભાગના કિસ્સાઓમાં યહુદીઓને ઝેરી ગેસ ચેમ્બરમાં એકઠાં કરતો. એકીસાથે સેંકડો અબાલ વૃધ્ધ યહુદીઓ પર ઝેરી વાયુ છોડીને ગૂંગડાવીને મારી નાખતો. હિટલરની સેના અનેક યહુદીઓને સરાજાહેર ગોળીઓથી વીંધી નાખતી. આટલેથી ન અટકતા, લાખોની સંખ્યામાં યહુદીઓને ભૂખમરાથી અને બીમારી સામે દવાના અભાવ વડે મારી નાખવામાં આવેલા. હિટલરે આદરેલા સર્વનાશને હોલોકૌસ્ટ કહેવાય છે. હિટલરે જાણે યહૂદી જાતિનું નિકંદન કાઢવા નક્કી કરેલું. (હોલોકૌસ્ટ કેટલું અમાનવીય અને ભયંકર હશે કે, તે સમજવા જાણવા માટે ડિપ્લોમા અભ્યાસક્રમો થાય છે.)

બીજા વિશ્વયુધ્ધ દરમિયાન એડોલ્ફ હિટલરે લગભગ આખી દુનિયામાં હાહાકાર બચાવેલો. ખાસ કરીને જર્મનીના પાડોશી દેશોમાં વિધ્વંશ ફેલાવેલો. હિટલરના પોલેન્ડ પરના કબ્જા પછી શિંડલરે ક્રાકવ, પૉલેન્ડ ખાતે રસોડાના સરંજામ પર એનેમલ-મીનાકારી કરતી એક ફેક્ટરી ચાલુ કરી. સમય સંજોગો બદલાતા શિંડલરે એ જ ફેક્ટરીમાં યુધ્ધલક્ષી સાધનો બનાવવા ચાલુ કર્યા.

શિંડલર મુલત: વેપારી જીવ. ફેક્ટરીમાં ઓછી દહાડીએ કારીગરો મળે તે શોધવાનું તેમનું કામ. શિંડલરને એક પૉલેન્ડ નિવાસી યહૂદી એકાઉન્ટન્ટ મળી ગયા. એકાઉન્ટન્ટના સૂચવ્યા મુજબ હિટલરે કરેલી યહુદીઓની વલેના કારણે યહૂદી કર્મચારીઓ ઓછા પગારે મળે તેમ હતા. આથી યહુદીઓને ફેકટરીમા નોકરીએ રાખ્યાં.  સમય જતાં શિંડલરની ફેક્ટરીમાં 1750 કામદારો પૈકી 1000 યહુદી કામ કરતાં હતા. બીજા વિશ્વયુધ્ધના તજજ્ઞો અનુસાર ફેક્ટરીના કામ દરમિયાન જ શિંડલરની  યહુદીઓ પ્રતિ માનવીય લાગણીઓ ઉભરાઈને સપાટી પર આવી.

આ સમય દરમિયાન હિટલરનું સૈન્ય યહુદીઓને શોધી શોધીને હોલોકૌસ્ટ કેમ્પમાં મોકલતું. ‘પોષતું તે મારતું’ના ન્યાયે શિંડલરને જર્મન જાસૂસી તંત્ર જોડેનો સબંધ કામ આવ્યો. પોતાની ઓળખાણનો ઉપયોગ કરીને શિંડલરે યહુદીઓને મરણ શરણ થતાં બચાવ્યા. સમય વીતવા સાથે હિટલરના નાઝી અધિકારીઓએ વધુ વધુ મોટી લાંચની અપેક્ષા રાખવા માંડી. ફેક્ટરી પર યહુદીઓને  હોલોકૌસ્ટ કેમ્પમાં મોકલવા દબાણ આવતું. દરેક વખતે શિંડલર અધિકારીઓને લકઝરીયસ વસ્તુઓ ભેટ સ્વરૂપે લાંચમાં આપતા. તેમ કરીને યહુદીઓને બચાવી લેતા. શિંડલરના એક સાથી યુધ્ધ દરમિયાન કાળાબઝારમાંથી લાંચ આપવા માટે કીમતી વસ્તુઓ લાવતા. એક કિસ્સામાં ત્રણ ગેસ્ટાપો(જર્મીનીની સિક્રેટ પોલીસ) શિંડલરની ફેક્ટરીએ આવેલા. તેમણે ત્રણ નકલી દસ્તાવેજો ધરાવતા યહુદીઓને ધરપકડ કરવાના હતા. થોડા કલાકો પછી ત્રણમાંથી બે ગેસ્ટાપો લથડિયા ખાતી દશામાં ફેક્ટરીની બહાર જતાં જોવા મળેલા.

1944 જુલાઈ આસપાસ જર્મની ધીરે ધીરે યુધ્ધ હારી રહ્યું હતું. હિટલરના અર્ધસૈનિક બળ ‘એસ એસ’નો પ્રકોપ વધતો જતો હતો. એ અલગ વાત છે કે હિટલર ‘એસ એસ’ને પ્રોટેક્શન સ્ક્વોડ્રન કહેતો. ‘એસ એસ’ પોતાના હોલોકૌસ્ટ કેમ્પોનું સ્થળાંતર કરાવતા હતા. સ્થળાંતર દરમિયાન રસ્તામાં આવતા યહૂદી માત્રનું કાસળ કાઢતા જતાં. સંજોગો માપીને શિંડલરે ફેકટરી પણ બીજી જગ્યાએ ફેરવવાની પરવાનગી મેળવી લીધી. ફેક્ટરી અલગ સ્થળે સ્થાપવા શિંડલરે આમોન ગુટ (Amon Goth)નામક એક ‘સ્ટોર્મ લીડર’ને સાધ્યો હતો. તેનો ઉદ્દેશ્ય એક જ હતો. યહુદીઓને ગેસ ચેમ્બરના કરપીણ મૃત્યુથી સલામત રાખવા. ગમે તેમ કરીને ફેકટરીમા કામ કરતા બારસો યહુદીઓને ‘એસ એસ’થી બચાવી લેવા. આમોન ગુટના સેક્રેટરીએ જ બારસો યહુદીઓની યાદી બનાવી અને ટાઈપ કરી. તે યાદીના સહારે જ સ્ટીવન સ્પિલબર્ગે 1993માં શિંડલર પર  એક ફિલ્મ બનાવેલી. હવે, ફેક્ટરીનું સ્થળ બદલાયું હતું. ફેક્ટરીમાં કામ કરતા બારસો યહૂદી કર્મચારીઓને બચાવવાનું કામ સહેલું હતું.

મે, 1945માં યુરોપ પૂરતું તો દ્વિતીય વિશ્વયુધ્ધ પૂરું થઈ ગયું હતું. યુધ્ધ પછી શિંડલર પશ્ચિમ જર્મની ચાલ્યા ગયા. યહુદીઓને બચાવવા આપવી પડેલી લાંચમાં આર્થિક મોરચે શિંડલર બરબાદ થઈ ગયા હતા. થોડા વર્ષો યહુદીઓની આર્થિક મદદ પર પસાર કર્યા. સમય વિતતા શિંડલરે આર્જેન્ટીના જઈ ખેતી કરી. 1958માં આર્જેન્ટીનામાં નાદાર જાહેર થયા અને ફરી જર્મની આવ્યા. જર્મની પરત આવ્યા બાદ વેપારી જીવ ફરી જાગૃત થયો. ફરી વિવિધ ધંધાઓમાં નિષ્ફળ ગયા. આર્થિક પાયમાલીને કારણે બાકીનું જીવન તેમણે બચાવેલા ‘ શિંડલર્સ જ્યુઝ’ નામના સંગઠનની સહાય પર જીવતા રહ્યા.

ગંભીર વિશ્વયુધ્ધ ઇતિહાસકારો અનુસાર શિંડલર જેવા કિસ્સાઓ ઘણા બન્યા હોવા જોઈએ. પરંતુ પ્રકાશમાં શિંડલરનો જ કિસ્સો આવ્યો છે.

- ફાલ્ગુન મોદી 

આ સમાચાર શેર કરો