મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ઓપરેશન કેક્ટસ: માલદીવ બચાવો

- યુદ્ધગાથા પહેલો સગો પાડોશી: ખાલી કટોરો ભારતે ભર્યો માલદીવ! 1965માં અંગ્રેજોની ગુલામીથી મુક્તિ પામેલો એક

શતરંગ / ઓપરેશન કેક્ટસ: માલદીવ બચાવો

- યુદ્ધગાથા

પહેલો સગો પાડોશી: ખાલી કટોરો ભારતે ભર્યો

માલદીવ! 1965માં અંગ્રેજોની ગુલામીથી મુક્તિ પામેલો એક દેશ. 1990 પછી જન્મેલાઓ માટે માલદીવ એટલે ‘વેકેશન ડેસ્ટિનેશન’. સહેલાણીઓનું એક સ્વર્ગ, એટલે માલદીવ ટાપુઓ. ભારત અને શ્રીલંકાની દક્ષિણ-પશ્ચિમે સ્થિત માલદીવ કુલ 26 ટાપુઓ મળીને બનેલો એક દેશ છે. ત્યાંની કુલ વસ્તી એકાદ ભારતીય નગર કરતાં ઓછી, આશરે ચાર લાખ ત્રીસ હજાર. માલદીવના વિસ્તારની વાત કરીએ તો તમામ ટાપુઓ મળીને 298 ચોરસ કીલોમીટર થાય છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ એશિયાનો સહુથી નાનો દેશ છે. ઈશ્વરે તેને સમુદ્ર સપાટીથી નહીં જેવી, માત્ર 6 ફિટની જ ઊંચાઈ બક્ષી છે. સ્થાનિક રહીશો મૂલત: તમિલો અને શ્રીલંકનો સદીઓ પૂર્વે અહી આવીને સ્થાયી થયા  તેમની છે. વર્તમાનમાં બહુમતી લોકો મુસ્લિમ ધર્મનું પાલન કરે છે.

માલદીવના ઈતિહાસમાં કુલ ત્રણ વખત સત્તારૂઢ પ્રમુખને ઊથલાવીને તખ્ત પલટાવવાના પ્રયાસો થયેલા. 1980 અને 1983માં તત્કાલિન પ્રમુખ મૌમૂન અબ્દુલ ગયુમને પદભ્રષ્ટ કરવાની કોશિશ કરવામાં આવેલી. તે સમયની સ્થાનિક પરિસ્થિતિને અનુલક્ષીને બંને બળવાઓને બહુ મહત્વ આપવામાં આવેલું નહીં. 1988માં ફરી એક વાર, ‘ઘરકા ભેદી લંકા ઢાયે’ને સાર્થક કરતાં, માલદીવના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અબ્દુલ્લા લૂથુફીએ બળવાનો  દોરી સંચાર કરેલો.

1988ના માલદીવના બળવાએ સ્થાનિક સરકાર ઉપરાંત સમગ્ર વિશ્વને ચિંતાગ્રસ્ત કરેલું.  બન્યું એવું કે, PLOTEના (પીપલ્સ લિબરેશન ઓર્ગેનાઈઝેશન ઓફ તામિલ ઇલમ) 80 જેટલા ભાડૂતી સૈનિકોએ (ભાડૂતી સૈનિકો અર્થાત Mercenaries એવા સૈનિકો કે જે કેવળ પૈસા માટે કામ કરતાં હોય.) માલદીવની રાજધાની ‘માલે’માં ઘુસણખોરી કરેલી. સૈનિકોએ સરકારી દફતરો, એરપોર્ટ, રેડિયો સ્ટેશન, ટીવી બ્રોડકાસ્ટ પોતાના કાબૂ હેઠળ લાવી દીધેલાં. ભાડૂતી સૈનિકોએ રાષ્ટ્રપતિ ગયુમના રાષ્ટ્રપતિ ભવન તરફ કુચ ચાલુ કરી. સદ નસીબે ગયુમ સુરક્ષિત સ્થાને પહોંચવામાં સફળ થયા. રાષ્ટ્રપતિ ગયુમે સ્થિતિ પારખીને તુરંત જ પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા પાસે લશ્કરી મદદ માંગી. જે ટહેલનો બંને દેશોએ નકારાત્મક પ્રતિસાદ આપ્યો. પાકિસ્તાન અને શ્રીલંકાએ કહ્યું કે અમારી પાસે તમને મદદ કરી શકીએ તેવી લશ્કરી વ્યવસ્થા કે ક્ષમતા  નથી. ગયુમે સિંગાપોર તરફ મદદ માંગી, પરંતુ ત્યાંથી પણ કોઈ પ્રતિસાદ ન મળતા, અંતે અમેરિકાનો સંપર્ક કર્યો. અમેરિકાએ સ્પષ્ટ ના કહેવાના બદલે, કહ્યું કે અમારી કુમક પહોંચતા બે-ત્રણ દિવસો લાગી જશે. સ્વાભાવિક રીતે બળવાના વાતાવરણમાં બે-ત્રણ દિવસો રાહ જોઈ બેસી શકાય નહીં. માલદીવે દૂર નજર દોડાવી અને ઈંગ્લેન્ડની તરફ હાથ ફેલાવી જોયો.  ઇંગ્લેન્ડે મદદનાં બદલે સલાહ આપી કે ભારતની મદદ માંગો. ભૌગોલિક રીતે ભારત માલદીવથી નજીક છે.

રાષ્ટ્રપતિ ગયુમ પાસે હવે કોઈ વિકલ્પ ન હતો. તેમણે ભારતનો સંપર્ક કર્યો,  સ્થિતિ જણાવી અને તાત્કાલિક મદદ માટે વિનંતી કરી. ગયુમની વિનંતી માન આપીને ભારતતે તુરંત જ જરૂરી પગલાં ભરવા ચાલુ કર્યા. સામાન્ય ધારણા કરતાં ભારતે ઝડપથી વિનંતી સ્વીકારી. તત્કાલિન વડાપ્રધાનની રાજીવ ગાંધીની મુત્સદીગીરી આ નિર્ણયમાં સોળે કળાએ ખીલેલી. SOS(સેવ અવર સોલ્સ/અમારો બચાવ કરો) સંદેશો મળતાની સાથે જ દીલ્હીના સચિવાલયમાં એક તાકીદની બેઠક બોલાવવામાં આવી. મદદ માટે વિનંતી મળ્યાની  સોળ કલાકમાં ભારત દેશ જરૂરી કામગીરી કરવા તૈયાર હતો. ભારત પાસે મદદ કરવાના સબળ કારણો હતા. અગર ભારત મદદ ન કરે, તો ભારત શત્રુ દેશો માલદીવને મદદના અંચળા હેઠળ ત્યાં પગદંડો જમાવી બેસે તેવી શક્યતા હતી. અગર તેવું થાય તો ભવિષ્યમાં રાજદ્વારી તથા લશ્કરી પરિપ્રેક્ષ્યમાં નવા પ્રશ્નો ઉદભવી શકે તેવી સ્થિતિનું નિર્માણ થાય.

માલદીવને મદદ કરવાના અભિયાનને ‘ઓપેરશન કેકટસ’ નામ આપવામાં આવ્યું . ત્રીજી નવેમ્બર 1988ના રાત્રે ભારતીય હવાઈદળનું ઇલ્યુશીન II-76 વિમાનમાં બ્રિગેડીયર ફરોખ બલસારાએ પોતાની 50મી પેરાશૂટ બ્રિગેડના જવાનોને લઈને ઉડાન ભરી. આગ્રાથી વણથંભ્યે 2000 કિલોમીટર ઉડીને 17મી પેરાશૂટ ફિલ્ડ રેજિમેન્ટ હૂલહુલે ટાપુના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી. ભારતના જાંબાઝ સૈનિકોએ પ્રથમ કામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ભાડૂતી સૈનિકોનાં કબ્જાથી મુક્ત કરાવવાનું કર્યું. હૂલહુલેના કિનારે લાંગરેલી કોઈ બોટનો(લશ્કરી અથવા પોલીસના ઉપયોગ માટે કોઈ વસ્તુ કે વાહનનો કબ્જો લેવાની ક્રિયાને લશ્કરી ભાષામાં ‘કોમેનડીયર’ કહેવાય છે.) કબ્જો મેળવીને ભારતીય સૈનિકો પાટનગર માલે તરફ હાંકી ગયા. માલે પહોંચતાની સાથેજ આપણાં ટ્રૂપરો રાષ્ટ્રપતિનાં મહેલ તરફ દોડી ગયા અને ગયુમને બચાવીને સહી સલામત સ્થળે ખસેડયા. આપણાં ખંતીલા પેરાટ્રૂપરો માલદીવ પહોંચ્યાના ચંદ કલાકોમાં જ સમગ્ર દેશ પરની  કટોકટીને ખાળવામાં સફળ થયા. થોડા  સમયમાં જ રાષ્ટ્રપતિ ગયુમને ફરી શાસનધુરા સોંપવામાં સફળ થયા.

ભારતીય સેનાની  હાજરી પારખીને ભાડૂતી સૈનિકોએ ભાગદોડ શરૂ કરેલી. ભાડૂતી સૈનિકો પોતાની નૌકા તરફ શ્રીલંકા જવા  પલાયન કરવા લાગેલા. મોટા ભાગના સફળ પણ થયા, પરંતુ  જે ભાડૂતી સૈનિકો બોટ સુધી ન પહોંચી શક્યાં તેમની ધરપકડ ભારતીય સૈનિકોએ કરી. ધરપકડ કરેલા સૈનિકોને માલદીવની સરકારને સોંપવામાં આવ્યા. સમગ્ર બળવામાં કુલ ઓગણીસ લોકો મરણ શરણ થયા. જેમાં બે સ્થાનિક રહીશો હતા, જેમને ભાડૂતી સૈનિકોએ બાનમાં રાખેલા. જે સૈનિકો શ્રીલંકા તરફ ભાગી રહ્યા હતા. તેમને ભારતીય નૌકાદળની  ફ્રીગેટ ‘ગોદાવરી’ અને ‘બેટવા’એ આંતર્યા અને ધરપકડ કરી. જેમને જુલાઈ 1989માં માલદીવના કાયદા પ્રમાણે કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા. જો કે, ભારતે માલદીવને વિનંતી કરેલી કે કોઈ ભાડૂતી સૈનિકને મૃત્યુ દંડ આપવામાં ન આવે.

માલદીવના 1988ના બળવા પાછળ મુખ્યત્વે અબ્દુલ્લા લૂથુફીનું નામ જાહેર થયેલું. તે સાથે જ માલદીવના ભુતપૂર્વ પ્રમુખ ઇબ્રાહિમ નસીરનું નામ ઉછળેલું. અલબત્ત, નસીરે પોતાની નિર્દોષતા સતત જાહેર કરેલી. 1990માં પ્રમુખ ગયુમે નસીરને નિર્દોષ જાહેર કર્યા અને માલદીવની સ્વતંત્રતા પાછી મેળવવાના કામમાં તેમના યોગદાનની પ્રસંશા કરી.

ભારતે બહાદુરી પૂર્વક પાડોશી રાષ્ટ્રની મદદ કરી. અમેરિકન પ્રેસિડેંટ રોનાલ્ડ રેગને ભારતના પગલાને "પ્રાદેશિક સ્થિરતા તરફનું એક કીમતી યોગદાન" કહીને પ્રસંશા કરી. ઈંગ્લેન્ડના વડા પ્રધાને કહ્યું કે, "ભારત માટે ભગવાનનો આભાર. આજે ભારતના કારણે રાષ્ટ્રપતિ ગયુમની સરકાર બચી ગઈ છે."

પ્રમુખ મૌમૂન અબ્દુલ ગયુમની સરકારની પુન:સ્થાપનના પરિણામ રૂપે ભારત અને માલદીવના સંબંધો વધુ મજબૂત બન્યા.

- ફાલ્ગુન મોદી

આ સમાચાર શેર કરો