મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / પ્રેમનો પ્રસ્તાવ માત્ર પુરુષ જ આપી શકે?

- કાગળ પરના પંખી ટહુકયાં આયેશા બહુ ગડમથલમાં હતી. આયેશા પ્રેરણા ને પૂછી રહી હતી... તો

શતરંગ / પ્રેમનો પ્રસ્તાવ માત્ર પુરુષ જ આપી શકે?

- કાગળ પરના પંખી ટહુકયાં 

આયેશા બહુ ગડમથલમાં હતી. આયેશા પ્રેરણા ને પૂછી રહી હતી...

     તો શું કરું?? એટલે કહી દઉં..?? એટલે કે પૂછી લઉં કે કહી દઉં?? આયેશાના શબ્દો લથડિયા ખાતા હતાં... પ્રેરણા કોફી પીતા પીતા આયેશાની વાત સાંભળી રહી હતી અને વિચારી રહી હતી આ આયેશા જ છે?

     આયેશા સાયકોલોજીની પ્રોફેસર. કોલેજમાં અતિશય માન સન્માન એનું. તેજસ્વી હોવાના કારણે ખુબ નાની વયમર્યાદામાં નોકરી મળી. 32 માં વર્ષે પહોંચેલી આયેશા હજુ પરણી નહોતી. સ્પષ્ટવક્તા, આખાબોલી, પોતાના વિચારોમા બહુ સ્પષ્ટ, આર્થિક રીતે સ્વતંત્ર, અદ્ભૂત પારદર્શક અને નિખાલસ, આયેશા ક્યારેય પોતાની કોઈ વાત રજુ કરવામાં અચકાતી નહોતી પણ આજે આટલો બધો વિચાર કેમ કરવો પડી રહ્યો હતો??

     વિવેક નામ હતું એનું. આમ આયેશાને ભાગ્યે જ કોઈ ગમતું. એટલે એને કોઈ ગમે એ જ મોટી વાત કહેવાય. પણ કદાચ ઉંમર ઉંમરનું કામ કરતી હશે.. વિવેક માટે થોડી કૂણી લાગણી થઇ એટલે એણે એનાં સ્વભાવ પ્રમાણે વિવેક ડાયરેક્ટ જઈને કહી દેવાનું નક્કી કર્યું. પણ પાગલ આયેશા ને ક્યાં ખબર હતી કે  અહીં કોઈ પુરુષ સ્ત્રીને એનાં મનની વાત રજુ કરે એ ચાલે પણ એક સ્ત્રી જો મનની વાત રજુ કરે, લાગણી બતાવે, સામેથી મેસેજ કે ફોન કરીને પરિચય કેળવવાની કે મિત્રતા દાખવાવની કોશિશ કરે તો એનાં જેવું બીજું ઘોર પાપ કયું?? પુરુષ પ્રેમનો પ્રસ્તાવ આપે તો ચાલે પણ સ્ત્રી આપે તો તરતજ એના ચારિત્ર્યનું સર્ટીફીકેટ બની જાય. આયેશા ભૂલી ગઈ હતી કે ક્યાં અને કયા સમાજમાંથી આવે છે? જ્યાં એક રાજાને 5 રાણીઓ હોય એ સામાન્ય હતું પણ 5 પતિઓવાળી સતી દ્રૌપદીને પણ ભરસભામાં ‘વેશ્યા’ કહેવામાં આવી હતી. જ્યાં અહલ્યાને એટલે પથ્થર બનવું પડ્યું કારણ કે ઇન્દ્રએ છળ કર્યું.. એમાં આયેશાને પોતાની લાગણીઓ રજુ કરવાનો વિચાર આવવો એ જ મોટો ગુનો બની ચુક્યો હતો. પણ તોય આયેશા એ વિવેકને પોતાના મનની વાત કહી કે,  "વિવેક, હું તમારાથી પ્રભાવિત છું અને જો આપને યોગ્ય લાગે તો આપણે ક્યાંય જમવા, લોંગ ડ્રાઈવ  પર કે ડેટ પર જઈ શકીયે??" લો બોલો, આવું તે ખુલ્લી ભાષામાં કહેવાય કે “મને તમે ગમો છો” અને એ પણ છોકરી એ?? વિવેકના મગજમાં કદાચ ત્યારે જ આયેશાનું character certificate બની ગયું હશે પણ એણે ત્યારે કંઈ જવાબ ના આપ્યો. પણ પછી એણે કોઈના દ્વવારા જવાબ મોકલાવ્યો કે "આયેશાને કહી દેજો આજ પછી મને ફોન ના કરે,  મેસેજ  ના કરે એનાં મનમાં જે છે એ બધું કાઢી નાંખે.." આ શબ્દો સાંભળી આયેશાને ખુબ આઘાત લાગ્યો. આ એ ભાષા હતી જે કદાચ કોઈ સ્ત્રી માટે શા માટે વાપરવી પડે. આયેશાને થયું કે મારાં પ્રસ્તાવના બદલામાં વિવેક માત્ર એટલું જ બોલ્યો હોત ને કે તમે જે લાગણી મારાં માટે ધરાવો છો એવી હું નથી ધરાવતો તો પણ પૂરતું હતું. તોય બંને વચ્ચે પરિચય અને મિત્રતા કેળવાયેલી જ રહેત. આયેશાને પ્રશ્ન થયો કે 42 વર્ષનો વિવેક સમજણમાં અને પરિપકવતામાં કેમ વિવેક નહિ જાળવી શક્યો હોય? પણ આયેશાને ખબર નહોતી કે વિવેક તો આયેશાને જાળવવાનો હોય. આદર્શ છોકરી અને સ્ત્રી કેવી હોવી જોઈએ એનાં માપદંડો પહેલે થી નક્કી જ છે. શરમાળ, ઓછા બોલી, પરિવારનું ધ્યાન રાખતી, સારી રસોઈ બનાવતી, પૂજા પાઠ અને ધર્મમાં માનતી, પરિવાર કહે એમ કરતી, અભ્યાસ પૂર્ણ કરી, 25 એ લગ્ન 27 એ પહેલું બાળક, 30 એ બીજું. હેપી  ફેમિલી..અને આમાં આયેશા જાતે જાતે આવું બધું શીખે કે કોઈ ગમતું હોય એટલે કે કોઈની સાથે વાત કરવી ગમતી હોય, કોઈને જોવું ગમતું હોય, કોઈનું સાનિધ્ય ગમતું હોય, કોઈની સાથે સમય પસાર કરવો ગમતો હોય તો એ વાત ને સામેવાળા પાત્ર સામે રજુ કરવામાં વાંધો શું એ થોડી ચાલે?? શું બધા સંબંધો શયનખંડના જ હશે?? શું કોઈ છોકરી કે સ્ત્રી આ પ્રકારની લાગણી ધરાવે તો એ કુલટા, કલંકીની, ચરિત્રહીન થઇ જાય? શું આ લાગણીઓનું અર્થઘટન એ માત્ર ચાર દીવાલો અને પથારી અને તકિયા વચ્ચે જ આવીને પૂર્ણ થઇ જાય? આયેશા ને આવું ઘણું બધું થયું. પણ પૂછે તો પૂછે કોને?

     અનેક લોકો આયેશાને પસંદ કરતા પણ એનાં માન સન્માન અને હોદ્દાના  કારણે એની સામે રજુઆત પણ નહોતા કરી શકતા. રોજ અનેક મેસેજ અને ફોન કોલ્સ આવતા જેને આયશા અટેન્ડ પણ નહોતી કરી શકતી એટલી વ્યસ્ત હોતી, પણ તેમ છતાં વિવેક એ આયેશાની લાગણીઓ ને રોડછાપ બનાવી દીધી હતી. આયેશા એવું પણ થયું મનમાં કે એણે એની dignity જાતે ગુમાવી.

     સમય વીતી ગયો. આયેશા પોતાના કામોમાં લાગી ગઈ.દિલ પર આ દાગ હંમેશ માટેનો રહી ગયો..સમય વીતતો ગયો.  ફરી એકવાર આયેશાની નજર ક્યાંય ઠરી. તરૂન નામ એનું. આયેશા કરતા ઉંમરમાં બે ત્રણ વર્ષ નાનો આમ તો. પણ આયેશાને માત્ર એ ગમ્યો હતો. એટલે કે તરૂન સાથે વાત કરવી એને ગમતી હતી. આયેશા એની સાથે મિત્રતા કરવા માંગતી હતી. આયેશા એ બાબતમાં ખુબ સ્પષ્ટ હતી કે તરૂન સાથે એ અન્ય કોઈ લાલસા સાથે એ જોડાયેલી નહોતી. આયેશાનું મન સતત એને તરૂન બાજુ ખેંચતું હતું. એને તરૂન જોડે વાતો કરવી હતી, પરિચય કેળવવો હતો, સમય પસાર કરવો હતો પણ કરે તો કરે શું?? ફરી એક વાર આયેશાના મન એ આયેશાને ઊંધો જ પાઠ ભણાવવાનું શરુ કર્યું. આયેશાનું મન બોલ્યું, " જા કહી દે જે તું વિચારે છે એ, આવો મનોમન સંઘર્ષ ના કર આયેશા, મનુષ્ય માત્રને કોઈકને ગમાડવાનો અધિકાર છે એમાં જાતિ થોડી આવે કે એ સ્ત્રી છે કે પુરુષ "

     આયેશા એનાં મન જોડે એક અદ્રશ્ય તલવાર હાથમાં લઇને ઝગડવા નીકળી પડી હતી. પણ આ તો મન હતું. એને વાગે તો 2 શબ્દો વાગી જાય અને બાકી તો તલવારના ઘા’ય એને ક્યાં વગાડી શકે?? મન મનનું કામ કરતુ હતું અને  વિવેકના એ અનુભવના કારણે દાઝેલી આયેશા સતત પોતાની જાત સાથે યુદ્ધ કરી રહી હતી. મનોમન મૂંઝાતી આયેશાને શુ કરવું એ સમજાતું જ નહોતું એટલે કંટાળીને એણે પ્રેરણા ને ફોન કર્યો અને મળવા બોલાવી.

     પ્રેરણાની કોફી પૂરી થઇ ગઈ હતી. પ્રેરણા આયેશાના મનની લાચારી સમજી રહી હતી. આજ સુધી અનેક લોકોનું કાઉન્સેલિંગ કરી ચૂકેલી, મિત્રોમાં એટલા માટે સૌથી લોકપ્રિય કારણ કે બધા એવું માનતા હતાં કે આયેશા સામે કોઈ પણ પોતાના મનની વાત નિ:સંકોચ કહી શકે છે કારણકે આયેશા બિલકુલ જજમેન્ટલ નથી. ગ્રુપમાં સૌથી પરિપક્વ, સમજણી અને બુદ્ધિજીવી ગણાતી આયેશા આજે એકદમ ઢીલી થઇ લાચારીથી આ પ્રશ્ન પૂછી રહી હતી.."શું કરું?? કહી દઉં?? એટલે કે પૂછી લઉં કે કહી દઉં?? કે મને આપની સાથે થોડો પરિચય કેળવવો છે અને મિત્રતા કરવી છે?? એ કંઈક આડુંઅવળું તો નહિ સમજે ને?? ક્યાંક સોનાની જાળ પાણીમાં નાખવા જેવું તો નહિ થાય ને?? ક્યાંક એ મને character less તો નહિ સમજી લે ને?? ક્યાંક એ મારી ભાવનાઓ ને ઉંધી રીતે લેશે તો.?? આયેશા બહુ મૂંઝવણમાં હતી અને એથી વધુ મૂંઝવણમાં હતી પ્રેરણા કે આયેશા શું કરે?? કહી દે, ના કહે? ભૂલી જાય? મનમાંરાખે....?????? પ્રેમનો પ્રસ્તાવ માત્ર પુરુષ જ આપી શકે? આયેશા કરે તો શું કરે????

- અર્ચના તેજસિંહ ચૌહાણ 

આ સમાચાર શેર કરો