શતરંગ / માત્ર અને માત્ર કૃષ્ણ જ ગીતા કહી શકે, કેમ કે...
- ગીતા Talks મહાભારતમાં કૃષ્ણ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એમનું નામ સારા-નરસા અતિથોઓ વચ્ચે જ

- ગીતા Talks
મહાભારતમાં કૃષ્ણ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એમનું નામ સારા-નરસા અતિથોઓ વચ્ચે જ બોલાય છે. પણ છતાં એ બધા વચ્ચે કવિ કૃષ્ણ તરફ ધ્યાન દોરે છે, નામથી નહિ પણ કૃષ્ણમાં જ હોય શકે એવી અદભૂત વિચક્ષણતાથી...
આપણને સૌને ખ્યાલ છે કે ભગવદ ગીતાએ ‘મહાભારત’ જેવા મહાસાગરનું સૌથી મોંઘેરું, સૌથી ઉજ્જવળ અને સૌથી સુંદર અને સાર્થક મોતી છે. આ ‘મહાભારત’ ગ્રંથની શરૂઆત કૃષ્ણના નારાયણ સ્વરૂપના સ્મરણ સાથે થાય છે: “નારાયણમ્ નમસ્કૃત્ય નરમ્ ચૈવ નરોત્તમમ્”. પછી વચ્ચે વચ્ચે ક્યાંક કૃષ્ણના નામનો આડકતરો ઉલ્લેખ આવે છે, પણ મહાભારતની આખી કથાનો આધાર જેના પર છે એ પ્રતાપી અને પ્રભાવી કૃષ્ણ મહાભારતની કથામાં પાત્ર તરીકે સક્રિય બને એના માટે ઘણી રાહ જોવી પડે છે, છેક દ્રૌપદી સ્વયંવરના પ્રસંગે કૃષ્ણ સૌપ્રથમ પાત્ર તરીકે પ્રવેશે છે અને કૃષ્ણનો એ કેવો પ્રવેશ છે...?!
કોઈ મુવીમાં હીરો એન્ટ્રી થાય તો કેવો તામઝામ હોય! પણ મહાભારતના મહાનાયકની એન્ટ્રી આવી નથી...મહર્ષિ વેદવ્યાસે આવો કોઈ પ્રવેશ લખ્યો નથી. પણ કૃષ્ણ પ્રવેશમાં આવી કોઈ જ ધામધૂમ ન આલેખીને જ ઋષિ વેદવ્યાસે પોતાની અનન્ય સર્જક કવિ પ્રતિભાનો પરિચય આપ્યો છે. હરીન્દ્ર દવે કહે છે કે, “આવા અભૂતપૂર્વ પાત્રના પ્રવેશને કોઈ નવો સવો કવિ હોય તો નાટ્યાત્મક બનાવી દે. પણ શ્રી વેદવ્યાસ જાણે છે કે સૂર્યના આકાશમાંના પ્રવેશને નાટકીય ન બનાવાય...”
દ્રૌપદી સ્વયંવરમાં આવેલા મહાનુભાવોની યાદી જ્યારે દ્રૌપદીનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન આપે છે ત્યારે એ યાદીની શરૂઆત કૃષ્ણના નામથી નહિ પણ આપણા આશ્વર્ય વચ્ચે દુર્યોધનના નામથી થાય છે. અને પછી સોળ શ્લોક સુધી ત્યાં આવેલા જુદા જુદા રાજા-મહારાજાઓના નામ બોલાયે રાખે છે ને આખરે સત્તરમાં શ્લોકમાં જાણે ઘણા નામોની વચ્ચે એક નામ ગણાવતા હોય એમ ધૃષ્ટદ્યુમ્નના મુખે શબ્દો મુકાયા છે: 'સંકર્ષણો વાસુદેવો'- સંકર્ષણ એટલે બલરામ અને વાસુદેવ એટલે કૃષ્ણ...અને યાદી હજુ ય આગળ ચાલે છે...
કૃષ્ણ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એનું નામ આમ સારા નરસા અતિથોઓ વચ્ચે જ આવી જાય છે. પણ છતાં એ બધા વચ્ચે કવિ કૃષ્ણ તરફ ધ્યાન દોરે છે, નામથી નહિ પણ કૃષ્ણમાં જ હોય શકે એવી અદભૂત વિચક્ષણતાથી...
જયારે દ્રૌપદી સભામાં પ્રવેશે ત્યારે ત્યાં બધા રાજવીઓ તો ઠીક પણ બ્રાહ્મણ વેશે રહેલા વીર પાંડુપુત્રો પણ અત્યંત સ્વરૂપવાન એવી દ્રૌપદીને જોઇને કામદેવના બાણથી ઘાયલ થયા છે. કૃષ્ણની વિશેષતા અહી દેખાય છે. જ્યારે સૌ કોઈ કામબાણથી ઘાયલ વિવશ અને લોલુપ નજરે દ્રૌપદીને જોઈ રહ્યા છે ત્યારે શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છે?!
સૌની દૃષ્ટિ દ્રૌપદી પર હતી પણ ત્યારે કૃષ્ણની દૃષ્ટિ દ્રૌપદીને નીરખી રહેલા એ સૌ પર ફરતી હતી. કૃષ્ણનું નામ ભલે સત્તરમાં શ્લોકમાં આવ્યું હોય પણ અહી કૃષ્ણ નરોત્તમ રૂપે-પુરુષોત્તમ રૂપે આવે છે, સૌ જ્યારે દ્રૌપદીના રૂપને જોવામાં તન્મય છે ત્યારે કૃષ્ણ ધર્મને અનુસરનારા પાંડવો આ સ્વયંવરમાં આવ્યા છે કે નહિ એ જાણવા સૌને જોઈ રહ્યા છે...અને આખરે પાંડવો તરફ ઈશારો કરીને કૃષ્ણ બલરામને ધીમેથી કહે છે કે, “હું વાસુદેવનો દીકરો છું એ જેટલું સાચું છે એટલું સાચું એ છે કે બ્રાહ્મણના વેશમાં પેલા પાંચેય પાંડવો છે.”
મહાભારતના મહાનાયક કૃષ્ણ કથામાં પ્રવેશે છે ત્યારે કવિ કોઈ જ નાટકીયતા કર્યા વિના મુંઠીઊંચેરા 'માનવી' તરીકેનો તેમનો મહિમા સ્થાપે છે. જ્યારે બધા જ પોતાની ઇન્દ્રિયોને વશ થઇ જાય છે ત્યારે મહાનાયક કૃષ્ણ એક જ એવા છે જે સૌથી અલગ તરીકે આવે છે.
ઇન્દ્રિયોને પોતાના આધીનમાં રાખનાર આવા મહાનાયક કૃષ્ણ જ ગીતા કહી શકે, આવા કૃષ્ણ જ અર્જુનને કહી શકે છે કે:
तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्पर: |
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ||2.61||
શ્લોકમાં કૃષ્ણ અર્જુનને કહે છે કે "બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને तानि सर्वाणि संयम्य युक्त મારામાં લીન થા आसीत मत्परः... કેમ કે ઇન્દ્રિયોને જે વશમાં રાખી શકે છે એની પ્રજ્ઞા, એની બુદ્ધિ પ્રતિષ્ઠિત થાય છે.: वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता... "
આપણે આ જ શ્લોકના સંદર્ભમાં ઇન્દ્રિયો વિશે આગળ શુક્રવારે ‘ગીતા talk’માં વધુ વાત કરીશું પણ આજે એ તરફ એક પગલું ભરીએ...
કોરોનામાં ઘણાને નાકની સ્મેલ જતી રહી હતી, ઘણાને જીભનો ટેસ્ટ જ નહોતો આવતો, ત્યારે કેવું લાગતું? સારું ખરાબ કશું ખબર જ ન પડે..! રોજ રાત્રે જયારે સુઈ જઈએ, ત્યારે અચાનક આપણી આસપાસના લોકો અદ્રશ્ય થઇ જાય છે. કોઈ ઓપરેશન વખતે એનેસ્થેશિયાનો અનુભવ હોય તો એ યાદ કરો. એનેસ્થેશીયા શું કરે છે ? એમાં એ જ તો થાય છે કે આપણી ઇન્દ્રિયોને કશું જ અનુભવતી બંધ કરી દેવામાં આવે છે. એનેસ્થેશિયા બાદ આપણું શરીર માત્ર એક સ્થળ-એક જગ્યા બનીને રહી જાય...આપણી આંખ ખુલ્લી હોય...આપણે આપણા શરીરને કપાતું એમ જોઈએ જાણે કશીક વસ્તુ કપાતી હોય. ઇન્દ્રિયો અનુભવતી રહે, જીવંત રહે છતાં હાવી ન થાય એમ ઇન્દ્રિયોને નાથવાની વાત કરે છે કૃષ્ણ !
ગીતા વિચાર:
એનેસ્થેશિયા કે કોરોના વાઈરસ કે એવી વસ્તુઓને લીધે ઘણીવાર આપણી અને ઇન્દ્રિયો વચ્ચે એક અંતર ઉભું થાય છે, એ અંતર કાયમી હોતું નથી, અને એ અંતર સાત્વિક પણ હોતું નથી. પણ કૃષ્ણ એક કાયમી અને સાત્વિક ઉપાય ગીતામાં બતાવે છે. એ ઉપાય છે યોગ. આપણી અને આપણી ઇન્દ્રિયો વચ્ચેનું આ અંતર એટલે સંયમ. ઇન્દ્રિયો પર એ રીતે સંયમ મેળવીને જે કર્મમાં તત્પર રહે છે. એવા યોગીની પ્રજ્ઞા-બુદ્ધિ સ્થિર રહે છે. પ્રતિષ્ઠિત રહે છે. तस्य प्रज्ञा प्रतिष्ठिता
- મિલી મેર








