મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / નોર્થ સેન્ટીનલ: સદીઓથી એકલા અટૂલા રહેતા માનવીઓનું રહેઠાણ

- 60 ચોરસ કિમી વિસ્તાર ધરાવતા આ ટાપુ પર છેલ્લા 50 હજાર વર્ષથી માનવીઓ વસવાટ કરે છે નવાઇની

શતરંગ / નોર્થ સેન્ટીનલ: સદીઓથી એકલા અટૂલા રહેતા માનવીઓનું રહેઠાણ

- 60 ચોરસ કિમી વિસ્તાર ધરાવતા આ  ટાપુ પર છેલ્લા 50 હજાર વર્ષથી માનવીઓ વસવાટ કરે છે નવાઇની વાત તો એ છે કે આ ટાપુના લોકો હજુ પણ બહારની દુનિયાના સંપર્કમાં નથી

ડિ જિટલ જગતમાં ઇન્ટરનેટ પર માહિતી ઉપરાંત દુર્લભ વિડિયો કન્ટેન્ટ સર્જન તરફ ઝોક વધ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફલુઅન્સર કમાણી માટે અવનવા જોખમો પણ ખેડવા તૈયાર થઇ જાય છે.ભારતના અધિકારક્ષેત્રમાં આવતા આંદામાન ટાપુઓની હારમાળામાંનો એક ગણાતો નોર્થ સેન્ટીનલ નામનો ટાપુ ૨૪ વર્ષના એક અમેરિકન યુ ટયૂબર મિખાઇલો વિકટોરોવિચ પોલ્યાકોલના લીધે ફરી ચર્ચામાં આવ્યો છે. ૬૦ ચોરસ કિમી વિસ્તાર ધરાવતા આ  ટાપુ પર છેલ્લા ૫૦ હજાર વર્ષથી માનવીઓ વસવાટ કરે છે નવાઇની વાત તો એ છે કે આ ટાપુ પરના લોકો બહારની દુનિયાના સંપર્કમાં નથી. જગતમાં બનતી ઘટનાઓ અને પળોજણ સાથે તેમને કોઇ જ લેવા દેવા નથી. પૃથ્વી પર બીજા ઘણા દેશો છે અને કરોડો માનવીઓ વસે છે તેનાથી અજાણ છે. ડિજિટલ ક્રાંતિ અને મોબાઇલ શું ચીજ છે તેના વિશે કશું જ જાણતા નથી. નોર્થ સેન્ટીનલ ટાપુ પરના લોકો તદ્ન કુદરતી અવસ્થામાં ઝુંપડા બાંધીને રહે છે. ટાપુ પરના ગાંઢ જંગલમાં ફળફળાદિ અને દરિયાકાંઠે માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ લોકો પોતાની હદ છોડીને બહારની દુનિયાના સંપર્કમાં આવવા ઇચ્છતા નથી. પોતાના અધિકારક્ષેત્રમાં કોઇ પગ તે સહન કરી શકતા નથી. બહારના માણસોને પોતાની હદ નજીક જુએ કે તરત જ તીર અને ભાલાઓનો વરસાદ વરસાવે છે. આગળ જેનો ઉલ્લેખ કર્યો તે અમેરિકન યુ ટયૂબર પ્રતિબંધ હોવા છતાં ૨૯ માર્ચના રોજ પોર્ટબ્લેરથી રબરની હોડી વડે નોર્થ સેન્ટીનલના કાંઠે પહોંચ્યો હતો. ટાપુ નજીકના કાંઠે સમગ્ર પ્રવાસની ૧ કલાક સુધી વિડિયોગ્રાફી કરી હતી. ટાપુની રેતીના કેટલાક નમૂના લઇને પાછા ફર્યા ફરતી વખતે સોડાની એક બોટલ અને નારિયેળ કાંઠા પર રાખ્યા હતા. આમ કરવાનો હેતું સેન્ટીનલ ટાપુના માનવીઓને લાલચ આપીને બહાર લાવીને મળવાનો હતો. આ યૂ ટયૂબરે લાંબી સિટી પણ વગાડી હતી પરંતુ સામેથી કોઇ પ્રત્યુત્તર મળ્યો ન હતો. પ્રત્યુત્તર ના મળ્યો તે સારુ થયું નહિંતર જીવતો પાછો આવી શકયો હોત નહી. નોર્થ સેન્ટીનલથી પાછા ફરતી વખતે સ્થાનિક માછીમારોએ અમેરિકી યુવાનને જોઇ લેતા બાતમીના આધારે આંદામાન પોલીસે પોર્ટ બ્લેરમાં ટાપુ પર જવાના પ્રતિબંધના નિયમભંગ બદલ અરેસ્ટ કર્યો હતો. દુનિયાથી વિખૂટી રહેતી જનજાતિઓ માટે કામ કરતી સંસ્થા સર્વાઇવલ ઇન્ટરનેશનલે આવી રીતે ટાપુ પર જવુંએ જનજાતિઓ અને પર્યટક બંને માટે જોખમી હોવાનું જણાવીને ગંભીર નોંધ લીધી હતી.કારણ કે બહારની દુનિયાની બીમારીઓ જેવી કે શરદી, ફલુ વગેરે પ્રકારની બિમારીઓ સામે ટાપુ પરના જનજાતિઓની લડવાની ક્ષમતા હોતી નથી.

નોર્થ સેન્ટીનલ દુનિયાના ખતરનાક ગણાતા દ્વીપોમાંનો એક ગણાય છે આથી જ તો ૫ નોટિકલ માઇલથી વધુ નજીકના અંતરેથી મુસાફરી કરવા પર પ્રતિબંધ છે. સેન્ટીનલ ટાપુના રહેવાસીઓ અવાર નવાર નજીકથી પસાર થતા જહાજો પર હુમલા કરી ચુકયા છે. વર્ષ ૨૦૦૬માં બે માછીમારો ઉત્તરી સેન્ટીનલ દ્વીપ પાસે માછલીનો ગેર કાયદેસર રીતે શિકાર કર્યા પછી દ્વીપના કાંઠાથી થોડેક દૂર સમુદ્રમાં  હોડીમાં જ સૂઇ ગયા હતા. હોડીનું લંગર તુટવાથી હોડી વહીને નોર્થ સેન્ટીનલ ટાપુના કાંઠે પહોંચી હતી. ટાપુ પરના જનજાતીય લોકોએ બંને માછીમારોને મારી નાખ્યા હતા. ૨૦ વર્ષ પહેલા ભારતના તટ રક્ષકો અને સર્વાઇવલ ઇન્ટરનેશનલ તરફથી બહાર પાડવામાં આવેલી તસ્વીરમાં સેન્ટીનલીઝ જનજાતિના લોકો ઉપરથી પસાર થઇ રહેલા હેલિકોપ્ટર પર તીર તાકતા નજરે ચડયા હતા. નિષ્ણાતોનું માનવું છે કે કદાંચ આ પહેલા લોકો છે જેઓ હજારો વર્ષોથી પાષાણ યુગથી સતત જીવતા રહયા છે. આ લોકોની વસ્તી કેટલી છે તે અંગે સટીક માહિતી નથી પરંતુ ૧૦૦ થી ૫૦૦ જેટલી વસ્તી  મુખ્ય ત્રણ પ્રકારના સમૂહોમાં રહેતી હોવાનું માનવામાં આવે છે. સેન્ટીનલવાસીઓ પોતાના દ્વીપથી બાજુમાં આવેલા દ્વીપ પર જતા નથી. બ્રિટિશ સમયમાં એવું માનવામાં આવતું હતું કે આંદામાનની ઓંગે જનજાતિ ઉત્તરી સેન્ટીનલ ટાપુ પર વસતા માનવીઓ વિશે જાણતી હતી. તેમણે સેન્ટીનલ ટાપુનું પરંપરાગત નામ ચિયા દાકવાકવેહ પાડયું હતું. ૧૯મી સદીમાં સેન્ટીનલ ટાપુના કાંઠે ઓંગે સમુદાયના માનવીઓનો ભેટો કરાવવામાં આવ્યો ત્યારે બંને પરસ્પરની ભાષા સમજી શકતા ન હતા. આ સાથે જ સેન્ટીનલ ટાપુ પર રહેતા લોકોનો અલગાવ સદીઓ જુનો હોવાનું સાબીત થયું હતું. એવું માનવામાં આવે છે કે સેન્ટીનલ જનજાતિના લોકો આફ્રિકાથી નિકળેલા માનવ સમૂહોના વંશજ હતા. આધુનિક માનવી એટલે કે હોમો સેપિયન્સની ઉત્પતિ બે લાખ વર્ષ પહેલા આફ્રિકામાં થઇ હતી. ૬૦ થી ૭૦ હજાર વર્ષ પહેલા એક નાનો સમૂહ આફ્રિકાથી નિકળીને પૂર્વ તરફ ચાલ્યો ત્યાર બાદ તે દુનિયાના વિવિધ ભાગોમાં ફેલાયો હતો. આ સમૂહમાંથી જ કેટલાક સમુદ્રના રસ્તે ભારતના આંદામાનના દ્વીપ સમૂહ નજીક પહોંચ્યા હશે. આંદામાનની જનજાતિઓ શરુઆતના પ્રવાસી માનવ સમૂહોમાંની જ એક હોવાનું જણાય છે. સેન્ટીગલ જનજાતિના પૂર્વજો સદીઓથી દુનિયાથી વિખૂટા પડીને કુદરતી અવસ્થામાં જીવે છે. બ્રિટિશ સર્વેક્ષક જોન રિચી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ જહાજ ડિલિજેન્સ સાથે ૧૭૭૧માં પ્રથમવાર ટાપુ નજીકથી પસાર થયો ત્યારે સેન્ટીનલ નામ પાડયું હતું. હોમ ફ્રે નામનો એક સાહસિક માર્ચ ૧૮૬૭માં આ ટાપુ પર ગયો હતો. આ વર્ષ દરમિયાન ગ્રીષ્મકાલીન ઋતુમાં એક ભારતીય વ્યાપારી જહાજ નિનવેહ સેન્ટીનલ ટાપુ પાસેની ચટ્ટાનમાં ફસાયું હતું. ચાલક દળના સભ્યો અને ૧૦૬ જેટલા પ્રવાસીઓ નાની હોડીઓમાં બેસીને ટાપુની કાંઠે આવ્યા હતા. છેવટે બ્રિટિશ રોયલ નેવીની બચાવ ટીમ મદદ આવી હતી. મોરિલ વિડાલ પોર્ટમેન નામના અંગ્રેજ સેન્ટીનલ ટાપુ પરની જનજાતિની રહેણી કહેણી પર સંશોધન કરવા ઇચ્છતો હતો. તેના નેતૃત્વમાં એક અભિયાન ટુકડી જાન્યુઆરી ૧૮૮૦માં ઉત્તરી સેન્ટીનલ ટાપુના કિનારે ઉતરી હતી. પોર્ટમેને ટાપુની નજીક છુટી છવાઇ વસાહતો જોઇ હતી. કેટલાક સમય રોકાયા પછી સેન્ટીનલ ટાપુ પરના એક આધેડ દંપતિ અને ચાર બાળકોને પોર્ટ બ્લેર લાવ્યો હતો. આ ઓપરેશનના પ્રભારી અધિકારીએ તેમની ડાયરીમાં લખ્યું હતું કે આખો સમૂહ ઝડપથી બીમાર પડયો જેમાંથી આધેડ દંપતિનું મોત થતા ચાર બાળકોને પુરતો ખોરાક ભેટમાં આપીને સેન્ટીનલ ટાપુ પર પરત મુકી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે ૧૮૮૩ થી ૧૮૮૭ દરમિયાન 

પોર્ટમેને અનેક વાર આ ટાપુની મુલાકાત લીધી હતી.૧૯૯૧માં ભારત આઝાદ થયા પછી પ્રથમવાર સેન્ટીનલી લોકોનો વિધીસરનો પ્રથમ સંપર્ક પ્રયાસ ૧૯૯૧માં થયો હતો. 

ભારતીય માનવ વિજ્ઞાાન સર્વેક્ષણની ટીમ  ૪ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ સેન્ટીનલ ટાપુ પર પુષ્કળ કેળા અને નારિયેળ લઇને ગઇ હતી. આ ટાપુ પર રહેતા લોકો પ્રથમવાર જ હથિયારો વિના નજીક આવ્યા પરંતુ તેમની ભાષા સમજી શકાય તેવી ન હતી.  છેક ૨૦૦૪માં સુનામી પછી ભારતીય નિષ્ણાતોએ સેન્ટિનલીઝની સ્થિતિ જાણવા માટે ટાપુ પર નજીર દોડાવી ત્યારે સ્વસ્થ જણાયા હતા. નોર્થ સેન્ટીનલ ટાપુ પ્રતિબંધ અને જોખમ હોવા છતાં ભૂતકાળમાં કેટલાક સાહસિકો આંધળુકિયા કરીને મોતને ભેટી ચુકયા છે. ટાપુમાં પ્રવેશવાનો પ્રયાસ કરવા બદલ હત્યા કરે તો પણ નોર્થ સેન્ટિનલ વાસીઓ પર કાર્યવાહી નહી કરવાની જોગવાઇ છે.  વર્ષ ૨૦૦૮માં ઇસારી મિશનરી સાથે જોડાયેલા એક અમેરિકી યુવકને સેન્ટીનલ જનજાતિના લોકોએ મારી નાખ્યો હતો. નવેમ્બર ૨૦૧૮માં જોન એલન નામનો વ્યકિત બંગાળની ખાડી પાર કરીને નોર્થ સેન્ટીનલ જવા નિકળ્યો હતો. નોર્થ સેન્ટીનલ જવાનો ઉદ્દેશ પૃથ્વીથી સાવ અલગ પડી ગયેલા ટાપુ પરના માનવીઓને ઇસા મસિહાનો ઉપદેશ આપવાનો હતો. સ્થાનિક માછીમારોને સમજાવીને લાલચ આપીને ૧૬ નવેમ્બર ૨૦૧૮ની સવારે દ્વીપના કાંઠે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. ટાપુના કિનારાની નજીક પહોંચીને મારુ નામ જોન છે એવી બૂમો પાડી હતી. બહારના માણસની આકૃતિ જોઇને ટાપુ પરની જનજાતિના લોકોએ તીર છોડીને મારી નાખ્યો હતો. કોઇ અલગ જ દુનિયામાં જીવતા માણસોને મળવાની જીદ્ હોવાથી ટાપુ નજીક બે દિવસ પ્રયાસ કરતો રહયો હતો. આ પ્રયાસ દરમિયાન તેને અનેકવાર ભાગવું પડયું હતું. જોન પણ ટાપુ પર વસતા લોકો માટે ભેટ સોગાતમાં માછલીઓ લઇ ગયો હતો છતાં અંત દૂ:ખદ આવ્યો હતો. ભારતીય અધિકારીઓના પ્રયાસ છતાં ટાપુ બહાર જોનનું શબ મળ્યું ન હતું. જોને અંતિમ તસ્વીર માછીમાર સાથે ખેંચી હતી જે સેલ્ફી સ્વરુપની હતી. જોનનું મુત્યુ થતા સમગ્ર દુનિયામાં ઉહાપોહ મચી ગયો હતો. એક વાત એ છે કે સેન્ટીનલ ટાપુના લોકોને બહારની દુનિયાના સંપર્કમાં આવવું નથી. બીજુએ કે તેઓ દુનિયાથી કપાએલા છે ત્યાં સુધી જ સુરક્ષિત છે. સદીઓથી એક જ સ્થળે સુરક્ષિત રહેતા હોવાથી કેટલાક ટાપુને 'ઝુ ઓફ મેન'તરીકે પણ સંબોધે છે. બહારની દુનિયા સાથે સંપર્કમાં આવેલી અનેક જનજાતિઓનું જીવન મુશ્કેલીભર્યુ રહયું છે એ ભુલવા જેવું નથી. 

આ સમાચાર શેર કરો