મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / અગલી બાર ચારસો પાર, બરફ, ગોલા કે ચોકોબાર!

- વટથી, હકથી ને હુકમથી શીર્ષક વાંચીને તમારા મનમાં જે ખયાલ આવ્યો હોય એનો પુલાવ બનાવ્યા પહે

શતરંગ / અગલી બાર ચારસો પાર, બરફ, ગોલા કે ચોકોબાર!

- વટથી, હકથી ને હુકમથી

શીર્ષક વાંચીને તમારા મનમાં જે ખયાલ આવ્યો હોય એનો પુલાવ બનાવ્યા પહેલા જ ફેંકી દેજો કેમકે આ એ મુદ્દો નથી. મુદ્દો તો એ છે જેનાથી આપણે ભટકી ગયા છીએ. ઉપરોક્ત માહિતી કેસર કેરીના ભાવની છે!! ન મઝા આવી ને? ઉલ્લુ બનાવ્યા હોય એવું લાગ્યું ને? તો એમાં નવું શું લાગ્યું હેં તમને? રોજ તો તમને લોકો બનાવી જાય છે. સવાર, બપોર, સાંજ સુધીમાં અબકડ નામના કેટલાયે લોકો આપણને વટ, હક વગર હુકમ કરીને જાય છે!! 

મૂકો ને. મૂળ વાત એ છે કે અમદાવાદ નામના ગામમાં ગોલાને બરફ કહે છે અને બરફને ખબર નહિ શું કહે છે! કદાચ જામી ગયેલું જળ કહેતા હોવા જોઈએ. ગુજરાતના અન્ય સીટીમાં શું કહેવાય છે આને એ મુજ અબુધને જાણમાં નથી એટલે અત્યારે તો નામ સહિત ગામને જ સંબોધન. પહેલી વખત એક મિત્રના મોઢે સાંભળ્યું કે આપણે ફલાણી જગ્યાએ બરફ ખાવા જઈશું. સહેજ મગજના ચક્રો ગતિમાન થયા અને વિચાર આવ્યો કે શું કોઈ ફ્લેવર "ફૂલ" ઠંડા ઠંડા કૂલ કૂલ બરફના ગાંગડા મળતા હશે કે ચોસલા મળતા હશે અને લોકો ખાતા પણ હશે? થોડી વારમાં આગલા મગજે પાછલા મગજને ટપલી મારી અને કહ્યું બરફના હોય કે ન હોય તારા ભેજામાં ગાંગડા ખરા! ભૈ બરફ નામની ચીજ એટલે ગોલા. જેને ખરેખર ગોલા કહી શકાય, ગોલા કહેવા જોઈએ, ગોલા જ કહેવા જોઈએ અને ગોલા જ કહેવડાવવા જોઈએ અને ગોલા જ ખાવા જોઈએ; બરફ નહિ.

ના એટલે મને એ જણાવો કે ગોલાને બરફ કહીએ એ માની પણ લઈએ તો પછી બરફ, એટલે કે ફ્રીઝના ફર્સ્ટ ફ્લોર પર જામી જતાં પાણીને શું કહેવાનું? જો ગોલાનું નામકરણ બરફ કરવું હોય તો બરફનું નામકરણ કરો, નવું નામ પાડો. 

વાળ્યો ન વળે પણ હાર્યો વળે એમ ઉનાળાની બળબળતી ગરમીમાં મને રાહત થઈ કે ના હું ખોટી હતી. સંપૂર્ણ ખોટી. તદ્દન ખોટી. નામકરણ બરફ જ સાચું, ખરું, બિલકુલ યોગ્ય છે. જ્યાં બરફ મળતો હોય એને બરફ જ કહેવો પડે, કહેવો જોઈએ, કહીશું જ. જ્યાં ગોલા મળતા જ નથી કે ગોલાને અવ્યાખ્યાયિત પદ માનીને એની મનપસંદ વ્યાખ્યા અને રેસિપીની આપ લે થતી હોય ત્યાં બરફ જ વેંચાય એ બરાબર છે.

બોસ, બરફના છીણ અને કોપરાના છીણ વચ્ચે ભેદ હોય કે ન હોય? માવો અને શીંગદાણાના ભુક્કા વચ્ચે ભુક્કા બોલાવી દે એટલો ફરક તો ખરો ને? યાદ રાખજો, જે જગ્યાએ બરફ મળે છે ત્યાં દોઢ ડઝન મિનિટ બરફના ભુક્કાને શેપ આપતા થાય છે. પછી તેમાં કોઈપણ રેન્ડમ સીરપ ઉમેરાય છે. ચૂપ રહેજો હો, માપમાં રહેજો કંઈ આડા અવળું વિચારતા કે કહેતા પહેલાં, બરફ વેંચે છે ને ઉપરથી કલર વાળી ચાસણી નાંખીને આપે છે તો ય સંતોષ નથી? એમણે કહ્યું કે ગોલા આપશે? કહ્યું? નહિ ને. બસ તો પછી. બરફ મળશે લખ્યું છે તો પછી શીંગદાણા પાવડર હોય, માવો હોય કે બદામનો ભુક્કો હોય શું ફેર પડે? જે મળે છે એ બોનસમાં જ છે બોસ!

મેં સ્વીકારી લીધું, માની લીધું અને લોકોને પણ જણાવી દીધું કે નામ મેં ક્યા રખ્ખા હૈ?બરફ!! મૂળ કન્ટેન્ટ તો બરફ જ. પછી તમે એમાં ફરિયાદ કરવા આવો કે લીંડી પીપર જેટલા ડ્રાય ફ્રુટ નાંખીને તમારા શીર્ષક જેવા બનાવી જાય છે તો એ તમારી ભૂલ છે. તમને એવું કહ્યું હોય કે સાંજે બહાર જમવા જવાનું છે અને પછી ઘરની બહાર ફળિયામાં જમવાનું થાય તો એમાં તમારી જ ભૂલ છે, તમે તમારા મગજના ઘોડા ગધેડા દોડાવીને હોટેલ કે રેસ્ટોરન્ટ વિશે વિચારી લીધું એ! તમને કહ્યું હતું કે બહાર હોટેલમાં જમવા જઈશું? બસ તો બરફ અને ગોલાનું પણ એવું જ છે. 

એક બાળકને એનાં પપ્પાએ ચોકોબાર અપાવવાનો વાયદો કર્યો, બાળક રાજીનું રેડ, યેલ્લો, પિંક થઈ ગયું. પપ્પાએ ઑફિસથી પધારીને ફળિયામાં બેટ બોલ રમવા બાળકને બોલાવ્યું, બાળક ફરી રાજીનું રેડ, વ્હાઈટ ને બ્લેક થઈ ગયું કે આજે તો પપ્પા ગેમ પણ રમશે ને ચોકોબાર પણ આપશે. પપ્પાએ પહેલા બોલ પર ચોકો માર્યો ને સીધો ફળિયામાંથી બા'ર.. 

ન મઝા આવી? ટાઈટલમાં રહેલી ચોકોબારને ઉપરોક્ત પીજે જેટલું જ મહત્વ આપવાનું હતું. આજે બરફની વ્યાખ્યા સમજાવી અને નામ યોગ્યતા પૂરવાર કરી, આવતા એપિસોડમાં ગોલા વિશે ગપગોળા મારીશું.

- સ્નેહલ તન્ના

આ સમાચાર શેર કરો