શતરંગ / રુક જાના નહિ તું કહી હાર કે
- ચાલ જિંદગી મારી સાથે ‘ઇમ્તિહાન’ નામની એક સુંદર ફિલ્મ કે જેનું મજરૂહ સુલતાનપૂરી સાહેબ એ લખેલુ

- ચાલ જિંદગી મારી સાથે
‘ઇમ્તિહાન’ નામની એક સુંદર ફિલ્મ કે જેનું મજરૂહ સુલતાનપૂરી સાહેબ એ લખેલું અને શ્રી લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતથી મઢેલું એક સુંદર ગીત જે લગભગ બધાનું મનગમતું હશે જ જેના શબ્દો છે “રુક જાના નહિ તું કહી હાર કે, કાંટો પે ચલ કે મિલેંગે સાયે બહાર કે”. શું સૂચવે છે આ ગીત? આ સુચવે છે કે જીવનમાં એવા ઘણાં વખત આવશે કે તમને લાગશે કે આ જીવનનો અંત છે પણ વિશ્વાસ રાખજો...મૃત્યુ સિવાયની કોઈ પણ ઘટના એ જીવનનો અંત નથી.
ગઈ કાલે બારમાં ધોરણનું પરિણામ આવ્યું. જેણે ઘણાંના હૃદય અને સપનાં તોડ્યા પણ હશે અને ઘણાંના જીવનમાં નવી દિશાઓ ખોલી પણ હશે. જે લોકો કાલે જે પરિણામ આવ્યું એમાં ફેઈલ થયા હશે એ બધાને લાગતું હશે કે હવે જીવન પૂરું થઇ ગયુ, હવે હું આગળ કશું નહિ કરી શકું, હવે મારું આખું ભવિષ્ય અંધરકારમય બની ગયું છે વગેરે વગેરે... પણ શું આ સત્ય છે? શું કોઈ પણ એક પરીક્ષાનું પરિણામ એ સમગ્ર જીવનનું સરવૈયું હોઈ શકે? કદાપિ નહિ. જીવનની સૌથી સુંદર બાબત જ એ છે કે એ ગમે તે ક્ષણે બદલાઈ શકે છે. તમને કયારેય નહિ ખબર પડે ને એ બદલાઈ જશે. તાજેતરમાં એક ફિલ્મ આવી ‘12th fail’ કે જેમાં 12 ધોરણમાં ફેઈલ થનાર ચંબલમાં રહેતો એક છોકરો કેવી રીતે આઈ.પી.એસ. ઓફિસર બને છે.
જો એ મનોજ શર્મા સાહેબ એ એ વખતે વિચાર્યું હોત કે હું બારમાં ધોરણમાં ફેઈલ થયો છુ તો હવે હું કેવી રીતે ફરી પાસ થઇ શકીશ? મારાં ઘરમાં તો ખાવાના પણ ફાંફાં છે તો હું કેવી રીતે આગળ વધી શકીશ? યુ.પી.એસ.સી.માં ત્રણ ત્રણ પ્રયાસમાં નિષ્ફળ થયા પછી અને અંગ્રેજીમાં સરખું બોલતા ના આવડવા છતાંય એ કેવી રીતે એક સિવિલ સર્વન્ટ બની શકશે? તો એ આઈ.પી.એસ. બની શકત? પણ એ બન્યું. વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક પરીક્ષા ગણાતી યુ.પી.એસ.સી.ની પરીક્ષા એમણે પાસ કરી અને એમના જેવા કરોડો સપનાં જોનારાઓને સંદેશ આપ્યો કે સપનાં જોવાનું ના છોડો..
કોઈ એક નિષ્ફળતા એ ખાતરી નથી કે તમે જીવનમાં ક્યારેય સફળ નહી થાઓ પણ તેમ છતાં કરુણતા એ છે કે આજે પણ આપણને બોર્ડના પરિણામના બીજા દિવસે જ એવા સમાચાર સાંભળવા ને વાંચવા મળે છે કે બારમાં ધોરણમાં ફેઈલ થયેલ વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને કે કેનાલમાં કુદીને પોતાનો જીવ આપી દીધો...શું આ જીવ એટલો સસ્તો છે કે એક સામાન્ય વાર્ષિક મુલ્યાંકન કરતી પરીક્ષા માટે ગુમાવી દેવામાં આવે? શું એક વાર્ષિક મૂલ્યાંકન જ માણસની તમામ પ્રતિભા માપવાનું સાધન છે? કેમ આ બાળકો એટલા નાસીપાસ થઇ જાય છે કે એમને એમ વિચાર આવે છે કે હવે નાપાસ થઈને જીવવા કરતાં મોતને વ્હાલું કરવું વધારે સરળ રહેશે એની પાછળ પણ બહુ મહત્વનો મુદ્દો છે જે છે સ્ટેટ્સ કલ્ચરલ અને વર્ષોથી ચાલતી આવતી માન્યતાઓ.
શું છે આ સ્ટેટ્સ કલ્ચરલ? આ સ્ટેટ્સ કલ્ચરલ છેલ્લા થોડા વર્ષોથી નીકળેલું એ કલ્ચરલ છે જેમાં પોતાના પોતાના સંતાનો,, ઓળખીતા, પરિચિત, બધાની માર્કશીટ સ્ટેટ્સમાં મુકવામાં આવે છે અને એમને અભિનંદન પાઠવવામાં આવે છે. આને બીલકુલ એની સાથે સરખાવી શકાય કે કોરોનામાં એક વર્ગ હતો કે જે પોતાના ઘરે પહોચવા માટે, એક ટંકના ભોજન માટે, પાણી માટે તડપી રહ્યા હતા. ત્યારે આ સ્ટેટ્સ કલ્ચરલમાં ઘરે બેસેલા બધા એમના ઘરે બનતી નવી નવી વાનગીઓના ફોટા સ્ટેટ્સમાં મૂકી રહ્યા હતા...
એક ભૂખ્યા માણસને આ સ્ટેટ્સમાં મુકેલી વાનગીઓને જોઇને જે પીડા થાય કદાચ એ જ પીડા નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બીજાના પરિણામ સ્ટેટ્સમાં જોઇને થતી હશે. આપણે બધા જાણીએ છીયે કે છેલ્લા દસકામાં ડીપ્રેશન અને માનસિક રોગો તરફ આપણી પેઢીને દોરવા તરફ આ સોશ્યલ મીડિયાનો બહુ મોટો હાથ રહ્યો છે કારણ કે એ સીધું આપણને દોરે છે સરખામણી તરફ..
ટીનેજર્સમાં તો એમ પણ ઉમરના હિસાબે પરિપક્વતાનો અભાવ હોય એટલે એ તો અણસમજણમાં સરખામણી કરે તો સમજાય પણ આપણો સમાંજ પણ ક્યાંક ને ક્યાંક આના માટે શું જવાબા નથી કે જે 10 માં કે 12 માં ધોરણમાં જેવો જ વિદ્યાર્થી આવ્યો નથી કે એને સલાહ આપવાનું શરુ કરી દે છે કે, “જોજે હો બોર્ડ છે આ વખતે”...” હવે બહુ રખડતો બહિ બહાર, નહિતર બોર્ડ માંથી નીકળાશે નહિ”, “ બોર્ડમાં એમ નીકળવું સહેલું નથી હોતું હો”, “હવે આટલું બધું સુઈ ના રહેવાય બોર્ડમાં આવ્યા” આવા તો કંઈ કેટલાય વાક્યો વિદ્યાર્થીના મનમાં બોર્ડ માટે એટલો ભય પ્રસ્થાપિત કરી દે છે કે એ લડાઈ પહેલા જ હથિયાર નાખવા તૈયાર થઇ જતો હોય છે. મારે બસ એ જ પૂછવું છે કે શું ફર્ક પડી જાય જો કોઈ નાપાસ થઇ જાય તો? જીવનમાં એ જ લોકો શું કાઠું કાઢી શકે છે જે બોર્ડમાં ટોપર હોય છે? શું તમે ભણવામાં હોશિયાર છો તો જ તમે જીવનમાં કશું કરી શકવાના લાયક છો? માર્કશીટમાં આવતા આંકડા જ તમારા સમગ્ર અસ્તિત્વનું રીપોર્ટ કાર્ડ છે?
ઉપર જે જે પ્રશ્નો પૂછ્યા એના જવાબ ફીલ્મોના ઉદાહરણના માધ્યમથી વધારે સમજી શકાશે. ‘છીછોરે’ નામની ફિલ્મ શું શીખવાડી ગઈ આપણને? કે દર વખત માત્ર જીતવું જરૂરી નથી કેટલીક લડાઈઓ એટલા માટે લડવામાં આવે છે કે ઇતિહાસમાં યાદ રહી જાય... એટલે જ લડવું જરૂરી છે. જેને લડતા આવડે છે એ ક્યારેક ને ક્યારેક તો જીતી જ જવાનો છે. આવી જ એક બીજી સુંદર ફિલ્મ એટલે ઈઝ લવ ઇનફ સર? જેમાં એક maid એના માલિકને સમજાવે છે કે સાહેબ મારા લગ્ન ૧૮ વર્ષે થઇ ગયા અને મારા પતિ ૧૯ વર્ષે મરી ગયા અને ગામડામાં ૧૯ વર્ષે વિધવા થવું એટલે જીવન પૂરું પણ આજે જુઓ હું મારી જાતે કમાવું છુ, મારી બેનને ભણાવું છુ.
ભલે હું તમારા ઘરે કામવાળી છુ પણ મારો રોટલો જાતે રળું છુ..એનો અર્થ એ છે સાહેબ કે જીવન કયારેય પૂરું નથી થતું... દરેક અંત એ નવી શરૂઆત હોય છે એ આજે નિષ્ફળ થયેલ કોઈને નહિ સમજાય પણ એક દિવસ સમજાશે જયારે પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને તમને ત્યાં લઇ જશે જે જગ્યાને અને તમારા બોર્ડના માર્ક્સ ને કોઈ લેવા દેવા નહિ હોય..પણ ત્યાં સુધી તમારે ધીરજ રાખવી પડશે...તમારે હિંમત રાખવી પડશે, એ દિવસ જોવા માટે તમારે જીવવું પડશે, તમારી સફળતા જોવા માટે તમારે જીવવું પડશે અને ત્યાં સુધી આ બધાને આપણે અને સમાજે જીવવા દેવું પડશે.
એમ સમજીને કે બધા ગણિત, વિજ્ઞાન કે અંગ્રેજીમાં સારા ના પણ હોય પણ એમને કદાચ ગાતા, ડાન્સ કરતા કે ટેકનોલોજી આવડતી હોય...પરીક્ષામાં નાપાસ થયેલું બાળક એ નકામું નથી હોતું અને પ્લીઝ પ્લીઝ મારી નમ્ર વિનંતી છે કે આવા કોઈ પણ બાળક કે ઓળખીતા તમારા સંપર્કમાં છે તો એના ઘા પર નો મલમ બની શકો તો બનજો પણ એમની મશ્કરી તો ના જ કરતાં કે,’”જોયું ને અમને તો ખબર જ હતી આનો છોકરો/છોકરી જીવનમાં કશું નહિ કરી શકે”, “અમારો દીકરો તો ૮૦ ટકા લઇ આવ્યો ને તમારો ધોળીને આવ્યો?” પ્લીઝ આપણે શાબ્દિક રીતે આટલા નિષ્ઠુર ના બનીએ કે કોઈકને એના પર સેલ્ફ ડાઉટ આવી જાય... આપણને ક્યારેય ખબર હોતી કે આપણા ક્યા શબ્દો કોને કેવી અસર કરી રહ્યા છે? અને એટલે જ શબ્દો બહુ જ વિચારીને બોલવા જોઈએ કારણ કે એ મલમ ના બની શકે તો કંઈ નહી પણ ઘા તો ના જ બનવા જોઈએ.
અંતે એટલું જ કે થ્રી ઈડિયટ્સમનો ‘જોય લોબો’ યાદ છે ને જે “ગીવ મી સમ સનસશાઇન ગીવ મી સમ રેઇન, ગીવ મી અનધર ચાન્સ ટુ વાન અ ગ્રો અપ વન્સ અગેઇન” એમ કહીને એણે પોતાનો જીવનદીપ હમેશા માટે બુઝાવી દીધો હતો...આપણે આપણો જીવનદીપ એટલે બુઝાવવા નથી દેવાનો કારણ કે એ જીવનદીપ પર આપણો જ નહિ પણ આપણા માતા પિતા, દાદા દાદી, ભાઈ બહેન, પરિવાર અને ના જાણે કેટ કેટલાનો જીવનદીપ પ્રજ્વલિત હોય છે.
જયારે તમને એક પરીક્ષામાં ફેઈલ થવાના કારણે મરવાના વિચારો આવતા હશે ત્યારે તમને ખબર પણ નહિ હોય અને કોઈક જીવવા માટે કોઈ અસાધ્ય રોગ સામે લડી રહ્યું હશે. કોઈક લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંજયના મંત્ર જપતું હશે. કોઈ અનેક પીડાઓ, દવાઓ, ઓપરેશન સહન કરી રહ્યું હશે કે એને થોડું જીવનદાન મળી જાય ત્યારે આપણને કોઈ હક નથી આટલા અમુલ્ય જીવનને ગુમાવવાનો..
તો હસો, ખુશ રહો, પોતાની જાત ને અને બીજા ને બીજી તક આપો અને જિંદગી ના જાદુને જુઓ જે પળમાં બધું પલટાવી નાખે છે અને જોરથી કહો કે ‘ચાલ ઝીંદગી મારી સાથે’.
- અર્ચના તેજસિંહ ચૌહાણ








