મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / નરેન્દ્ર મોદી અને સંઘ: એક જંગ તો જૂનો છે જ! ભાગ 1

- કરન્ટ કીક હમણાં ચાલુ ઇલેક્શને એક અફવા ફેંલાઇ કે 2014 પછી પહેલીવાર નરેન્દ્ર મોદી ઓછા મતદાન બ

શતરંગ / નરેન્દ્ર મોદી અને સંઘ: એક જંગ તો જૂનો છે જ! ભાગ 1

- કરન્ટ કીક

હમણાં ચાલુ ઇલેક્શને એક અફવા ફેંલાઇ કે 2014 પછી પહેલીવાર નરેન્દ્ર મોદી ઓછા મતદાન બાબતે સંઘના નેતાઓ સાથે મિટિંગ કરવા નાગપુર ગયા અને ત્યાં મોડી રાત સુધી ગવર્નર હાઉસમાં રોકાયા, પણ કોઈ એમને મળવા જ ના આવ્યું, ગડકરી કે મોહન ભાગવત કોઈ નહિ. શરુઆતમાં તો યુટ્યુબના પત્રકારોએ ધડાધડ આ ખબરો ફેલાવ્યાં પછી અઠવાડિયે પુષ્ટિ થઈ કે આવું કશું બન્યું જ નથી. હવે મુદ્દો એ છે કે આ ન્યુઝ ફેલાવ્યાં કોણે?

પછી નાગપુર અને દિલ્હી વચ્ચે શું રંધાયું એ તો રામ જાણે, પણ તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડડાએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલીને કહ્યું કે- હવે અમે મોટા થઈ ગયા છીએ, અમારે હવે આરએસએસની જરૂર નથી. વાજપેયી યુગમાં પક્ષ નબળો હતો ત્યારની વાત જુદી હતી... દેખીતું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ મોદી-શાહની ઉપરવટ જઈને તો આવા નિવેદન કરવાના જ નથી. તો પછી મામલો છે શું? 

2014ના ઇલેક્શનમાં નરેન્દ્ર મોદી ચૂંટણીનો ચહેરો બન્યા એ સંઘના ઘણા મોટા મોટા પદાધિકારીઓને પસંદ જ ન્હોતું. કેમ કે, 2004માં વાજપેયી અને 2009માં અડવાણીના ચહેરાએ ખાધેલી શિકસ્તની કળ હજી વળી નહોતું. વળી, યુપી અને બિહારમાં જ્ઞાતિવાદના પ્રચંડ રાજકારણ સામે ભાજપનું હિંદુત્વ કે સવર્ણવાદનું ચોંટી ગયેલ લેબલ કાચું જ પડવાનું જ હતું. છતાં નરેન્દ્ર મોદીએ ભાજપ અને સંઘના અમુક મોટા માથાઓને પોતાની તરફેણમાં લઈને ચહેરો બન્યા અને 282 સીટોની પ્રચંડ બહુમતી સાથે દિલ્હીમાં ગાદીએ બેઠા. પણ વાતનું વતેસર તો એ પછી જ થવાનું હતું.

દિલ્હીની ગાદીએ બિરાજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલું કામ રાષ્ટ્રીય સ્વયં સેવકના સર સંચાલક મોહન ભાગવત સહિત બીજા પદાધિકારીઓ સાથે મળીને પ્રસ્તાવ મુક્યો કે, એક વર્ષ માટે આપણી સ્વદેશી જાગરણ મંચની તમામ પ્રવુતિ બંધ રહે તો વિકાસના કામોમાં ધ્યાન આપી શકાય. (મતલબ કે, કોર્પોરેટ કલ્ચર, ઇન્ટરનેશનલ બિઝનેસ રિલેશન વગેરે.) સંઘે એ પ્રસ્તાવ સ્વીકારી લીધો, પણ ખબર નહિ કેમ આજે દસ વર્ષે પણ સ્વદેશી જાગરણ મંચ સુષુપ્ત અંગ બનીને જ રહી ગયું. 

એ ઘટનાથી ગીન્નાયેલા સંઘના પદાધિકારીઓએ પણ બદલો લેવાનો મોકો ચુક્યો નહિ. 2019ના ઇલેક્શન પહેલા મોદીએ એ જ પદાધિકારીઓ સામેં રજુઆત મૂકી કે, હિન્દૂ-મુસ્લિમ બહુ થઈ ગયું. મારે ઇલેક્શન વિકાસના મુદ્દે જ લડવું છે. પણ એમાંના એક અધિકારીએ કટાક્ષમાં પણ હળવાશથી કહ્યું કે, તીર તો હવે કમાનમાંથી નીકળી ગયું છે! (પછી તો પુલવામા, બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક પછી રાષ્ટ્રવાદની પ્રચંડ લોકલાગણી હેઠળ એ ઇલેક્શન જીતાય ગયું.) 

પણ વાત આટલેથી અટકી નથી. 2014 અને 2019 તો બરોબર છે. પણ હવે 2024માં રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્ફોટક નિવેદન કેમ? વાત જો આવા નિવેદનથી અને કથિત અફવાથી ફેલાયેલા સમાચારોથી જ શરૂ થઈ છે તો ત્યાં જ પુરી કરવી જોઈએ. પણ એ માટે નેક્સ્ટ "કરન્ટ કીક" ની રાહ જુઓ...

- ડૉ. ભગીરથ જોગિયા

આ સમાચાર શેર કરો