મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

GSTV શતરંગ : માનાં આંસુ

- વહેતું જીવન - ડૉ. હર્ષદ કામદાર બેટા, હવે ફાઈનલ પરીક્ષા પતિ જાય પછી સારી નોકરી શોધવા લાગજે. હવે હું ફળો વેચીને થાકી જાઉં છું. સાંજના ભોજન પ

GSTV શતરંગ : માનાં આંસુ
આ સમાચાર સાંભળો

- વહેતું જીવન - ડૉ. હર્ષદ કામદાર

બેટા, હવે ફાઈનલ પરીક્ષા પતિ જાય પછી સારી નોકરી શોધવા લાગજે. હવે હું ફળો વેચીને થાકી જાઉં છું. સાંજના ભોજન પછી રમાબેને પોતાના એકના એક દીકરા સમીરને કહ્યું.

હા, મા, હું એમ.કોમ થઇ જાઉં પછી બધે નોકરી માટે અરજી કરવાનું ચાલુ કરી દઈશ. બેંકમાં કે સારી કંપનીમાં મને નોકરી મળી જ જશે. પછી તારે આ મહેનત કરવાની જરૂર નહીં રહેધ સમીરે જવાબ આપ્યો.

બહુ સરસ, પછી તારે માટે સારી કન્યા શોધીને લગ્ન કરી નાખવા છે. માતા રમાબેને હોંશે દીકરાના લગ્ન માણવાના સપના જોવા માંડયા. 

ના ના, મારે હજી લગ્નની ઉતાવળ કરવી નથી. નોકરીમાંથી સારી એવી બચત કરી ભવ્ય ધામધૂમથી લગ્ન કરવા છે.કહીને સમીરે લગ્ન કરવાનું ટાળી દીધું.

વાસ્તવમાં તે તેની જ કોલેજની એક વરસ જુનિયર સપનાનાં પ્રેમમાં મશગુલ હતો. સપના કરોડપતિ બાપની એકની એક દીકરી હતી. તેને સમીરની સાદગી અને સૌજન્ય ગમી ગયા હતા. 

છ મહિના પહેલા જ લાયબ્રેરીમાં એક ખૂણામાં સમીર ધ્યાન લગાવીને વાંચી રહ્યો હતો, ત્યાં સપના એકદમ જ એની પાસે આવી કહ્યું હાય, હું સપના સોની, કેમ છો ?ધ

સમીરને નવાઈ લાગી, પણ જવાબ આપતા કહ્યું, હેલ્લો, હું સમીર સુતરીયા.

હું અહી બેસી શકું છું ? સપનાએ પુછયું.

સમીરને પણ સપનાએ કરેલ વિવેક ગમ્યો એટલે હકારમાં કહ્યું હા, સ્યોર, કેમ નહિ.

પછી તો આ રોજનો ક્રમ થઇ ગયો. બન્ને સાથે બેસીને કલાકો વાંચતા રહેતા. વચ્ચે સાથે જ કેન્ટીનમાં ચા નાસ્તો કરવા જતા.

મારા પપ્પાને સી.જી. રોડ પર સોના ચાંદીનો મોટો શો રૂમ છે. છ માણસોનો સ્ટાફ છે, અને અમારો બંગલો સેટેલાઈટ રોડ પર છે. સપનાએ ચા પીતાં પોતાની ઓળખ આપી. 

સમીર વિચારમાં પડી ગયો. તેને સપના ગમી ગઈ હતી, પણ સાચું કહેવાની હિંમત ન ચાલતા તેણે ફેંકવાની શરૂઆત કરી. 

મારા પપ્પાને ઓટો સ્પેરપાર્ટ્સનો મોટો બીઝનેસ છે અને ચાર માણસનો સ્ટાફ છે અને અમારો બંગલો નારણપુરામાં છે. મારા પપ્પા મને બિઝનેસમાં નાખવા માંગે છે પણ મારે તો મલ્ટીનેશનલ કંપનીમાં સારી જોબ કરવી છે. કહેતા તેને ખ્યાલ હતો કે વાસ્તવિકતા અલગ જ છે. મન એક વખત સામેવાળાને ઈમ્પ્રેસ કરવા ફેકવાનું શરુ કરે પછી તેનો કોઈ અંત જ નથી.

અસલમાં સમીરની વિધવા માતા રમાબેન ફળો વેચવાની લારી ચલાવી રહ્યા હતા. તેના પપ્પાનું પાંચ વરસ પહેલાં જ હાર્ટએટેકથી અવસાન થતા રમાબેને પોતે તેમની ફળોની લારી ચલાવવાનું શરુ કર્યું હતું.  તેમનું ઘર ગુલબાઈ ટેકરાની ચાલીમાં જ હતું. રમાબેન મહેનત કરીને સમીરને ભણાવી રહ્યા હતા કે જેથી ભવિષ્યમાં તેને સારી નોકરી મળી જાય. 

વાહ, તારે કેટલા ભાઈ બહેન છે ? સપનાએ ખુશ થતા પુછયું. તે હવે તેની સાથે લગ્ન કરી ઘર વસાવવાના સપના જોવા લાગી હતી. 

હું એકનો એક જ છું. સમીરે કહ્યું. 

સમીર ઈી કરેલા કપડા અને વ્યવસ્થિત બુટ પહેરતો હોવાથી સપનાને તેની અસલ પરિસ્થિતિનો ખ્યાલ જ ન આવ્યો. 

તો કાલે ગાડી લઈને આવજે ને, આપણે સાથે ફરીને પિક્ચર જોવા જઈશું. સપનાએ નિર્દોષભાવે કહ્યું. 

ના, ગાડી તો મારા પપ્પા રોજ દુકાને લઇ જાય છે અને બીજી ગાડી ગેરેજમાં છે. સમીરે હવે જુઠ ઉપર જુઠ બોલવું પડે એમ હતું એટલે સમીરને જે સુઝયું તે કહી દીધું. 

સપના તો હવે દિવસ રાત સમીર સાથેના સુખી લગ્નજીવન માણવાનાં સ્વપ્ન જોવા લાગી. શનિવારની સાંજે વાતાવરણ મદમસ્ત બનવા લાગ્યું હતું. સપનાએ જીદ્દ પકડી, સમીર, આજે તો તારી ગાડીમાં શોપિંગ કરીને ફરવા જઈએ.

હવે સમીર પાસે કોઈ બહાનું ન હતું, તેને તેનો મિત્ર અશોક યાદ આવી ગયો. 

દોસ્ત, આજે સાંજે તારી બલેનો ગાડી ચાર પાંચ કલાક માટે આપજે ને, મારી ગર્લફ્રેન્ડને ફરવા લઇ જવી છે. 

સમીરે કાકલુદી કરતા અશોકને કહ્યું. 

જો, આજે તો આપું છું, પણ આવું ક્યાં સુધી ચાલશે ? તારે એક દીવસ તો સાચી હકીકત જણાવવી જ પડશે ને. અશોકે ચેતવતા કહ્યું. 

હા એ તો મને ખબર છે. સમીરે જવાબ આપતા કહ્યું.

કલાક પછી નવી નક્કોર બલેનોમાં સમીર અને સપના સી.જી. રોડ પર ફરી રહ્યા હતા. સપનાને મોલમાંથી રેડીમેડ ગારમેન્ટ લેવા હતા, તેથી અંદર ગયા. 

બહાર આવતા સપનાને યાદ આવ્યું, આજે તો એક ટાણું છે. તેણે સમીરને કહ્યું, સમીર, મારે એક ટાણું હોવાથી સારા ફ્રુટ લેવા પડશે.

આગળ જતાં સુંદર ફળોની લારીમાં સફરજન, ચીકુ, કેળાં, વિગેરે જોઈ સપનાએ કહ્યું, અહીંથી જ લારીમાંથી લઈએ.

સમીરે જોયું તો તેની માં જ લારી ચલાવતી હતી. સમીરે ઇનકાર કરતા કહ્યું, ના, ના, આગળ મોટી દુકાનમાંથી લઈશું, અહી લારીમાં આપણી ઈજ્જત શું રહેશે ?

બે મિનીટમાં જ સફરજન અને કેળાં લઇ લઈશ, ઉભી રાખ. સપનાએ કહ્યું. 

રમાબેન મોટી ગાડીમાંથી પોતાના દીકરા અને સુંદર કન્યાને ઉતરતા જોઈ રહ્યા, પણ સમીર તો તેમને ઓળખતો જ ન હોય એવું વર્તન કરી બીજી તરફ જોઈ ગયો, રમાબેન સમજી ગયા કે દીકરો પોતાની ઓળખ આપતા શરમાય છે. બે જ મિનીટમાં ફળો ખરીદી અને સપના ગાડીમાં આવી ગઈ.  અરે ! મારો મોબાઈલ તો લારી પર જ રહી ગયો લાગે છે. કહીને સપના પાછી લારી તરફ ગઈ.  માજી, મારો મોબાઈલ અહી રહી ગયો લાગે છે. સપનાએ રમાબેનને પુછયું.

જોઈ લે બેટા, ક્યાય દેખાય તો. રમાબેને કહ્યું. સપનાએ લારીમાં ચારે તરફ નજર ફેરવી પણ મોબાઈલ મળ્યો નહી. તેને સમીરને બોલાવ્યો અને વાત કરી.

એય માજી, મોબાઈલ ક્યાં સંતાડયો છે ? સમીર પોતાની માને જાણે ઓળખતો જ ન હોય તેમ શંકાથી પૂછયું રમાબેન સમજી ગયા.

બેટા, મને ખબર જ નથી. મેં નથી લીધો. કહેતા રમાબેન રડમસ થઇ ગયા. 

આ માજી એમ નહી માને, પોલીસને જાણ કરવી પડશે. સપના હવે મક્કમ બની ગઈ 

પી.એસ.આઈ. ઝાલા અને જમાદાર સજુભાએ ફેરવી તોળવીને માજીને પૂછી જોયું, પણ માજી શું જવાબ આપે ? એમને તો મોબાઈલની ખબર જ ન હતી.

અંતે કંટાળીને ઝાલા સાહેબે ફળવાળા માજીને વાનમાં બેસાડી ચોકીએ લઇ ગયા. સમીર આ બધું જોતાં કોચવાઇ રહ્યો હતો, પણ શું થાય ? ઈજ્જતનો સવાલ હતો. 

ત્યાં તો મોલમાંથી માણસ સપનાને શોધતો આવ્યો અને કહ્યું, મેડમ, તમારો મોબાઈલ અમારા કાઉન્ટર પર આપ ભૂલી ગયા હતા. અમોએ બુમ પાડી પણ આપ નીકળી ગયા હતા.ધ

અરેરે ! આપણે માજીને ખોટા પોલીસને હવાલે કરી દીધા. સમીર પણ અવાક બની રડમસ થઇ ગયો. તેનું અંતરમન પસ્તાવાથી રડી ઉઠયું. ધઅરેરે ! મેં આ શું કર્યું ?

ચાલ સમીર, આપણે નવરંગપુરા પોલીસ સ્ટેશન ગાડી લઇ લે, આપણે ઝાલા સાહેબને ખરી હકીકત જણાવવી જોઈએ.

સાહેબ, મારો મોબાઈલ મળી ગયો છે, હું મોલમાં જ ભૂલી ગઈ હતી. ત્યાં મોલનો માણસ આવીને આપી ગયો. સપનાએ ઝાલા સાહેબને હકીકત જણાવી દીધી.

તમે અમીર લોકો આવા જ કરતૂતો કરી ગરીબને હેરાન કરો છો, અમારે મા સમાન માજીને કસ્ટડીમાં નાખવા પડયા છે. ઝાલા સાહેબ બગડયા. 

સમીર આ સાંભળી તરત અંદર કસ્ટડી તરફ દોડયો. પોતાની માની આંખોમાંથી નીકળતી અશ્રુધારા જોઈ માંનાં ખોળામાં ઢળી ગયો.માં મને માફ કરી દે. ખોટી ઈજ્જતનાં વહેમમાં આ ભૂલ કરી બેઠો.

રમીલાબેન પશ્ચાતાપ કરતા બેટાને પસરાવતાં બેઠો કર્યો. સપના આ દ્રશ્ય જોઈ વિચારમાં પડી ગઈ. આ ડોશી સમીરની માં છે !

ત્યાં તો પાછળ ઝાલાસાહેબે બંનેને પકડી કહ્યું, તમે ખોટો આરોપ લગાવ્યો છે તેથી તમને બંનેને કસ્ટડીમાં લઇ ગુનો દાખલ કરવો પડશે.

ના ના સાહેબ એમનો કોઈ ગુનો નથી, જુવાનીયોથી ભૂલ થઇ જાય, તેમને જવા દો. રમીલાબેન કરગરતાં બોલ્યા.

ઝાલાસાહેબ, સપના અને જમાદાર ગરીબ માજીને જોતા જ રહી ગયા. ત્યાં તો રેડિયો પરથી સ્થિતિને અનુરૂપ ગીત ચાલુ થયું, ધએ મા તેરી સુરત સે અલગ ભગવાન કી સુરત ક્યા હોગી ?

આ સમાચાર શેર કરો