મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / મોદી અને સંઘ: મામલો મેદાને છે અને નથી!

- કરન્ટ કીક આ વખતે ચૂંટણીની વચોવચ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડડાએ કહ

શતરંગ / મોદી અને સંઘ: મામલો મેદાને છે અને નથી!

- કરન્ટ કીક

આ વખતે ચૂંટણીની વચોવચ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડડાએ કહ્યું કે-અમારે હવે સંઘની જરૂર નથી. વાજપેયીના સમયમાં અમે નાના હતા, હવે અમે મોટા થઈ ગયા છીએ... આ સ્ટેટમેન્ટ નવાઈ પમાડે એવું વિવાદાસ્પદ તો હતું જ, કેમ કે, ભાજપના કોઈ નેતાઓએ અમથું પણ ના કહ્યું કે, આ એમના અંગત વિચારો છે અને પાર્ટીએ આની સાથે કોઈ લેવાદેવા નથી. પણ એનાથી મોટું આશ્ચર્ય સંઘનું મૌન હતું...

પણ નવમી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર શપથ લીધા અને દસમી તારીખે સંઘના સર્વસર્વા સરસંઘચાલક મોહન ભાગવતજીએ મૌન તોડયુ. એમણે નામ લીધા વિના સેવકને અહંકારી કહ્યા. ચૂંટણી પ્રચારમાં ઉલ્લંધાયેલી મર્યાદાઓની વાત કરી. ઉપરાંત, ચૂંટણી કોમ્પિટિશન છે, યુદ્ધ નથી એવો કટાક્ષ પણ કર્યો. હજી તો આ નિવેદન તાજું હતું ત્યાં સંઘના વરિષ્ઠ કાર્યકારિણી રતન શારદાએ આ જ બાબતે તીખા કટાક્ષ કરતો લેખ લખ્યો. અને ત્રીજા કે ચોથા દિવસે વરિષ્ઠ પદાધિકારી ઇન્દ્રેશ કુમારે જાહેરમાં કહ્યું કે- રામને લાવનાર અહંકારી બની ગયા. એથી એ 240 સીટે અટકી ગયા...

અગાઉ બે ભાગમાં મોદી-સંઘના જંગ વિશે બે ભાગમાં gstv પર જ લખેલું એમ ભાગવતજી કદાચ મોદીની પ્રચંડ બહુમતી જરાક નબળી થવાની રાહ જોઈ રહ્યા હતા. વળી, મોદીએ આવા સ્ટેટમેન્ટ પછી વર્તન જાણે એમ રાખ્યું કે પોતાને કોઈ જ ફરક પડતો નથી. અને મોદી સરકારમાંથી એનડીએ સરકાર બને તો પણ ગવર્નન્સ સ્ટાઇલ તો એ જ રહેશે. એટલે જ ગૃહમંત્રાલય કે રેલવે મંત્રાલય સહિતના મોટા પોર્ટફોલિયોમાં પિક્ચર એનું એ જ રહ્યું. હા, કહેનારાઓ કહે છે કે, નીતિન ગડકરીને અગાઉનું મંત્રાલય ફરીથી મળ્યું એ કદાચ સંઘના ચાબખાઓનું પ્રમાણ હોઈ શકે.


આ બધામાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ખરેખર તો ચૂંટણીના પરિણામ પછી મોદીજીએ સૌપ્રથમ ભાજપના સંસદીય દળની બેઠક બોલાવવી જોઈએ. ત્યાં સર્વાનુમતે એમને પક્ષના નેતા તરીકે પસંદ કરી લેવામાં આવે પછી એનડીએની બેઠક હાથે લેવાની હોય. જ્યારે અહીં તો સીધી એનડીએની બેઠકમાં રાજનાથ સિંહે ઔપચારિક જાહેરાત કરી દીધી કે સર્વાનુમતે નરેન્દ્ર મોદી ભાજપીય સંસદીય દળના નેતા છે. એ બેઠકમાં વાયરલ થયેલા વીડિયોમાં નીતિન ગડકરીની બેચેની મોટાભાગના લોકોએ જોઈ જ હશે. (એકમાત્ર નેતા જે મોદીના સન્માનમાં ઉભા પણ ના થયા.) 

મોદીના દસ વર્ષના શાસનકાળમાં આરએસએસ પાસે અગાઉની કેમ સલાહ સૂચનો લેવાયા નથી એ હકીકત છે. વળી, પરંપરા પ્રમાણે સરસંઘચાલક મંત્રીઓની કામગીરી બાબતે કડક મિટિંગ લેતા, એ પણ નરેન્દ્ર મોદીના આગમન પછી 2015માં છેલ્લીવાર થઈ. (એ મિટિંગમાં ખુદ મોદીજીએ પણ બધી ફાઇલો લઈને મોહન ભાગવત પાસે આવવું પડેલું.) બાકી તો સ્વદેશી જાગરણ સમિતિ હોય કે કિસાન સંઘ કે વિધાર્થી પરિષદ હોય, સંઘની લગભગ પરંપરાગત પ્રવૃત્તિઓ ઘણે અંશે ગોકળગાય થઈ ગઈ છે. 

હા, અને સંઘનો એક રેકોર્ડ છે કે, 1975થી 2014 સુધી આજ સુધી જે જે સરકારોની પાછળ એ પડ્યું એ સરકારો ક્યારેય બચી નથી. પછી એ 2004ની પોતાની જ સરકાર કેમ ના હોય! સંઘ ભલે ભાજપને ક્યારેય નુકશાન ના કરે પણ પોતાના નિયમોથી બહાર જનારા વાજપેયી અડવાણીની પણ બેધડક ટીકા કરતું. હવે આ વખતે જોવાની વાત એ છે કે નરેન્દ્ર મોદી પણ કાચા ખિલાડી નથી. 

આ લવ-હેટનો સંબંધ આગળ ક્યાં પહોંચશે અને કોનો હાથ એમાં ઉપર રહેશે એનો અંદાજો આપણને અધ્યક્ષની ચૂંટણી પરથી આવી જશે. મોદી-શાહ ઇચ્છશે કે પોતાના કહ્યામાં પોતાના ફેવરિટ હોય એવા કોઈ નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે. અને સંઘ ઇચ્છશે કે મોદી-શાહને ટક્કર આપે એવો કોઈ લડાયક નેતા!

- ડૉ. ભગીરથ જોગિયા

આ સમાચાર શેર કરો