શતરંગ / માઈન્ડફુલનેસ: સમૃદ્ધ જીવનની 5 જાપાનીઝ ચાવીઓ
- જિજીવિષા વિશ્વના સૌથી મોટા અટોમિક હુમલા બાદ પણ જાપાન અત્યારે દુનિયાના દેશો કરતાં લગભગ 10 વર

- જિજીવિષા
વિશ્વના સૌથી મોટા અટોમિક હુમલા બાદ પણ જાપાન અત્યારે દુનિયાના દેશો કરતાં લગભગ 10 વર્ષ એડવાન્સ છે. Ai ની દુનિયાની બારખડી હજુ આપણે માત્ર શીખી રહ્યા છીએ ત્યાં ફિઝિકલ ai સાથે તેઓ કામ લઇ રહ્યા છે. ટેક્નોલોજીની વાત કદાચ સાઈડ પર મૂકીએ તો પણ જાપાનીઝ લોકોની તંદુરસ્તીથી લઈને ડિસિપ્લિનના કિસ્સાઓ જગ જાહેર છે. 100 વર્ષથી ઉપરના લોકો ત્યાં એકદમ તંદુરસ્ત જીવન જીવે છે. કામ કરવાની જીવંત પ્રણાલી સાથે અહીં આરામ અને માનસિક સુખને વધુ મહત્વ આપવામાં આવે છે.ચાલો જાણીએ એ વિશ્વ પ્રસિદ્ધ ટેક્નિક્સ જેના આધારે આ લોકો દુનિયાથી આટલા એડવાન્સમાં ચાલે છે
ઇકીગાઈ
તમારા જીવનના લક્ષને શોધવું. તમારે જીવનમાં શુ જોઈએ છે અથવા તો તમે કેવું જીવન જીવવા માંગો છો, માત્ર એજ વાત તમારી કાર્ય પ્રણાલી માટે એક ઉર્જાનુ કામ કરે છે. જેને જીવનમાં કશું કરવુ જ છે એને કોઈ મોટીવેશનની જરૂર નથી. એમનુ લક્ષ્ય જ, એમની કામ કરવાની પદ્ધતિ અને ગતિ નક્કી કરે છે. આ સિદ્ધાંત માત્ર વ્યવસાય રીતે નહિ પરંતુ આપણાં સમગ્ર જીવન ધોરણ માટે પણ ખૂબ જ મહત્વનો છે.જાપાનની તોહોકુ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને કાર્ડયૉવેસ્ક્યુલર રોગોના ઓછા જોખમો તેમજ લાંબા આયુષ્ય સાથે જોડ્યો છે. પરંતુ કોઈ પોતાની ઇકીગાઈને કેવી રીતે શોધી શકે? એ કોઈ તાત્કાલિક કે યુરેકા ક્ષણ દ્વારા રચાતી પ્રોસેસ નથી. એતો તમારા વક્તિત્વ અને તમારા લક્ષનો ભવનાત્મક સહયોગ છે. જે તમારા કૌશલ્યને એક નિર્ધારિત પરિણામ સુધી લઇ જવામાં તમને મદદરૂપ બને છે.
કાઇઝેન
યુદ્ધ પછી જાપાનમાં કાઇઝેનનો સિદ્ધાંત લાગુ પાડવામાં આવ્યો હતો જેનો અર્થ થાય છે "સતત સુધારણા". જે જાપાનીઝ ફિલસૂફીના પાયાના પથ્થર જેવો છે, જે નાના અને સતત ફેરફારોની તાકાત શીખવે છે. જાપાનીઝ મેન્યુફેક્ચરિંગમાં શરૂઆતમાં આ નિયમ લાગુ કરવામાં આવેલો પરંતુ એ વ્યાપકપણે દરેક જગ્યાએ ઉપયોગી છે.જે સતત તીવ્ર ફેરફારોને બદલે ધીમે ધીમે થતાં સુધારા પર ભાર મૂકે છે.
ઘણી વાર, એકદમ કોઈ કિક મળે, ને અચાનક જો ડિસિઝન લેવામાં આવે, જેમકે સુગર લેવલ વધુ આવ્યું તો તાત્કાલિક જીમ જોઈન કરી લેવું કે ખાંડ બંધ કરી દેવી એ ક્દાચ લાંબા સમય માટે અસરકારક ના હોય પણ ધીમે ધીમે દિનચર્યામાં સુધારો કરવો કે રોજ 10 મિનિટ માટે કસરત શરૂ કરવી, કે ચા બંધ કરવી, નાના નાના ફેરફારો અનુકૂળતા પ્રમાણે તેને ડેઇલી રૂટિનમાં લઇ આવતા તેની અસર જીવનભર કામ લાગે છે.
પોમોડોરો ટેક્નિક
ફ્રાન્સેસ્કો સિરિલોએ 1980ના દાયકાના અંત ભાગમાં પોમોડોરો ટેકનિક વિકસાવી હતી. પોમોડોરો ટમેટાનુ ઇટાલિયન નામ છે. જે એક ટમેટા આકારના કિચન ટાઈમરને સૂચવે છે.આ એક કાર્યપદ્ધતિ માટેની ટેક્નિક છે, જેમાં 25 મિનિટ કામ કર્યા બાદ 5 મિનિટનો આરામ લેવામાં આવે છે. આ ટેક્નિકના ઉપયોગથી કાર્યક્ષમતામાં નોંધ પાત્ર વધારો જોવા મળે છે અને કામના લીધે થતાં માનસિક તણાવોમાં રાહત મળે છે. પામડોરાસ એટલે કે અંતરાલ,રોજ બરોજના કામોમાં અમુક સમય બાદ નિયમિત રીતે લેવાતા અંતરાલથી જીવન શૈલીમાં નોંધપાત્ર સુધારા જોવા મળે છે.
હારા હાચી બૂ
ભારતમાં પીરસેલી થાળીમાંથી ગાય કુતરાનો ભાગ કાઢવાનુ મહત્વ પૂર્વજોએ સારી રીતે જાણ્યું હતું. બસ આજ સિદ્ધાંત છે હારા હાચી બૂ, એટલે કે જ્યાં સુધી. 80%સુધી ધરાય જાઓ ત્યાં સુધી જ જમો. જેટલી ભૂખ લાગેલી હોય એટલું જમવું સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ સિદ્ધાંત માત્ર તંદુરસ્તી માટે જ નહિ પરંતુ આ માઇન્ડફુલ આહારનો આ ખ્યાલ ખોરાક પ્રત્યે સંતુલિત, જાગૃત અભિગમનું ઊંડું પ્રતિબિંબ છે.
આપણે વારંવાર જાપાનના ઓકીનાવા વિશે નેટ પર કે સોશિયલ મીડિયા પર જાણતા હોઈએ છીએ. અહીં દુનિયામાંના સૌથી તંદુરસ્ત વૃદ્ધ જેની આયુષ 100 વર્ષથી ઉપર છે એવો સમૂહ વસે છે. અને સંશોધકોના માનવા મુજબ અહીંના લોકો હારા હાબી બૂ ટેક્નિકનો જીવનશૈલીમાં ઉપયોગ કરે છે. જીવનમાંથી વધારાની કેલરી ઘટાડવા માટેની આ એક બહેતરીન ટેક્નિક છે.
શોશીન
શોશીનનો અર્થ થાય છે,શિખાઉ લોકોનુ મન. આ સિદ્ધાંત એટલે મહત્વનો છે કે જયારે કોઈ વ્યક્તિ કોઈ નવા જ અભિગમનો પહેલી વખત સામનો કરે છે ત્યારે તેમના મન એ દરેક પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ હોય છે, જયારે અનુભવી લોકો મનમાં પૂર્વગ્રહો અને પૂર્વયોજનાઓ દ્વારા પરિસ્થિતિનુ અનુમાન લગાવી લેતાં હોય છે.શોશીનને અપનાવવાનો અર્થ એ છે કે તમે પરિચિત પરિસ્થિતિઓમાં પણ શીખવા માટે હંમેશા તૈયાર રહો છો, અને નવી શક્યતાઓનો ખુલ્લા મનથી સ્વીકાર કરો છો. આજ અભિગમ મનને ચપળ અને જુવાન રાખે છે, જે સતત વ્યક્તિગત વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે.
જાપાની ટેક્નિકસ એ પરિપૂર્ણ અને અર્થ સાથે જીવન જીવવાની શ્રેષ્ઠ અને સાબિત થયેલ પદ્ધતિઓ છે. ઇતિહાસના શાસ્ત્રો હોય કે કોઈ ધર્મગુરુઓનો ઉપદેશ, જ્યાં સુધી દિનચર્યા અને અભિગમમાં તેનો વ્યવહારિક ઉપયોગ થતો નથી ત્યાં સુધી બધુ વ્યર્થ છે. જાપાનની આ માઈન્ડફુલનેસ માટેની પદ્ધતિઓનું જાપાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાપાનીઝ લાઈફ સ્ટાઇલમાં સાફ પ્રતિબિંબ પડે છે.
- જીજ્ઞા જોગીયા








