શતરંગ / મેઘાણીની સમજ અને ડાયરાના કલાકારોની નાસમજ!
- નાની નાની વાતો ઝવેરચંદ મેઘાણીએ લોકવારસો શોધીને-સંપાદિત કરીને બળુકી ભાષામાં આપ્યો છે, પણ

- નાની નાની વાતો
ઝવેરચંદ મેઘાણીએ લોકવારસો શોધીને-સંપાદિત કરીને બળુકી ભાષામાં આપ્યો છે, પણ એમાં ક્યાંય પ્રમાણભાન ભૂલાય ના જાય એની ય સજાગતા રાખી છે.
એક દુહો છે કે:
"અંગ્રેજોને આવડ્યું નહિ ને વાળાને કરી નહિ વાત,
નહિ તો જરમન જેવી જાત્ય જગમાં રે’વા નો દેત રામડો !"
આ દુહો વાંચીને તમે શું સમજ્યા?
આ બહારવટિયા વીર રામવાળાનો દુહો છે. આ દુહો આજે સૌરાષ્ટ્રમાં ડાયરામાં વીર રામવાળાની વાત થાય ત્યારે બોલાય છે. એનો અર્થ એવો છે કે: “અગ્રેજોને આવડ્યું નહિ અથવા તો સુજ્યું નહિ...નહિ તો અંગ્રેજોએ જો રામવાળાને વાત કરી હોત તો રામવાળાએ જર્મનોને ખતમ કરી નાખ્યા હોત, વિશ્વમાં જર્મનની જાતિ જ ના રહેવા દીધી હોત.”
તમે ‘સોરઠી બહારવટિયા’માં રામવાળાનું પ્રકરણ વાંચો તો એમાં છેલ્લે ઝવેરચંદ મેઘાણીએ રામવાળાના ૧૨ દુહા ટાંક્યા છે. એમાં આ દુહો નથી. પણ એમાં છેલ્લે એક એવો દુહો છે કે:
"અંગ્રેજ ને જરમન આફળે બળીઆ જોદ્ધા બે
ત્રીજું ગર્યમાં તે રણ જગાવ્યું રામડા !"
આ દુહો ટાંકીને મેઘાણી લખે છે કે, "પહેલા વિશ્વયુદ્ધમાં યુરોપમાં અંગ્રેજ અને જર્મન જેવા બે બલવાન યોદ્ધા લડતા હતા. અને ત્રીજું યુદ્ધ રામવાળાએ ગીરમાં જગાવ્યું. આ દોહામાં ફક્ત એટલું જ ઉપયોગી સૂચન છે, કે રામવાળાનું બહારવટું પહેલા મહાયુદ્ધ (વિશ્વયુદ્ધ)ને વખતે થયેલું."
આ મેઘાણી છે. આ વાંચીને મેઘાણી માટે માન થઇ જાય. મેઘાણીએ ઉપર ડાયરામાં બોલાય છે એ દૂહો શૈલી એક જ હોવા છતાં ૧૨ દુહામાં લીધો જ નથી. વળી જે લીધો એમાં મેઘાણીની ટાંક જુવો કે “આ દોહામાં ફક્ત એટલું જ ઉપયોગી સૂચન છે, કે રામવાળાનું બહારવટું પહેલા મહાયુદ્ધ (વિશ્વયુદ્ધ)ને વખતે થયેલું.” મેઘાણી જાણે છે કે પહેલા વિશ્વયુદ્ધ અને એમાં પણ જર્મની-ઇંગ્લેન્ડની લડાઈ સાથે ગીરમાં ખેલાતા રામવાળાને નાનકડા બહારવટાને સરખાવાય નહિ.
મેઘાણીને લોકવારસો શોધીને-સંપાદિત કરીને બળુકી ભાષામાં આપવો છે, પણ એમાં ક્યાંય પ્રમાણભાન ભૂલાય ના જાય એનું ધ્યાન ય રાખવું છે. ‘રસધાર’ કે ‘સોરઠી બહારવટિયા’ કે ‘સોરઠી સંતો’ વગેરેની વાર્તાઓ વાંચ્યા પહેલા એની પ્રસ્તાવનાઓ અને હરેક આવૃત્તિ વખતે મેઘાણી શું કથન કરે છે, પહેલા આ વાંચીએ તો ખ્યાલ આવે કે મેઘાણી કેટલા સચેત છે કે આ લોકોવારસો 'મિથ્યાભિમાન' પોષવાનું કામ ના કરે !
‘સોરઠી બહારવટીયા’ પુસ્તકમાં જેટલા બહારવટીયાની વાત છે એમાં રામવાળાનો બહારવટાનો સમય સૌથી તાજો છે. ૧૯૧૩થી ૧૯૧૫ વચ્ચે દોઢેક વર્ષ રામવાળાએ બહારવટુ કર્યું અને પછી ગિરનારના બોરિયાગાળામાં પોલીસ સાથેની મૂઠભેડમાં એનું મૃત્યુ થયું. એક રીતે જુવો તો મેઘાણીએ ‘સોરઠી બહારવટિયા’ લખી એના બારેક વર્ષ પહેલા જ રામવાળા હયાત હતા. પણ એ દોઢેક વર્ષના ટૂંકાગાળાના બહારવટામાં રામવાળાનું જીવન એવું રહ્યું કે એ ખુબ જ લોકપ્રિય બહારવટીયામાં સ્થાન પામે છે! હવે બાકી રહી વાત પેલા દુહાની તો વિચારો તો સૌરાષ્ટ્રના એક નાનકડા પ્રાંતમાં ગાયકવાડ સરકાર વિરુદ્ધ રામવાળાનું બહારવટુ ખેલાતું હોય, એ પ્રાંત, એ ગાયકવાડી રાજ્ય, એ સૌરાષ્ટ્ર પોતે, આપણો આખો દેશ અને દુનિયાના કેટલાય દેશો એ સમયે જે અંગ્રેજોના ગુલામ હતા, એ અંગ્રેજોને જે જર્મનો હંફાવતા હોય. એ જર્મનોની જાતિ નાબુદ કરવાની વાત આપણે રામવાળા સાથે જોડીને વાત કરીએ એ કેટલી વાજબી? જે-તે સમયે મોજના તોરા છૂટી ગયા હોય અને કોઈ કવિએ આ દુહો લલકાર્યો એ સમજી શકાય છે. પણ એની રજૂઆત આજે આપણી નવી પેઢી પાસે મિથ્યાભીમાનથી કરવી કેટલી યોગ્ય? જર્મન્સ કે જેણે બે-બે વિશ્વયુદ્ધોમાં વિશ્વભરની સત્તાઓની હલાવી નાખી, પોતે પાયમાલ થઇ જવા છતાં એ ફરી બેઠા થયા, આજે જર્મનીનો પાસપોર્ટ છેલ્લા કેટલાય વર્ષોથી ટોપ 5માં છે. અમુક વર્ષો તો નંબર-1 રહ્યો છે. ક્યા દેશના નાગરીકને વિશ્વના કેટલા દેશો વિઝા વિના પોતાના દેશમાં આવવાની પરમીશન આપે છે, એના પરથી પાસપોર્ટ રેન્કિંગ થતું હોય છે. જેટલો પાસપોર્ટનો રેન્ક ઉપર એટલી એ
દેશની વિશ્વનિયતા વિશ્વમાં વધુ. વિશ્વના દેશો માને કે આ દેશનો કોઈ નાગરિક અમારે ત્યાં આવીને કશી જ મુશ્કેલી નહિ સર્જે એ વિશ્વાસ. તો અન્ગ્રેજોએ જો રામવાળાની મદદ લીધી હોત તો જર્મન જેવી પ્રજા જગતમાં રહી ના હોત એવી વાત કરવી વધુ પડતી વાત નથી?
સમજી શકાય એવી વાત છે કે ડાયરામાં બેઠેલ વ્યક્તિ આ દુહાને આમ સમજીને સાંભળતો નથી, પણ આ દુહો તો માત્ર એક ઉદાહરણ છે, વાત એ વૃતિ પર સંયમ મેળવવાની છે !
કસુંબો:
ડાયરો એ સૌરાષ્ટ્રની સંસ્કૃતિનો એક અજોડ ભાગ છે, પણ એમાં ય પ્રમાણભાન તો જળવાય તો સારું છે. જે પૂર્વસૂરી કલાકારોમાં મહદઅંશે જોવા મળ્યું છે. પ્રથમ તો કલાકારો પોતે વધુ વાંચે. બાકી તો એવું થાય કે મેઘાણીની વંદના કરતાં કરતાં કલાકારો મેઘાણી જે બાબતની ડર હતો એ જ કામ કરે...
- કાનજી મકવાણા








