શતરંગ / મેરેજ બાય ચોઈસ કે બાય ફોર્સ?
- ચાલ જિંદગી મારી સાથે તો ગયા અઠવાડિયે આપણે કૃપાની વાત કરી કે જેનું સપનું હતું યુ.પી.એસ.સી પાસ કરીને

- ચાલ જિંદગી મારી સાથે
તો ગયા અઠવાડિયે આપણે કૃપાની વાત કરી કે જેનું સપનું હતું યુ.પી.એસ.સી પાસ કરીને સિવિલ સર્વન્ટ બનવાનું અને એના માતા-પિતાનું સપનું છે કે હવે એ પચ્ચીસની થઇ એટલે એણે લગ્ન કરી લેવા જોઈએ. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કૃપા એ શું કરવું જોઈએ? લગ્ન કરવા ખુબ જરૂરી છે પણ શું એમાં વ્યક્તિની મરજી હોવી જરૂરી નથી? એક છોકરીને ક્યારે લગ્ન કરવા એ કોણ નક્કી કરે? લોકો કે એ છોકરી પોતે? અને ધારો કે કોઈને લગ્ન નથી કરવા તો શું ? શું એ દેશદ્રોહ થઇ ગયો? એક ચોક્કસ માળખામાં ના જીવતી હોય તો એ છોકરીઓ કે સ્ત્રીઓ કેમ બધાને આંખમાં ખુંચતી હશે? જે સ્ત્રીઓ સપનાં જુએ અથવા પોતાની મહત્વાકાંક્ષાને પ્રાધાન્ય આપે અથવા જેનામાં આગળ વધવાનું ઝનુન હોય એ બધી જ સ્ત્રીઓના ચારિત્ર્યના પ્રમાણપત્ર તૈયાર કરવાવાળા બીજા બધા થાય છે કોણ? અને કોઈ છોકરી એમ કહી દે કે મારે અત્યારે લગ્ન નથી કરવા એટલે શરુ થઇ જાય કે એ છોકરીને હશે કોઈની સંબંધ..આ એક યુનિવર્સલ કારણના સંશોધક હશે કોણ? આપણા જ જેવા કોઈ ને? લગન કરવાની યોગ્ય ઉમર કઈ? અને લગ્ન ઉમર મુજબ જ થવા જોઈએ કે માનસિક અને શારીરિક રીતે તૈયાર હોય ત્યારે થવા જોઈએ?
આપણી સમાજ વ્યવસ્થા એવી છે કે જેમાં જો સામાજિક રીતે કોઈ વિરોધ વગર લગ્ન થાય તો માત્ર બે વ્યક્તિઓના લગ્ન નથી થતાં પરંતુ બે પરિવાર અને એ પરિવારના અનેક લોકો પેઢીઓ સુધી જોડાઈ જાય છે ત્યારે એ પણ જરૂરી નથી કે લગ્ન કરનાર જવાબદારી લેવા અને નિભાવવા માટે માનસિક રીતે કેટલું તૈયાર છે? એક સ્ત્રીના લગ્ન થાય એટલે એની અટકથી લઈને એનો પરિવાર, રહેઠાણની જગ્યા, સંબધો બધું બદલાઈ જાય છે ત્યારે એ જરૂરી નથી કે એ બદલાવ એના માટે કેટલો સ્વીકાર્ય છે કે નહિ એનો નિર્ણય એ જાતે જ લે. અને જો કોઈ છોકરી એની મરજીથી એવો નિર્ણય લે કે મારે આજીવન નથી પરણવું તો શરુ થઇ જાય કે નહિ પરણે તો અત્યારે ખબર નહિ પડે પણ પાછળથી ખબર પડશે જયારે તું એકલી થઇ જઈશ. સમયસર લગ્ન કરી લે નહિતર ઉમર જતી રહેશે પછી કોઈએ સારી છોકરો નહિ મળે. સ્ત્રીનું જીવન તો ૩૫- ૪૦ વર્ષ સુધીનું હોય છે પછી એના જીવનમાં કશું ના રહે વગેરે..વગેરે.... કોઈને શું લાગશે? કોઈ શું વિચારશે? એમ વિચારીને જો કોઈ અયોગ્ય પાત્ર સાથે લગ્ન કરી લઇયે અને પછી ધારો કે કોઈ કારણસર એ સંબંધ ના ચલ્યો તો પણ આપણે તરત તૈયાર થઇ જઈએ છીએ કે એ સ્ત્રી કેવી કહેવાય કે જે પોતાના પતિને ના સંભાળી શકી પણ એવું તો ક્યારેય નથી કહેવામાં આવતું કે એ પુરુષ કેવો કહેવાય કે જે પોતાની પત્નીને ના સંભાળી શક્યો.
લગન જીવનની ખુબ સુંદર ઘટના છે. જે દરેક સ્ત્રી પોતાના જીવનમાં થાય એમ ઈચ્છે છે પણ એ સ્ત્રી માટે અંતિમ લક્ષ્ય ના હોવું જોઈએ. લગ્ન સ્ત્રીના જીવનને વધુ પરિપૂર્ણ બનાવું જોઈએ પણ એ ના થાય તો સ્ત્રી અપૂર્ણ છે એવું લેબલ ના લગાવવું જોઈએ. એક સંબંધ માટે બધા સપનાં, બધી ઈચ્છાઓ અને બધા લક્ષ્યોને બાજુમાં મૂકી દઈએ તો પછી એવી રીતે મળેલો સંબંધ આપણને ખુશ રાખી શકશે? કેટલીય વાર આપણે સમાચારમાં, સોશ્યલ મીડિયા પર એવું વાંચીએ છીએ કે અયોગ્ય લગ્નના કારણે કેટલીક વાર સ્ત્રીઓ આત્મહત્યા કરી લે અથવા એને એની સાસરીમાં મારી નાંખવામાં આવે છે પણ આપણે શું એ સમજવાની જરૂર નથી કે ડિવોર્સડ ડોટર ઈઝ બેટર ધેન ડેડ અને એનાથી વિશેષ, નો મેરેઝ ઈઝ બેટર ધેન રોંગ મેરેજ..
કોઈ યોગ્ય પાત્ર મળે જેની સાથે જોડાવવાથી એમ લાગે કે જાણે આ જ તો એ જગ્યા હતી જેની વર્ષોથી શોધ હતી તો લગ્ન ૨૨ની ઉમરે કરી લો તો પણ સારી જ બાબત છે પણ કોઈ શું કહેશે એ ડરથી કે એ દબાણથી આપણી દીકરીઓને લગ્ન કરવા મજબુર કરવી એ પોતાના સંતાન સાથે બહુ મોટો દ્રોહ નથી લાગતો?
તો આ આર્ટીકલ વાંચતા તમામ માતા - પિતાને મારી વિનંતી છે કે તમારી દીકરીઓને ઉમરની સાંકળમાં ના બાંધો. લગ્ન થશે પણ એના માટે સમયમર્યાદા ના બાંધો અને ખાસ કરીને સંબંધ જોડવા સમાધાન ના કરાવો. એક જીવન જ મળ્યું છે તો એમના સપનાંને પાંખો આપો નહિ કે પાંખો કાપો... એક દીકરી જે પોતાના સપનાં સાથે સમાધાન કરીને લગ્ન કરે છે એ બધી દીકરીઓ બહારથી તો હસતી હોય છે પણ આ વસવસો એને અંદર ને અંદર ઉધઈની જેમ ખોતરી રહ્યો હોય છે. અને હું જાણું છુ કે માતા-પિતા અંતે તો પોતાના બાળકની ખુશી જ ઈચ્છતા હોય છે. તો લગ્ન જેવી એક સુંદર ઘટનાને બોઝ ના બનાવીએ....એ ક્ષણની રાહ જોઈએ કે જયારે લાગે કે હવે સમય આવી ગયો છે કોઈની સાથે જોડાવવાનો. સુંદર જીવનને માણીએ અને જીવનમાં લગ્ન નામની સુંદર ઘટના ક્યારે થવાની છે એની રાહ જોઈએ અને જિંદગીને કહીએ કે ચાલ ઝીંદગી મારી સાથે...
- અર્ચના તેજસિંહ ચૌહાણ








