Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / મહેશ યાજ્ઞિક : You are burning useless lives and increasing your ego. You are thinking everything upside down

GSTV શતરંગ: નકામો જીવ બાળીને ઉધામા તું વધારે છે હકીકત હોય એનાથી બધું ઊંધું વિચારે છે

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: નકામો જીવ બાળીને ઉધામા તું વધારે છે હકીકત હોય એનાથી બધું ઊંધું વિચારે છે
સોર્સ : GSTV

સુધીરની નોકરી બેન્કમાં હતી, અને એની પત્ની અલકા સરકારી કોર્પોરેશનમાં નોકરી કરતી હતી. પતિ-પત્ની બંને કમાતાં હતાં, એટલે કાકા, મામા કે માસી જ્યારે જરૂર પડે ત્યારે એમની પાસે ઉછિના પૈસા માગતા હતા. અલકાને આ વાતની ભયાનક ચીડ હતી. એમાંય એક વાર માસાને આપેલા પૈસા મુદત પૂરી થઈ ત્યારે પાછા માગ્યા, એ વખતે માસાએ કહ્યું કે અલ્યા, તમે બંને કમાવ છો, તો ઉઘરાણીમાં ઉતાવળ કેમ કરો છો ? એ બનાવ પછી અલકા ખૂબ સતર્ક રહેતી હતી. એની સંમતિ વગર સુધીર કોઈની પણ સાથે નાણાંકીય વ્યવહાર ના કરી શકે એવી એની ધાક હતી.

App Store

આ ઉનાળામાં એ.સી. ખરીદ્યા પછી સુધીરે બચતનું આયોજન કર્યું હતું. રાત્રે દોઢ કલાક એ.સી. ચલાવ્યા પછી પંખાથી કામ ચલાવી લેવાનું. માત્ર રવિવારે બપોરે ઊંઘવાનો લાભ મળતો હતો. જમ્યા પછી એક કલાક એ.સી. ચલાવીને એની ઠંડકમાં ખેંચાય એટલી ઊંઘ ખેંચી લેવાની. કરકસરમાં તો અલકા એનાથી પણ ચાર ચાસણી ચઢે એવી હતી. આ રવિવારે સુધીર ઊંઘતો હતો. બાજુમાં અલકા નસકોરાં બોલાવતી હતી. ભરબપોરે બે વાગ્યે કોઈએ ડોરબેલ વગાડી. એ અવાજ કાનમાં વાગ્યો એટલે સુધીર જાગ્યો. આવી ગરમીમાં આ સમયે કોણ હશે ? કચવાટ સાથે એ ઊભો થયો. ફરીથી ડોરબેલ રણકી એટલે ગુસ્સા સાથે અલકા પણ જાગી ગઈ. સુધીરે ડ્રોઈંગરૂમમાં જઈને બારણું ખોલ્યું. આવનાર વ્યક્તિ અજાણી અથવા તો બહારગામની હશે એવી એની ધારણા સાચી પડી.

''અલ્યા, તારી ઊંઘ બગાડી હોય તો માફ કરજે, પણ અત્યારે બરવાળા પાછા જવાનું છે એટલે તને તકલીફ આપી...'' હાથમાં નાનકડી બ્રીફકેસ લઈને આવેલા સલીમ જીવાણીએ નિખાલસતાથી કબૂલાત કરી.

''નો પ્રોબ્લેમ...'' ઊંઘમાં ખલેલ પડી હતી એ વાત વિસારીને સુધીરે એને ઉમળકાથી આવકાર આપ્યો. ''આવ...બેસ.'' સોફા તરફ ઈશારો કરીને સુધીરે કહ્યું. સલીમ એની સામે સોફા ઉપર બેસી ગયો.

બેડરૂમમાંથી સાડી વ્યવસ્થિત કરીને અલકા પણ ડ્રોઈંગરૂમમાં આવી. એના ચહેરા પર હજુ ગુસ્સાનો તમતમાટ જોઈ શકાય એ રીતે છલકાતો હતો.

''ભાભીજી, નમસ્કાર...'' સલીમે ઊભા થઈને અલકા સામે બે હાથ જોડયા. ''ભરબપોરે તમને જગાડયા, પણ કામ એવું હતું કે આવ્યા વગર છૂટકો નહોતો. વળી, હમણાંને હમણાં પાછું બરવાળા જવાનું છે એટલે તમને ડિસ્ટર્બ કરવાની હિંમત કરવી પડી.''

અલકા એની સામે તાકી રહી. હજુ એને પૂરી ઓળખાણ નથી પડી, એનો સુધીરને ખ્યાલ આવી ગયો. ''અલકા, આ સલીમ જીવાણી છે. પાંચેક વર્ષ પહેલાં એ એક વાર આપણા ઘેર આવેલો, એટલે તને એ યાદ નહીં હોય...'' સુધીરે પરિચય આપ્યો. ''બરવાળામાં સ્કૂલમાં અને એ પછી ધંધૂકા કોલેજમાં અમે સાથે ભણેલાં. એ લોકોનો મોટો ફેમિલી બિઝનેસ છે એટલે બી.કોમ. થઈને એ એમાં જોડાઈ ગયો.  બહુ મોટું ફેમિલી છે એમનું. આજની તારીખે પણ એક રસોડે ચાલીસ માણસ જમે છે..''

''અરે દોસ્ત ! એ પિક્ચર હવે બદલાઈ ગયું છે...'' સુધીરને અટકાવીને સલીમે ખુલાસો કર્યો. ''અમ્મા-અબ્બાની વિદાય પછી ભાઈઓના ભાગ પડી ગયા. ત્રણેય ભાઈઓના રસોડા પણ અલગ અલગ થઈ ગયાં છે. અનવરે એનો ભાગ લઈને ગેરેજ ખોલ્યું છે. કરીમભાઈના ભાગમાં બરફની ફેક્ટરી આવી છે. એ પછી તમાકુ-છીંકણીનો કારોબાર મારા હિસ્સામાં આવ્યો છે. ધંધામાંય હવે પહેલાં જેવી બરકત નથી રહી પણ માલિકની મહેરબાનીથી દાલ-રોટી મળી રહે છે..''

અલકા રસોડામાં ગઈ અને પાણીના ગ્લાસ લાવીને એણે ટિપોઈ ઉપર મૂક્યા. ''સલીમ, બોલ ચા લઈશ કે ઠંડુ ?'' સુધીરે પૂછ્યું.

''જમીને છેલ્લા કોળિયે જ રિક્ષા પકડેલી, એટલે ચા નહીં પીવાય. છાસ કે લીંબુ પાણી હશે તો ચાલશે...'' સલીમે આખા રૂમમાં નજર ફેરવીને પૂછ્યું ''તારો દીકરો ક્યાં છે ?''

''ગયા વર્ષે બારમું પાસ કરીને એણે ચેન્નાઈમાં બાયોટેકની કોલેજમાં એડમિશન લીધું છે, એટલે એ ત્યાં છે. અહીં અમે હૂતોહૂતિ જલસા કરીએ છીએ.'' સુધીરે એને આટલી માહિતી આપીને અલકા સામે જોયું અને આંખના ઈશારાથી લીંબુનું શરબત બનાવવાની સૂચના આપી. લગીર કચવાટ સાથે અલકાએ રસોડા તરફ પગ ઉપાડયા.

''મારો મોટો દીકરો પણ આ વર્ષે બારમામાં સારા માર્કે પાસ થયો. એના કોલેજના અને હોસ્ટેલના એડમિશન માટે એને લઈને આજે આવેલો. ગાભા નીકળી જાય એવી એ બધાની ફી ભરી દીધી, એ મુશ્કેલીમાં પછી તારી મદદની જરૂર પડી. અહીં મને તો કોણ ઓળખે ? સંકટ સમયની સાંકળની જેમ તું યાદ આવ્યો એટલે તારું બારણું ખખડાવ્યું...''

''સાંભળો છો ?'' રસોડામાંથી અલકાએ બૂમ પાડી. ''આ ફીઝનું બારણું ફરીથી લોક થઈ ગયું છે. એક મિનિટ અંદર આવશો ?''

સલીમ સામે દયામણી નજરે જોઈને સુધીર તરત ઊભો થઈને રસોડા તરફ દોડયો. ફ્રીઝનો ટેકો લઈને અલકા દાંત ભીંસીને ઊભી હતી. ''ધ્યાનથી સાંભળી લો. આવા લુખ્ખા તમારા ભાઈબંધો ?'' ધીમા પણ રણકતા અવાજે અલકાએ ધમકી આપી. ''એ જે બોલ્યો એ બધું ય મેં સાંભળ્યું. ખબરદાર ! જો એક રૂપિયાની પણ મદદ કરી છે તો મારા જેવી ભૂંડી કોઈ નથી ! હું જાત તોડીને નોકરી કરું છું. તમારા આ અનવર, સલીમ કે કરીમ માટે કમાતી નથી. તમારા ભિખારા જેવા ભાઈબંધો આપણી ડબલ ઈન્કમ જોઈને દોડતાં ભીખ માગવા આવી જાય એ મારાથી સહન નહીં થાય.. સમજણ પડી ?''

''પ્લીઝ...'' સુધીરે હાથ જોડયા. ''ધીમે બોલ. એ સાંભળશે તો ખરાબ દેખાશે...''

''તમારે દાનેશ્વરી કર્ણ થઈને સારા દેખાવું છે ?'' એણે તીણા અવાજે ધમકી આપી. ''ચોખ્ખી ના પાડી દેવાની કે સગવડ નથી.'' એણે બ્રહ્માસ્ત્ર છોડયું. ''જો પૈસા આપવાની વાત કરશો તો એની હાજરીમાં મોટો ઝઘડો કરીશ !''

હાથના ઈશારાથી એને ધરપત આપીને સુધીર ડ્રોઈંગ રૂમમાં આવ્યો ત્યારે સલીમ મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ફફડતા હૈયે સુધીર ચૂપચાપ બેસી રહ્યો. અલકા શરબતના ગ્લાસ લઈને આવી અને સોફામાં સુધીરની પાસે જ બેસી ગઈ. બિલાડી ઉંદર સામે તાકી રહે એમ એ સલીમ અને સુધીર ઉપર નજર ફેરવી રહી હતી. હવે શું થશે ? એની ચિંતામાં સુધીરના હ્ય્દયના ધબકારા વધી ગયા હતા. પૈસા માટે અલકા ગમે તે કરી શકે એવો એને અનુભવ હતો એટલે ગભરાટથી એના પેટમાં હજારો પતંગિયા ઉડાઉડ કરતાં હતાં. સલીમ જો પૈસા માગશે તો ઘરમાં કેવું મહાભારત સર્જાશે એની કલ્પનાથી એ થથરી રહ્યો હતો. સલીમ હજુ મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરી રહ્યો હતો.

વાત પૂરી કરીને સલીમે મોબાઈલ ટિપોઈ પર મૂક્યો. એક જ ઘૂંટડે શરબતનો ગ્લાસ ખાલી કરીને એણે સુધીર સામે જોયું. ''પૈસાનો પ્રોબ્લેમ એવો છે કે તારા જેવા જૂના ભાઈબંધની મદદ લીધા સિવાય છૂટકો નથી...''

એ બોલતો હતો. અલકાનો ચહેરો તંગ હતો અને સુધીરના ધબકારા વધી ગયાં હતાં.

સલીમે હળવે રહીને પોતાની બ્રીફકેસ ટિપોઈ ઉપર મૂકીને ખોલી. એમાંથી પાંચસોની નોટના બે કડકડતાં પેકેટ બહાર કાઢીને ટિપોઈ પર મૂક્યા અને બ્રીફકેસ નીચે મૂકી. ''હવે મારા પ્રોબ્લેમની વાત સાંભળ...'' સલીમે સુધીર સામે જોઈને કહ્યું. ''દીકરાને અમદાવાદ ભણવા તો મૂક્યો, પણ એ હજુ બાળક બુધ્ધિ છે. એનો સ્વભાવ એની મા જેવો ઉડાઉ છે.

એણે મને કહ્યું કે બેન્ક ખાતું ખોલાવીને ક્રેડિટ કાર્ડ અપાવી દો. મેં એને સમજાવ્યું કે બેટા, તારી કોલેજની અને હોસ્ટેલની ફી ભરવામાં જ તારો બાપ ખાલી થઈ ગયો છે એ પછી તારું એડ્રેસ અને ફોન નંબર આપીને મેં એને સમજાવ્યું કે તારે જ્યારે જરૂર પડે ત્યારે સુધીર કાકો જ તારું એ.ટી.એમ. મશીન ! મારો જિગરી દોસ્તાર છે, એટલે તું માગીશ એટલા પૈસા એ તરત તને આપી દેશે. એ તને જે ઉછિના પૈસા આપશે એનો હિસાબ એની જોડે હું સમજી લઈશ. તારે ચિંતા કર્યા વગર સુધીરકાકાની પાસે પહોંચી જવાનું. એ કાચી સેકન્ડમાં તને પૈસા આપશે.''

એણે આટલું કહીને એ બંને પેકેટ લાખ રૂપિયા-સુધીર તરફ ખસેડયાં.

''એને આવું સમજાવ્યું છે એટલે એ ઓટોમેટિક કન્ટ્રોલમાં રહેશે. આ લાખ રૂપિયા તારી પાસે જમા રાખ. મારા દીકરાને જ્યારે જરૂર પડશે ત્યારે એ તારી પાસે આવશે. એને પૈસાનું શું કામ છે, એ પૂછીને એ માગે એટલા રૂપિયા આપજે. તારી ડાયરીમાં એ રકમની નોંધ રાખજે..''

એ બોલતો હતો. હવે શાંત ચિત્તે સુધીર સાંભળતો હતો. અલકા નીચું જોઈને બેઠી હતી.

 (શીર્ષક પંક્તિ : લેખક)