Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભવન કચ્છી : The season of planting dreams

GSTV શતરંગ: સપનાના વાવેતરની સીઝન

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: સપનાના વાવેતરની સીઝન
સોર્સ : GSTV

ભલે અગાઉના વર્ષોની તુલનામાં અવનવી કારકિર્દીઓના દ્વાર ખુલ્યા હોય પણ ભારતમાં તે  વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડશે કે વાલીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું લક્ષ્ય મેડિકલ કે એન્જીનીયરિંગના ઉત્કૃષ્ટ અભ્યાસ માટે દેશની ટોચની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવાનું છે જ્યાં ફીનું ધોરણ પણ સરકારી રાહે ઓછું હોય. આવી મેડિકલ કે એન્જીનીયરિંગ કોલેજોમાંથી ડિગ્રી મેળવ્યા પછી વિદ્યાર્થીની  લાઈફ ઉદાહરણીય બની જતી હોય છે.

App Store

મહત્વની પરીક્ષા 

૧૨માં ધોરણ પછી આ રીતે ઉત્કૃષ્ટ કે ભારતની ટોચના રેન્કની એન્જીનીયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે JEE (જોઈન્ટ એન્ટ્રન્સ  એક્ઝામ)અને મેડિકલ કોલેજ (ડેન્ટલ પણ )માં  અભ્યાસ કરવા માટે ૧૨માં ધોરણ પછી NEET (નેશનલ એલીજીબીલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પ્રવેશ માટે નિર્ણાયક મનાય છે.

એન્જીનીયરિંગમાં બે JEE (એક્ઝામ) હોય છે. એક JEE મેઈન કે જેના મેરીટ લિસ્ટને આધારે સામાન્ય રીતે દેશની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એન. આઈ. ટી) કોલેજો અને કેન્દ્ર સરકારના ફંડથી ચાલતી એન્જીનીયરિંગ કોલેજોનો સમાવેશ થાય છે.

આ મેઈન એક્ઝામના ટોપર્સની ઈચ્છા સ્વાભાવિક રીતે દેશની આઈ. આઈ. ટી. કોલેજોમા પ્રેવેશ લેવાની હોય છે તેઓએ JEE એડવાન્સ પરીક્ષામાં ઉચ્ચ રેન્ક મેળવવાના રહે છે.

રાજસ્થાનમાં આવેલ કોટામાં દેશભરમાંથી સરેરાશ અઢી લાખ વિદ્યાર્થીઓ કોચિંગ માટે JEE એડવાન્સના ટોપર્સ લિસ્ટમાં સ્થાન પામવાના સ્વપ્ન સાથે આવતા હોય છે. જયારે NEETમાટે ૧.૫ લાખ વિદ્યાર્થીઓ કોટાને શિક્ષણ સંપાદન માટેની કર્મભૂમિ બનાવે છે.

કોચિંગ કેપિટલ 

૧૯૮૦ના દાયકામાં થોડાક શિક્ષકો દ્વારા શરૂ થયેલું ટયુશન મોડલ આજે કરોડો રૂપિયાના ઉદ્યોગમાં બદલાઈ ગયું છે. આજે કોટાને 'ભારતની કોચિંગ કેપિટલ' તરીકે ઓળખવામાં આવે છે. 

જરાં વિચારો, દેશના કોઈ શહેરની વસ્તી જેટલાં વિદ્યાર્થીઓ જ કોચિંગ માટે હોય તો તેઓ માટેના શિક્ષકો, રહેવા માટેના ઘર, હોસ્ટેલ, કેન્ટીન, ઢાબા, રેસ્ટોરન્ટ, પેઇંગ ગેસ્ટ સગવડ, મેસ, બુક સ્ટોર, સ્ટેશનરી દુકાનો, ઝેરોક્ષ સેન્ટર્સ, બેન્ક, રિયલ એસ્ટેટની દુનિયા અને તેમાં સામેલ સ્ટાફ, વેપારી વર્ગ બધું જ ઉમેરીએ તો કદાચ વિશ્વની એકમાત્ર આવી કોચિંગ નગરી હશે. સંપૂર્ણ શૈક્ષણિક ઇકો સિસ્ટમ પણ કહી શકાય.

શિક્ષણનું પ્રતિબિંબ 

ભલે ભારતમાં નવી શિક્ષણ નીતિનું આગમન થયું હોય. 'ગૂગલ' જેવી વિશ્વની ટોચની કંપની કહેતી હોય કે તેઓ હવે ડિગ્રીને નજરમાં રાખીને કોઈને જોબ નથી આપવાના અમે વિદ્યાર્થીનું જે તે વિષયમાં ઊંડાણપૂર્વકના જ્ઞાનને મહત્વ આપીશું. આમ છતાં ભારતમાં રેન્ક રેસની શિક્ષણ પ્રથા નાબૂદ નથી થઈ શકી તે હકીકત છે. તેમાં પણ હવે તો વિશ્વની ટોચની યુનિવર્સીટી જોડે જોડાઈને ઓનલાઇન શિક્ષણ પણ પ્રાપ્ય છે. અધૂરામાં પૂરું આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ઘણી જોબ છીનવી લેવાની છે છતાં તે પડકારને નજરઅંદાજ કરીને હજુ જૂની માનસિકતા સાથે જ શિક્ષણ જગત ચાલે છે.

કોચિંગ એટલે ઉદ્યોગ 

ભારતમાં હાલ રૂ. ૫૮,૦૦૦ કરોડનો કોચિંગ ઉદ્યોગ છે. જી હા, કોચિંગ હવે શિક્ષણ નહીં પણ ઉદ્યોગ જેટલું કદ ધરાવે છે. ભારતમાં આ પ્રકારના માર્કલક્ષી શિક્ષણની બદી ઘટવાની જગ્યાએ હજુ વધુ વિરાટ સ્વરૂપ ધારણ કરવાની છે. ૨૦૩૧માં કોચિંગ ઉદ્યોગની વર્થ રૂ.૧.૪૫ લાખ કરોડ સુધી થઈ જશે તેમ મનાય છે. આ વૃદ્ધિ માત્ર સંખ્યામાં નથીતે માતા-પિતાની ચિંતાઓ, વિદ્યાર્થીઓના સપનાઓ અને સમાજના 'સક્સેસ નેરેટિવ'નું પરિણામ છે.

GST આવકમાં પણ આ ઉદ્યોગની વૃદ્ધિ દેખાઈ રહી છેમાત્ર ચાર વર્ષમાં રૂ. ૨,૨૪૦ કરોડથી રૂ. ૫,૫૧૭ કરોડ સુધીનો ઉછાળો નોંધાયો છે. 

વાલી પર જંગી બોજ 

કોટાની વાત કરીએ તો  IIT-JEE  માટે બે વર્ષનો કોર્સ સામાન્ય રીતે રૂ. ૮થી રૂ. ૧૨ લાખ સુધી હોય છે. પરંતુ જ્યારે હોસ્ટેલ, મેસ, સ્ટડી મટિરિયલ, ટેસ્ટ સીરિઝ અને અન્ય ખર્ચ ઉમેરાય છે, ત્યારે કુલ ખર્ચ રૂ. ૧૫ થી રૂ. ૨૫ લાખ સુધી પહોંચી જાય છે. કોટાની કોચિંગ થકી વાર્ષિક આવક જ રૂ. ૭૦૦૦ કરોડ જેટલી છે.આવું જ 'નીટ' પરીક્ષા માટેનું ગણિત છે. 

ઘણા માતા-પિતા માટે આ ખર્ચ સહન કરવો સહેલો નથી. લોકો જમીન વેચે છે, લોન લે છે, સોનાના દાગીના ગીરવે મૂકે છે.

અહીં પ્રશ્ન ઊભો થાય છે 'શું આ રોકાણ હંમેશા સફળતામાં ફેરવાય છે?

કઠોર  હકીકત

દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ JEE Main અને JEE Advance  આપે છે, પરંતુ IITમાં બેઠકોની સંખ્યા ખૂબ મર્યાદિત છે. દેશમાં ૨૩ આઈ. આઈ. ટી. કોલેજો છે જેની કુલ બેઠકો અંદાજે  ૧૭,૦૦૦ છે. બીજી રીતે જોઈએ તો  NIT અને  IIT સહિત મળીને આશરે ૪૦,૦૦૦ - ૪૫,૦૦૦ બેઠકો દેશમાં છે.

આની સામે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષમાં તક મળતી બે પરીક્ષામાં કુલ ૨૩ લાખ હોય છે. તેમાંથી અઢી લાખ વિદ્યાર્થીઓ જ JEE એડવાન્સ માટે ક્વોલિફાય થાય છે. આ વિદ્યાર્થીઓ જ આઈ. આઈ. ટી.માં પ્રવેશ મેળવવાની રેસ માટે હકદાર છે. તેમાં પણ આ વિદ્યાર્થીઓનું સ્વપ્ન દેશની ટોચની દસ આઈ. આઈ. ટી.માંથી કોઈ એકમાં અને તે પણ પસંદગીના વિષયમાં પ્રવેશ મેળવવાનું હોય છે. દસ ટોચની આઈ. આઈ. ટી. કોલેજોની બેઠકો તો ૧૨૦૦૦ માંડ હોય છે. આનો અર્થ એ થયો કે આવી  ટોપ ટેન આઈ. આઈ. ટી. માં પ્રવેશ મેળવવા અઢી લાખ ચૂંનંદા વિદ્યાર્થીઓમાંથી ૧%માં આવવું પડે. સ્પર્ધા એટલી તીવ્ર છે કે ૯૯ પર્સેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓને પણ ઘણી વખત ટોપ  IITમાં પ્રવેશ મળતો નથી. ઘણી વખત તેને ગમતી બ્રાન્ચમાં પ્રવેશ ન મળે તો આ હદની મહેનત અને સફળતા જતી કરી વધુ એક આગામી વર્ષની પરીક્ષા આપવાનો નિર્ણય લેતા હોય છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ્સ ઓફ ટેક્નોલોજીની ૨૮,૦૦૦ બેઠકો માટે તો ૨૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અહીં પણ એક ટકા વિદ્યાર્થીઓને જ તક મળે છે. 

એનો અર્થ એમ થયો કે કોટા સહીત ભારતના રુ. ૫૬,૦૦૦ કરોડના કોચિંગ ઉદ્યોગનો હિસ્સો બનવાથી દેશની ટોચની ૪૫૦૦૦ NIT અને  IIT તથા અન્ય ટોચની સંસ્થાની બેઠકો ભરવા માટે દર વર્ષે ૨૫ લાખ વિદ્યાર્થીઓ કોચિંગ લે છે અને પરીક્ષા આપે છે  જેમાંથી એક ટકા વિદ્યાર્થીઓ જ ટોચની ૨૩  આઈ. આઈ. ટી. અને ૩૧ NIT કોલેજોની કુલ અંદાજે ૪૫,૦૦૦ બેઠકોમાં પ્રવેશ મેળવી શકે છે. JEE સ્ચૈહમાં ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી ૧૨-૧૫  વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના કોટા સ્થિત કોચિંગ સંસ્થાઓમાંથી આવે છે. ૯૮થી ૧૦૦ પરસેન્ટાઇલ  મેળવનારમાંથી ૬૫ ટકા વિદ્યાર્થીઓ પણ કોટામાં કોચિંગ લઇ ચુક્યા હોય છે આ જ કારણે દેશમાં કોટા માટે ક્રેઝ છે.

એક યજ્ઞ છે 

પણ વાલીઓએ એટલું પહેલેથી સમજી લેવાનું છે અને તે સ્વીકારીને જ કોટા કે મોંઘા કોચિંગમાં તેમના સંતાનને મુકવાનો છે કે આ માત્ર સમગ્ર ભારતના એન્જીનીયરિંગની ઉત્કૃષ્ટ કોલેજમાં અભ્યાસ કરવા માંગતા ૨૫ લાખ વિદ્યાર્થીઓમાંથી એકથી દોઢ ટકા જેટલાં વિદ્યાર્થીઓના મેરીટ લિસ્ટમાં આવવાનો યજ્ઞ છે. ૦.૫ ટકા માર્જિનનું અંતર પણ નિષ્ફળ પ્રયત્ન તરીકે જોવાય છે.

આઈ આઈ. ટી. ના દર ચાર એડમિશનમાંથી એક કોટામાં કોચિંગ લેનાર હોય છે. આવા ટ્રેક રેકોર્ડને લીધે જ 'કોટા ફેક્ટરી' તરીકેનું લેબલ પણ પ્રાપ્ત કરી શક્યું છે. 

પ્રવેશ છતાં હતાશા 

વિદ્યાર્થી ૯૮.૫ પરસેન્ટાઈલ લાવે અને કદાચ આઈ. આઈ. ટી.માં પ્રવેશ મળતો હોય છતાં પણ પસંદગીના વિષયમાં પ્રવેશ ન મળે  ત્યારે સૌથી વધુ  હતાશા સાંપડતી હોય છે.

આ 'સિલેક્શન વિરુદ્ધ સપના' વચ્ચેનું અંતર જ વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ ઊભું કરે છે.

કોટામાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ પણ આપણા દુષિત શિક્ષણ મોડેલનો વરવો ચહેરો છે. રોજ઼ છ કલાક કોચિંગ નવ કલાકથી વધુ અભ્યાસ,૨૪ કલાક જ્યાં જુઓ ત્યાં નજર સામે પુસ્તકો, વિદ્યાર્થીઓ અને માનસિક બીમાર થઈ જવાય તેવું તીવ્ર હરીફાઈની દુનિયા અને ચર્ચા જ જોવા મળે. કોચિંગમાં લેવાતી વારંવારની પરીક્ષામાં પાછળ ધકેલાયા પછી ઉપર આવવા માટે ઊંઘ હરામ થઈ જાય છે. માતા-પિતાની અપેક્ષાઓ આ બધું મળીને એક એવો માહોલ બનાવે છે જ્યાં નિષ્ફળતા 'વ્યક્તિગત નિષ્ફળતનો વિષય બની જાય છે. વિદ્યાર્થીની નજર સામે જ વાલીએ ખેતર, ઘર, ઘરેણાં વેચ્યા હોય છે. મોટી રકમની લોન લીધી હોય છે.વિદ્યાર્થીને લાગે છે કે તે દોઢ ટકા ટોપર્સમાં નહીં આવી શકે અને નાસીપાસ થઈને આત્મઘાતી વિચારો કરતા થઈ જાય છે. યાદ રહે આ બધા વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર હોય છે પણ અહીં તો દેશના  JEE એડવાન્સ માટે કે 'નીટ'માં ટોપર્સમાં ક્વોલિફાઈ થવા એક દોઢ ટકામાં નથી આવી શકાતું તેને નિષ્ફળતા મનાય છે.

'નીટ'માં  તીવ્ર સ્પર્ધા  

એન્જીનીયરિંગની જેમ દર વર્ષે સરેરાશ ૨૨,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓ દેશની ટોચની મેડિકલ કોલેજોમા પ્રવેશ માટે 'નીટ'ની પરીક્ષા આપે છે. તેમાં પણ આઈ. આઈ. ટી. પ્રવેશ જેવી જ હરીફાઈ છે. ટોચની દસ મેડિકલ કોલેજમાં તો ૧૫૮૨ બેઠકો માંડ છે. અન્ય દસ કોલેજો ઉમેરો તો આંક ૩૫૦૦ પર પહોંચે.

હા, બધી મેડિકલ અને ડેન્ટલ કોલેજોની બેઠકો 'નીટ'ના આધારે જ ભરાતી હોઈ સરકારી અને ખાનગી મળીને અઢી લાખ બેઠકો છે. પણ તેમાંથી અડધા ઉપરાંતની ખાનગી મેડિકલ કોલેજ છે જે માટે ૭૫ લાખથી એક કરોડના કુલ પેકેજની  તૈયારી રાખવી પડતી હોઈ તેવી ઘણી  મેડિકલ કોલેજોની બેઠક ભરાતી નથી તેથી શૂન્ય 'નીટ' માર્ક સાથે પણ જેઓ મોંઘી ફી આપવા માંગતા હોય તેઓને પ્રવેશ મળે છે. આમ જે વિદ્યાર્થીઓને દેશની ટોચની મેડિકલ કોલેજોમાંથી કોઈ એક અથવા ઓછી ફી સાથે સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવો છે તેઓએ ૨૫ લાખ 'નીટ'ના પરીક્ષાર્થીમાંથી એક ટકા ટોપર્સમાં તો આવવું જ પડે છે. ભારતના કોઈપણ રાજ્યમાં અભ્યાસ કરવા જવાની તો તૈયારી રાખવી જ પડે.  

સપનાની દુનિયા 

એકંદરે એમ કહી શકાય કે કોચિંગ ઉદ્યોગ 'સપનાઓ વેચે છે' અહીં સફળતા અને નિષ્ફળતા વચ્ચેની લાઈન ખૂબ પાતળી છે. લાખો વિદ્યાર્થીઓ સપના લઈને આવે છે થોડા જ સફળ થાય છે. બાકીના અનુભવ લઈને પાછા ફરે છે.