Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / વિક્રમ વકીલ : Why is the demand for gold increasing?

GSTV શતરંગ : સોનાની ડિમાન્ડ શા માટે વધે છે?

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ : સોનાની ડિમાન્ડ શા માટે વધે છે?
સોર્સ : gstv

- હરતાં ફરતાં- વિક્રમ વકીલ

App Store

રૂઢિવાદી લોકો માટે સોનું હજી પણ રોકાણ કરવા માટેની શ્રેષ્ઠ ધાતુ છે. દુનિયામાં બનતી ઘટનાઓથી નરવસ થઈ જતાં લોકો ખાસ કરીને સોનું ખરીદતા હોય છે. તમે કઈ જગ્યા પર છો તે પરથી સોના પ્રત્યેનું તમારું વળગણ વ્યક્ત થાય છે. દાખલા તરીકે માર્ચ ૧૯૯૬માં ચીને તાઇવાનની આસપાસના દરિયા પર મિસાઇલો છોડી ત્યારે તાઇવાનના રોકાણકારોએ યુદ્ધના ડરથી એટલું સોનું ખરીદી લીધું કે દુનિયામાં સોનાની કિંમતમાં ઔંસદીઠ પાંચ ડોલરનો વધારો થઈ ગયો હતો. દુનિયામાં સોનાનો ભાવ વધશે તે માટે બીજાં બે કારણો છે. એક ચીન અને બીજું ભારત. ચીન પળે પળે વધુને વધુ સમૃદ્ધ બની રહ્યું છે અને ચીનમાં સોનાનાં આભૂષણો સમૃદ્ધિની નિશાની ગણાય છે. આવુ વલણ ભારતમાં પણ છે. દુનિયામાં સોનાના મોટા ખરીદદાર દેશોમાં ભારત અગ્રિમ હરોળમાં છે.

કબૂતરોનો ઉપયોગ દાણચોરી માટે પણ 

એક જમાનો હતો કે જ્યારે શાંતિના પ્રતીક કબૂતરો દ્વારા એકથી બીજા ગામે પત્રો મોકલવામાં આવતા હતા. પ્રેમીપંખીડાંઓ માટે તો આ કબૂતરો ખાસ આશીર્વાદ સમાન ગણાતાં. પણ હવે આ જ કબૂતરોનો ઉપયોગ બદલાતા સમયની માગ અનુસાર નશીલા પદાર્થોની ગેરકાયદે હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના એક વર્તમાનપત્ર 'ધી ન્યુઝ'માં છપાયેલા સમાચાર પ્રમાણે નશીલા પદાર્થોની હેરાફેરી કરનારાઓ કબૂતરોના પંજામાં હેરોઇન વગેરે કેફી દ્રવ્યોનાં બંડલ બાંધી દે છે. જેને આ નિર્દોષ પંખીઓ નિયત સ્થળે પહોંચાડી દે છે. કબૂતરોને આ કામ માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. આમ, કબૂતરોના ભોગે દાણચોરો મોજ કરી રહ્યા છે.

શુક્રની અજીબ દુનિયા

શુક્રની દુનિયા પણ અજબ છે. આપણો એક દિવસ ૨૪ કલાકનો થાય છે, જ્યારે શુક્રનો એક દિવસ એટલે પૃથ્વીના ૨૪૩ દિવસ! સહેજે સવાલ થાય કે શુક્રનો એક દિવસ આટલો લાંબો હોય તો વર્ષ કેટલું લાંબું હશે? પરંતુ ના, તેનું એક વર્ષ તેના એક દિવસ કરતાં ટૂંકું હોય છે. શુક્રનું એક વર્ષ પૃથ્વીના ૨૨૫ દિવસ જેટલું જ છે! મતલબ કે શુક્ર તેની ધરી પર એક પરિભ્રમણ પૂરું કરે તેના કરતા ઓછા સમયમાં તે સૂર્યની ફરતે એક પરિક્રમણ પૂરું કરે છે. શુક્રનું પરિભ્રમણ પણ વિચિત્ર છે. આપણી પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરે છે, જેને કારણે પૃથ્વી પર સૂર્ય પૂર્વ દિશામાં ઊગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. પરંતુ તમે શુક્ર પર જઈ વસો (કલ્પના કરી શકાય) તો તમને સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઊગતો દેખાય અને પૂર્વ દિશામાં આથમતો નજરે પડે કેમ કે શુક્ર પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિભ્રમણ કરે છે. બીજું પણ એક આશ્ચર્ય છે. સૌરમાળામાં સૌથી ઊંચી પર્વતમાળામાંની એક શુક્ર ઉપર છે. પૃથ્વી પરના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ કરતાં પણ ૨ કિલોમીટર ઊંચો મેક્સવેલ મોન્ટ્સ નામનો પર્વત શુક્ર પર છે!

બદલો લેવા ભેટ આપો!

કેનેડાના ટોરન્ટો શહેરમાં બે મહિલાઓ એક એવી કંપની ચલાવે છે જે વેલેન્ટાઇન ડે નિમિત્તે ભૂતપૂર્વ પ્રેમીઓને અને ત્યજાયેલા પતિઓને ગંદામાં ગંદી ચીજો મોકલવાની વ્યવસ્થા કરી આપે છે. ઓર્લિન અને ચેરિલ નામની આ બે સ્ત્રીઓ માને છે કે જેવી રીત વેલેન્ટાઇન ડે નિમિત્તે પ્રિય વ્યક્તિને સારી વસ્તુ મોકલવામાં આવે છે એવી રીતે અપ્રિય વ્યક્તિને ખરાબવસ્તુઓ પણ મોકલવી જોઇઅ. ખરાબ એટલે કેવી વસ્તુઓ? જવાબ છે : પ્રાણીઓની લીંડીઓ તથા ચીમળાયેલાં ફૂલો. ઓર્લિન કહે છે, 'કોઈ વ્યક્તિ તેના પ્રેમી કે પતિને સણસણતી ભેટ આપીને મનોમન તમાચો મારવા ઇચ્છતી હોય તો અમે તેમની સેવામાં હાજર છીએ. આ બે દ્વેષપ્રેમી નારીઓ બે વર્ષથી આ ધંધો ચલાવી રહી છે. તેમની કંપનીનું સૂત્ર એવું છે કે 'જો તમે તમારી જાત પર ન હસી શકો તો બીજા પર હસો.' આ સ્ત્રીઓ ફક્ત વેલેન્ટાઇન ડે વખતે જ ભેટ પ્રવૃત્તિ ચલાવે છે એવું નથી. જન્મદિવસે કે પછી એવા કોઈ બીજા મહત્ત્વના દિવસે વેર વાળવા માગનારાઓને પણ આ સખીઓ મદદરૂપ બને છે. અને તેમની કંપની માત્ર સ્ત્રીઓને મદદ કરે છે એવું પણ નથી. છૂટાછેડા લેનાર પતિ તેની કર્કશા પત્નીને જન્મદિવસ નિમિત્તે શ્રાપરૂપ ભેટ આપવાની ફરમાઇશ કરે તો આ કંપની પેલી સ્ત્રીને અત્યંત ઢીલાં ઉપવસ્ત્રો મોકલીને સાથે અવો સંદેશો પાઠવે છે કે 'તારું શરીર આ વસ્ત્રના માપનું (ઢીલું) બને એવી હાર્દિક કામના સાથે... લિ. ફલાણો.'

ગેંડાનું નિકંદન શા માટે નીકળી રહ્યું છે?

નામિબિયામાં કાળા ગેંડાની સંખ્યા ચાર હજારથી પણ ઘટી ગઈ છે. નામિબિયા સરકારે એ સંખ્યા વધુ ન ઘટે એ માટે ઉપાયો યોજ્યા છે. કાળા ગેંડાનો શિકાર તેના મો પરના એક શિંગડા માટે કરવામાં આવે છે. ગેંડાના શિંગની આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ઊપજે છે. આફ્રિકામાં હાથીદાંત માટે લાખોની સંખ્યામાં હાથીનો શિકાર થયો છે. આ ગેંડાઓ તરફ કોઈનું ખાસ ધ્યાન ગયું નથી. હકીકતમાં ગેંડાઓ પર હાથી કરતાં પણ વધુ જોખમ રહેલું છે. હાથી અનેક પરિસ્થિતિઓમાં અનુકૂળ થઈને જીવી શકે છે, જ્યારે ગેંડાનું એવું નથી. ગેંડો એની આદત પ્રમાણે જ જીવે છે. તે પોતાની આદત ક્યારેય છોડતો નથી. તે રોજ જે કેડી પર ચાલતો હોય તે કેડી પર જ ચાલે છે. આથી શિકારીઓને તેનો શિકાર કરવાનું ખૂબ સહેલું પડે છે. વળી ગેંડાનો સામૂહિક ઉછેર પણ શક્ય નથી, કારણ કે બે ગેંડાઓ એક સાથે રહી શકતા નથી. ગેંડાનો શિકાર કરીને તેના શિંગ આરબ લોકોનાં દીવાનખાનાં શોભાવવા માટે લઈ જવામાં આવે છે. આરબો અને તાઇવાન, કોરિયા જેવા દેશોના લોકો એમ માને છે કે ગેંડાનાં સૂકવેલાં વૃષણો આરોગવાથી માણસની કામશક્તિમાં વધારો થાય છે. યેમેન રિપબ્લિક ઉપરાંત રાતા સમુદ્રની આસપાસના દેશોમાં પણ ગેન્ડાના શિંગની ખૂબ માગ છે. વળી આ દેશોની સરકારો શિકાર અને વન્ય સંપત્તિની બાબતમાં આંતરરાષ્ટ્રીય કાનૂનો (વોશિંગ્ટન કન્વેન્શન)નું પાલન કરતી નથી, એથી તેનો શિકાર અટકાવવો મુશ્કેલ છે.