મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / 'હિરામંડી'ની બહું ગાજેલી 'ગજગામિની ગત(વોક)'નુ અત થી ઇતી

'હિરામંડી' માં જેનુ સૌંદર્ય ડગલે ને પગલે એક એક સિનમાં તરબતર છે એ અદિતી રાવ હૈદરીની "સૈ

શતરંગ / 'હિરામંડી'ની બહું ગાજેલી 'ગજગામિની ગત(વોક)'નુ અત થી ઇતી

'હિરામંડી' માં જેનુ સૌંદર્ય ડગલે ને પગલે એક એક સિનમાં તરબતર છે એ અદિતી રાવ હૈદરીની "સૈયાં હટો જાઓ તુમ બડે વો હો !" જેવી કલ્ટ ક્લાસિક, અફલાતુન, આલાતરીન, અદ્ભુત, સંગીતના ઐશ્વર્યથી છલક છલક થતી ઠુમરીમાં એક ડાન્સ સિક્વન્સ 'ગજગામિની વોક' એ લોકોને પાગલ બનાવી દીધાં છે. ઇન્સ્ટામાં દર ત્રીજી રીલ એ વોકની હોય છે. સોશ્યલ મિડીયા ફક્ત એ પાંચથી સાત સેકન્ડના સિનથી ઉભરાઇ પડ્યુ છે. અદિતીએ પરફેક્ટ તો નહી પણ સરસ રીતે નિભાવી ય છે. લોકો તો આહાહાહાહા ને ઓહોહોહોહોહો પોકારી જ ગયાં છે. એમાં અર્ધો ફાળો અદિતીની બ્યુટિનો ય છે. વચ્ચે એક આડ વાત કે અદિતીનુ મો જન્મે આવું નહોતું. પણ એણે મો પર જો લાઇન, નાક, ચિક્સ બધે થોડાં થોડાં ફેરફાર કરાવ્યા છે એના પછી એ આવી 'ગજગામિની વોક' કરી શકે એવી 'હસ્તિની સ્ત્રી' બની છે. અને એટલે મીઠી મધ જેવી ઠુમરી, માદક અને મદહોશ કરી દે એવી અદિતી અને એના પર શુધ્ધ ભારતીય શાસ્ત્રિય નૃત્ય 'કથ્થક' માં 'બ્રિટીશ એરા' માં આવેલા ફેરફાર મૂજબનનો ડાન્સ - આ તીકળી ભેગી થતાં બની છે એ ગજગામિની વોક. કે જેણે, નૃત્ય જાણતા તો ઠીક પણ નૃત્ય ન જાણતા લોકોને પણ છેલ્લાં અમૂક દિવસોથી બાનમાં લીધાં છે.

બસ, આ પૂર્વભૂમિકા છે. પહેલાં પેરેગ્રાફમાં મે પરીક્ષાનુ પેપર મૂકી દીધું છે. એમાં પ્રશ્નો તરીકે (૧) અદિતીનુ સૌંદર્ય (ર) હસ્તિની સ્ત્રી (૩) કથ્થક નૃત્યમાં બ્રિટીશ કાળમાં આવેલ ફેરફાર - આ ત્રણ છે. જવાબો આગળ છે જ. શાસ્ત્રીય નૃત્યો અને સંગીતના સાહેબોએ આ સમજાવવાનુ કામ કરવાનુ હોય. પણ એ લોકો નથી કરતાં એટલે મારે રાસ-ગરબા વાળાએ, કે જેને લોકો લોકનૃત્યકાર કહે છે એણે એ કરવું પડે છે. શક્ય એટલી રસાળ અને સહેલી ભાષામાં લખ્યું છે. વચ્ચે આડું અવળુ ડાન્સને લગતું પણ ઉમેર્યુ છે. આવું એટલાં માટે કહેવું પડ્યું કે આગળનુ વર્ણન થોડું ટેકનિકલ પણ છે. એટલે રસ પડે તો વાંચવું. નહીતર અહીયાંથી ટાટા, બાય બાય.

હા, તો મારી અને તમારી - બધાંની શરૂઆત સ્ત્રીથી થાય છે. આપણને જન્મ આપનારી મા - જેમાં આપણાં માટે ફક્ત ભક્તિભાવ છે. બીજો કોઇ ભાવ નથી. બધાં માટે જીવનમાં બીજી સ્ત્રીઓ ઘણી આવે - આવે અને જાય - દરેક માટે પુરૂષોને ભાવ આવે, રહે અને જાય - પણ મા, જીવનમાં એક જ રહે છે. એનો એક જ ભાવ છે. એ છે ભક્તિ. અને એટલે જ ગરબાની શરૂઆત મા એ કરી છે તો માતાજીના ગરબામાં ફક્ત 'ભક્તિ ભાવ' ગરબામાં બીજો એકેય ભાવ જ નથી. સમજાણુ હવે? ન ખબર હોય તો સમજી લેજો, ગોખી લેજો !

જ્યારે આપણાં રાસમાં તો શૃંગાર રસ છે. કેમ કે રાસ તો કૃષ્ણનો છે ને ! અને શૃંગાર વગરના કૃષ્ણ તો કૃષ્ણ જ નથી. હવે કૃષ્ણ હોય ત્યાં રાધા હોય જ. રાધા અને ગોપીઓ શૃંગાર રસથી પર થઇને પછી ભલે ભક્તિ ભાવ સુધી પહોચી જાય, પણ રાસનો મુખ્ય રસ તો શૃંગાર જ ! અને આ શૃંગાર રસને એની અંદર સાંગોપાંગ ઉતારી લે એવો સંગીતનો પ્રકાર એટલે ઠુમરી. અને ઠુમરીનો વ્યાપ તો આખાં બ્રહ્માંડ જેવડો છે. એમાં તો ભરતનાટ્યશાસ્ત્રમાં બતાવેલ અષ્ટનાયિકાના બધાં પ્રકાર સમાવિષ્ટ થઇ જાય. પ્રેમીના આવવાની રાહ જોતી વિરહોત્કંઠીતા સ્ત્રી હોય કે પ્રેમી આવવાનો હોય એટલે તૈયાર થયેલી વાસકસજ્જા હોય - આ અષ્ટનાયિકા વિશે વધારે નથી લખવું. આવાં નાયિકાના આઠ પ્રકાર છે. કે જે રંગમંચ પરથી પર્ફોર્મ થાય. પણ આપણે અત્યારે વાત કરીએ છીએ ઠુમરીની. એટલે ભરતનાટ્યશાસ્ત્રમાં દર્શાવેલી એ બધી નાયિકાઓને તાદ્રશ કરી દે અને એના તમામ ભાવને છલકાવી દે, તરબતર કરી દે, ભરી દે એવો આપણો ભારતીય સંગીતનો ખજાનો એટલે ઠુમરી ગાયન. 'હિરામંડી' માં આ જે સાંભળો છો ને "સૈયાં હટો જાઓ" એ ઠુમરી છે. પાકિઝામાં "ચલતે ચલતે" "નઝરીયા કી મારી મરી મોરી ગુઇયાં" "મોરા સાજન સૌતન ઘર જાયે" ઓલી યેસુદાસની ટર્કિશ બકલાવા જેવી મીઠી "કા કરૂં સજની આયે ના બાલમ" આ બધી જ ઠુમરી છે. જે સૌંદર્યને, શૃંગારને, વિરહને અદ્ભુત રીતે રજૂ કરવાની તાકાત રાખે છે ! તો 'ગજગામિની વોક' નુ ફાઉન્ડેશન આપણે ભરી લીધું છે. ઠુમરી.

સૌંદર્ય, શૃંગાર, પ્રેમ આવે એટલે સ્ત્રી આવે. અને હા, સ્ત્રી આવે પછી જાય એટલે વિરહ આવે. તો વિરહ પણ શૃંગારનુ બચ્ચુ જ ને ! જન્મ થયાં પછી જીવનમાં બીજી સ્ત્રીઓ પણ આવે. આપણે એવાં ભવ્ય દેશમાં રહીએ છીએ કે જેણે સંગીત, નૃત્ય, સાહિત્ય, કલાના એટલાં ગુઢ અને ઉંડાણપૂર્વકના શાસ્ત્રો આપ્યાં છે કે એ જ્ઞાન હવે આપણે તો ખાલી ગોખવાનુ રહ્યું. એના 'ઇન્વેન્શન' ની મહેનત પૂર્વજો કરી ગયાં. એવી જ એક અભુતપૂર્વ કહી શકાય એવી કલ્પના 'સ્ત્રી' ની હિંદુ માયથોલોજીમાં કરેલ છે. શાસ્ત્રો કે પૌરાણિક કથાઓ અનુસાર સ્ત્રી એટલે 'દિવ્ય' એની પહેલી કલ્પના દેવીની જ થઇ છે. સમસ્ત બ્રહ્માંડ પણ દેવીએ જ સર્જન કર્યુ હોવાનુ મનાય છે. ઇશ્વરનુ શક્તિ સ્વરૂપ એટલે સ્ત્રી. અને એ સ્ત્રીના ગુણો એટલે પ્રેમ, કરૂણા, વાત્સલ્ય, ત્યાગ, કામુકતા વગેરે અને સાથે સાથે ઇર્ષ્યા અને એના જેવાં અમૂક નેગેટિવ ગુણો પણ. અને આ લેખના સંદર્ભનો આપણો સ્ત્રીનો મુખ્ય ગુણ એટલે સૌંદર્ય, કામુકતા.

તો ભારતીય શાસ્ત્રો મુજબ સ્ત્રીને એના અલગ અલગ જન્મજાત ગુણો મૂજબ ચાર પ્રકારમાં વહેચવામાં આવી છે. (૧) પદ્મીની (૨) ચિત્રીણી (૩) શંખીની અને આપણાં ગજગામિની વોક માટેની જે સ્ત્રી છે એ (૪) હસ્તિની. આમા હસ્તિની કરતાં શંખીની, શંખીની કરતાં ચિત્રીણી અને ચિત્રીણી કરતાં પદ્મિની સ્ત્રીને સારી ગણાવાઇ છે. પણ આપણે વાત કરવાની છે. હસ્તિનીની.
હસ્તિની એટલે માદા હાથી. હાથણી. માદા હાથી જેવી સ્ત્રી. એના બીજા ગુણોના વર્ણન ન કરતાં આપણાં લેખ માટે જે આ હસ્તિની સ્ત્રીનો મુખ્ય ગુણ છે એ - હસ્તિની સ્ત્રીમાં કામ વાસના વધારે હોય છે. આ સ્ત્રીની ચાલ હાથણી જેવી હોય છે. એટલે કે હાથણી ચાલતી હોય અને એને તમે પાછળથી જૂઓ તો આ સ્ત્રીની ચાલ પણ એવી લાગે.

અને હા, સ્ત્રીઓના આ જે ચાર પ્રકાર છે એ પણ ખાલી એમ ને એમ નથી પાડી દીધાં.

સ્કંદ પુરાણ મૂજબ જ્યારે કોઇ સ્ત્રીનુ વર્ગિકરણ કરવામાં આવે ત્યારે આ આઠ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. (૧) અંગો (ર) આવર્ત (વર્ધક) (૩) ગંધ (૪) વૈભવ (૫) સત્વ (૬) સ્વર (૭) ગતિ અને (૮) ગુણ

અને એના પરથી પદ્મિની, ચિત્રીણી, શંખીની અને હસ્તિની. અને 'હિરામંડી' ના ગજગામિની વોક વાળા ડાન્સ મૂજબ અદિતીને હસ્તિની સ્ત્રી બતાવી છે. જે ભરતનાટ્યશાસ્ત્રના 'પર્ફોર્મિંગ એલિમેન્ટ' મૂજબ વાસકસજ્જા એટલે કે પ્રેમી માટે તૈયાર થઇ હોય એવી લાગે છે. ચાલો, ફાઉન્ડેશન ઉપર મકાન પણ ચણાઇ ગયું. જવાબ નંબર બે પણ પૂરો.
અને હવે છેલ્લે 'બ્રિટીશ કાળનુ કથ્થક નૃત્ય' એટલે કે 'હિરામંડી' માં જે ડાન્સ બતાવાયા છે એ.

આના માટે થોડું ભુતકાળમાં જવું પડે. 'કથ્થક' એટલે 'કથા કરવી' એટલે કે 'સ્ટોરી ટેલિંગ' અને એટલે જ જે ઠુમરીઓ પર કથ્થક થાય છે એમાં કોઇને કોઇ વાત કરાતી હોય છે. કથ્થકની શરૂઆત બનારસમાં થઇ હશે એવું મનાય છે. કૃષ્ણની રાસ લીલા એમાં દર્શાવાતી. એટલે કે શૃંગાર રસ. બનારસથી એનો ફેલાવો થતાં કથ્થક ઉત્તર ભારતમાં પહોચ્યું. એક એવી વાત પણ છે કે એક ઇશ્વરી નામની સ્ત્રીને કૃષ્ણ એમના સ્વપ્નમાં આવ્યાં હતાં ને એને કહ્યું હતું કે તું કથ્થકમાં તું ભક્તિભાવ ઉમેર. અને પછી એ ઇશ્વરીએ ભક્તિભાવયુક્ત કથ્થક એમના સ્ટુડન્ટ્સને શીખવ્યુ. આ હતો કથ્થકનો સૌથી પહેલો તબ્બકો. જેમાં શૃંગાર રસ અને ભક્તિ ભાવ હતો. ત્યાર બાદ ભારતમાં મુગલો આવ્યાં અને એ લોકોએ કથ્થકને રાજદરબાર સુધી પહોચાડ્યુ. એટલે કે રાજદરબારમાં જે નૃત્યો થતાં એ કથ્થક હોતું. એ સમયમાં કથ્થકમાં ભક્તિ ભાવ સીવાય શૃંગાર રસ વધારે ઉમેરાયો. મુગલ શાસકોએ કથ્થકને અને એના નૃત્યકારોને પ્રોત્સાહનો પણ આપ્યાં. એમાં કથ્થકનો વિકાસ થયો. બન્ને રીતે. કલાકારોની આર્થિક હાલતની દ્રષ્ટિએ અને મૂળ કથ્થક શાસ્ત્રમાં જ એ બહોળુ બન્યુ. ડાન્સર્સ અને એની સાથે સંગત કરનારા કલાકારો રાજદરબારમાંથી સારી એવી આવક મેળવતા. એમના મહેલો જેવાં ઘરો હોતાં. એમની પાસે પુષ્કળ સંપતિ હોતી. સમાજમાં એમનુ સ્થાન ઉંચુ રહેતું. જ્યારે તહેઝીબ અને તમિઝ અને ક્યારેક ક્યારેક ઉર્દુ પણ શીખવા માટે ખરેખર નવાબોની સંતાનો એમની પાસે જતી. એ વખતની નૃત્યકારો તવાયફ કહેવાતી કે નહી એ મને નથી ખબર. પણ આ છે કથ્થકનો બીજો કાળ એટલે કે મુગલ કાળ. ટુંકમાં 'હિરામંડી' માં તવાયફોની જે પરિસ્થિતી બતાવાઇ છે એ મુગલ કાળની પરિસ્થિતી છે. પણ સંજયભાઇએ વાર્તા પાછી બ્રિટીશ કાળની લીધી છે. આ બન્નેનો મેળ પડતો નથી.

અને પછી આવ્યો કથ્થકનો ત્રીજો કાળ એટલે કે બ્રિટીશ કાળ. જેમાં બ્રિટીશ શાસન આવ્યાં બાદ ભારતીય શાસકો આર્થિક રીતે નબળા પડ્યા એટલે રાજદરબારમાં જે આના પર્ફોર્મન્સિઝ થતાં એ બંધ થયાં. કલાકારો પાયમાલ થયાં. કથ્થકના ક્લાસિઝ ચાલતાં એ પણ બંધ થવાં લાગ્યા. અને એના જે કલાકારો હતાં એ લોકોએ પછી રોજીરોટી માટે કાં તો બીજા ધંધા અપનાવવા પડ્યા અને કાં તો એની નર્તકીઓએ પછી પેટનો ખાડો પૂરવા નછૂટકે ગણિકાવૃત્તિ કરવી પડી. 'હિરામંડી' માં એક સિનમાં અંગ્રેજ ઓફિસર કાર્ટરાઇટ જ્યારે ફરીદનબાઇને કહે છે કે અમે મલ્લિકાજાનની......... ત્યારે ફરીદનબાઇ મલ્લિકાજાનની દુશ્મન હોવાં છતાં કાર્ટરાઇટને કહે છે કે "મે તને એને બરબાદ કરવાનુ કહ્યું હતું, એની આબરૂ લુટવાનુ નહોતું કહ્યુ !" આ સિન પણ એ જ બતાવે છે કે મુગલ કાળના નર્તકોની પરિસ્થિતી હિરામંડીમાં બ્રિટીશ સમયની બતાવાઇ છે. હિરામંડી રિલીઝ થઇ પછી જે વાતો બહાર આવી છે કે લાહોરમાં જે હિરામંડી હતી એની તવાયફોની હાલત હિરામંડી સિરીઝમાં જે બતાવાઇ છે એવી બિલકુલ નહોતી. ત્યાં તો ભુખમરો અને શોષણ હતાં. એ જે વાત ચાલે છે એનો જવાબ પણ મારી આ 'કથ્થક' વાળી વાતમાં છે. પણ હવે સંજયભાઇએ જે બનાવ્યુ તે ! આપણે 'ગજગામિની વોક' વિષયને પકડી રાખવાનો છે.

તો આ હતો મારો ત્રીજો જવાબ. અને હવે ઉપરનુ બધું છે એને ભેગુ કરીને આપણે આવીએ 'ગજગામિની વોક' પર.

તો કથ્થક નૃત્યમાં આવી ઘણી ચાલ છે. જેને કથ્થકની ભાષામાં 'ગત' કહેવાય. એટલે કે આપણે આ સ્ટેપને 'ગજગામિની ગત' પણ કહી શકીએ. ઇન્સ્ટામાં ઘણી રીલ્સમાં કહે છે કે બોલિવુડમાં ત્રણ વખત આ ગજગામિની ગત આવી. પહેલી વાર આવી એ 'મુગલ - એ - આઝમ' માં 'અનારકલી' આ ગજગામિની વોક કરે છે. અને એ ગીત છે ભારોભાર કૃષ્ણભક્તિથી ભરેલું બોલિવુડનુ એવરગ્રિન કૃષ્ણ ગીત "મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે !" એમાં મધુબાલાએ નાની છોકરી સ્કુલમાં "બાગમાં મારો બાલકનૈયો" કરતી હોય એવી વોક કરી છે. બીજી વોક 'ગજગામિની' ફીલ્મમાં. ફક્ત સ્ત્રીનુ ચિત્રણ કરવાં માટે. અને ત્રીજી આ 'હિરામંડી' માં. નવાબને રિઝવવા માટે તવાયફ આ ગત કરે છે. ત્રણેમાં રસ જૂદો છે. એકમાં ભક્તિ ભાવ છે, એકમાં સ્ત્રીસહજ ભાવ છે ને ત્રીજીમાં 'સિડક્ટીવ' શૃંગાર રસ.

બીજી વધારે ડિટેઇલમાં ન પડતાં ગજગામિની ગત જ્યારે નૃત્યાંગના દ્વારા કરવામાં આવે ત્યારે પાછળના ભાગે કમર, શોલ્ડર લાઇન (પાછળની) અને કમર તેમજ ખભ્ભાની વચ્ચેનો ભાગ આ ત્રણેયના ત્રણ કટકા થવાં જોઇએ. જેમાં ગજગામિની ફીલ્મમાં જે છે એમાં એ દેખાય છે. બાકી મધુબાલા અને અદિતીમાં એ નથી દેખાતુ. મધુબાલા જે ગજગામિની વોક કરે છે એ કૃષ્ણભક્તિ માટેની છે, જ્યારે અદિતી કરે છે એ પ્રેમીને 'સિડ્યુસ' કરવાં માટેની છે. અને એ બન્ને ચાલને કોરિયોગ્રાફર્સે અલગ પાડી જ છે. જો આવી ન ખબર હોય તો હવે ફરી બન્ને જોઇ લેજો. (વચ્ચે એક નાનકડો જોક - સામે ફરદિનખાન જેવો ભૂંડો નવાબ બેઠો હોય ને તો કોઇ ડાન્સરથી પ્રોપર ગજગામિની વોક ન નીકળે હો!

અલગ બીજી ચાલ જોવી હોય તો 'દેવદાસ' માં 'કાહે છેડ છેડ મોહે' માં માધુરી દિક્ષીત લગભગ બેએક વાર બે બે ત્રણ ત્રણ સ્ટેપ્સ ચાલે છે. એ ગજગામિની વોક નથી. પણ માધુરી જે રીતે કરે છે એ તો હિરામંડીમાં છે એમાંથી એકેયની તાકાત નથી. બીજા નંબરની વોક મને ગમી હોય તો બાજીરાવ મસ્તાનીમાં દિપીકા પદુકોણ "મોહે રંગ દો લાલ" આ પણ ગજગામિની નથી. પણ ચાલ તો છે જ.

તો હવે આપણે ગજગામિની વોકના મકાનમાં રંગરોગાન પણ કરી દીધું છે. આ હતું ગજગામિની વોકનુ અત થી ઇતી. 

અને છેલ્લે હવે એક આડ વાત કરીને આ લેખ પુરો કરૂં. બ્રિટીશ કાળમાં જે કથ્થકના વળતા પાણી થયાં હતાં એમાંથી કથ્થક જે રીતે બચ્યુ એ કથ્થકના કલાકારોની જાતમહેનતના કારણે. ફક્ત કથ્થકને બચાવવા માટે જ છાના ખૂણે કથ્થક શીખવતા. બ્રિટીશ કાળ પહેલાં કથ્થક ફક્ત સ્ત્રીઓ શીખતી. પણ પછી કથ્થકને બચાવવુ હતું એટલે પુરૂષો પણ કથ્થક શીખતા થયાં. જે પાંચ લોકોને વધારે આવડ્યુ એમ માનીને શિક્ષકોએ પુરૂષોને પણ શીખડાવ્યુ. અને એટલે જ અત્યાર સુધી પણ કથ્થકમાં પુરૂષો માટે બહું સાહિત્ય પણ નથી અને સ્ટેપ્સ પણ નથી. છોકરાઓએ પણ એમાં રાધાના ભાવ જ કરવાં પડે. આટલી મોટી સાંસ્કૃતિક ધરોહર ધરાવતા ભારતની આવડી મોટી એક આર્ટને આ કલાકારોએ સામા પવને પણ બચાવી રાખી છે. માટે એ નૃત્યના સ્ત્રૈણ ભાવો દર્શાવતા દર્શાવતા જો કોઇ પુરૂષ કલાકારની કુદરતી હિલચાલમાં જ એવી મુવમેન્ટ્સ દેખાય તો હસવાનુ અને મજાક કરવાનુ બંધ કરો. ખાસ કરીને ફીલ્મોવાળાઓએ જ શાસ્ત્રિય નૃત્યકારોને કોમેડી રોલમાં દર્શાવ્યા છે. પણ ફીલ્મો તો 'સ્ટોરી ટેલિંગ' છે. એમાં એના ડાયરેક્ટરને જે બતાવવુ હોય એ બતાવી શકે. પણ આપણે તો થોડી સમજ રાખી શકીએ ને !

કથ્થક બાબતે ખાસ મારૂં એવું માનવુ છે કે અત્યારે કથ્થકનો સુવર્ણકાળ ભારતમાં ચાલે છે. અત્યારે જે કથ્થક ભારતમાં થઇ રહ્યું છે એ 'મોસ્ટ બ્યુટિફુલ' અને સુકુમાર કથ્થક છે. અત્યારે જેટલી ફીલ્મોમાં કથ્થક આવે છે એમાં અદ્ભુત રીતે એનુ નિરૂપણ કરવામાં આવે છે. મેઇન હિરોઇન બરાબર ન કરતી હોય તો પણ જો એના બેકગ્રાઉન્ડમાં કથ્થકની ઓરિજીનલ ડાન્સર્સ કરતી હોય તો એ તો કમાલ કરે છે.

- ચેતન જેઠવા

આ સમાચાર શેર કરો