મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / યાદ કરીએ ક્રિકેટની સહુથી મહાન વનડે મેચને!

- ફ્રી હિટ ઘણા વર્ષોથી એવું સ્પષ્ટ દેખાય છે કે દુનિયાના કોઈ એક ખૂણે લગભગ દરરોજ ઇન્ટરનેશન

શતરંગ / યાદ કરીએ ક્રિકેટની સહુથી મહાન વનડે મેચને!

- ફ્રી હિટ

ઘણા વર્ષોથી એવું સ્પષ્ટ દેખાય છે કે દુનિયાના કોઈ એક ખૂણે લગભગ દરરોજ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાતી હોય છે. પછી આ મેચ ટેસ્ટ મેચ હોય, વનડે મેચ હોય કે પછી T20. અને જો કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ન રમાતી હોય તો ક્યાંકને ક્યાંક કોઈ લીગ ક્રિકેટ તો જરૂર રમાતું હોય.
 
જ્યારે દુનિયામાં આટલું  બધું ક્રિકેટ રમાતું હોય ત્યારે તેમાંથી કોઈ એક મેચને મહાન કહી દેવી એ બહુ મોટી વાત છે. આમ કરીને તમે કોઈ અન્ય મેચને અન્યાય કરી શકો છો. પરંતુ આજે આપણે જે ક્રિકેટ મેચની વાત કરવાના છીએ એ ખરેખર ક્રિકેટની મહાન વનડે મેચ છે. 

17મી જૂન 1999ના દિવસે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચના થોડા દિવસો અગાઉ આ બંને ટીમો એકબીજાની સામે પોતાની લીગ મેચ રમી ચૂકી હતી અને આ મેચ પણ અત્યંત રસપ્રદ રહી હતી. એ મેચમાં એક કટોકટીની પળે હર્શેલ ગિબ્સે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ વોનો કેચ છોડી દીધો હતો અને સાઉથ આફ્રિકા એ મેચ હારી ગયું હતું.

પરંતુ આ મેચ જેની આજે આપણે વાત કરવાના છીએ એ તો અદ્ભુત જ હતી. સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડમાં રહેતી કન્ડીશનનો પહલો લાભ લેવા ટોસ જીતીને પહેલી બેટિંગ લેવાનો નિર્ણય લીધો અને તેનો આ નિર્ણય સફળ પણ થયો. ફાસ્ટ બોલર્સ શોન પોલોક અને એલન ડોનાલ્ડની ખતરનાક બોલિંગને કારણે એક સમયે ઓસ્ટ્રેલિયા 68 રન્સમાં 4 વિકેટો ગુમાવી ચૂક્યું હતું. 

પરંતુ ત્યારબાદ કેપ્ટન સ્ટિવ વો અને માઈકલ બેવને અનુક્રમે 56 અને 65 રન્સ બનાવ્યા અને ટીમને ઉગારવાનો પૂરતો પ્રયાસ કર્યો. તેમ છતાં ઓસ્ટ્રેલિયા પૂરી પચાસ ઓવર્સ પણ ન રમી શક્યું અને ફક્ત 213 રન્સ બનાવીને ઓલ આઉટ થઇ ગયું. 

સાઉથ આફ્રિકાની બેટિંગ લાઈન અપ જોતાં તેના માટે આ સ્કોર ચેઝ કરવો એટલો અઘરો ન હતો. બન્યું પણ એવું. ઓપનર્સ ગેરી કર્સ્ટન અને હર્શેલ ગિબ્સે ટીમને સારી શરૂઆત આપતા 48 રનના સ્કોર સુધી પહોંચાડી. પરંતુ ફક્ત અગિયાર બોલ્સના અંતરે સાઉથ આફ્રિકાએ પોતાના આ બંને ઓપનર્સને ગુમાવી દીધા. 

આ બંનેને લેજન્ડરી સ્પિન બોલર શેન વોર્ને આઉટ કર્યા હતા. જ્યારે શેન વોર્ને ગિબ્સની વિકેટ લીધી ત્યારે તેમના હાવભાવ અને બોડી લેન્ગવેજ એવા હતા જેણે સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમને મેચમાં પરત થવાનો જુસ્સો આપ્યો અને એવું થયું પણ ખરું. જાક કાલિસ, જોન્ટી રહોડ્સ અને શોન પોલોકે ટીમને સંભાળવાનો પ્રયાસ તો કર્યો પરંતુ તે ટીમને ટાર્ગેટની સાવ નજીક લઇ જવામાં સફળ ન થયાં અને વિકેટો પડતી ચાલી.

ત્યારબાદ આ વર્લ્ડ કપના મેન ઓફ ધ સિરીઝ રહેલા જબરદસ્ત ફટકાબાજ લાન્સ ક્લ્યુઝનર  ઉર્ફે ઝુલુએ મોરચો સંભાળ્યો અને ફક્ત 16 બોલ્સમાં 4 ફોર્સ અને 1 સિક્સરની મદદથી 31 રન્સ ઝૂડી નાખ્યા. હવે આવી છેલ્લી ઓવર. છેલ્લી ઓવરમાં સાઉથ આફ્રિકાને જીતવા માટે 9 રન્સ જોઈતા હતા અને સ્ટ્રાઈક પર ક્લ્યુઝનર હતો. સામે છેડે અગિયારમો ખેલાડી એલન ડોનાલ્ડ હતો. 

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર ડેમિયન ફ્લેમિંગ આ છેલ્લી ઓવર નાખવા આવ્યો. પહેલો બોલ અને ક્લુઝનરે કવર બાઉન્ડ્રી પર ફોર મારી દીધી. હવે રહ્યા પાંચ બોલમાં ચાર રન્સ. સાઉથ આફ્રિકાને ફાઈનલમાં પહોંચવા માટે મેચ જીતવી જરૂરી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાને ફક્ત ટાઈની જ દરકાર હતી કારણકે લીગ મેચો પૂર્ણ થયાં બાદ તેનો રનરેટ સાઉથ આફ્રિકાથી બહેતર હતો અને તેણે લીગ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું પણ હતું. 

બીજો બોલ, ક્લુઝનરે આ વખતે મિડ-વિકેટ બાઉન્ડ્રી પર ચોગ્ગો મારી દીધો અને સ્કોર લેવલ કરી નાખ્યો. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની બોડી લેન્ગવેજ નકારાત્મક થઇ ગઈ. ડ્રેસિંગરૂમમાં હર્શેલ ગિબ્સ શેમ્પેઇન લઈને તૈયાર હતો. પછી જેમ બને છે તેમ એક રન બાકી હોવાથી સ્ટિવ વોએ તેના તમામ ફિલ્ડરોને સર્કલની અંદર બોલાવી લીધા. 

સાઉથ આફ્રિકા પાસે આ એક રન બનાવવા માટે પૂરા ચાર બોલ્સ બાકી હતા. ત્રીજો બોલ અને ક્લુઝનરે બોલને સરખો રમી ન શક્યો અને બોલ મિડ-ઓન પર ઉભેલા ડેરેન લીહમેન પાસે ગયો. નોન-સ્ટ્રાઈકર એલન ડોનાલ્ડને લાગ્યું કે બોલ કદાચ લીહમેનને ક્રોસ કરી ગયો છે એટલે તેણે દોડવાનું શરુ કર્યું. ક્લુઝનર ડોનાલ્ડને પોતાની તરફ આવતા જોઈ રહ્યો અને તેની પાસે બીજો કોઈજ રસ્તો ન હોવાથી તે પણ દોડી પડ્યો.

બીજી તરફ લીહમેને થ્રો સીધો વિકેટ કીપર આડમ ગીલક્રીસ્ટને કર્યો જેણે એ બોલથી સીધા સ્ટમ્પસ ઉડાડી દીધા અને ત્યારે ડોનાલ્ડ પોતાની ક્રીઝની બહાર હતો. સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયાના જ સ્કોર પર ઓલ આઉટ થઇ ગયું. મેચ ટાઈ થઇ અને અગાઉ જાણ્યું એ પ્રમાણે ઓસ્ટ્રેલિયા બહેતર રન રેટને કારણે પાકિસ્તાન સામે સેમીફાઈનલ રમવા માટે ક્વોલીફાય થઇ ગયું.

સાઉથ આફ્રિકાને ચોકર કહેવામાં આવે છે અને કદાચ આ મેચથી વધુ તેમને મળેલા આ ટેગનું સમર્થન કરતું અન્ય કોઈજ ઉદાહરણ ન હોઈ શકે.

- સિદ્ધાર્થ છાયા

આ સમાચાર શેર કરો