મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / એપલ કંપનીના એપલ નામ પાછળની કહાની જાણો

- ટેક્નોપુરાણ વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર એપલ કંપની આજે અમીરોનો પર્યાયવાચી શબ્દ બની ગયો

શતરંગ / એપલ કંપનીના એપલ નામ પાછળની કહાની જાણો

- ટેક્નોપુરાણ

વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર એપલ કંપની આજે અમીરોનો પર્યાયવાચી શબ્દ બની ગયો છે, એમ માનવામાં આવે છે કે જે કોઈપણ એપલની પ્રોડક્ટ યુઝ કરે છે એ બધા જ ધનવાન વ્યક્તિઓ હોય છે. આજના દિવસમાં વ્યવસાયિક રીતે સૌથી સફળ કોર્પોરેશન એપલને માનવામાં આવે છે. એપલ એક એવી મલ્ટીનેશનલ કંપની છે જે પોતાના ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ સિવાય ટેકનોલોજીકલ સોફ્ટવેર અને બીજી ઘણી બધી ઓનલાઇન સર્વિસીસ પણ પૂરી પાડે છે.

એપલ કંપનીનું નામકરણ તમને જાણીને નવાઈ લાગશે પણ આપણે જે દિવસને એપ્રિલ ફૂલ તરીકે ઉજવીએ છીએ એ જ દિવસે એટલે કે પહેલી એપ્રિલ 1976ના દિવસે એપલએ સત્તાવાર રીતે પોતાની જાહેરાત કરી હતી. સ્ટીવ જોબ અને સ્ટીવ વોઝનીયાક જ્યારે પોતાની કંપની માટે નામ વિચારી રહ્યા હતા, ત્યારે મળતી માહિતી મુજબ તે સમયની ટેલીફોન ડિરેક્ટરીમાં સૌથી પહેલું નામ અટારીનું આવતું હતું, તેમની ઈચ્છા હતી કે તેમની કંપનીનું નામ એના કરતાં પણ પહેલા આવે એટલે તેમણે એપલ નામ પસંદ કર્યું. આ સિવાય તમને બીજી પ્રચલિત કોમ્પ્યુટરની કંપનીઓ જેવા ઠંડા અને કાલ્પનિક નામો નહોતા રાખવા. સ્ટીવ જોબ્સ પોતાની બાયોગ્રાફી માં જણાવે છે કે હું જ્યારે પણ ડાયટ્સ કરતો ત્યારે માત્ર એપલ જ ખાતો. કંપનીનું નામ વિચારનો સમય આવ્યો તો અચાનક જ મને એપલ નામ સૂઝ્યું. આ નામ હળવું અને બધા કરતાં અલગ લાગ્યું. એપલના સહસ્થાપક વોઝનિયાકે પોતાના પુસ્તક iwozમાં જણાવ્યું કે પાર્ટનરશીપ થયા પછી નામ અંગે વિચારણા ચાલતી હતી ત્યારે સ્ટીવે સજેસ્ટ કર્યું કે એપલ નામ રાખીએ તો? વળતા જવાબમાં તેમણે કહ્યું કે એપલ નામની તો કોઈ મ્યુઝીકલ કંપની પણ છે ને? ઘણા ટેકનિકલ નામો વિચાર્યા પછી છેલ્લે એપલ જ નામ યોગ્ય લાગ્યું.

એપલ ઘરે ઘરે શી રીતે પહોંચ્યું?

1970 ની અંદર સ્ટીવ જોબ્સ અને તેઓ વોઝનીયાકે મળીને એમોએસ ટેકનોલોજી 6502 માઈક્રોપ્રોસેસર પર આધારિત એક પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું. 1976 માં, પ્રથમ એપલ માઇક્રોકોમ્પ્યુટર બહાર પાડવામાં આવ્યું હતું. એપલના મૂળ ઉત્પાદનો ક્રાંતિકારી ન હતા. જો કે તેમણે તેમના ઉત્પાદનોને લોકો માટે એટલા તેજસ્વી અને ઇચ્છનીય બનાવવા માટે વ્યવસ્થાપિત કર્યું કે તેઓ ખરીદવામાં ખુશ હતા. સ્ટીવ જોબ્સે ગ્રાહકના મનમાં એવો વિચાર રજૂ કર્યો કે પર્સનલ કોમ્પ્યુટર દરેક ઘરમાં જરૂરી વસ્તુ છે. તેણે સુનિશ્ચિત કર્યું કે કોમ્પ્યુટર માત્ર પ્રોફેશનલ ઈલેક્ટ્રોનિક્સ ઈજનેરો માટે જ નહીં, પણ સામાન્ય લોકો માટે પણ એટલું જ જરૂરી છે. Apple તેની બ્રાન્ડને સુપ્રસિદ્ધ બનાવવામાં સફળ રહી, કંપની દ્વારા ઉત્પાદિત બીજી પેઢીના કોમ્પ્યુટર સૌથી વધુ વેચાતા બન્યા. 1970 અને 1980 ના દાયકાના વળાંક પર, પાંચ મિલિયનથી વધુ એપલ-બ્રાન્ડેડ ઇલેક્ટ્રોનિક મશીનો વેચાયા હતા.

આઇફોન કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો?

2004-2005ની વાત છે. એપલ કંપનીના કર્મચારીઓએ એક વિચિત્ર વસ્તુ નોટિસ કરી. તેમની સાથે કામ કરતા કેટલાક લોકો ગાયબ થઈ રહ્યા હતા. તેમાંના મોટાભાગના એન્જિનિયરો હતા જે તેમના કામમાં નિષ્ણાંત હતા. તેઓ ક્યાં જઈ રહ્યા છે તેવું કોઈ કહેવાની સ્થિતિમાં નહોતા. અઢી વર્ષ પછી, તેમના ગુમ થવાનું પરિણામ બહાર આવ્યું iPhone. એપલે શ્રેષ્ઠ એન્જિનિયરોની પસંદગી કરી હતી અને તેમને તમામ સુવિધાઓ સાથે સીલબંધ લેબમાં બંધ કરી દીધા હતા. લગભગ અઢી વર્ષની મહેનત પછી તેમણે દુનિયાનો સૌથી આધુનિક મોબાઈલ તૈયાર કર્યો. 2007માં સ્ટીવ જોબ્સે તેને લોન્ચ કરતાની સાથે જ મોબાઈલની વ્યાખ્યા બદલાઈ ગઈ. 9 જાન્યુઆરી, 2007ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં મેકવર્ડ કોન્ફરન્સનો સ્ટેજ, સ્ટીવ જોબ્સનો iPhone લોન્ચ એ ટેક્ ઉદ્યોગના ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણ બની ગઇ. સ્ટીવે લગભગ એક કલાકમાં તેના લેટેસ્ટ જાદુઇ ઉપકરણ એટલે કે iPhone વિશે સમજાવ્યું. તેમણે એવાં લક્ષણો બતાવ્યાં કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે સંપૂર્ણપણે ટચસ્ક્રીન ઉપકરણ હતું. જેણે 3.5 ઈંચની મોટી ડિસ્પ્લે આપી. 2 મેગા પિક્સેલ કેમેરા અને 8 જીબી સુધીની સ્ટોરેજ ક્ષમતા હતી. મ્યુઝિક અને વીડિયોના અનુભવ આગલા સ્તરના હતા. ઘણા કોલ એકસાથે મર્જ કરી શકાતા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સ અખબાર વાંચી શકાતું હતું. સ્ટીવ જોબ્સની જાહેરાત બાદ તેને લોન્ચ કરવામાં 6 મહિના લાગ્યા હતા. તેની કિંમત 499 ડોલર રાખવામાં આવી હતી.આટલો મોંઘો હોવા છતાં 1 સપ્તાહમાં 2.5 લાખ iPhone વેચાયા. 1મહિનામાં આંકડો 10 લાખને પાર કરી ગયો. અત્યંત મોંઘા હોવા છતાં દુનિયામાં અત્યાર સુધીમાં 230 કરોડથી વધુ iPhone વેચાઈ ચૂક્યા છે.

એપલ વિશે કેટલીક રોચક બાબતો:

Appleના સ્થાપક સ્ટીવ જોબ્સને પોતાની જ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, જોકે કંપનીનો વિકાસ અમન થઈ જતા તેમને પાછા લેવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે એપલ કંપનીમાં કામ કરતાં કર્મચારીમાં દર ત્રીજો કર્મચારી ભારતીય હોય છે. એપલના આઇફોનની દર જાહેરાતમાં તમને તે જાહેરાતમાં આઇફોનમાં 9:41 સમય દેખાશે કારણ કે સ્ટીવ જોબ્સએ જ્યારે પ્રથમ આઇફોન લોન્ચ કર્યો હતો તો ત્યારે આ સમય થયો હતો. એપલ કંપની માટે પૈસા ભેગા કરવા માટે તેના બીજા સ્થાપક સ્ટીવ વોઝનિયાકએ પોતાનું વૈજ્ઞાનિક કેલ્ક્યુલેટર વેંચી કાઢ્યું હતું અને સ્ટીવ જોબ્સએ પોતાની વોલ્ક્સવેગન વેન વેચી હતી.

- મહેશ રાજગોર 

આ સમાચાર શેર કરો