મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / કૃષ્ણ કહે છે: તમે મીરાંની જેમ મળજો...

- ગીતા Talks કૃષ્ણ પણ અર્જુન આ શ્લોકમાં એ જ તો કહે છે કે રસ્તા તો ઘણા છે મારા સુધી પહોંચવામાં પણ રાહે મહોબ

શતરંગ / કૃષ્ણ કહે છે: તમે મીરાંની જેમ મળજો...

- ગીતા Talks

કૃષ્ણ પણ અર્જુન આ શ્લોકમાં એ જ તો કહે છે કે રસ્તા તો ઘણા છે મારા સુધી પહોંચવામાં પણ રાહે મહોબ્બત સે એટલે કે પીર્તિપૂર્વક આવીશ તો તને નજીક પડશે...

ચિત્તોડગઢ ફોર્ટમાં મીરાંનું મંદિર છે. અમારા વડોદરાના ex કલેકટર અને જેઓ ગુજરાત સરકારના સચિવ પણ રહી ચુક્યા છે, એવા કવિ ભાગ્યેશ જહા સાહેબને એકવાર ઇલેકશનમાં રાજસ્થાનમાં ડ્યુટી હતી અને ચિત્તોડગઢમાં રહેવાનું થયું. જહા સાહેબ કહે કે ત્યારે હું આ સાંજે મીરાના મંદિર પાસે બેસીને કૃષ્ણને પૂછતો કે, "કૃષ્ણ તમે તો સંભવામિ યુગે યુગે કહીને જતા રહ્યા, હવે આવતા તો છો નહિ?! કોઈ અમને પૂછે તો અમારે જવાબ શું આપવાનો...?"

પછી જહા સાહેબ કહે કે જાણે કુષ્ણ આ સવાલનો જવાબ આપતા હોય એમ ત્યાં મીરાંના મંદિરે બેઠા બેઠા જ એક ગીત ઉગ્યું કે:

"આસપાસ આરપાર અઢળક ઉભો છું,
તમે પાછા વળીને મને કળજો,
તમે મીરાંની જેમ મને મળજો..."

જાણે કૃષ્ણ કહેતા હોય કે, “સંભવામિ યુગે યુગે તો છોડો, તમારે સંભવામિ ક્ષણે ક્ષણે મને પામવો છે, તો મીરાંની જેમ મને મળજો.”

પહેલીવાર આ ગીત સાંભળ્યું ત્યારે મને ગીતાના દસમાં અધ્યાયનો દસમો શ્લોક યાદ આવ્યો હતો! ગીતાનો એ સુંદર શ્લોક છે:

तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥10.10॥

વિભૂતિયોગના આ શ્લોકમાં કૃષ્ણ અર્જુનને કહે છે: "જે સતત મારામાં લિન રહીને મને પ્રીતિપૂર્વક ભજે છે એને હું બુદ્ધિયોગ આપું છું, જેનાથી એ મને પ્રાપ્ત કરે છે."

આ આખા વિભૂતિયોગમાં કૃષ્ણ પોતે ક્યાં ક્યાં છે, શેમાં શેમાં છે એમ પોતાની વિભૂતિઓ વર્ણવે છે, આપણી અંદર અને બહાર કૃષ્ણ ક્યાં ક્યાં છે એ વર્ણવતા જાણે કહે કે "આસપાસ આરપાર અઢળક ઉભો છું..." આ જ તો વિભૂતિયોગ છે, એ આપણી આસપાસ, આપણી આરપાર...એ તત્વરૂપે અઢળક ઉભા છે... સતત ઉભા છે...ત્યારે આપણે એની તરફ કેવી રીતે જવાનું છે એ વાત આ  શ્લોકમાં કહે છે. એનામાં સતત લિન રહીને: સતતયુક્તાનામ્ એનામાં સતત યુક્ત રહીને, આપણે આપણી ઇચ્છાઓ, aims, લાભ, લાલચો, પાછળ રૂટીન દોડ લગાવતા હોઈએ એમાં એ કહે કે "પાછા વળીને મને કળજો",  પણ કોરેકોરું કળવાનું નથી, શ્લોકમાં સતતયુક્તાનામ્ પછી બીજો મહત્વનો શબ્દ છે પ્રીતિપૂર્વકમ... તેષામ્ સતતયુક્તાનામ્ ભજતાં પ્રીતિપૂર્વકમ્...આ પ્રીતિપૂર્વક છે ને એ જ તો છે: ‘મીરાંની જેમ મને મળજો...’

આ શ્લોકમાં ત્રણ મહત્વની વાત છે:

૧) સતત યુક્તાનામ...સતત એનામાં લાગેલું રહેવું, ૨) પ્રીતિપુર્વકમ...પ્રેમ પૂર્વક લાગેલું રહેવું, અને ૩) બુદ્ધિયોગ...

આપને ત્રણેય શબ્દોને એક પછી એક એમ થોડા વિસ્તારથી સમજીએ:

૧) સતતયુક્તાનામ:

સતત લાગેલું રહેવું... મગ્ન રહેવું, લીન રહેવું. માત્ર મંદિરમાં કે એની મૂર્તિ સામે હાથ જોડીને ઝૂકેલા હોઈએ ત્યારે જ નહિ...પણ કોઈપણ કાર્ય કરતા એની વિભૂતિઓની અનુભૂતિ થતી રહે...કંઈપણ કરતા-આજુબાજુ કંઈપણ જોતા આપણે અંદરથી એની તરફ ઝૂકેલા જ રહીએ.

૨) પ્રીતિપૂર્વક:

પ્રેમ કે પ્રીતિનું હોવું એ તો ગાડીમાં એન્જીન ઓઈલ જેવી વાત છે, ગાડી ભલે પેટ્રોલ, ડીઝલ કે ગેસ કે ગમે તેનાથી ચાલતી હોય પણ એમાં એન્જીન ઓઈલ તો જોઈએ જ છે. ઇલેક્ટ્રિક વ્હીકલમાં ય એની બેટરીને ઠંડી રાખવા ય કુલંટ ઓઈલ તો જોઈએ જ. એમ જ્ઞાન કર્મ કે ભક્તિ કોઈપણ માર્ગે એના તરફ જઈએ પણ પ્રેમરૂપી ઓઈલ તો જોઈએ જ બાકી તો ઘસારો લાગે...મીઠાઈના ઇન્ગ્રીડીંયંટસ ભલે બદલાતા રહે પણ એના ઘી તો જોઈએ. ખાલી કોરા ચિંતન કે મનનથી ઘણી વાર કોળીયો ગળે અટકી જાય...એમ પ્રેમ,ભાવ, લાગણીરૂપી ઘી જરૂરી છે.    

૩) બુદ્ધિયોગ:

બુદ્ધિ એટલે શું? તો એવું કહેવાયુ છે કે 'નિશ્વયાત્કતા વૃતિ: બુદ્ધિ' મનની નિર્ણય કરવાની જે વૃતિ છે એ બુદ્ધિ છે...power of decision making.પણ અહિ માત્ર બુદ્ધિની વાત નથી. બુદ્ધિ દુર્યોધનમાં ય છે, શકુનીમાં ય છે...પણ વાત બુદ્ધીયોગની છે. જે બુદ્ધિમાં સત્વ ભળે, સુંદર ઉદેશ્ય ભળે એ બુદ્ધિયોગ...એટલે કૃષ્ણ કહે છે કે માણસે ખુબ બધા પુસ્તકો વાંચ્યા હોય, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, વિદ્વાન હોય એવું બધું જરૂરી છે એવું નથી, એ બસ પ્રેમપૂર્વક મારામાં લિન રહે તો ય હું એને બુદ્ધિયોગ આપું છું, જેનાથી એ મને પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં કેટલા એવા સંતો થયા જેમને અક્ષરજ્ઞાન નહોતું પણ પણ એમની ભજનોના- સંતવાણીના શબ્દો સમજીએ તો એમાં એમનો બુદ્ધિયોગ આપણને દેખાય છે.

આ ગહન મધુર શ્લોક આપણે હજુ આગળના લેખમાં વધુ વિચારીશું...

ગીતા વિચાર:

આ શ્લોક પરથી ગુલઝારનો એક શેર યાદ આવે છે એ કહું:

यू तो कई रास्ते है मुझ तक पहोचने के लेकिन,
राहे महोब्बत से आओगे तो फांसला कम पड़ेगा।

કૃષ્ણ પણ અર્જુન આ શ્લોકમાં એ જ તો કહે છે કે રસ્તા તો ઘણા છે મારા સુધી પહોંચવામાં પણ રાહે મહોબ્બત સે, એટલે કે પીર્તિપૂર્વક આવીશ તો તને નજીક પડશે...કેમ નજીક પડશે? કેમ કે પ્રીતિ હશે તો બુદ્ધિયોગનો એ ટૂંકો રસ્તો હું તને આપીશ…

- મિલી મેર 

આ સમાચાર શેર કરો