શતરંગ / કૃષ્ણને ‘સંયમ’ ગમે, સંયમનો ‘દંભ’ નહીં!
- ગીતા Talks માણસોએ દયાવાન, શ્રદ્ધાવાન, શીલવાન, ધાર્મિક, આધ્યાત્મિક વગેરે કેટલાંય વિશ

- ગીતા Talks
માણસોએ દયાવાન, શ્રદ્ધાવાન, શીલવાન, ધાર્મિક, આધ્યાત્મિક વગેરે કેટલાંય વિશેષ બંધનો શોધ્યાં છે. માણસ તેમાં બંધાય છે અને પછી મુક્તિ માટે તલસે છે. બાકી તો તમામ જીવો જન્મથી જ મુક્ત હોય છે.
આપણને સૌને નાનપણથી જ શીખવવામાં આવ્યું છે કે સૌની સામે આમ બોલાય, આમ ન બોલાય, આમ વર્તન કરાય , આમ ન કરાય, એવું આપણને સૌને શીખવવામાં આવ્યું છે . હવે સૌની વચ્ચે રહેવામાં શું કરવું, શું ન કરવું એમાં આપણે ઘણીવાર એક્ટિંગ કરવા લાગીએ. દંભને ઇંગ્લિશમાં hypocrisy કહે છે. એ શબ્દ ગ્રીક ભાષામાંથી આવ્યો છે જેનો મૂળ અર્થ થાય છે to play acting આપણે લોકો-સમાજની નજરમાં બહાર બહારથી કેટલીક ઍક્ટિંગ કરીયે છીએ અને અંદર ચિંતન જુદું કરતા હોઈએ, હવે આ વાત આપણા માનસમાં કે સ્વભાવમાં એટલી વણાય જાય કે આપણે સૌ આપણા માટે લેબલ બનાવીએ છીએ કે હું તો સારો છું કે હું તો સીધો છું, કે હું તો દયાળુ કે ભોળો છું, કે હું તો એક્દમ ચાલક છું. આવા જ લેબલ આપણે બીજાઓને પણ આપવા લાગીએ...ઇવન આપણે પ્રાણીઓ અને પક્ષીઓને પણ લેબેલ આપવા લાગ્યા. કે શિયાળ તો લુચ્ચું હોય, કબૂતર તો ભોળું હોય, બગલો તો બગભગત હોય, કાગડો આવો હોય અને કૂતરો આવો હોય વગેરે વગેરે. અલ્યા ભાઈ, શિયાળ શિયાળ જ હોય છે, એ લુચ્ચું કે ભોળું એવું કઈ નથી હોતું. બગલો બગલો જ હોય છે, કબૂતર કબૂતર જ છે.
દંભના સંદર્ભમાં આપણે મંગળવારે ત્રીજા અધ્યાયનાં છઠ્ઠા શ્લોક પર વાત વિચારવી શરુ કરી હતી. એ શ્લોકને ફરી યાદ કરીએ:
कर्मेन्द्रियाणिसंयम्ययआस्तेमनसास्मरन् |
इन्द्रियार्थान्विमूढात्मामिथ्याचार: सउच्यते || ૩.૬ ||
સરળ ભાવાનુવાદ : 'જે कर्मेन्द्रियाणि (હાથ,પગ,મોં, ગુદા, અને જનનેદ્રિય વગેરે) કર્મેન્દ્રિયને રોકી રાખીને-વશમાં રાખે છે પણ મનમાં એ જ ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો હોય તો એ વિમૂઢ માણસ મિથ્યાચાર એટલે કે દંભ કરે છે.'
ધ્રુવ ભટ્ટની ‘અતરાપી’ નામે નવલકથા છે, જેમાં કુતરાઓ દ્વારા માનવ સમુદાયની જ વાત કહેવાય છે.. નવલકથામાં કુતરાઓ દ્વારા આપણાં સમાજ એવા દંભને ધ્રુવ ભટ્ટે મૂકી દીધા છે. એ સમજીએ તો એમ થાય કે આપણે ક્યાં ભૂલ કરીયે છીએ? કેટલીક પાયાની વાત આપણે કેવી રીતે ભૂલી જઈએ છીએ.
નોવલમાં સરમા નામની એક કુતરી છે, એ પોતાના ગલૂડિયાઓને એકવાર વાતવાતમાં કહે છે કે, :"ગલૂડિયાઓ તમે તો દયાવાન છો." આ વાક્ય સાંભળીને નવલકથાનું મુખ્ય પાત્ર છે એવા સારમેય નામના કુતરાના કાન ચમકે છે. એ તરત સરમાને કહે છે કે, “સરમા તને કોણે કહ્યું કે આપણે દયાવાન છીએ?’
એટ્લે સરમા કહે કે "કેમ વળી, પેલી પનિહારી બાઈ બોલી હતી તે તેં સાંભળેલું નહીં? આ ત્રણેય ગલૂડિયાંને જોઈને તેણે કહેલું કે આ મોટાં થઈને ભલાં અને દયાવાન થશે. માણસ કૂવે, તળાવે, પાણી પાસે જૂઠ્ઠું તો ન જ બોલે.' હવે જુવો આમાં સરમાના મગજમાં મૂળ તો આ લેબલ પનિહારીએ એટલે કે માણસે જ નાખ્યું છે.
પછી સારમેય બહુ સરસ જવાબ આપે છે કે, "સરમા, સત્ય તો એ છે કે કૂતરાઓ કૂતરા તરીકે જ જન્મે – જીવે અને મરે છે. દયાવાન કે બીજા કશાવાન થવું તે તેમના સ્વભાવમાં નથી. તેઓ માત્ર શ્વાન જ રહે છે. હા, માણસોએ દયાવાન, શ્રદ્ધાવાન, શીલવાન, ધાર્મિક, આધ્યાત્મિક વગેરે કેટલાંય વિશેષ બંધનો શોધ્યાં છે. માણસ તેમાં બંધાય છે અને પછી મુક્તિ માટે તલસે છે. બાકી તો તમામ જીવો જન્મથી જ મુક્ત હોય છે.”
સરમા સારમેયને આશ્વર્યથી પૂછે છે: "દયા, શ્રદ્ધા, શીલ, ધર્મ, અધ્યાત્મ – આ તો જીવની ઊર્ધ્વયાત્રાનાં લક્ષણો ગણાય છે. એ બધાં લક્ષણોને તું જીવ માટે બંધનરૂપ ગણે છે?" સારમેયે કહે છે: "ના, પરંતુ આ લક્ષણો જીવમાં પ્રાકૃતિક પણે હોય તો તે જીવને બાંધશે નહીં. જે ક્ષણે જીવ કશાકવાન બને છે તે પળે જ તે બંધનને પણ સ્વીકારે છે. મુક્તિ તો ત્યારે જ શક્ય છે જ્યારે માત્ર તમે હો, કશાવાન ન હો. સરમા, એક વાત સમજી લે – મુક્તિ માટે માત્ર હોવું જ જરૂરી છે. તું હાથે કરીને કશાકવાન બનીને તારું હોવું જ ગુમાવવા ઇચ્છે તો મને વાંધો નથી. સરમા, તું જાણ કે આ રીતે "દયાવાન” કે ‘ક્રૂર’ હોવામાં કોઈ ફરક નથી."
ગીતા વિચાર:
શ્લોકમાં જે 'સંયમ' શબ્દ વપરાયો એ નેગેટિવ અર્થમાં નથી, પણ 'મિથ્યાચાર' નેગેટિવ અર્થમાં છે. સંયમ જરૂરી છે. ઇન્દ્રિયોને અંકુશમાં રાખવા શરૂઆત સંયમથી જ કરવી પડે. એમ કોઈને લાફો મારવાનું મન થાય તો મારી ન દેવાય, ત્યાં સંયમ જરૂરી છે. ડાયેટ કરતાં હો શરૂઆતમાં મન જાતભાતનું ખાવા લલચાયા જ કરે તો ત્યારે તો કંટ્રોલ રાખવો જ પડે. કોઈ નવો નવો સન્યાસી બને ત્યારે એણે જે નિયમો પાળવા એ સંયમ પૂર્વક પાળવા જ પડે...પણ વર્ષો બાદ પણ જો એમાં સહજતા ના આવે તો એ દંભ છે. સંયમથી શરૂ કરીને સહજતા સુધી પહોચવાનું હોય છે.
- મિલી મેર








