શતરંગ / કૃષ્ણ સતત કર્મોને ધારણ કરતા જ રહે છે, શા માટે?
- ગીતા Talks સરેરાશ માણસ કેડીએ ચાલનાર હોય છે, પણ કેડી કંડારે એ મહામાનવ. શ્રીમદ ભગવદ ગીતામાં

- ગીતા Talks
સરેરાશ માણસ કેડીએ ચાલનાર હોય છે, પણ કેડી કંડારે એ મહામાનવ.
શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણએ પોતાની વાત કહેવા કેટલાક બહુ યુનિક અને ઓરીજનલ શબ્દો યુઝ કર્યા છે. એવા શબ્દો કે જે અગાઉ કોઈ શાસ્ત્રમાં નથી વપરાયા. એવો એક અદભૂત શબ્દ છે: ‘લોકસંગ્રહ’. ‘લોકસંગ્રહ’ એટલે લોકોને આદર્શ મળે, જીવન જીવવાના માપદંડ મળે, એમની પ્રગતિ થાય, સમાજમાં ધર્મ અને શાંતિ સ્થપાય એમ નિસ્વાર્થભાવે-અનાસકત રહીને લોકહિતના કર્મો એટલે ‘લોકસંગ્રહ’. ગીતામાં કૃષ્ણ કૈક એવા અર્થમાં કહે જ છે કે, “જો અર્જુન, હું એક સળીના બે ટુકડા ય ના કરું તો ય મને કોઈ ફર્ક નથી પડતો, પણ છતાં હું કર્મ કરું છું...શા માટે? તો એનો જવાબ છે: ‘લોકસંગ્રહ’ સ્પાઈડરમેનને જ્યારે વિશેષ શક્તિઓ મળે છે ત્યારે એના અંકલે એને કહે છે ને કે, “great power comes with great responsibility” ,એમ દરેક શ્રેષ્ઠ માણસની એ જવાબદારી છે એ કે ‘લોકસંગ્રહ’ માટે કામ કરે. કેમ કે ત્રીજા અધ્યાયના 21માં શ્લોક કૃષ્ણ કહે છે કે,
यद्यदाचरति श्रेष्ठ: स्तत्तदेवेतरो जन:|
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ||
યુદ્ધમાં સામે દાદા-ગુરુ-ભાઈઓ-સ્વજનોને જોઇને વિષાદિત થયેલા, મુંજાયેલા અર્જુનને કૃષ્ણ કહે છે, “જો અર્જુન! શ્રેષ્ઠ વ્યક્તિઓ જેવું આચરણ કરે છે, બાકીના લોકો પણ એનું અનુકરણ કરતાં હોય છે. શ્રેષ્ઠ લોકો પોતાના કર્મ-વર્તન-વાણી દ્વારા જે પ્રમાણ આપતા હોય છે. लोकस्तदनुवर्तते સમાજના લોકો પણ એ જ પ્રમાણે અનુસરતા હોય છે."
માણસ મૂળભૂત રીતે અનુકરણ કરનાર પ્રાણી છે. સરેરાશ માણસ કેડીએ ચાલનાર હોય છે, પણ કેડી કંડારે એ મહામાનવ. એવા મહામાનવો પોતાના વર્તન દ્વારા જે દાખલો બેસાડતા હોય છે, એ પ્રમાણે સામાન્ય જનો વર્તે છે. કૃષ્ણએ આ શ્લોકમાં બહુ સજાગતાથી ‘શ્રેષ્ઠ’ શબ્દ વાપર્યો છે. કૃષ્ણ ‘શ્રેષ્ઠ’ પુરુષો એવું કહે છે, ‘અગ્ર’ પુરુષો-આગેવાન પુરુષો એવું નથી કહેતા. આ વાત લઈને ‘કૃષ્ણ અને માનવસબંધો’ પુસ્તકમાં હરીન્દ્ર દવે લખે છે કે , “એમ તો ભીષ્મ, દ્રોણ અને ધૃતરાષ્ટ્ર પણ સમાજના અગ્રસ્થાને હતા; આધુનિક જગતની વાત કરીએ તો હિટલર,મુસોલિની, ઈદી અમીન જેવા સરમુત્યારો પણ અગ્રસ્થાને હતા.આવા માણસો- જે શ્રેષ્ઠ ન હોય અને અગ્રણી બને એ પોતાના કર્મ દ્વારા ખોટો દાખલો બેસાડે છે. સમાજ ક્યારેક ઘણી ઉચ્ચ અવસ્થાએ કે ઘણી વાર નિમ્નસ્તરે પહોચી જાય છે. આ બધાનો આધાર સમાજનો અગ્રણી કોણ છે.જે અગ્રણી છે એ શ્રેષ્ઠ માણસ છે કે નહીં એના પર છે.”
ભારત અને પાકિસ્તાન એકસાથે આઝાદ થયા પણ ત્યારે ભારતમાં શ્રેષ્ઠ પુરુષો કોણ ગણાતા હતા અને પાકિસ્તાનમાં આગેવાનો કોણ હતા એના આધારે આજે બેઉ દેશોની સ્થિતિ છે. પાકિસ્તાન એના દેશની મિસાઈલના નામ ‘ઘોરી’, ‘ગઝની’ એવા રાખે છે કે જે લુંટારાઓએ આજનું પાકિસ્તાન છે એ પ્રદેશને ય લૂટ્યો છે. બીજી બાજુ આપણી મિસાઈલના નામ ‘પૃથ્વી’, ‘અગ્નિ' એવા છે. ભારત-પાકિસ્તાનની જેમ જ સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા જોઈ લો. બેઉ દેશોમાં એક જ પ્રજા છે , એક જ પરંપરા છે, એક જ વારસો છે. છતાં આજે એક તરફ નાનકડું સાઉથ કોરિયા છે, જેની એલજી, સેમસંગ, હ્યુન્ડાઈ, કીઆ જેવી કેટલીય બ્રાંડ આખા ય વિશ્વભરમાં ફેલાયેલી છે. બીજી તરફ નોર્થ કોરિયા છે, જે સતત પાછળ જતું ગયું.તો એક જ પ્રજાના બનેલા આ બે દેશોમાં આ ફરક કેમ...? એનો જવાબ આ શ્લોકમાં છે. यद्यदाचरति श्रेष्ठ:स्तत्तदेवेतरो जन: સાઉથ કોરિયાના શ્રેષ્ઠ કહેવાય એવા આગેવાનો મળ્યા. ને નોર્થ કોરિયાને પહેલાથી કીમ જોંગ ઉન જેવા ઉંધી ખોપડીના સરમુખત્યારો મળ્યા.
જો કે આ વાત સાપેક્ષ છે: બેઉ પક્ષને લાગુ પડે છે. દાખલો બેસાડનારને પણ અને અનુસરનારને પણ...લોકોએ પણ પોતાના આવા શ્રેષ્ઠ કે આગળ પડતા લોકોમાંથી શું શીખવું એ પણ સમજ કેળવવી પડે.હમણાં મેં ઇન્સ્ટાગ્રામમાં એક રિલ્સ જોઈ હતી, એમાં પહેલા અમુક ઉમરના યુવાનો કેવી રીતેપાર્ટીઓમાં જઈને ડાંસ કરે છે, રાત્રે રોડ પર બાઈક રેસ કરે છે, સિગારેટ-હુક્કા-શરાબ પીવે છે વગેરે બતાવે છે અને પછી એ જ ઉમરના યુવાનો ઓલમ્પિકમાં કે કોમન વેલ્થ ગેમમાં પરફોર્મ કરતાં-આકરી ટ્રેનિંગ કે મહેનત કરતા દેખાડે…આ જોઈને એમ થાય કે આપણે શું પ્રેરણા લઈએ છીએ!
એટલે કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ક્ષત્રિય અને શ્રેષ્ઠ બાણાવળી તરીકે અર્જુનનું કર્મ છે એણે યુદ્ધ કરવું. શાંતિના પ્રયાસો કરવાના હતા એ કરી લીધા, હવે યુદ્ધ આવી પડ્યું છે તો એમાંથી ભાગીને ખોટો દાખલો નથી બેસાડવાનો...નહિ તો ભવિષ્યમાં લોકો એવો ખોટો દાખલો લે તો તો દુષ્ટોને મજા પડી જાય.
ગીતા વિચાર:
કૃષ્ણએ કશું જ કરવું જરૂરી નથી છતાં એ રીસ્પોબીલીટી નિભાવવા આગળ આવે છે, કારણ લોકસંગ્રહ. કૃષ્ણ સક્રિય સજ્જન છે, એને મન નિષ્ક્રિયતાનું મુલ્ય નથી.
- મિલી મેર








