મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / કૃષ્ણ ‘જ્ઞાનયજ્ઞ’ને શ્રેષ્ઠ યજ્ઞ કહે છે, આ ‘જ્ઞાનયજ્ઞ’ એટલે શું?

- ગીતા Talks ‘ઈન્ફોસિસ’ જેવી દિગ્ગજ આઇટી કંપનીના કો-ફાઉન્ડર અને

શતરંગ / કૃષ્ણ ‘જ્ઞાનયજ્ઞ’ને શ્રેષ્ઠ યજ્ઞ કહે છે, આ ‘જ્ઞાનયજ્ઞ’ એટલે શું?

- ગીતા Talks

‘ઈન્ફોસિસ’ જેવી દિગ્ગજ આઇટી કંપનીના કો-ફાઉન્ડર અને મારા ગમતા લેખિકા સુધા મૂર્તિ પોતાના દીકરાને બાળપણમાં કેવો સુંદર જ્ઞાનયજ્ઞ શીખવે છે!

છેલ્લા કેટલાંક મહિનાથી અનંત અંબાણીના લગ્નની જે ધામધૂમ જોતાં રહીએ છીએ એ જોતાં મને ઈન્ફોસિસ જેવી દિગ્ગજ આઇટી કંપનીના કો ફાઉન્ડર અને મારા ગમતા લેખિકા સુધા મૂર્તિની એક વાત યાદ આવે છે. જે વાતમાં એમણે કહ્યું હતું કે, “મારો દીકરો રોહન સ્કૂલમાં હતો ત્યારે એકવાર એ એના ફ્રેંડની બર્થ ડે પાર્ટીમાં ગયો, એ પાર્ટી કોઈ મોટી ફાઇવ સ્ટાર હોટલમાં હતી. એ પાર્ટીમાંથી આવીને રોહન મને કહે કે, “મમ્મા, એકદમ ગ્રાન્ડ પાર્ટી હતી, મારા બર્થ ડે પર પણ એવી જ પાર્ટી કરવી છે?”. એટલે સુધા મૂર્તિ કહે મેં કહ્યું, “ના...” રોહન કહે કે, “કેમ?”

મેં કહ્યું, “જો કોઈ ફાઇવસ્ટારમાં પાર્ટી કરે એનો અર્થ એવો નહીં કે આપણે પણ એમ જ પાર્ટી કરવી, એ એનો સેલિબ્રેશનનો અંદાજ છે. પણ ચાલ, આપણે થોડું કૅલ્ક્યુલેટ કરીયે.  જો એમ ફાઇવસ્ટારમાં પાર્ટી કરીયે અને તારા 50 ફ્રેંડ્સને ઇન્વાઇટ કરીયે તો 50000 થાય ને. (આ આજથી 26-27  વર્ષ પહેલાની વાત છે, એટ્લે 50000 કેટલી ઘણી મોટી રકમ કહેવાય એ સમજી શકાય એવી વાત છે.) તો એમ પાર્ટી કરીએ તો એ 50 હજાર થાય ને..?! બીજી તરફ તું જો આપણા ડ્રાઇવરના બે દિકરા છે.  એમની એકની આખા વર્ષની ભણવાની ફી 10 હજાર છે, પાર્ટી તો આપણે કરીશું જ... પણ ફાઇવસ્ટારને બદલે ઘરના આંગણે કરીશું, સમોસા અને ફ્રૂટી રાખીશું... ને એમ કરતાં જે રૂપિયા બચે એમાંથી ડ્રાઇવરના બેઉ દિકરાઓની 20000 ફી તું જ આપજે... ને બીજા બચે એ તારું સેવિંગ...”

રોહન કહે કે, “મમ્મા, તું આમ જ ગણતરી કરતી હોય છે!”

મેં કહ્યું, “જો આપણે કોઈ એવા એકસ્ટ્રા ઓર્ડિનરી પીપલ નથી કે દર વર્ષે આવતો આપણો જન્મદિન સેલિબ્રેટ કરવા આપણે એ બધું કરવું જોઈએ... we are ordinary people, situation makes us extraordinary… તું માત્ર એટલે એકસ્ટ્રા ઓર્ડનરી નથી થઈ જતો કે તું ઈન્ફોસિસના માલિકનો દીકરો છે. મારે તને જે કહેવાનું હતું એ કહ્યું, હવે તું વિચારીને મને કહેજે, બાકી જેમ તું કહીશ એમ સેલબ્રેટ કરીશું...”

રોહને બીજા દિવસે સુધા મુર્તિને કહ્યું, “ઓકે, મમ્મા જેમ તું કહે એમ... પણ સમોસા સાથે ગુલાબજાંબુ પણ રાખીશું…”

સુધા મૂર્તિ કહે એ સરસ પાર્ટી થઈ, એમાં એના ફ્રેંડ્સ સાથે ડ્રાઇવરના બેઉ દીકરાઓ પણ હતા, છેલ્લે એકાંતમાં રોહને ડ્રાઈવર અંકલને એના જ હાથે 20000 આપ્યાં.

પછી તો રોહને મોટા થયા બાદ પોતાના સેવિંગના એક લાખ રૂપિયા પાર્લામેન્ટ એટેકમાં શહિદ થયેલા જવાનોના પરિવારને સમર્પિત કર્યા. એક દિવસ એણે એની મમ્મીને પત્રમાં લખ્યું, “બીજી મમ્મીઓ તો પોતાના બાળક માટે જ કરતી હોય છે, મારી મમ્મી બીજાના બાળકો માટે ય વિચારે છે, કામ કરે છે... you are my mom, I’m proud of it…”

તમને એમ થશે કે ગીતા talksમાં આ વાત કેમ કરી રહ્યાં છીએ. એનો ઘટસ્ફોટ આજના આપણાં ગીતા શ્લોકમાં છે.

ચોથા અધ્યાયનો ૩૩મો શ્લોક:

श्रेयान्द्रव्यमयाद्यज्ञात्ज्ञानयज्ञःपरन्तप।
सर्वंकर्माखिलंपार्थज्ञानेपरिसमाप्यते॥4.33॥

અહીં કૃષ્ણ કહે છે કે, “હે પાર્થ! દ્રવ્ય વડે એટલે વસ્તુઓ વડે થતાં યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. આખરે તો બધા જ કર્મો જ્ઞાનમાં જ સમાપ્ત થાય છે...”

મિત્રો, આપણે અહીં ગીતાને માત્રને માત્ર  આત્મા પરમાત્માની વાતો તરીકે નહીં પણ આજના સદર્ભમાં જીવન ગ્રંથ તરીકે જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ શ્લોકને એ રીતે સમજીએ તો સૌથી પહેલા સુધામુર્તિ અને રોહનની વાત કરી એમાં રોહને ડ્રાઈવરના બાળકોને ભણાવવા 20000 આપ્યા એ દ્રવ્યયજ્ઞ છે. પણ સુધા મૂર્તિએ આ આખી વાતમાં રોહનને જે શીખવ્યું એ એનો જ્ઞાનયજ્ઞ છે.

આ ચોથા અધ્યાયમાં કૃષ્ણ જુદા જુદા યજ્ઞોની વાત કરે છે, જેમાં દ્રવ્ય યજ્ઞ, તપોયજ્ઞ, યોગયજ્ઞ અને જ્ઞાનયજ્ઞની વાત છે. આ બધામાં કૃષ્ણ જ્ઞાનયજ્ઞને શ્રેષ્ઠ કહે છે. 

 પહેલા તો સમજીએ કે યજ્ઞ શું છે? અને એમાંય વળી આ ‘જ્ઞાનયજ્ઞ’ શું છે? 

યજ્ઞ એટલે અગ્નિના માધ્યમથી થતી ઉપાસના. આ શ્લોકમાં દ્રવ્યમય યજ્ઞ એટ્લે અગ્નિમાં મટિરિયલાસ્ટિક વસ્તુઓની આહુતિ આપીને થતો યજ્ઞ... પણ જ્ઞાનયજ્ઞ એટલે સમગ્ર સૃષ્ટિને યજ્ઞ રૂપે જોઈને એમાં આપના કર્મોની આહુતિ આપતી જવી એ... આવા ભાવથી કામ થાય અને હરેક પદાર્થને જોવામાં આવે તો કોઈ પ્રશ્ન ના રહે... બધા જ કર્મો આ જ્ઞાનમાં શાંત થઈ જાય.

આ શ્લોક વિશે ગીતા talksમાં આગળ પણ વિચારીશું...

ગીતા વિચાર:

આ ચોથા અધ્યાયનો શ્લોક છે, આપણે ૧ થી ૪ અધ્યાયના નામ જોઈએ તો સમજાય કે સૌથી પહેલા ‘વિષાદયોગ’, વિષાદ એટલે કે દુખ/હતાશા અને તેમાંથી ઉભા થવા ‘સાંખ્યયોગ’ સાંખ્ય અર્થાત્ નૉલેજ/જ્ઞાન અને એ મેળવ્યા બાદ એને પ્રૅક્ટિકલ/વ્યવહારમાં મૂકવા ‘કર્મયોગ’ આવ્યો અને ચોથો અધ્યાય ‘જ્ઞાન કર્મ સન્યાસ યોગ’. સન્યાસ એટલે કે ત્યાગ... આ નામ જોઈને એમ લાગે કે અગાઉ જે જ્ઞાન અને કર્મ વિષે જાણ્યું એનો ત્યાગ કરવાનો? ના, જ્ઞાનનો ત્યાગ નહીં,  જ્ઞાનના અહંકારનો ત્યાગ, કર્મનો ત્યાગ નહીં, પણ કર્મના બંધનનો ત્યાગ. 

- મિલી મેર 

આ સમાચાર શેર કરો