મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / પાર્કિંગનો 'પ' અને માથાકુટનો 'મ'

- સિંગલ સ્ક્રિન એક સામાન્ય માણસનું સપનું હોય કે એનું પોતાનું એક ઘરનું ઘર હોય! વેઇટ, પણ એ ઘર બનવાની સાથે આજનાં સમયમાં જો કોઈ

શતરંગ / પાર્કિંગનો 'પ' અને માથાકુટનો 'મ'

- સિંગલ સ્ક્રિન

એક સામાન્ય માણસનું સપનું હોય કે એનું પોતાનું એક ઘરનું ઘર હોય! વેઇટ, પણ એ ઘર બનવાની સાથે આજનાં સમયમાં જો કોઈ પહેલી વસ્તુ મગજમાં આવતી હોય તો એ છે પાર્કિંગ! જી, સહી સુના! અત્યારનાં કરન્ટ સિનારિયોમાં શહેરોનાં રસ્તાઓથી સોસાયટીનાં ગેઇટ સુધી, ઓફિસનાં કોરિડોર થી લઈને અપાર્ટમેન્ટનાં વ્હોટ્સ ઍપ ગ્રુપ સુધી જો સૌથી વધુ કોઈ વાતે કકળાટ હતો હોય તો એ છે પાર્કિંગ! મુસ્કુરાઈએ આપ સહી સોચ રહે હૈ! દિલ પર હાથ રાખીને કહેજો કે નવું સ્કુટર કે નવી કાર લેતા પહેલા તમે એનાં પાર્કિંગ વિશે પહેલા વિચારો છો કે નહિ? ઘરે ઘરે 2-3 સ્કુટર અને બબ્બે કાર લોકો વસાવી રહ્યા છે. વાહન ખરીદવા લૉન આસાની થી મળી રહી છે ત્યારે રસ્તાઓ એટલા પહોળા નથી, વાહનોને પાર્ક કરવા મળવાપાત્ર જગ્યા તો નથી વધી રહી તો પછી ધીમે ધીમે એક વિકરાળ સમસ્યા ઉભી થઇ રહી છે જે વિચારીએ એનાં કરતાં ક્યાંય મોટી છે!

તમિળ અને મલયાલમ સિનેમા એની વિષય પસંદગી અને ટ્રિટમેન્ટ માટે ખુબ જ વખણાય છે! 'સિંગલ સ્ક્રિન'નાં પહેલા આર્ટિકલમાં આજે આપણે 2023માં આવેલી તમિળ ફિલ્મ 'પાર્કિંગ' વિષે વાત કરીશું! પાર્કિંગની સમસ્યા એ પાર્કિંગ કરતા પણ 'મેન્ટાલિટી ઈશ્યુ - ઈગો ઈશ્યુ' છે! ફિલ્મ એકદમ હેપ્પી નૉટ પર શરુ થાય છે જ્યાં એક બહુ જલ્દી રિટાયર થનાર ગવર્નમેન્ટ ઓફિશર એનાં પરિવાર સાથે એક ડુપ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લૉર પર ભાડે રહે છે. લાઈફ એકદમ સરસ જઈ રહી છે, એક દિવસ ઉપર પહેલા માળે એક યંગ સોફ્ટવેર એન્જીનિયર અને એની પ્રેગ્નન્ટ પત્ની પણ ભાડે રહેવા આવે છે! શરૂઆતમાં બંને ફેમિલી ખુબ સારી રીતે હળી મળીને રહે છે પણ સમસ્યા ત્યારે શરુ થાય છે જયારે પ્રેગ્નન્ટ પત્નીની સહુલિયત માટે એનો પતિ ઈશ્વર કાર ખરીદે છે! બીજા છેડે પેલો જૈફ વયનો પડોશી મિક્સર અને બાઈક બંને જુનાં થઈને બંધ ન પડી જાય ત્યાં સુધી ખર્ચો કરવામાં ન માનતો હોય એને રાતોરાત પોતાની બાઈક મુકવા કાઢવામાં અગવડ પડવી શરુ થતાં, ફક્ત બતાવી દેવા માટે કાર ખરીદે છે!

બસ, પછી શરુ થાય છે પાર્કિંગનાં નામે કકળાટ અને પછી તો વાત ઈગો પર આવી જતાં રીતસર યુદ્ધ શરુ થાય છે. વાત એકબીજાને નોકરીમાંથી કઢાવવા, એકબીજાનું કાસળ કાઢી નાંખવા સુધી પહોંચી જાય છે! ફિલ્મનાં એક દ્રશ્યમાં ત્રીસ હજારની લાંચ માટે પેલા સરકારી ઓફિસર ફસાય જાય છે અને પંખાનાં પાંખિયા પર નોટનાં બંડલ ગોઠવેલા હોય છે અને લાઈટ આવી જતાં પંખો ફરે અને આખા રૂમમાં પૈસાની નોટો ઉડે એ અદભુત સિનેમેટિક મૉમેન્ટ છે!

ડિરેક્ટર રામકુમાર બાલાક્રિષ્નન કહે છે કે, ચેન્નાઈમાં એમની પોતાની કાર એમની જ સોસાયટીમાં એક સભ્ય એ પોતાનાં ઘરની બહાર રાખવા જગ્યા એટલે કરી આપી કે એમની જેની સાથે દુશ્મની હતી એ ત્યાં પોતાની કાર પાર્ક ન કરી શકે! આ આખી પાર્કિંગ સમસ્યાની ગંભીરતા અને કઈ રીતે લોકો એને પોતાનાં દિલોદિમાગ પર લઇ લે છે એ એક અદભુત વનલાઇન સ્ટોરીલાઇન છે!

ફિલ્મમાં ખુબ ઝીણવટથી બંને પુરુષોનાં પાર્કિગને લઈને ફક્ત મૅલ ઈગો ખાતર બંનેની પત્નીઓને કેટલું સહન કરવું પડે છે એ પણ બખૂબી બતાવાયું છે! કાર પર કે બાઈક પર પડતા ઘસરકા, ટાયરની કાઢી નંખાતી હવા, ટાયર કાઢવાનો પ્રયાસ કરવો, કાચ તોડી નાંખવા આ બધું જ કરી છૂટવું ફક્ત એક પાર્કિંગ માટે! પાર્કિંગને લીધે જ લોકો પોતાની જૉબ, કામધંધા અને ઘરમાં પણ ધ્યાન નથી આપી શકતા એ હકીકત તમે માની શકો છો?

આજે અમદાવાદમાં પણ હાઇ-વે અને અંદરના પણ દરેક રસ્તાઓની બંને બાજુએ પાર્ક કરેલી કાર જોઈને તમને અરેરાટી નથી અનુભવાતી? તમે જયારે પોતાની કાર હોવા છતાં કૅબ કરો કે સ્કૂટર પર જવાનું પસંદ કરો છો એવું વિચારીને કે પાર્કિંગ નહિ મળે તો? વિચારો આ પરિસ્થિતિ જ કેટલી ભયાવહ છે! મોટા શહેરોમાં તો બિલ્ડર પાસેથી કે મકાન માલિક પાસેથી પાર્કિંગ લેખિતમાં લીધેલું હોય, એલોટેડ હોય તો પણ બીજા લોકો આવીને નફ્ફટાઈથી તમારા પાર્કિંગમાં પોતાની કાર પાર્ક કરી દે અને તમારે એમને વિનંતી કરવી પડે કે ભાઈ આ તમારી કાર લઇ લો, આ પાર્કિંગ અમારું છે!

ફિલ્મમાં બખુબી માનસિકતાને અરીસો બતાવાયો છે જ્યાં પાર્કિંગને લઈને એકબીજાનાં વાહનની નંબર પ્લેટ, કાચ, અરીસો કે ટાયરને નુકસાન પહોંચાડવું કે પછી કેબલ ટીવી કે ઇન્ટરનેટ ફાયબરનેટ કાપી નાંખવું! આ વિકૃતિ નથી તો શું છે? પણ કહેવાય છે કે જેમ માણસ પાસે પૈસા વધુ, એમ એટલો જ એનો જીવ ટુંકો! ફિલ્મનો અંત ઘણો વાસ્તવિક અને વિચારતા મજબુર કરી દે એવો છે એ તમે જાતે જ જોઈ લેજો!

લેકિન, પાર્કિંગની સમસ્યા જેવા એક કહેવાતા ક્ષુલ્લક વિષય પર 180 મિનિટની દિલધડક ફિલ્મ બનાવવી અને એ પણ 240 કરોડનું કલેક્શન કરી જાય તો એ કોઈ જેવી તેવી વાત નથી પણ એ તમિલ સિનેમાનાં કન્ટેન્ટની તાકાત બતાવે છે! ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર ઉપલબ્ધ છે, પાર્કિંગનો કકળાટ ક્યારેય સાંભળ્યો, જોયો કે સહન કર્યો હોય તો આ ફિલ્મ તમને એવી અસર કરી જશે કે કાપો તો લોહી ન નીકળે!

- ભાવિન અધ્યારુ

આ સમાચાર શેર કરો