મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / મનને અભ્યાસ અને વૈરાગ્યના કાંઠા વચ્ચે વહેતું રાખીએ!

- ગીતા talks કટોકટીની ક્ષણોમાં પણ કૃષ્ણ અર્જુનને છાપામાં આવતી કોઈ બાબા-તાંત્રિક કે જ્યોતિષ

શતરંગ / મનને અભ્યાસ અને વૈરાગ્યના કાંઠા વચ્ચે વહેતું રાખીએ!

- ગીતા talks

કટોકટીની ક્ષણોમાં પણ કૃષ્ણ અર્જુનને છાપામાં આવતી કોઈ બાબા-તાંત્રિક કે જ્યોતિષની જાહેરાતોની જેમ શોર્ટ કટ
નથી બતાવતા. કૃષ્ણ કહે છે એ રસ્તો લાંબો છે, પણ એ જ સાચો રસ્તો છે.

આપણે ઘરમાં અને આસપાસ બીજું બધું તો સાફ કરતાં રહેતા હોઈએ છીએ પણ આપણા મનના માળીયે મોટેભાગે
એટલો બધો નકામો ભંગાર ભેગો થતો જાય કે લાઈફમાં ઘણુંબધું બ્લર થઇ જાય છે.આપણા ચશ્માં પર માખી ચોંટી હોય અને આપણે હવામાં માખી ઉડાડતાં હોઈએ. એક દર્દી ડોક્ટર પાસે જઈને કહે કે, “શરીરમાં જ્યાં આંગળી અડાડું ત્યાં બધે દુ:ખે છે.” ડોક્ટરે આખું શરીર તપાસ્યું. પેલાનું શરીરતો એકદમ બરાબર જ હતું...છેલ્લે આંગળી તપાસી તો આંગળી જ પાકેલી હતી...

આપણું આવું જ કૈક થાય છે, જીવનમાં સફળતા કે શાંતિ કે સાર્થકતા માટેના શોર્ટકટ જેવા આડઅસર કરતાં ઈલાજ કરતા રહીએ છીએ, પણ મનના અસંતોષ અને ઉત્પાતોનો ઉપાય થતો નથી.

કબીર કહ્યું છે ને કે,

સાત સમન્દર કી એક લહેર,મન કી લહેર અનેક,
કોઈ એક હરીજન ઉબરા, ડૂબી નાંવ અનેક.

મનની અનેક લહેરો છે, જેમાં ભલાભલા મનસુબાના વહાણો ડૂબી જાય છે. કોઈ એકાદ હરિનો જન નીકળે જે તરી
જાય...એટલે અર્જુન કહે છે કે, “હે કૃષ્ણ, મારે મનના માંકડાનું મારે શું કરવું?” ત્યારે કૃષ્ણ સૌ પ્રથમ અર્જુનની વાતમાં હામી ભારે છે કે, “હા તારી તદ્દન ખરી છે, મનને ઝાલવું જટિલ કામ છે.” અને પછી એનો રસ્તો પણ કહે છે. આપણે ગીતા talksના આગળના લેખમાં છઠ્ઠા અધ્યાયના ૩૫માં શ્લોકમાં કૃષ્ણની કહેલી આ વાત સમજવા પ્રયાસ કર્યો હતો.આજે ફરી એ જ વાતને વધુ વિસ્તારીએ. શ્લોક છે:

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलं।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ।।6.35।।

કૃષ્ણ કહે છે કે, “હે મહાબાહો, એમાં કોઈ જ સંશય જ નથી કે મનને વશ કરવું અત્યંત કઠીન છે. કેમ કે એ અત્યંત ચંચળ
છે. પણ મનને નાથવાના બે રસ્તાઓ છે. એક અભ્યાસ (practice )અને બીજો વૈરાગ્ય (detachment ), આ બેઉ
દ્વારા તું મનને ધીમે ધીમે કાબુમાં કરી શકીશ.”

આ શ્લોકમાં વાત નોટીસ કરવા જેવી એ છે કે આવી કટોકટીની ક્ષણોમાં પણ કૃષ્ણ અર્જુનને કોઈ છાપામાં આવતી કોઈ
બાબા-તાંત્રિક કે જ્યોતિષની જાહેરાતોની જેમ શોર્ટ કટ નથી બતાવતા. એ કહે છે કે practice and
detachment.રસ્તો લાંબો છે, પણ સાચો રસ્તો આ જ છે.

અભ્યાસ-practice...વ્યાકરણશાસ્ત્રી પાણીનીની કથા છે ને કે એ ગુરુકુળમાં હતા ત્યારે એમને ભણતર ચડતું જ
નહોતું. એક દિવસે કંટાળીને ગુરુકુળમાંથી ભાગી જાય છે. રસ્તામાં પાણી પીવા એક કુવા પાસે આવે છે. જોવે છે તો
કુવાના પથ્થર પર દોરડાના નિશાન પડી ગયા છે. એ જોઇને વિચારે કે એક પથ્થર પર જો ઘસાય ઘસાય ને નિશાન પડી જતા હોય તો હું માણસ છું, મને ભણતર કેમ ચડે નહિ? એ ગુરુકુળમાં પાછા આવે છે અને આકરો અભ્યાસ આદરે છે. એનું રચેલું વ્યાકરણ સદીઓ સુધી જીવે એવો વિદ્વાન થાય છે.

અભ્યાસ પુરેપુરો હોય અને જો detachment ના હોય તો ઘણીવાર બધા કર્યા કારવ્યા પર પાણી ફરી જાય. મિલ્ખાસિંઘના અભ્યાસ-પ્રેક્ટીસમાં કશી જ ઉણપ નહોતી. ૧૯૬૦ની રોમ ઓલમ્પિકમાં 400 મિટરની રેસમાં મિલ્ખાસિંઘ સૌથી આગળ દોડી રહ્યા હતા. ત્યારે સૌને એવું જ લાગતું હતું કે એ ભારતને ગોલ્ડ મેડલ અપાવશે. પણ માત્ર એકવાર... માત્ર એકવાર મિલ્ખાસિંઘ દોડતા-દોડતા પાછળ ફરીને જુવે છે. ખેલ ખલાસ... આ તો માઈક્રો સેકંડની રમત છે. આ એક ભૂલ અને મિલ્ખા ચોથા નંબરે આવે છે. એ કટોકટીની ક્ષણોમાં મીલ્ખાસિંઘ પાછળ ફરીને ના જોવે એટલા
detach થઇ શક્યા હોત તો આજે ઈતિહાસ જુદો હોત!

મનને ડીસીપ્લીન કરવા detach તો કરવું જ પડે. આપણે સફળ વ્યક્તિઓને જોઈએ અને એની સકસેસથી અંજાઈ
જઈએ પણ ત્યાં સુધી પહોચવા એણે અભ્યાસ અને વૈરાગ્યનો માર્ગ લીધો એ જાણવો જોઈએ. અઢાર વર્ષના વિરાટ
કોહલીની એક ઈમ્પોર્ટન્ટ રણજી મેચ હતી. એ રાત્રે એના ફાધર અવસાન પામ્યા. એ અઢાર વર્ષનો છોકરો રાત્રે પિતાના દેહ પાસે બેઠો રહે છે. વહેલી સવારે પિતાને અગ્નિદાહ આપીને સાડા નવે ક્રિઝ પર ઉતરે છે, એ દિવસે વધુ ૯૦ રન ઉમેરીને ટીમને જીતવામાં મહત્વનું યોગદાન આપે છે. આ વૈરાગ્ય નથી તો શું છે? કોહલી ફિટનેસ માટે ભાવતી વસ્તુઓને વર્ષો સુધી અડે પણ નહિ તો એ કેટલું મોટું detachment હોય છે.

ગીતાવિચાર:

વાત આધ્યાત્મની હોય કે આપણા કરિયરની...જીવનમાં સફળતા કે સાર્થકતા કે શાંતિ ત્યારે જ મળે છે ,જ્યારે મનને
અભ્યાસ અને વૈરાગ્યના કાંઠા વચ્ચે વહેતું રાખીએ...

- મિલી મેર

આ સમાચાર શેર કરો