મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / નોકરી એ સર્વસ્વ નથી...

- ચાલ જિંદગી મારી સાથે મિલિંદ એ ફાયનાન્સમાં એમ.બી.એ. કરેલું. ભણવામાં પહેલેથી ખુબ જ હોશિયાર. સ્કુલમાં પણ અવ્વલ અને

શતરંગ / નોકરી એ સર્વસ્વ નથી...

- ચાલ જિંદગી મારી સાથે

મિલિંદ એ ફાયનાન્સમાં એમ.બી.એ. કરેલું. ભણવામાં પહેલેથી ખુબ જ હોશિયાર. સ્કુલમાં પણ અવ્વલ અને કોલેજમાં પણ અવ્વલ. બધાને એવી આશા હતી કે મિલિન્દ મોટો થઈને બહુ મોટો ઓફિસર બનશે એને વાંચનનો ખુબ શોખ અને ગઝલો તો એ ખુબ સાંભળે. પેઇન્ટિંગ કરવી એને ખુબ ગમે કલાકાર જીવ. મહીને 40થી 50 હજાર કમાતો મિલિન્દ કોલેજમાં બહુ એમ.બી.એ. કરીને તરત જ એણે પ્રાઇવેટ બેંકમાં નોકરી શરુ કરી. એ જયારે કોલેજમાં હતો ત્યારે બધી છોકરીઓનો ડ્રીમ બોય હતો. પણ મિલિન્દને એમ હતું કે લગ્ન તો ઘરનાની મરજીથી જ થાય અને એટલે જ જેવી જ મિલિન્દની નોકરી શરુ થઇ એના માટે છોકરી જોવાનું શરુ થયું પણ ક્યાંય કોઈ જગ્યા એ એનો મેળ પડી જ નહોતો રહ્યો. મિલિન્દને આશ્ચર્ય થતું કે કેમ આવું થઇ રહ્યું છે? પણ જે જગ્યાએ જાય બધાની એક જ માંગણી સરકારી નોકરી છે કે નહિ? અને સરકારી નોકરી ના હોવાના કારણે મિલિન્દનું ક્યાંય ગોઠવાઈ પણ નહોતું રહ્યું. કંટાળીને મિલિન્દ સરકારી નોકરી મેળવવા માટે નોકરી કરતાં કરતા સરકારી નોકરીની તૈયારી પણ શરુ કરી કારણ કે એને સમજાઈ ગયું હતું કે તમે કેટલા હોશિયાર છો, તમારો આઈકયુ લેવલ, તમે કેટલા માનવીય કે સંવેદનશીલ છો આ બધું અગત્યનું નથી. અગત્યનું તો છે કે તમારી પાસે સરકારી નોકરી છે એક નહિ? અને આ સત્યને મિલિન્દ ઈચ્છા-અનિચ્છાએ પચાવી બેઠો હતો.

એક બાજુ મિલિન્દ સરકારી નોકરી માટે પરીક્ષા પર પરીક્ષા આપી રહ્યો હતો અને બીજી બાજુ દરેક પરીક્ષામાં મળતી નિષ્ફળતા એના મનમાં હતાશાનું ઘર કરી રહી હતી. મિડલ ક્લાસના માણસ માટે સૌથી મોટો તહેવાર હોય છે એના સંતાનના લગ્ન પણ એકના એક દીકરાના બાપ એવા મિલિન્દના પપ્પાના મનમાં એ ઈચ્છા એમની એમ રહી ગઈ અને એક દિવસ એમને સ્ટ્રોક આવ્યો ને એમને પેરેલિસિસ થઇ ગયું. મિલિન્દના માથા પર અચાનક એની મમ્મી અને એક નાની બેનની જવાબદારી આવી ગઈ. પરીક્ષાની તૈયારીનો સમય હવે ઓછો થઇ ગયો. પૈસાની જરૂર વધી એટલે મિલિન્દને બીજી પણ નોકરી કરવી પડે એવો વખત આવ્યો. એક બાજુ નોકરીમાં ટાર્ગેટ, ઓવરટાઈમ, પ્રેશર અને બીજી બાજુ વધતી જતી ઉમર અને સગાં-સંબંધીઓના મેણાં... આમ કરતાં કરતા મિલિન્દ 30 વર્ષે પહોચી ગયો. સરકારી નોકરીની ઉંમર પૂરી થવા આવી અને એ આ બધા વચ્ચે આટલી બધી પરીક્ષાઓમાં નિષ્ફળતા પછી પહેલી વાર મિલિન્દે સરકારી નોકરી માટેની પ્રિલીમ અને મેઈન્સ એક્ઝામ કલીયર કરી. મિલિન્દ અને એના ઘરનાને લાગ્યું કે હવે એમના જીવન પર છવાયેલા કાળા વાદળો હવે હટી જશે. મિલિન્દને લાગ્યું કે હવે ‘મિલિન્દ’ તરીકે એને જે-જે જગ્યાએ માન સન્માન નથી મળ્યું એ બધું ‘ઓફિસર મિલિન્દ’ને મળશે.

કારણ કે મિલિન્દે અનુભવી લીધું હતું આજના સમયમાં માણસનું નહિ પણ સરકારી નોકરીનું મહત્વ અને આ વખતે એના મનમાં પણ આશા જન્મી અને મિલિન્દે આ આશા સાથે જ એનું ઈન્ટરવ્યું પૂરું કર્યું અને પરિણામની રાહ જોવા લાગ્યા... મિલિન્દની મમ્મી અને બહેને કેટકેટલી બાધાઓ રાખી હતી મિલિન્દ પરીક્ષામાં પાસ થઇ જાય અને એને સરકારી નોકરી મળી જાય એના માટે અને પરિણામ આવ્યું. પણ આ પરિણામ કાગડોળે રાહ જોતી આંખોમાં લાલાશ અને અફસોસ મુકીને ગયું કારણ કે મિલિન્દ પરીક્ષાના અંતિમ પડાવ પર પહોચીને પાર ના કરી શક્યો. મિલિન્દની આંખે અંધારા આવી ગયા, એને લાગ્યું કે હવે જીવનમાં શું વધ્યું છે? મારી પાસે સરકારી નોકરી નથી એટલે હું નિષ્ફળ છુ, નક્કામો છુ અને આવા વિચારોમાં ને વિચારોમાં એ ચાલતો ચાલતો પહોચ્યો એની બેંકવાળી ઓફીસની સામે આવેલી સરકારી ખાતાની દસ માળની બિલ્ડીંગની ‘એ’ વિંગના ટેરેસ પર... મિલિન્દને આ જીવન જીવવા જેવું નહોતું લાગતું કારણ કે એની પાસે સરકારી નોકરી નહોતી અને હવે ઉમર થઇ ગઈ હતી એટલે મળી પણ શકે એમ નહોતી... એણે આત્મહત્યાનું મન બનાવી લીધું હતું. એ એના માતા પિતા અને બેનને યાદ કરીને આંખો બંધ કરીને નીચે કુદવાનો જ હતો ને અચાનક એને એક્જેટ એની સામે ‘બી’ વિંગના ખૂણામાંથી જોરજોરથી રડવાનો અવાજ આવ્યો... એણે જોયું તો એક ૨૪-૨૫ વર્ષનો નવયુવાન રડતાં રડતાં બિલ્ડીંગ પરથી કુદવાની તૈયારી કરતો હતો. મિલિન્દ આ જોઇને ડઘાઈ ગયો. મિલિન્દે એને જોરથી બુમ પાડી અને એને ખખડાવ્યો કે, ‘એય, નીચે ઉતર... તું શું કરે છે? ચાલ જલ્દી નીચે ઉતર... અને સામેથી એ નવયુવાન એ કહ્યું કે, “ના મારે નથી જીવવું. હું કંટાળી ગયો છું...મિલિન્દ એ પૂછ્યું કે તું તો આટલો નાનો છે, હજી તો તારે દુનિયા જોવાની છે અને એવું તો શું થયું છે કે તારે મરવું છે? તું શેનાથી કંટાળી ગયો છે? અને સામે ઉભેલા ૨૪-૨૫ વર્ષના નવયુવાન એ કહ્યું કે, “મારી સરકારી નોકરીથી”. આં સાંભળીને જાણે મિલિન્દને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો અને એને વિચાર આવ્યો કે સરકારી નોકરીથી પણ કોઈ કંટાળી શકે?

મિલિન્દ એ એને સમજાવ્યો અને નીચે ઉતાર્યો અને પૂછ્યું કે, “મને કહીશ શું થયું?” અને એ છોકરા એ એની વાત શરુ કરી, “મારું નામ પ્રથમ...ભણવામાં હું હમેશા એવરેજ વિદ્યાર્થી હતો, દસમાં પણ ખાસ ટકા ના આવ્યા એટલે આર્ટસ લઇ લીધું. પહેલેથી જ નક્કી હતું કે સરકારી નોકરી કરવી છે એટલે કોલેજ શરુ થઇ ત્યારથી જ સરકારી નોકરીની તૈયારી કરવાની પણ શરુ કરી અને એટલે જ કોલેજ પૂરી થતાં થતાં તો મને સરકારી નોકરી મળી પણ ગઈ..હું મારી હજી વીસીમાં હતો અને એક સરકારી કર્મચારી બની ગયો હતો.  હું બહુ ખુશ હતો કારણ કે બધે જ, સમાજમાં, મિત્ર વર્તુળમાં મારી વાહ વાહ થતી હતી. બધા ખુશ હતા. પરિવાર ગર્વ લેતો હતો.. મારા માટે સારી સારી છોકરીઓનાં માંગાઓનો તો જાણે વરસાદ થતો હતો અને એમાંને એમાં ધ્રુવી સાથે મારા લગ્ન થઇ ગયા. બધું પરફેક્ટ ચાલી રહ્યું હતું..નોકરીના પહેલા બે વરસ તો લાગ્યું જાણે દુનિયામાં સ્વર્ગ ક્યાંય છે તો એ અહીં જ છે. પણ ધીમે ધીમે બધું બદલાયું...સરકારી નોકરીની વાસ્તવિકતાઓ મારી સામે આવી.. કેટલી વસ્તુઓ હું સહન કરી શક્યો કેટલીક ના કરી શક્યો અને જો બોલ્યો તો એ બોલવાની મારે કિમત ચૂકવવી પડી. મારા વિરુદ્ધ અરજીઓ થઇ, મારા પર તપાસ બેસાડવામાં આવી, મારા પર કરપ્શનના આરોપ લાગ્યા કારણ કે હું ભૂલી ગયો કે સરકારી નોકરીમાં બોલવાની મનાઈ હોય છે. બધા એ મારા વિષે એક એવી છાપ બાંધી લીધી હતી કે જેવો હું હતો જ નહિ. હું ચુપચાપ એક ત્રાસદાયક મુસફારીમાંથી પસાર થઇ રહ્યો હતો પણ ઘરમાં પણ કોઈને કંઈ કહી શકું એમ નહોતો કારણ કે ધ્રુવી પ્રેગનેન્ટ હતી.

બધાને એમ લાગતું હતું કે હું સપનાંની લાઈફ જીવી રહ્યો હતો પણ હકીકતમાં મને રાત-રાત સુધી ઊંઘ આવવાનું બંધ થઇ ગયું હતું. રોજ મને  ઓફીસમાં નીચો પાડવામાં આવે, મારું અપમાન કરવામાં આવે, મને મારો ક્લાસ સમજાવવામાં આવે. દિવસે-દિવસે કામનું ભારણ એટલું વધારવામાં આવ્યું કે જાણે હું માણસ નહિ પણ મશીન છુ. અને કંઈ પણ બોલવા કે કહેવા જઈએ તો નોટિસનો ભય આપવામાં આવતો..દિવસે દિવસે નોટિસની સંખ્યા પણ વધતી ગઈ અને અપમાનોની સંખ્યા પણ. મને સમજાઈ નહોતું રહ્યું કે હું શું કરું? મારાથી ઉપરી અધિકારીઓના શાબ્દિક શોષણ, ધમકીઓ અને અપમાનો સહન નહોતા થતાં અને બીજી બાજુ મારા ઘરમાં બાળકનો જન્મ પણ થઇ ગયો હતો એટલે જવાબદારીઓ પણ વધી ગઈ હતી. ઘણી વાર આડકતરી રીતે નોકરી છોડવા માટે ઘરે વાત કરી તો બધા એક જ વાક્ય કહ્યું કે, “પાગલ છે? શું કોઈ સરકારી નોકરી પણ છોડતું હશે શું? કેટલી માનતાઓ, બાધાઓ રાખી હોય અને ગયા જન્મમાં સારા કર્મો કર્યા હોય તો એને સરકારી નોકરી મળે અને તું એને છોડવા માંગે છે?” પણ હું કોને સમજાવત કે ઓફીસમાં ચાલતું પોલીટીક્સ, રમતો, ષડ્યંત્ર આ બધું હું નહોતો સહન કરી શકતો...રોજ થતાં અપમાનો એ મારા અસ્તિત્વ પર પ્રશ્ન ઉભો કર નાખ્યો હતો. મારા સ્વમાન પર જાણે બરફ જામી ગયો હતો. હું દિવસે દિવસે એક જીવતી લાશ બનતો જતો હતો. રોજ રોજ થતાં અપમાનો મારો શ્વાસ રૂંધી રહ્યા હતા અને મેં નક્કી કર્યું કે રોજ રોજ મરવું એના કરતાં એક વાર મરવું સારું.” 

મિલિન્દ પ્રથમની સામે ને સામે એકધારું જોઈ રહ્યો હતો અને પોતાને પૂછી રહ્યો હતો કે, “આ સામે જે બેઠો છે એ આજે એની  સરકારી નોકરીના કારણે  આપઘાત કરવાનો હતો અને હું આજે મારી પાસે સરકારી નોકરી નથી એટલે આપઘાત કરવાનો હતો.” મિલિન્દને મનમાં જે પ્રશ્ન લઈને આવ્યો હતો એને એનો જવાબ મળી ગયો હતો. એણે પ્રથમને ઉભો કર્યો અને પાણી આપ્યું અને પોતાની વાત પ્રથમ ને કહી. અને પ્રથમ પણ મિલિન્દની વાત સાંભળીને સમજી ગયો કે આજે ભગવાન એ મિલિન્દ અને પ્રથમ બંનેને એ સમજાવવા માટે એકબીજાને મળાવ્યા છે કે નોકરી એ સર્વસ્વ નથી.

દુનિયામાં એવા અનેક લોકો છે કે જેની પાસે નોકરી નથી તો શું થયું? કેટલા બધા રસ્તાઓ છે આર્થિક ઉપાર્જનના..જેને નોકરી નથી એવા પણ અનેક લોકો સફળ અને ધનવાન છે જ ને. નોકરી જીવન માટે છે કે જીવન નોકરી માટે? કોઈ એવી વસ્તુ જે તમને એ હદ સુધી પહોચાડી દે કે તમને આ અમુલ્ય જીવન નિરર્થક લાગે તો એના હોવાની સાર્થકતા કેટલી? નોકરી માત્ર ને માત્ર આર્થીક સ્થિરતા આપે છે પણ જો એ માનિસક અસ્થિરતા તરફ દોરી જતી હોય તો એમ કહેવાની જગ્યા એ કે કાશીમાં જાઓ તોય કાગડા કાળા એના કરતાં એ સમજવાની જરૂર છે કે  હવે ખરેખર આ નિર્ણય લેવાનો સમય છે કે આવી નોકરી આપણે કરવી કે નહિ? 

કારણ કે જીવન થી અમુલ્ય બીજું કંઈ નથી. એટલે જો ક્યારેય એવી પરિસ્થિતિ આવે તો પોતાની જાતને કહો કે, “હું એટલો સક્ષમ તો છું જ કે નોકરી નહિ પણ હોય તો હું કંઈક ને કંઈક તો કરી જ લઈશ”. એવો વિશ્વાસ રાખો, અને જયારે બધું છોડીને ભાગી જવાની કે આપઘાતની કોઈ પણ ફીલિંગ આવે તો એવા લોકોને યાદ કરજો કે જે લોકો જીવવા માટે અતિશય સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે તમને સમજાઈ જશે કે નોકરી તો હજાર મળશે પણ જીવન નહિ.

- અર્ચના તેજસિંહ ચૌહાણ

આ સમાચાર શેર કરો