જીવતેજીવ કાગળિયાની જંગ અને મરણ પછી નાગરિકતા! ભારતનું પાસપોર્ટ પુરાણ

અનાવૃત-જય વસાવડા
પેનેરોઝ ત્રિકોણનું નામ સાંભળ્યું છે ? આમ તો એ જોવા જેવી ચીજ છે. લેખ સાથેનો ફોટો ના જડે તો ગૂગલ કરી લેજો. એને ઈમ્પોસિબલ ટ્રાયેન્ગલ પણ મજાકમાં કહેવાય છે. મૂળ ૧૯૩૪માં સ્વીડિશ આર્ટીસ્ટ ઓસ્કાર રોઇટર્સવર્ડની એ રચના. એણે તો કાગળ પણ ટુ ડી( ટુ ડાયમેન્શન, લંબાઈ અને પહોળાઈ )માં થ્રી ડી ( ત્રીજું પરિમાણ ઊંડાઈ, નરી આંખે દેખાતી દુનિયા)ની ઈફેક્ટ લાવવાની ગમ્મતમાં આ આકૃતિ ચીતરી હતી. પણ ૧૯૫૦માં મનોચિકિત્સક લિયોનેલ પેનરોઝ અને એમના ગણિત માટે નોબેલ પ્રાઈઝ જીતી જનાર દીકરા રોજર પેનરોઝે તેને લોકપ્રિય 'શુદ્ધ સ્વરૂપમાં અસંભાવના' કહીને લોકપ્રિય એવો બનાવ્યો કે ડચ પેઈન્ટર એમ. સી. ઈશરે હજુ પણ ફિલ્મોની પ્રેરણા આપતા વિશ્વવિખ્યાત ચિત્રો એમાંથી સર્જી કાઢયા !
પણ આ અશક્ય લાગતી બાબતોનો પેરેડોક્સ વિરોધાભાસ આર્ટ કે મેથેમેટિક્સમાં જ હોય એવું કોણે કહ્યું ? ભારતની નાગરિકતાનો સર્વમાન્ય ને સરળ સબૂત પણ આવો જ ભેદી ગૂંચવાડો છે ! તાજેતરમાં વિદેશ ખાતાએ પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નહિ, પણ એક ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે, એવું સ્ટેટમેન્ટ આપ્યું, એમાં દેશભરમાં હલચલ થઇ ગઈ. એક તો આઝાદી પછી એનઆરસી (નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનશિપ) ૭૯ વર્ષે પણ બન્યું નથી. એમાં આ તુક્કો છૂટયો. તરત ડેમેજ કંટ્રોલને જ પ્રોબ્લેમનું સોલ્યુશન માનતી ટુકડીઓએ કી પેડ સજાવ્યા. ૨૦૧૩માં કોઈ બાંગ્લાદેશી બાબતના કોર્ટ કેસમાં મનમોહનસિંહ સરકાર સમયના કોઈએ હાઈ કોર્ટમાં આવું કહ્યું હોવાનું શોધી લાવ્યા.
એક તો, પાછલી સરકાર સરખું કામ ના કરતી હોય ત્યારે જ જનતા એને હરાવી નવી ચૂંટે છે. કમસેકમ ત્યારે તો એ રીતે જ વોટિંગ થતું. એટલે આ મહત્વનું કાર્ય ૧૨ વર્ષમાં તટસ્થતા ને ન્યાય સાથે કરવા જેવંત હતું. બીજું,કોઈ સ્પેસિફિક કેસમાં કોર્ટમાં નિવેદન આપવું ને પાસપોર્ટ ડે પર જનતાને જાહેર સ્ટેટમેન્ટ આપવું એમાં પણ ફરક છે. બીજા કેસમાં લોકોનો ભરોસો ખળભળી જાય ! ને ત્રીજું, ત્યારે સોશ્યલ મીડિયા નહોતું, એઆઇ નહોતું. હવે છે તો લોકો તરત ખણખોદ કરે કે આખરે ભારતની નાગરિકતા નક્કી કેવી રીતે થાય ?
બે મોટા માથાઓએ પેનેરોઝ ત્રિકોણ યાદ આવી જાય જેમાં ચત્તું શું ને ઊંધું શું એ પૂરી ખબર કદી ના પડે, એવા ખુલાસા કર્યા જેને લીધે તો ગૂંચવણ ઘટવાને બદલે વધી ગઈ ! જાણીતા ને મોંઘેરા વકીલ હરીશ સાલ્વેએ જે કહ્યું એનો સાર આ રહ્યો : જ્યારે તમે વિદેશ પ્રવાસ કરો છો, ત્યારે ભારતીય પાસપોર્ટ તમારી નાગરિકતાના સંપૂર્ણ અને નિર્ણાયક પુરાવા તરીકે કામ કરે છે, કારણ કે વિદેશી રાષ્ટ્રોે ભારત સરકારની પાસપોર્ટ આપવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવી શકતા નથી. જોકે, ભારતની સરહદોની અંદર, તમારી નાગરિકતા કેવી રીતે સાબિત કરવી તેનો આધાર સંપૂર્ણપણે એ શા માટે મંગાઈ છે એ અને તે માંગનાર ઓથોરિટી પર રહેલો છે. જેમ ડ્રાઈવિંગ લાયસન્સ વાહન ચલાવવાની ક્ષમતા દેખાડે છે , પણ એનો ઉપયોગ એડ્રેસ પ્રૂફ તરીકે થાય છે, જે માટે એ બન્યું નથી, એવો ઘાટ પાસપોર્ટનો છે. એ મુસાફરી માટે જ છે, નાગરિકતા સિદ્ધ કરવા માટે નહિ. મૂળમાં ખરેખર ભારતની ઘૂસણખોરી અને સ્થળાંતરની સમસ્યાઓ રહેલી છે, શક્ય છે કે તેમણે છેતરપિંડીથી પાસપોર્ટ મેળવી લીધો હોય.
બીજી ચોખવટ આવી વિદેશ સચિવ તરીકે લાંબી કારકિર્દી બાદ રિટાયર્ડ થએલા નિરુપમા રાવની. રામાય સ્વસ્તિ, રાવણાય સ્વસ્તિ જેવી પોસ્ટ એમણે લખી જેમાં ડિપ્લોમસીની ભાષામાં આમ પણ છે ને તેમ પણ છે વાળી પિંજણ હતી પણ બિલકુલ બ્યુરોક્રેટિક બાબુઓ માફક કોઈ સ્પષ્ટ સ્ટેન્ડ નહોતું. એમનો સાર આ રહ્યો : કાયદો અને લોકોની સમજણ હંમેશાં સમાન હોતા નથી. (બોલો, જે કાયદો લોકોને જ સમજાય નહિ, એનો સરખો અમલ કેમ થાય મેડમજી ?)
પાસપોર્ટ એ રિપબ્લિક ઓફ ઇન્ડિયાનો સૌથી પ્રમાણભૂત દસ્તાવેજ છે. તેના પર ભારતીય ગણરાજ્યનું નામ અંકિત હોય છે, તે ધારકની ઓળખ ધરાવે છે, અને વિશ્વભરમાં તેનો સ્વીકાર થાય છે કારણ કે વિદેશી સરકારોને એવો વિશ્વાસ હોય છે કે ભારતે પાસપોર્ટ આપતા પહેલાં ધારકની રાષ્ટ્રીયતાની ચકાસણી કરી જ હશે. પણ પાસપોર્ટ નાગરિકતાનું નિર્માણ કરતો નથી. જો કોર્ટમાં નાગરિકતાના દરજ્જાને પડકારવામાં આવે, તો તે અંતિમ નિર્ણય લેવા માટેનું કાનૂની સાધન પણ નથી. છેતરપિંડી, વિવાદિત વંશ (disputed parentage) અથવા ગેરકાયદેસર રીતે મેળવેલી નાગરિકતા જેવા વિરલ કિસ્સાઓમાં, નાગરિકતા અધિનિયમની જોગવાઈઓ અને તેને સમર્થન આપતા પુરાવાઓ દ્વારા નાગરિકતા સાબિત કરવી પડી શકે છે.જો કે,સરકાર જ્યારે પોતે સંતુષ્ટ થાય કે અરજદાર પાસપોર્ટ મેળવવા માટે હકદાર છે, ત્યાર બાદ જ પાસપોર્ટ આપવામાં આવે છે.કારણ કે સરકારને એ ખાતરી થઈ ચૂકી હોય છે કે તમે ભારતીય નાગરિક છો. તેથી, રોજિંદા જીવનમાં અને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં તે નાગરિકતાનો એક મજબૂત પુરાવો છે. પરંતુ નાગરિકતા અંગેના કોઈ કાનૂની વિવાદમાં, લાગુ પડતો મુખ્ય કાયદો 'નાગરિકતા અધિનિયમ' જ રહે છે, અને તેવા સંજોગોમાં પાસપોર્ટ એવો કોઈ અંતિમ પુરાવો નથી.
પેલા અચ્યુત પોતદારના મિમ જેવો હાલ છે સરકારી સ્ટેન્ડનો ! સમજ મેં આયે તો હમ કો ભી સમજાના !
આ બેઉ સન્માનીયોને એટલું જ કહેવાનું કે લીગલ અનુભવ કામે લગાડી સમજાવો કે ભારતના 'પ્રથમ નાગરિક' રાષ્ટ્રપતિ દ્વારા ઇસ્યુ થતા 'ટ્રાવેલ ડોક્યુમેન્ટ' પાસપોર્ટમાં નેશનાલીટી ઇન્ડિયન શું ગપ્પા મારવા લખાય છે ? એની વેલ્યુ જ ન હોય તો વેલીડિટી પણ શા માટે રાખવાની ? હવે એમ કહેશો કે સીટીઝનશિપ તો કાયદેસર નક્કી અલગ રીતે થાય તો પાસપોર્ટમાં ચકાસણી વિના લખીને સરકાર સહી કરી દે છે ? ને જો પાસપોર્ટમાં ચકાસણી પાક્કી કરે છે તો એ નાગરિકતાનો પુરાવો કેમ નહીં ?પાસપોર્ટમાં ભારતની હાઈએસ્ટ ઓથોરિટીની સહી ને સિમ્બોલ શું કામ છે ? શું કામ એ કરાવવા માટે આખી વિવિધ દસ્તાવેજો જમા કરાવવાથી લઇ રૂબરૂ જવા ને પોલીસ વેરીફિકેશન સુધીની લાંબી પ્રક્રિયા રાખી છે ? ૧૦૩ દેશોના ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં કેન્યા કે સૂરીનામ જેવા દેશોની પણ પાછળ ૮૦મા નંબરે છે ભારતીય પાસપોર્ટ ! ખોબા જેવા સિંગાપોરનો પાસપોર્ટ નંબર વન પાવરફુલ ગણાય છે ! એમ્બેસીમાં વિદેશમાં હો ને મદદ માંગો તો પાસપોર્ટ જ જોશે ભારતીય હોવા માટે, આધાર કે બર્થ સર્ટી. નહિ !
અને આ તે કેવું કે જેમાં લોકોને ભરોસો છે એ પાસપોર્ટ આપવાની પોતાની જ પ્રક્રિયા પર ખુદ સરકારને જ ભરોસો ના હોય ! ડુપ્લીકેટ તો આપણા દેશમાં ટોલ નાકા ને આરટીઓ ઓફિસ સુધ્ધાં મળી આવે છે. ભ્રષ્ટાચાર ને મિલીભગતને નાથો ને, એમાં પાસપોર્ટનો પાવર શું કામ ઘટાડી દો છો. ખોટા કે બનાવટી પાસપોર્ટ માટે સ્પેશ્યલ ઓપરેશન ચલાવો, આધારની જેમ નવેસરથી ફિંગરપ્રિન્ટ રેટીના બાયોમેટ્રિક્સ કરાવો. આમે દેશની માંડ સાત કે આઠ ટકા વસતિ પાસે એક્ટીવ પાસપોર્ટ છે. એમાં પણ તંત્રને પોતાને ભરોસો નથી કે એ બધા સાચા છે ? આ તો ઉઘાડી જાહેર કબૂલાત છે ભારતના ભ્રષ્ટાચારની. પાણીને લીધે માણસ મરી જાય એટલે શું વરસાદને રદ કરવાનો ? ગોખેલી દલીલો એવી છે કે એમ તો ખાસ કિસ્સામાં દલાઈ લામા કે અદનાન સામીને ભારતનો પાસપોર્ટ મળે જે ભારતના નાગરિક નથી. પણ એ તો છે જ અપવાદો. એને લીધે આખા નિયમનું સ્ટાન્ડર્ડ શું કામ નીચું ઉતારો છો ? એવા કેસમાં જુદા રિમાર્ક સાથે પાસપોર્ટ આપો. અંદર નેશનાલિટી કોલમમાં ઇન્ડિયન એઝ સ્પેશ્યલ પરમિશન કે એવી વાત લાખો. એમાં બીજા બધાના જેન્યુઈન પાસપોર્ટની વેલ્યુ શું કામ કાયમ ડાઉન કરવી ? પાસપોર્ટ આસાનીથી મળતું સસ્તું ઓળખપત્ર નથી. એની પ્રક્રિયામાં આપોઆપ સાબિત થઇ જ જાય છે ભારતીય નાગરિકતા. કોઈને ખાતર આપણા દેશની નાગરિકતા શું કામ ટલ્લે ચડાવી દેવાની હોય? શું ભારતના પાસપોર્ટ અફઘાનીઓ કે પાકિસ્તાનીઓને પણ ઇસ્યુ થાય ? ધારો કે, નેપાળીઓને થઇ શકે એવો જવાબ આપો તો નેશનાલીટીમાં એ લખી નાખો ને એવું જાહેર કરો કે જેમની નેશનાલિટી ઇન્ડિયન લખાયેલી છે, એ બધા માટે પાસપોર્ટ સિટીઝનશિપનો પણ માન્ય દસ્તાવેજ છે. પોતાની જ આપેલી ચીજને પોતે માન ના આપે, તો દુનિયા ક્યાંથી આપશે ?
એક બાજુથી પાસપોર્ટ અધિનિયમ ૧૯૬૭ એવું કહે છે કે ભારતના નાગરિક જ અરજી કરી શકે અને સરકાર નાગરિકતા સિદ્ધ ના થાય તો એ રદબાતલ કરી શકે. તો પછી પાસપોર્ટમાં પ્રોબ્લેમ શું છે નાગરિક ગણવાનો ? પ્રોબ્લેમ એ જ છે કે વોટર્સ આઈડી કાર્ડથી ભારતના નાગરિકો મત આપી શકે, પણ એ નાગરિક હોવાનું પ્રમાણપત્ર ના ગણાય. કેમ જાણે ભારતની ચૂંટણીમાં અમેરિકનો વોટર્સ આઈડી લઈને મતદાન કરી જતા હોય ! આધારમાં આંગળીઓની છાપ, ફોટો ને આંખ બધો ડેટા લઇ એને ટેક્સના પાન કાર્ડ સાથે લીન્ક કરાય, એમાં નંબર પણ યુનિક આવે, એ એરપોર્ટ જેવા હાઈ સિક્યોરીટી ઝોન હોય કે ઇન્સ્યોરન્સ / બેંક એકાઉન્ટની અરજી હોય બધે ઓળખનો પુરાવો ગણાય પણ એ ધરાવનારને સરકાર સત્તાવાર ભારતનો નાગરિક છે જ એવું છાતી ઠોકીને ના કહે ! મતલબ, સરકારને જ પોતે ઇસ્યુ કરેલા ઓળખપત્રો પર વિશ્વાસ નથી ! આ તો એવું થયું કે કરન્સી નોટને રિઝર્વ બેંક સ્વીકારવા બાબતે સહમત ના હોય ! સરકારી માન્યતાની મહોર વિના બધું પ્લાસ્ટિક કે કાગળના ટુકડા છે !
મૂળ તો ફરીવાર યાદ આવ્યું છે કે ભારતમાં નાગરિકતા માટે ની કોઈ અધિકૃત વ્યવસ્થા નથી એ જ મુદ્દો છે. આપણી પાસે રાશન, મેડીકલ સહાય, ખેતીની સુરક્ષા, બેંક, મતદાન, ટેક્સ અને ઓળખ સાબિત કરતા અડધો ડઝનથી વધુ પવિત્ર કાર્ડ્સ છે. પણ જો આ કાર્ડ આપણને ભારતીય નથી બનાવતા, તો પછી શું બનાવે છે? અને જો સરકારી તંત્ર કે અદાલત આનો સ્પષ્ટ કાનૂની આનો જવાબ આપી શકતું નથી, તો પછી જે રાષ્ટ્રના આપણે હોવાનું માનતા હતા, તેનું અસ્તિત્વ શું છે?આ ચૂંટણીઓમાં ઊભા રહેનારા, પરીક્ષાઓ પાસ કરી અધિકારી થનારા બધા કોણ છે ?
ભારતમાં ભાગલા અને એના સ્થળાંતરને લીધે, એ સમયે જન્મ મરણની નોંધણી વર્ષોથી સરખી થતી ના હોવાને લીધે, મોટા ભાગની પ્રજા અભણ હતી, રાજાશાહી અને ગુલામીનો લાંબો કાળ હતો, વ્યવસ્થા સરખી દેશવ્યાપી હતી નહિ એવા ઘણા કારણોસર ઓળખપત્ર આપવાના શક્ય ના બન્યા. પણ આઝાદીના સો વર્ષે પણ આપણે આમ જ કહેતા હશું ૨૦૪૭માં ? અત્યારે જન્મ દ્વારા, વંશપરંપરા દ્વારા, નોંધણી દ્વારા, નૈસર્ગિકીકરણ દ્વારા, પ્રદેશના વિલિનીકરણ દ્વારા એમ નાગરિકતાના નિયમો પોથીમાં છે. ૧૯૫૫ના નાગરિકતા અધિનિયમમાં બે વાર સુધારા થયા બાદ સામાન્ય જાણકારી એ છે કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી ૧ જુલાઈ ૧૯૮૭ વચ્ચે જન્મ ભારતમાં હોય તો જન્મનો દાખલો,૧ જુલાઈ ૧૯૮૭ થી ૩ ડિસેમ્બર ૨૦૦૪માં જન્મેલા લોકો માટે જન્મના પ્રમાણપત્ર ઉપરાંત સમયે માતા કે પિતા બેમાંથી કોઈ એક ભારતીય હોવા જોઈએ. ડિસેમ્બર ૨૦૦૪ પછી જન્મેલા લોકોએ માતા અને પિતા બંને કાયદેસર ભારતીય નાગરિક હોવાના પુરાવા મુકવાના. આમાં અમુકમાં વળી સાથે જોડવાના સંદર્ભમાં પાસપોર્ટ પણ ચાલે સ્કૂલ લિવિંગની જેમ એવી પણ વાત છે. પણ આ બધું કરીને એક ફાઈનલ ઓળખપત્ર તો મળતું જ નથી !
વિદ્વાન લેખક અને પૂર્વ વિદેશમંત્રી શશી થરૂરે આ વેદનાને હમણાં વાચા આપી : 'ભલે સરકાર આનો બચાવ એમ કહીને કરે કે આ ૧૯૬૭ના પાસપોર્ટ એક્ટની કલમ ૨૦ આધારિત વર્ષો જૂની કાનૂની સ્થિતિ છે (જે ટેકનિકલ રીતે સરકારને ખાસ અને લોકહિતના સંજોગોમાં બિન-નાગરિકોને પણ પાસપોર્ટ જારી કરવાની મંજૂરી આપે છે), પરંતુ સામાન્ય નાગરિક માટે આ બાલની ખાલ ખેંચવા જેવી નિરર્થક કસરત છે.
દાયકાઓથી, પાસપોર્ટને ઓળખ માટેનો સર્વોચ્ચ અને સૌથી વિશ્વસનીય દસ્તાવેજ માનવામાં આવે છે. પાસપોર્ટ મેળવવા માટે આપણે પોલીસ વેરિફિકેશન અને દસ્તાવેજ ચકાસણીની થકવી નાખતી જટિલ સરકારી પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ. જો પાસપોર્ટ દેશની નાગરિકતા સાબિત નથી કરતો, તો પછી બીજું શું કરશે?
સુપ્રીમ કોર્ટ પહેલેથી જ એવો ચુકાદો આપી ચૂકી છે કે આધાર કાર્ડ માત્ર ઓળખ અને રહેઠાણનો પુરાવો છે, નાગરિકતાનો નહીં. આ સ્થિતિ કરોડો ભારતીયોને એક વિચિત્ર વહીવટી અસમંજસમાં મૂકી દે છે જ્યાં તેમની પાસે વર્લ્ડ-ક્લાસ બાયોમેટ્રિક અને સરકાર દ્વારા અપાયેલા દસ્તાવેજો તો છે, છતાં તેમના પોતાના જ દેશમાં તેમાંથી એક પણ દસ્તાવેજ કાયદેસર રીતે તેમની રાષ્ટ્રીયતાનો 'નિર્ણાયક' પુરાવો ગણાતો નથી.
આ નિરર્થક વિવાદનો કાયમી ધોરણે અંત લાવવા માટે, સામાન્ય સમજ આધારિત કાનૂની સુધારાની તાતી જરૂરિયાત છે. સરકારે કાયદાકીય માળખામાં ઔપચારિક રીતે સુધારો કરવો જોઈએ જેથી પાસપોર્ટ અને આધાર કાર્ડ બંને ભારતીય નાગરિકતાના માન્ય અને નિર્ણાયક પુરાવા બની શકે, સિવાય કે સરકાર દ્વારા તેને સ્પષ્ટપણે રદ કે પાછા ખેંચવામાં આવ્યા હોય.આનો અમલ કરવા માટે એક મોટી વહીવટી અડચણ દૂર કરવી જરૂરી છે : હાલમાં આધાર કાર્ડ રાષ્ટ્રીયતાના બદલે ૧૮૨ દિવસના સ્થાનિક રહેઠાણના આધારે આપવામાં આવતું હોવાથી, તે નાગરિકો અને બિન-નાગરિક રહીશો, બંને પાસે હોઈ શકે છે. આનો ઉકેલ એકદમ સીધો છે.
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતમાં રહેતા બિન-નાગરિકો માટે દેખાવમાં અલગ પડતું એક નવું આધાર કાર્ડ (ઉદાહરણ તરીકે, જેના આગળના ભાગમાં સ્પષ્ટ દેખાતી ત્રાંસી લાલ પટ્ટી હોય) બનાવવું જોઈએ. આવી ભેદરેખા દોરીને, સરકાર સુરક્ષિત રીતે એવો નિયમ બનાવી શકે છે કે તમામ ભારતીય નાગરિકો માટે માનક નાગરિકનું આધાર કાર્ડ અથવા માન્ય પાસપોર્ટ હોવો ફરજિયાત છે, અને તે કોઈપણ સમયે નાગરિકતા માટે પૂરતો પુરાવો ગણાશે. બાત ખતમ !'
બિલકુલ, એમ તો હરીશ સાલ્વે અને નિરુપમા રાવ પણએબોધપાઠઆપે જ છે કે ભારતને વધુ મજબૂત અને વ્યાપક નાગરિક નોંધણીવિશ્વસનીય આર્કાઇવલ રેકોર્ડ્સની જરૂર છે. પાસપોર્ટ તો શું જે વોટર્સ આઈડી પરથી તમે મતદાન કરો એ પણ નાગરિક તરીકે તમને માન્યતા ના આપે એથી મોટો વિરોધાભાસ બીજો શો હોય ? પણ આ આપણે માટે કોઈ ઇસ્યુ જ નથી. સીસ્ટમ બનાવવાની આપણને ટેવ નથી એટલે તો રામમંદિરમાં પણ ચોરી એના જ વહીવટદારો કરે છે ! અને એટલે જ આ બધાએ કહ્યું એ પહેલા જે લેખ ૨૦૦૨માં પાસપોર્ટના નંબરના આધારે અબુ સાલેમ પકડાયેલો એ સમાચાર પરથી પ્રેરિત થઈને લખેલો. ત્યારે તો નંદન નીલકેણીના આધાર કાર્ડનું અસ્તિત્વ પણ નહોતું. પણ અમેરિકા ને જર્મનીના સોશ્યલ સિક્યુરીટી નંબર જેવી વ્યવસ્થાની તરફદારી એમાં ઝંઝટમુક્તિ નંબર કહીને કરેલી. આવતા સપ્તાહે એને અપડેટ કરી રિવાઈઝ કરુશું જો કશુંક વાઈઝ સમજાય તો કોઈને !
ઝિંગ થિંગ
'ભારતના નાગરિક હોવાનો સર્વમાન્ય અને સ્પષ્ટ પુરાવો શું?
જવાબ : મોઢામાં ગુટખા ખાઈને ગમે ત્યાં પિચકારી મારી દેવાની એટલે કોઈ પણ સમજી જશે કે આ ભારતીય છે.' ( કેતન લાખાણી )

