Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / કૃતિ શાહ : When does a man die alive?

શતરંગ / માણસ જીવતેજીવ ક્યારે મરે છે?

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2024
લાઇવ ટીવીGoogle News
શતરંગ /  માણસ જીવતેજીવ ક્યારે મરે છે?

- નોન-ફિલ્ટર્ડ

App Store

सब जूठ है यहाँ, बस यही एक सच है।

માણસ જીવતેજીવ ક્યારે મરે છે?

પ્રેમમાં પછડાટ ખાય ત્યારે? નિષ્ફળતાઓ સામે નમવું પડે ત્યારે? સપનાઓ સાથે સમાધાન કરવું પડે ત્યારે? કોઈ વ્હાલાને કાયમી વિદાય આપવી પડે ત્યારે?

ના. માણસ જીવતેજીવ મરે છે જ્યારે કોઈની પર મૂકેલો વિશ્વાસ વિખેરાય છે! એ વિશ્વાસ જ એક માત્ર તત્વ છે જે બે સાવ અજાણી વ્યક્તિને સંબંધમાં સાંકળે છે – ચાહે એ દોસ્તી હોય, પ્રેમ હોય કે પ્રોફેશનલ સંબંધ હોય. વિશ્વાસ હોય તો જ વાતચીતથી લઈને વ્યવહારમાં સરળતા રહે. વિશ્વાસ હોય તો જ સંબંધમાં સહજતાથી સુખ દુઃખ કે સિક્રેટ્સ શેર કરી શકાય. વિશ્વાસ હોય તો પ્રિય પાત્ર સાથે અડધી રાત્રે લોન્ગ ડ્રાઈવ પર જઈ શકાય કે કોઈ દોસ્તને ફૉન કરીને પોતાના બ્રેક-અપ પર રડી શકાય. વિશ્વાસ હોય તો ફિટનેસ સર્ટિફિકેટ જોયા વગર જ પુલ પર સહપરિવાર ઝૂલી શકાય! વિશ્વાસ હોય તો પથ્થરમાં પરમેશ્વર પામી શકાય.

ને એ વિશ્વાસ જ્યારે તૂટે ત્યારે? ભલભલા ભૂકંપમાં અડીખમ રહેલી વ્યક્તિ ય કડડભૂસ કરતી ભોંયભેગી થઈ કાટમાળ બની જાય છે. ભાંગેલો ભરોસો એકસાથે ભાન કરાવે ય છે ને ભાન ભુલાવે ય છે. એ ભાન કરાવે છે દુનિયાના દંભનું ને ભાન ભુલાવે છે સંસારની સારપનું. એકાદ બે વ્યક્તિએ કરેલો વિશ્વાસઘાત જે અવિશ્વાસનું આવરણ ઓઢાવી જાય છે એ ઉતારવા આયખું ઓછું પડે છે. માં બાપની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકની જેમ લાગણીઓ કાચી ઉંમરે નિર્દોષતા ગુમાવી જવાબદાર બની જાય છે.

હવે હૃદયને ભોળપણનો ભાર લાગે છે. સંબંધોથી લઈને સ્વ સુધી સઘળું સતત સવાલોમાં સલવાયેલું રહે છે. વાતે વાતે વધાર પડતા વિચારોનું ને શબ્દે શબ્દે શંકાનું વ્યસન થઈ જાય છે. આડંબરનો દાઝેલો હવે આસ્થાનો ઘૂંટ ભરવા તૈયાર નથી. એની નજરમાં હવે કશું સાચું કે ખોટું નથી, જે છે એ સ્વાર્થ માત્ર છે. હેતમાં એ હેતુ શોધે છે ને કાળજીમાં કારણ! હવે એ સવાલ નથી પૂછતો. કારણકે એને જવાબથી ડર લાગે છે. એ જાણે છે કે જૂઠ એ જીરવી નહી શકે ને સત્યને એની શંકા સ્વીકારી નહી શકે!

હવે બે જ રસ્તા બચે છે – કાં તો દુનિયાની વચ્ચે દંભી બની જીવવું કાં એકાંત ઓઢી જીવવું. પણ એ દંભી બની નથી શકતો, એટલે અંતર્મુખી બની જાય છે. એની અંદરના ઘોંઘાટને ડામવા એ આસપાસ ગુંજતા દરેક અવાજથી અંતર કરી લે છે. એને મુખવટો મંજૂર નથી એટલે એ દુનિયાદારીથી દૂર એકલતામાં આરામ અનુભવે છે.

એની પાસે ન હવે કોઈ લડવા માટે છે ન ભેટીને રડવા માટે. એટલે એ જાતે જ જાત સાથે લડી લે છે ને પછી ઓશિકાને ભેટીને રડી
લે છે. વ્હાલ કરવા કોઈ વ્યક્તિ નથી એટલે વ્યસનને વળગી રહે છે. માણસોથી બચવા મોબાઈલમાં મચ્યો પચ્યો રહે છે. સિગરેટથી
લઈને શરાબ સુધીને કામથી લઈને કવિતા સુધી જે પણ સથવારો મળે એની સંગત કરી લે છે. વિષાદનું વિષ કંઠમાં ધારણ કરી એ
બસ પ્રલય જીવ્યા કરે છે.

એને હવે કોઈ ફરિયાદ નથી દુનિયાથી. નથી કોઈ અપેક્ષાઓ. શ્રદ્ધાનું શ્રાદ્ધ કરી બેઠેલો જીવ ખરા અર્થમાં સ્થિતપ્રજ્ઞતા પામી
ચૂક્યો હોય છે. એના વૈરાગ્યને વાળી શકવું હવે એના માટે ય શક્ય નથી. એને ન જીવવાની જીજીવિષા છે ન મૃત્યુનો મોહ. એ બસ
સ્થિર આંખે અસત્યો માંહેથી પરમ સત્ય તરફ લઈ જતી ક્ષણની રાહ જોયા કરે છે.

- કૃતિ શાહ