Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ડૉ. ભગીરથ જોગિયા : Money: Life is the entry pass to heaven! Bhagirath Jogia

શતરંગ / પૈસા: જીવતેજીવ સ્વર્ગ પામવાનો એન્ટ્રી પાસ છે!

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2024
લાઇવ ટીવીGoogle News
શતરંગ / પૈસા: જીવતેજીવ સ્વર્ગ પામવાનો એન્ટ્રી પાસ છે!

- કરન્ટ કીક

App Store

અત્યારે તો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવું હાથમાં લઈએ એવું તરત જ ચારેબાજુ અંબાણી અંબાણી થઈ જાય. આપણને એમ જ થાય કે જાણે આપણે સાક્ષાત લગ્ન માણતા હોઈએ. મીડિયા પણ કયા સેલિબ્રિટી આવ્યા, કેવી રીતે ડાન્સ કર્યો, કોણે શું ખાધું કે પીધું એની ચર્ચાઓ કરે. અમુક ના આવ્યા હોય તો એની "ગેરહાજરી" બાબતે કોઈ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીની જેમ કારણોના તર્કવિતર્ક થાય.

વળી, સોશિયલ મીડિયાના જમાનામાં તો આવા લગ્નોની ટીકાઓ ય થાય. કોઈ વળી સંસ્કૃતિનાં વખાણ કરે તો કોઈ અંબાણી પરિવારના સંસ્કાર પર ઓવારી જાય. કોઈ આટલા રૂપિયામાંથી કેટલી સ્કૂલો અને કેટલી હોસ્પિટલો બને એની ચર્ચાઓ કરે. કોઈ વળી કહે કે આ પરિવારે સાદાઈથી લગ્ન કરીને બીજાઓને પ્રેરણા આપવી જોઈએ. જેથી કરીને આ દેશના કરોડો ગરીબ અને મિડલકલાસ લગ્નવાચ્છુકોને લઘુતાગ્રંથિ ના થાય. જો કે આપણો મુદ્દો નથી અંબાણી, નથી અનંતબાબુના લગ્ન. વાત તો પૈસાના મહત્વની છે.

ચંદ્રકાન્ત બક્ષીએ વરસો પહેલા લખેલું કે, સાયકલ પર પેડલ મારીને મરી જવા કરતા હું કારમાંથી ઉતરીને મારા લકઝરીયસ ફ્લેટમાં ઝળકતી લાઈટો નીચે નિરાંતે મરવાનું વધારે પસંદ કરું. એમણે તો એનાથી આગળ વધીને કહેલું કે, મારી માતાને કોઈ આધુનિક આઇસીયુમાં એરકન્ડિશનર બેડ પર મરવા જેટલું સુખ આપી શકું એ પુત્ર તરીકેની મારી અંતિમ ફરજ છે... આપણે ત્યાં ડાયરાના કલાકારો કહેતા રહે છે કે, ફલાણા ભાઈને આટલા રૂપિયા છે પણ રાતે નીંદર નથી આવતી. ત્યારે એ મોંઘા પલંગ પાણાં જેવા લાગે હો... આમનું જોઈને ગરીબો પાછા પોરસાય, કારણ કે સહાનુભૂતિની લાગણી પેદા થાય મનમાં!

હકીકતમાં તો માથે લોનના હપ્તા ચડી ગયા હોય ને બાળકોની સ્કૂલ કોલેજની ફીઝ ભરવાના ફાંફા હોય ત્યારે પણ ઊંઘ નથી જ આવતી. દીકરી કે દીકરાના પ્રસંગમાં દેખાડો કરીને વ્યાજના વ્યાજ ભરવાના હોય ત્યારે પણ ઊંઘ નથી આવતી. ઘરમાં કોઈક સ્વજન ગંભીર રીતે બીમાર હોય ને હોસ્પિટલના બિલનું ચકરડું સડસડાટ ફરતું હોય ત્યારે પણ ઊંઘ નથી જ આવતી. તો વિચારો કે,

મોંઘા માયેલા પલંગમાં પોચુ ગાદલું હોય અને રૂમનું ટેમ્પરેચર તમારા મૂડ મુજબ સેટ થઈ શકે એવા એ.સી.નું રિમોટ હાથમાં હોય તો પછી ભલેને ઊંઘ ના આવતી. એ અનિંદ્રા અસહ્ય છે.

વળી, ફિલોસોફીની વાત જવા દો, અને ધારો કે તમે કોઈ બૌદ્ધિક ડોકટર, પ્રોફેસર, લેખક કે પત્રકાર છો. તમારી પાસે દેશની, સમાજની સેવા કરવા માટે ઘણા વિઝન છે અને તમારી દાનત પણ ચોખ્ખી છે. પણ તમારે શરૂઆત તો કોઈ પૈસાદાર શેઠિયાએ બનાવેલી સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ કે મીડિયા હાઉસથી જ કરવી પડશે. હા, બાપુજીએ અગાઉથી ભેગું કરી રાખ્યું હોય તો એ વાત અલગ છે. પૈસા વિના કે પૈસાદારો સિવાય આ જગત ચાલવાનું નથી, પંગુ બની જવાનુ છે. (હા, કોઈનું બુચ મારીને કે કૌભાંડો કરીને પૈસા બનાવો, નવી ફેશન પ્રમાણે તો એ લાંબુ ના ચાલે.)

સામાન્ય માણસ તરીકે ય તમારે સગાઓના લગ્નમાં ચાંદલો કરવો હોય કે દોસ્તની બર્થડે પર એને કે તમને એના માટે ગમતી ગિફ્ટ આપવી હોય તો પણ પૈસા જોઈએ. આપણા જ ભાઈ કે બહેનના યથાશક્તિ લગ્ન કરવા માટે ય ઠીકઠાક રૂપિયા જરૂરી છે. કોઈ દોસ્ત, કોઈ સ્વજન બીમાર હોય અને ગરીબ હોય તો એની સારવાર માટે પણ તમે અંતરના ઉમળકાથી હોસ્પિટલનું બિલ ચૂકવી શકો એટલુ બેન્ક બેલેન્સ જરૂરી છે. અરે, કશોય પ્રસંગ ના હોય ને અમુક અંગત દોસ્તોને આપણા તરફથી થોડીક રોયલ પાર્ટી આપવાનો આનંદ પણ અનુભવવા જેવો છે. આ બધા માટે જ જરૂરી નથી કે તમે અદાણી, અંબાણી કે શાહરુખ હો, પણ સાવ ઠનઠન ગોપાલ હશો તો કોઈની સેવા ય નહિ કરી શકો અને ના તો કોઈની મદદ પણ.

ખૈર, મોરારીબાપુ કહે છે એમ, ભગવાનને પ્રાર્થના કરવી કે મને નહિ તો મારા પાડોશીને આપજે, પણ આપજે હો પ્રભુ. કેમ કે, એની પાસે હશે તો ક્યારેક આપણને કામ લાગશે. (જો કે એ વાત અલગ છે કે અમુક આનાથી ઉલટી પ્રાર્થના કરતા હોય છે!) માર્ક ટવેઇન કહેતા કે, ગરીબી એ બધા અનિષ્ટોનું મૂળ છે...

ટૂંકમાં, એકવીસમી સદીમાં પૈસા કમાતા શીખવું, પોતાના માટે અને બીજાનાઓ માટે વાપરતા શીખવું અને પછી દાન કરતા શીખવું...જો આટલું આવડી જાય અથવા કહો કે કિસ્મત ફક્ત એટલું મેળવી દે તો એ "પૈસા" થકી સ્વર્ગ આ ધરતી પર જ છે તમારા માટે... બાકી લોહીઉકાળા માટે સોશિયલ મીડિયા તો છે જ!

- ડૉ. ભગીરથ જોગિયા