મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / હિંદુ ધર્મ ખરેખર હિંસક છે કે અહિંસક? કેવો અને કેટલો?

- અર્થ અને તંત્ર તાજેતરમાં હિંદુ ધર્મમાં હિંસાને અને અહિંસાને કેટલું અને કેવુ

શતરંગ / હિંદુ ધર્મ ખરેખર હિંસક છે કે અહિંસક? કેવો અને કેટલો?

- અર્થ અને તંત્ર

તાજેતરમાં હિંદુ ધર્મમાં હિંસાને અને અહિંસાને કેટલું અને કેવું સ્થાન છે તેને વિષે વિવાદ ઊભો થયો છે ત્યારે હિંદુ ધર્મમાં હિંસા અને અહિંસા ક્યાં, કેટલી અને કેવા પ્રકારની છે તેને હકીકતોને આધારે તપાસવું પડે. કેટલીક વિગતો પર ધ્યાન આપીએ:

(૧) आत्मवत् सर्वभूतेषु એટલે કે તમામ પ્રાણીઓ પ્રત્યે પોતાની જાત પ્રત્યે જે વ્યવહાર કરવામાં આવે તેવો વ્યવહાર કરવો એવું નીતિસૂત્ર એ હિંદુ ધર્મનો પ્રાણ છે. આનાથી વધુ અહિંસા બીજી કોઈ હોઈ ભાગ્યે જ હોઈ શકે.  

(૨) सर्वे सुखिन: सन्तु सर्वे सन्तु निरामयाः એટલે કે સૌ સુખી થાઓ અને સૌ નિરોગી થાઓ એ પણ એવું જ અહિંસક વ્યવહાર માટેનું હિંદુ સૂત્ર છે. કોઈ એકની નહિ પણ પૃથ્વી પરના સૌ જીવોના સુખ માટેની મનોકામના વ્યક્ત કરાઈ છે. 

(૩) वसुधैव कुटुम्बकम् એટલે કે સમગ્ર પૃથ્વી એક કુટુંબ છે. જેમ કુટુંબમાં બધા સભ્યો પ્રેમ, સ્નેહ અને વાત્સલ્યથી જીવે છે એ જ રીતે આખી દુનિયાને પરિવાર સમજવાની છે એમ હિંદુ ધર્મ કહે છે. એનો અર્થ એ થાય કે દુનિયામાં રહેનારા બધા લોકો એક જ પરિવારના સભ્યો છે અને કોઈની સાથે યુદ્ધ ન થાય. અને પરિવારમાં બજાર કે તેને આધારે થતું શોષણ ન હોય, પણ પ્રેમ હોય.   

(૪) अहिंसा परमो धर्म: એટલે કે અહિંસા પરમ ધર્મ છે. મહાભારતમાં અનુશાસન પર્વમાં આ રીતે ધર્મની વ્યાખ્યા જ અહિંસા તરીકે આપવામાં આવી. પરંતુ એ જ શ્લોકમાં તેની સાથે સાથે धर्म हिंसा तथैव च એમ પણ કહેવાયું. એનો અર્થ એમ કે ધર્મની રક્ષા માટે હિંસા કરવી એના કરતાં પણ શ્રેષ્ઠ છે. હવે અહીં કયો ધર્મ એ સવાલ છે. એનું એક અર્થઘટન એવું કરવામાં આવ્યું છે કે અન્યાયપૂર્વક ત્રાસ આપનાર સામે હિંસા આચરવી પડે તો તે ધર્મ છે. આમ, અહીં હિંસા અને અહિંસા બંનેનું મહત્ત્વ એક જ શ્લોકમાં એકસાથે દર્શાવવામાં આવ્યું છે. એટલેકે અન્યાય સામેની લડાઈમાં હિંસાનો છોછ નથી.   

(૫) હિંદુ ધર્મના ત્રણ આરાધ્ય દેવો છે: રામ, કૃષ્ણ અને શંકર. આ ત્રણેય દેવોના હાથમાં હિંસાનું પ્રતીક એવાં શસ્ત્રો છે. રામના હાથમાં ધનુષબાણ છે, કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર છે અને શંકરના હાથમાં ત્રિશુળ છે. આ શસ્ત્રો તેમણે દુશ્મનો કે રાક્ષસોને મારવા માટે ધારણ કરેલાં છે. તેઓ અહિંસાથી લડવા માગતા નથી, તેમણે દુશ્મનો કે રાક્ષસોને હરાવવા માટે અહિંસાના પ્રયોગો કર્યા હોય એવું નથી. જો કે, તેમણે મોટે ભાગે નાછૂટકે હિંસા આચરી છે એમ પણ કહેવાય, કે જ્યારે અન્ય કોઈ રીતો પ્રવર્તમાન સમસ્યાને ઉકેલવા માટે કામ ન લાગી હોય. પણ તેમણે હિંસા આચરી તો છે જ. 

(૬) રામ અને કૃષ્ણ તો વિષ્ણુના અનુક્રમે સાતમા અને આઠમા અવતાર છે કે જ્યારે વિષ્ણુના હાથમાં સુદર્શન ચક્ર અને ગદા છે તો બીજા બે હાથમાં શંખ અને કમળનું ફૂલ પણ છે. એટલે સર્જન અને સમૃદ્ધિનાં પ્રતીકોની સાથે વિષ્ણુના હાથમાં શસ્ત્રો તો છે જ. શંખ યુદ્ધના આરંભ સમયે પણ વગાડવામાં આવતો હતો.       

(૭) વિદ્યાની દેવી સરસ્વતી અને ધનની દેવી લક્ષ્મી સિવાય હિંદુ ધર્મની દુર્ગા અને અંબા સહિતની મોટા ભાગની દેવીઓના હાથમાં જાતજાતનાં શસ્ત્રો છે. તેમને બે કરતાં વધુ હાથ છે અને તેમના બે કરતાં વધુ હાથમાં શસ્ત્રો છે કે જે રાક્ષસોને મારવા માટે છે. દુર્ગાના હાથમાં ત્રિશુળ, તલવાર, ધનુષ, સુદર્શન ચક્ર, ફરશી અને ગદા જેવાં શસ્ત્રો છે અને તે સિંહ જેવા હિંસક અને ડરામણા પ્રાણી પર બિરાજે છે. સિંહ મનુષ્ય માટે તો ડરામણું પ્રાણી જ કહેવાય. 

(૮) વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ છે અને તેમના હાથમાં ધનુષબાણ અને ફરશી છે. તેમણે એકવીસ વખત પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી એટલે કે તેમણે પૃથ્વી પરના તમામ ક્ષત્રિયોને મારી નાખ્યા હતા. પરશુરામના પિતા જમદગ્નિની કામધેનુ ગાયની તફડંચી અને તેનું રક્ષણ આ ભયંકર સંહાર માટે નિમિત્ત બની હતી એવી કહાણી છે. 

(૯) રામાયણમાં એક ભાઈ બીજા ભાઈ માટે સત્તાનું બલિદાન આપવા માટે તૈયાર થાય છે. એ અહિંસાનું શ્રેષ્ઠ પ્રતીક  છે. ભરત કે રામ સત્તા માટે યુદ્ધ કરવાનું વિચારતા પણ નથી. એ જ રામ રાવણ સાથે યુદ્ધ કરે છે કારણ કે તેમને રઘુવંશની કીર્તિનું રક્ષણ કરવાનું હોય છે એમ વાલ્મીકિ રામાયણ કહે છે. આ યુદ્ધમાં રામની સેનામાં કોઈ મરતું નથી પણ રાવણની સેનામાંથી બત્રીસ કરોડ લોકો મરી ગયા એમ કહેવામાં આવે છે!

(૧૦) મહાભારતમાં ભાઈઓ અને ભાઈઓ વચ્ચે સત્તા માટેની લડાઈ છે. એમાં ભયંકર હિંસા જ હિંસા છે. અઢાર દિવસ ચાલેલા કુરુક્ષેત્રના યુદ્ધમાં ૧૬૬ કરોડ લોકો માર્યા ગયા હતા એમ કહેવાય છે. કૃષ્ણ પોતે શિશુપાલનો વધ કરવા યુદ્ધમાં સુદર્શન ચક્ર ઉઠાવે છે.

(૧૧) મહાભારતના યુદ્ધના સમયે રણમેદાનમાં અર્જુન પોતાનાં સગાંવહાલાંને કેવી રીતે મારી શકાય એવો સંદેહ ઉઠાવે છે અને લાગણીવશ બને છે ત્યારે કૃષ્ણ તેને શસ્ત્ર ઉઠાવીને યુદ્ધ કરવા પ્રેરે છે. ततो युद्धाय युज्यस्व नैनं पापमवाप्स्यसि એટલે કે તું યુદ્ધ કરવા તૈયાર થા, એમાં કોઈ પાપ નથી એમ કૃષ્ણ અર્જુનને કહે છે.

આમ હિંદુ ધર્મમાં હિંસા અને અહિંસાની વિચારધારા એકસાથે ચાલે છે. ઉપરનાં ઉદાહરણો તેમાં ઘણીબધી પ્રત્યક્ષ હિંસા છે કે જે નજરે દેખાય છે કારણ કે તેમાં હત્યાઓ છે. આવાં બીજાં અનેક ઉદાહરણો હિંદુ શાસ્ત્રોમાંથી મળી રહે તેમ છે. પરંતુ હિંસાનો બીજો પ્રકાર પરોક્ષ હિંસા પણ છે કે જે સામાજિક હિંસા છે અને તે સામાજિક ભેદભાવમાંથી જન્મે છે. પરોક્ષ હિંસા માળખાગત હિંસા છે. તેમાં સામાજિક, રાજકીય અને આર્થિક માળખું જ એવા પ્રકારનું હોય છે કે જેમાં સમાજના અમુક વર્ગના લોકોને અવગણવામાં આવે છે અને તેમના વિકાસને અને તેમની સ્વતંત્રતાને અવરોધવામાં આવે છે.  

આવી ભેદભાવમાંથી નિષ્પન્ન થતી માળખાગત હિંસા પણ હિંદુ ધર્મશાસ્ત્રોમાં ઠાંસીઠાંસીને ભરેલી છે કે જે નરી આંખે ન પણ દેખાય; કારણ કે તેમાં સીધી હત્યાઓ ન પણ થતી હોય. ખાસ કરીને શૂદ્રો પ્રત્યેનો કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓનો વ્યવહાર ભયંકર શોષણખોર રહ્યો છે. ભગવાન રામ શૂદ્ર તપસ્વી શમ્બુકની હત્યા કરે છે કારણ કે શમ્બુક બ્રાહ્મણોની જેમ તપસ્યા કરીને દેવલોકમાં જવા માગે છે અને તેને તેવો કોઈ સામાજિક અધિકાર છે જ નહિ. દ્રોણાચાર્ય પોતાની ધનુષવિદ્યા એકલવ્ય નામના વિદ્યાવાંછુંને ભણાવવા માગતા નથી કારણ કે તે આદિવાસી છે. 

મનુષ્ય કે માનવી શબ્દ જેમાંથી આવ્યો તે છે મનુ. હિંદુઓમાં મનુ ભગવાન મનાય છે કે જેમણે મનુસ્મૃતિ નામનો ગ્રંથ લખ્યો કે જે સામાજિક અને રાજકીય કાનૂન તરીકે સ્વીકારવામાં આવ્યો. તેમાં સામાજિક ભેદભાવ ભારોભાર છે. મનુસ્મૃતિમાં બીજી અનેક બાબતો સાથે લખવામાં આવ્યું છે કે, “જો શૂદ્રો ઈરાદાપૂર્વક વેદોનું શ્રવણ કરે તો તેમના કાનમાં સીસા અને લાખનો રસ રેડવો, જો શૂદ્રો વેદના મંત્રનું ઉચ્ચારણ કરે તો તેમની જીભ કાપી નાખવી અને જો કોઈ શૂદ્ર વેદનો વિદ્વાન થઈ જાય તો તેના શરીરના ટુકડા કરી નાખવા.” આ પરોક્ષ હિંસા હિંદુ ધર્મના અનુમોદન સાથે થાય છે અને તે હિંદુ ધર્મનો અભિન્ન ભાગ પણ છે.                           

હિંસાનો સદંતર ત્યાગ એ બૌદ્ધ ધર્મનું અનિવાર્ય અંગ છે કે જેનું પાલન કરનારા બૌદ્ધો ભારતના બંધારણની કલમ-૨૫ મુજબ હિંદુઓ છે. બૌદ્ધ ધર્મનું હૃદય અહિંસા છે, મૈત્રી અને કરુણા છે. એ બૌદ્ધ ધર્મની ભારતમાંથી નિકાસ થઈ ગઈ કે જેના સ્થાપક અને ભગવાન વિષ્ણુના નવમા અવતાર ગણાતા ગૌતમ બુદ્ધે સમાજમાં ચાલતી પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારની હિંસાનો વિરોધ કર્યો હતો!   

- હેમન્તકુમાર શાહ

આ સમાચાર શેર કરો