શતરંગ / લગ્નજીવનમાં બેડરૂમ જેટલો જ જરૂરી ઓરડો એટલે?
- એય, સાંભળે છે? ઘર, પરિવાર, વ્યવહારો કે વ્હાલ પણ એટલું ન હોવું જોઈએ વ્યક્તિ એમાં ભીંસાય

- એય, સાંભળેછે?
ઘર, પરિવાર, વ્યવહારો કે વ્હાલ પણ એટલું ન હોવું જોઈએ વ્યક્તિ એમાં ભીંસાય જાય - ગૂંગળાઈ જાય. આ બધામાં સહજ શ્વાસ લેવાની, પોતાની જાતને મળવાની જગ્યા એ મુક્તિ.
એક જૂની વાર્તા છે કે કોઈ એક રાજાએ એના દરબારીઓને પ્રશ્ન કર્યો કે, “પત્નીને આખરે શું જોઈતું હોય છે?”, દરબારીઓમાં ખુબ બધા મતમતાંતરો થયા, પણ રાજાને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. આખરે રાજ્યનો એક બહાદુર અને યુવાન સૈનિક તૈયાર થયો કે ,”મહારાજ,હું આ પ્રશ્નનો જવાબ શોધી આવીશ, પણ મારે કેટલોક સમય જોઇશે.” રાજાએ શરત સાથે અનુમતિ આપી કે, “સૈનિક, તને ખર્ચી, એક અશ્વ સાથે સમય પણ આપ્યો. પરંતુ જો તું સંતોષકારક જવાબ નહિ શોધી લાવે તો તારો શિરચ્છેદ થશે.”
સૈનિક અશ્વ પર સવાર થઈને રાજાના પ્રશ્નનો જવાબ શોધવા નીકળી પડ્યો. મોટા મોટા જ્ઞાનીઓ, પંડિતો, વિદ્વાનો, કવિઓને પૂછતો પૂછતો ચાલ્યો જાય છે, પણ એને કોઈ એવો જવાબ નથી મળતો કે જે જવાબ સાંભળીને એનું હૈયું હોંશે હોંશે ‘હા...હોંકારો’ ભણવા લાગે. આખરે એક સાંજે સૈનિક એક નાનકડા ગામને ગોંદરે આવીને ઉભો રહે છે. ગામની બહાર એક માજીની ઝુંપડી છે. માજી એને જમાડે છે. સૈનિક એ માજીને પોતાના પ્રશ્ન વિશે કહે છે. માજીએ આંગળી ચીંધી કે, “દુર પેલો ટીંબો દેખાય છે, એની ઉપર એક ઝાડ છે ત્યાં એક ચુડેલ રહે છે, એને જઈને પૂછ, એ તને ચોક્કસ જવાબ આપશે.”
સૈનિક અડધી રાત્રે એ ટીંબા પર ગયો, બિહામણી ચુડેલને મળ્યો અને એ જ પ્રશ્ન કર્યો કે, “ પત્નીને આખરે શું જોઈતું હોય છે?”, ચુડેલ સામે પૂછ્યું કે, “તારે પત્ની છે ?”. સૈનિકે ના કહી. ચુડેલ પ્રસ્તાવ મુક્યો કે, “સૈનિક, તો પહેલા તું મારી સાથે લગ્ન કર, મને પત્ની બનાવ પછી તને હું જવાબ આપીશ.” સૈનિક એ ચુડેલ સાથે પરણ્યો. પરણ્યા બાદ બિહામણી અને બીભત્સ ચુડેલ એક સુંદર સ્ત્રીના રૂપમાં આવી ગઈ. એણે સૈનિકને કહ્યું કે, “હવેથી બાર કલાક હું આવી જ સુંદર સ્ત્રી થઈને રહીશ અને બાકીના બાર કલાક હું ચુડેલ થઈને રહીશ, તો તમે કહો કે હું દિવસના બાર કલાક કેવી બનીને રહું અને રાતના બાર કલાકમાં કેવી બનીને રહું?” સૈનિક બહુ વ્હાલથી જવાબ આપ્યો કે, “તને જ્યારે જે ગમે તે થઈને રહેજે...”
ચુડેલે સૈનિકને કહ્યું, “સ્વામી ! તમે મને સ્વંતત્રતા આપી ને તો હવેથી હું સદૈવ સુંદર સ્ત્રી બનીને જ તમારી સાથે રહીશ. અને આમાં જ તમારા પ્રશ્નનો જવાબ પણ છે. પત્નીને કે કોઈપણ સ્ત્રીને બસ થોડું ઘણું પોતાનું મનગમતું કરવાની મુક્તિ જ જોઈતી હોય છે.”
* * * * *
વાર્તા થોડી લાંબી થઇ ગઈ, પણ વર્ષો પહેલા સાંભળેલી આ વાર્તા મને લગ્નજીવન બાબતે દીવાદાંડી જેવી લાગે છે. વાર્તામાં તો પત્નીની બાબતે વાત છે પણ મેરેજમાં આ સહજ મુક્તિ સ્ત્રી અને પુરુષ બેઉની પ્રાથમિક જરૂરિયાતોમાંની એક છે. પાંજરું સોનાનું હોય તો પણ એ પાંજરું જ છે. આપણે બદલાતા સમય સાથે દામ્પત્યની સુંદરતા કેવી સાધી શકીએ એ બાબતે વિચારીએ છીએ તો આજકાલ રિલેશનમાં spaceની ચર્ચા ખુબ થાય છે, એના વિશે સમજ્યા વિના ચાલે એવું જ નથી. આપણે ત્યાં વૈદિક દર્શનમાં વિદ્યા વિષે કહેવાયું કે ‘સા વિદ્યા યા વિમુક્તયે-કે મુક્તિ અપાવે એજ વિદ્યા.’, આ સૂક્તિ હવે મેરેજલાઈફમાં ય યાદ રાખવી પડે છે એવી છે કે મુક્તિ અપાવે એ મેરેજ.
સંબંધમાં મુક્તિનો અર્થ એ નથી કે વ્યક્તિ સ્વચ્છંદી બને. સ્વતંત્રતા એટલે બધા જ અનુશાસનો કે નિયમો ફગાવી દેવું એવું નથી. પણ દામ્પત્યમાં મુક્તિ બેઉની અંગત મોકળાશ છે. થોડી એવી સ્પેસ કે જ્યાં એ અને એનું એકાંત હોય, જ્યાં એના વિષે કોઈ જજમેન્ટલ ન થાય, જ્યાં એની પસંદગીનું આકાશ હોય. નાની નાની વાતે કોઈ રોકે ટોકે નહિ. થોડી એવી મુક્તિ જેમાં સતત ખુલાસાઓ અને જવાબો ન આપવા પડે. જેમ અવકાશમાં ગુરુત્વાકર્ષણ વિના વસ્તુ કે વ્યક્તિ કોઈ ભાર વિના હળવું ફૂલ થઈને તરતું રહે. એમ લગ્ન જીવનમાં આવી થોડી જગ્યા એટલે મુક્તિ-space…
આપણે ત્યાં વર્ષમાં વાર તહેવારે કે વેકેશનમાં પત્ની થોડા દિવસ પિયર રહેવા જાય એ જે ટ્રેડીશન હતી એની પાછળ પણ હાર્દ તો આ જ હતું કે એ રીતે લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે જરૂરી અવકાશ સર્જાય. જેમાં સ્ત્રી પિયર જાય છે ત્યારે સાસરીના બધા બંધનો અને વ્યવહારમાંથી એટલો સમય બ્રેક લઈને પિયરના ગામની માત્ર દીકરી બની જાય છે. એ જ રીતે એ ગાળામાં પુરુષને ય થોડો સમય બેચલર લાઈફનો અનુભવ ફરી તાજો થાય છે. બેઉને જે આ અવકાશ મળે છે એમાં બેઉમાં ફરી એકબીજા માટેની ઝંખના ભરાય છે.
ઘર, પરિવાર, વ્યવહારો કે વ્હાલ પણ એટલું ન હોવું જોઈએ વ્યક્તિ એમાં ભીંસાય જાય-ગૂંગળાઈ જાય. આ બધામાં સહજ શ્વાસ લેવાની, પોતાની જાતને મળવાની જગ્યા એ મુક્તિ. આ Space એટલે બેડરૂમ જેટલો જ જરૂરી એક ઓરડો.
હોંકારો:
ચંદ્રકાંત શેઠના ગમતાં ગીતની ગમતી પંક્તિઓ…
શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.
- કાનજી મકવાણા








