શતરંગ / IPL Spot Fixing: ભારતીય ક્રિકેટનું કાયમી કલંક
- ફ્રી હીટ 2013ની સિઝન પતવામાં જ હતી અને IPL, તેના આયોજકો, તેના ખેલાડીઓ, તેના ફ્રેન્ચાઈઝીઓ અને તેના દર્શક

- ફ્રી હીટ
2013ની સિઝન પતવામાં જ હતી અને IPL, તેના આયોજકો, તેના ખેલાડીઓ, તેના ફ્રેન્ચાઈઝીઓ અને તેના દર્શકો અને સમર્થકોને જબરદસ્ત આઘાત લાગ્યો. 16મી મે 2013ના દિવસે રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ, શાંતાકુમારન શ્રીશાંત, અંકિત ચવાણ અને અજિત ચંડીલીયાને સ્પોટ ફિક્સિંગના આરોપસર દિલ્હી પોલીસે પકડી લીધા.
આ કૌભાંડ શું હતું તે જાણીએ તે પહેલાં મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગ વચ્ચે શું તફાવત છે તે સમજીએ.
મેચ ફિક્સિંગ એટલે આખેઆખી મેચનું પરિણામ ફિક્સ અથવા તો નક્કી કરી લેવામાં આવે તે. મેચ ફિક્સ કરવા માટે મોટેભાગે ટીમના કેપ્ટનને પહેલાં ફોડી લેવામાં આવે છે જેમ સાઉથ આફ્રિકાના હન્સી ક્રોનીયેને ફોડી લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ કેપ્ટન ટીમના ચારથી પાંચ પોતાને સાથ આપે તેવા ખેલાડીઓને ફોડતો હોય છે. બુકીઓ કેપ્ટનને કોઈ એક મોટી રકમ આપવાનો વાયદો કરે અને તેમાંથી અમુક રકમ કદાચ તેને એડવાન્સમાં પણ આપી દે. આ રકમના અમુક ટકા કેપ્ટન પેલા ચાર-પાંચ ખેલાડીઓમાં વહેંચી નાખે. મોટેભાગે મેચ ફિક્સિંગમાં મેચ હારવાનું કહેવામાં આવે અને કેપ્ટન સહિતના ખેલાડીઓએ પોતાની ક્ષમતાથી નીચેનો દેખાવ કરવાનો આવતો હોય.
આમ ટીમના અગિયાર ખેલાડીઓમાંથી અડધાને ફોડીને બુકીઓ મેચના પરિણામ પર અઢળક પૈસા સટ્ટો લગાવે અને પોતાનું ધાર્યું પરિણામ મેળવીને અઢળક કમાણી કરે. આ થયું મેચ ફિક્સિંગ.
હવે જાણીએ સ્પોટ ફિક્સિંગ એટલે શું. સ્પોટ ફિક્સિંગ એટલે એક બોલ કે મેચની એક ક્ષણનું ફિક્સિંગ કરવું. જેમકે ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમતા પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને નો બોલ નાખવા માટે બુકીએ પૈસા આપ્યા હતા. અમુક ઓવરનો અમુક બોલ તારે નો બોલ નાખવાનો છે એ તેને પહેલેથી કહી દેવામાં આવ્યું હતું.
આ રીતે બુકી જ્યારે મેચ ચાલતી હોય ત્યારે એ ખાસ બોલ પર દાવ લગાવે કે આ બોલ નો બોલ પડશે અને જો તેનો દાવ સાચો પડે તો તેને પૈસા મળે. આમ આ રીતે બુકીઓ પહેલેથી જ બોલરોને ફિક્સ કરીને જે-તે ઓવરનો બોલ તે નો બોલ નાખશે તે કહી દેતો. એ મેચમાં મોહમ્મદ આમિરના નો બોલ જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે આ સ્પોટ ફિક્સિંગ છે કારણકે તેના નો બોલ ખૂબ લાંબા નો બોલ હતા એટલે કે પોપીંગ ક્રીઝથી ખૂબ બહાર.
તો સમજી ગયાને મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગ વચ્ચેનો તફાવત? હવે ચાલો પરત થઈએ IPL 2013ના સ્પોટ ફિક્સિંગ કાંડ પર.
તો રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓને સ્પોટ ફિક્સિંગનાં આરોપ હેઠળ પકડવામાં આવ્યા. આ ત્રણમાંથી શ્રીસંત કોઈ બોલ નાખતા અગાઉ જો પોતાની કમરમાં રહેલા નાનકડા ટુવાલને અડે તો તે બોલ નો બોલ પડશે તેવો સંકેત મેદાન પર કે પછી મેદાનની બહાર બેસેલા બુકીને આપતો અને પેલો બુકી એ રીતે ખાસ એ બોલનું સ્પોટ ફિક્સિંગ કરતો.
આ ત્રણ તો પકડાયા પરંતુ જ્યારે દિલ્હી પોલીસે વધુ તપાસ કરી ત્યારે તો એક પછી અનેક મોટા નામો બહાર આવવા લાગ્યા. રાજસ્થાન રોયલ્સ, જેના ત્રણ ખેલાડીઓ પકડાયા હતા તે ટીમના માલિકોમાંથી એક એવા રાજ કુંદ્રાએ પોતે IPLમાં બેટીંગ (betting) કરતા હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત CSKની તપાસ કરવામાં આવી તો તેના માલિક એટલે કે ઇન્ડિયા સિમેન્ટના કર્તાહર્તા અને BCCIના પ્રમુખ એન શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન પણ ફિક્સિંગમાં સામેલ હોવાનું જાણવા મળ્યું.
દિલ્હી પોલીસે રાજ કુંદ્રા ઉપરાંત ગુરુનાથ મયપ્પનને તો પકડ્યા જ પરંતુ સાથે સાથે એક્ટર દારાસિંહના એક્ટર પુત્ર વિંદુ દારાસિંહને પણ આ જ આરોપસર પકડી લીધો હતો. છેવટે મામલો સુપ્રિમ કોર્ટમાં ગયો અને સુપ્રિમ કોર્ટે પૂર્વ જસ્ટિસ આર.એમ લોઢાની અધ્યક્ષતામાં એક કમિશન નિયુક્ત કર્યું.
આ કમિશનને બહુ વિશાળ સત્તા આપવામાં આવી હતી જેમાં BCCIનું ભવિષ્ય નક્કી કરવાનું પણ સામેલ હતું. લોઢા કમિશને એક પોતાની સત્તાનો ઉપયોગ કરીને ઘણા બધા સૂચનો કર્યા જેમાંથી એક સૂચન હતું રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સને બે વર્ષ માટે IPLમાંથી સસ્પેન્ડ કરવાનું. આની ઘણી ઘેરી અસર પડી હતી.
આથી 2014માં બે વર્ષ માટે બે નવી ટીમોને લાવવામાં આવી હતી. રાઈઝીંગ પુણે સુપર જાયન્ટ્સ અને ગુજરાત લાયન્સ. જેમાંથી ગુજરાત લાયન્સનો બેઝ રાજકોટમાં હતો. જમાઈ સ્પોટ ફિક્સિંગ કાંડમાં સંડોવાયેલો હોવાથી એ સમયના BCCI પ્રમુખ એન શ્રીનિવાસન પર પોતાના પદ પરથી હટી જવાનું દબાણ વધી ગયું હતું.
પરંતુ એન શ્રીનિવાસન પણ જમાનાનો ખાધેલ વ્યક્તિ છે, તેમણે કાયમ માટે નહીં પરંતુ થોડા સમય માટે પોતાનું પદ છોડી દઈને કોમ્પ્રોમાઈઝ કરી લીધું હતું.
બે વર્ષ બાદ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ IPLમાં પરત આવ્યા અને ચેન્નાઈ એ તો એ સિઝનની ટુર્નામેન્ટ જીતી પણ લીધી. આ ઘટના બાદ BCCIએ કોઈ ખાસ ધડો તેમાંથી લીધો નથી પરંતુ હજી સુધી આ સ્તરનું બીજું કૌભાંડ પણ સામે નથી આવ્યું.
જે હોય તે પરંતુ IPL, BCCI, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને ભારતીય ક્રિકેટ પર કાયમી કલંક તો જરૂર લાગી ગયું છે.
- સિધ્ધાર્થ છાયા








