શતરંગ / IPL 2024ના બોલર્સ: ‘ક્યા મૈ જોબ છોડ દૂં?’
- ટાઈમ આઉટ દરરોજ દાળ, ભાત, રોટલી, શાક જમતા હોઈએ તો કોઈક દિવસ શ્રીખંડ ખાવાનું મન થાય અને ખાઈએ તો મજા પણ આવે

- ટાઈમ આઉટ
દરરોજ દાળ, ભાત, રોટલી, શાક જમતા હોઈએ તો કોઈક દિવસ શ્રીખંડ ખાવાનું મન થાય અને ખાઈએ તો મજા પણ આવે. પણ જો દરરોજ ફક્ત ને ફક્ત શ્રીખંડ જ ખાવાની ફરજ પાડવામાં આવે તો? ન મજા આવે ને? બસ, આ વર્ષની IPLમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. બોલર્સને ચારેતરફ ફટકારવામાં આવી રહ્યા છે. મેચોમાં બેટરોને તો જાણે કોઈ રોકનારું જ નથી. 20 ઓવર્સમાં 200 રનની તો હવે કોઈ કિંમત જ નથી રહી.
ટીવી પર કે પછી ગાંઠના ખર્ચીને સ્ટેડિયમમાં જઈને IPL જોઈ રહેલો દર્શક કદાચ અત્યારે ઘણા વખતે ખાવા મળેલા શ્રીખંડનો આનંદ ચોક્કસ લઇ રહ્યો છે. પરંતુ, જે સાતત્ય સાથે આ વર્ષે IPLમાં 250 ઉપરના સ્કોર્સ થઇ રહ્યા છે એ કદાચ દરરોજ શ્રીખંડ ખાવાની ફરજ પાડવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે.
ગુજરાતીમાં કહેવત છે કે ‘અતિની કોઈ ગતિ’ નથી એવી જ રીતે આ વર્ષની IPLમાં જે રીતે એક પછી એક મેચોમાં 250 ઉપરના સ્કોર થઇ રહ્યા છે એ કદાચ દર્શકોને એક દિવસ બોરિંગ લાગવા માંડશે. અમુક ઉત્સાહીઓ આ વર્ષે જ કોઈ ટીમ 300 રનનો ટોટલ ઉભો કરી દેશે એવી આશા રાખી રહ્યા છે, પરંતુ છેવટે તો એ પેલી અતિની કોઈ ગતિ ન હોવા તરફ જ ઈશારો કરશે.
દર વર્ષે નહીં ને કેમ આ વર્ષે જ IPLમાં સતત 200 અને 250 ઉપરના સ્કોર થઇ રહ્યા છે? આ પ્રશ્ન દરેકના મનમાં થાય એ સ્વાભાવિક છે. આમ થવા પાછળ ફક્ત ને ફક્ત પીચને જ દોષ દેવો એ જરૂરી નથી. એવું પણ નથી કે બધી ટીમોના બોલર્સ અચાનક જ કરકસરથી બોલિંગ નાખવાની કળા ભૂલી ગયા છે. જો એવું હોત તો જસપ્રીત બુમરાહ અને સુનીલ નારાયણે આ જ IPLમાં કંજૂસીપૂર્ણ બોલિંગ ન કરી હોત.
એવું લાગી રહ્યું છે કે દિવસેને દિવસે બેટરો નિર્ભય થવા લાગ્યા છે. જ્યારે હારનો ડર હોય ત્યારે કોઇપણ બેટર, બોલર કે ફિલ્ડર પ્રેશરમાં આવીને રમતો હોય છે. પરંતુ એટલીસ્ટ આ વર્ષે IPLના બેટરોને હારનો કોઈ ડર નથી. વળી, હજી ગયા અઠવાડિયે જ આ વર્ષની IPLની અડધી સફર પૂરી થઇ છે, એટલે એવું પણ નથી કે એ ટીમો નિર્ભય થઈને રમી રહી છે જેમને પ્લેઓફ્સમાં પહોંચવાની કોઈ જ આશા નથી.
આ લખી રહ્યો છું તેના આગલા દિવસે જ પંજાબ કિંગ્સ જેવી એકંદરે નબળી ગણાતી ટીમે એક આખી ઓવર અને બે દડા બાકી રહેતા સબળી કહેવાતી કોલકાતા નાઈટ રાઈડર્સના 261 રનના સ્કોરને ચેઝ કરી લીધો છે. આખી મેચમાં 42 સિક્સરો વાગી હતી. ઈડન ગાર્ડન્સ આમ પણ નાનું મેદાન છે, પરંતુ તેમ છતાં 42 સિક્સરો તો ગઈકાલ પહેલાં અહીં પણ ક્યારેય વાગી ન હતી.
તો શું IPL અથવાતો T20 ક્રિકેટ ફક્ત બેટરો માટેની જ બની રહેશે? આ પ્રશ્નનો જવાબ આપવો થોડો અટપટો છે પણ તેમ છતાં આપણે એ ઉત્તર શોધવાનો પ્રયત્ન જરૂર કરીશું.
વાત એમ છે કે વન-ડે ક્રિકેટના આવ્યા અને તેના મૂળ ઊંડા થયાં બાદ એ ફોર્મેટ અને હવે T20 ફોર્મેટ એ ફક્ત બેટરોને જ ફાયદો કરાવવા માટેના બની ગયા છે. ક્રિકેટને ચલાવનારાઓને એવું લાગે છે કે જો સ્ટેડિયમો ભરી દેવા હોય અને કરોડો લોકોને ટીવી પર મેચ જોવા માટે મજબૂર કરી દેવા હોય તો મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જ થવો જોઈએ.
એક રીતે આ દલીલ ખોટી નથી, પરંતુ અહીં ફરીથી અતિની ગતિ નથી એ યાદ કરવું પડે. જેમ એક સમયે ફક્ત ડ્રો કરવા માટે રમાતા ટેસ્ટ ક્રિકેટમાંથી લોકોને રસ ઉડવા લાગ્યો હતો, પરંતુ બાદમાં વન-ડે અને T20ની કોઇપણ ભોગે વિજયની માનસિકતા અહીં પણ ટ્રાન્સફર થઇ. આમ થતાં હવે ટેસ્ટ ક્રિકેટ પણ રસપ્રદ બનવા લાગ્યું છે. ડ્રો તો છોડો ચોથા દિવસની સાંજ જોનારી ટેસ્ટ મેચો પણ હવે બહુ ઓછી રમાવા લાગી છે.
જે રીતે ટેસ્ટ ક્રિકેટમાં કુદરતી રીતે સુધારો આવ્યો એમ અહીં પણ બેટરો ઉપર લગામ રાખવા માટેના ઉપાયો કદાચ કુદરતી રીતે જ સામે આવશે. ક્યારેક તો દર્શકો, અધિકારીઓ, બ્રોડકાસ્ટરો, કોમેન્ટેટરો, ભૂતપૂર્વ ક્રિકેટરો કંટાળશે? જેમ આગળ આપણે વાત કરી તેમ પીચ આ બાબતે ઘણી મદદ કરી શકે તેમ છે. આપણા ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જ વાત કરીએ. અહીંનું મેદાન મોટું છે તો પીચ પણ આ વર્ષે IPL માટે ધીમી રાખવામાં આવી છે. આથી બેટરોએ 200 રન કરવા હોય તો ઘણી મહેનત કરવી પડે છે.
જો પંજાબ કિંગ્સની માફક વારેવારે ટીમો 250+ ના સ્કોર્સ ચેઝ કરવા લાગશે અને T20 ફોર્મેટ એ રીતે બોરિંગ લાગવા માંડશે તો ક્રિકેટ ચલાવનારાઓને પણ પીચ ધીમી રાખવાની ફરજ પડશે, એટલી બધી ધીમી કે ટર્નિંગ પણ નહીં કે પછી બોલરો છવાઈ જાય, પણ એવી પીચ જેના પર મહેનત કરીને 170-200 રન થઇ શકે. બીજી બેટિંગ કરનાર ટીમને પણ આ સ્કોર ચેઝ કરવા માટે પૂરતી તક આ પીચ આપે.
આપણે આશા કરીએ કે આ વર્ષની IPL એક એવી ઘટના બની જાય જે અમુક વર્ષોમાં કોઈક વખત જ બનતી હોય છે. એટલેકે આવનારી IPLમાં દાળ, ભાત, રોટલી અને શાકની રોજીંદી મજા મળે અને કોઈક વખત 250+ સ્કોરનો શ્રીખંડ ખાઈને તેનો આનંદ ઉઠાવી શકાય.
- સિદ્ધાર્થ છાયા








