શતરંગ / અવિનાશી
- સ્વાન્ત: સુખાય આજે એક પતંગિયાની વાત કરવી છે. ના રે, આ કંઈ બાળકોની વાર્તા નથી, આ તો મારી, તમારી અને આપણા સૌની જનમોજનમન

- સ્વાન્ત: સુખાય
આજે એક પતંગિયાની વાત કરવી છે. ના રે, આ કંઈ બાળકોની વાર્તા નથી, આ તો મારી, તમારી અને આપણા સૌની જનમોજનમની કથા છે.
એક પતંગિયું આખાય બ્રહ્માંડમાં ઊડ્યાં કરે. હા, સામાન્ય પતંગિયાં તો વગડામાં કે બાગબગીચામાં ઊડે પણ આ તો અદભૂત હતું. આખાય બ્રહ્માંડમાં ચક્કર મારે. ક્યારેક કોઈક પુષ્પ પર બેસે, પુષ્પના ચિત્તમાં પોતાના માટે આસક્તિ પણ પ્રગટાવે. જાણે પુષ્પ અને પતંગિયું એકરૂપ બની જાય. સમય વિતતા એ પુષ્પની પાંખડીઓ ખરે કે પછી આખું પુષ્પ ખરી પડે એટલે પોતે હળવેથી ઊડી જાય. કોઈ એને રોકી પણ ન શકે એવી એની ખુમારી પણ ખરી ! પછી તો એની બ્રહ્માંડમાં ઊડાઊડ ફરી શરૂ થાય. ક્યારેક બેસવા માટે એ કોઈ કળી પસંદ કરે તો ક્યારેક કોઈ સહસ્ર પાંખડીઓવાળું પુષ્પ, ક્યારેક એ રંગબેરંગી પુષ્પ પસંદ કરે તો ક્યારેક શુભ્ર ધવલ રંગના પુષ્પ સાથે પણ એ ઓતપ્રોત થઈ જાય. પણ એક કામમાં એ પારંગત હોં ! એ બધા પુષ્પની સુગંધને સ્મરણમાં રાખે. સ્મરણમાં રાખે એટલું જ નહીં પણ એનો હિસાબ પણ એ બ્રહ્માંડવનના માળીને આપે. અને એ માળીએ તો આવા કેટલાય પતંગિયાઓ રાખ્યા હોય. બસ, સચરાચરની આ ક્રીડા ચાલ્યા જ કરે અનંતકાળ સુધી.
પ્રિય વાચકો, આ વાત છે આપણાં સૌની, આ સૃષ્ટિ પર વિહરતા જીવમાત્રની. પુષ્પ જેવુ નાજુક આયખું લઈને જીવનોત્સવ ઊજવતાં આપણે સૌ ભીતરમાં એક પતંગિયું લઈને ફરીએ છીએ. કોઈ એને આત્મા કહેશે તો કોઈ એને રૂહ કહેશે, કોઈ એને જીવ કહેશે તો કોઈ એને માંહ્યલો કહેશે. પણ અંતે તો વાત ચૈતન્યની છે. આપણી ભાષામાં કેટલાક શબ્દપ્રયોગો એટલા સરસ છે કે તેના અર્થગાંભીર્યને કારણે પ્રભાવિત કરી જાય છે. કોઈ અત્યંત ભયપ્રેરક દ્રશ્ય માટે એવું લખાય કે ‘એ દ્રશ્ય જોઈને આત્મા કાંપી ઉઠ્યો..’ ત્યારે એ આત્મતત્વની સંવેદનશીલતા બાબતે આદર જન્મે. કોઈ કામ કરવા માટે ‘જીવ નથી ચાલતો’ એમ કહીએ ત્યારે આત્માની અનુમતિ એ કામ માટે નથી એમ અર્થ નીકળતો હોય છે. આપણે જે શીખીએ છીએ એ જો કૌશલ્ય છે તો એનું સ્થાન બુધ્ધિમાં છે. આપણે જે શીખીએ છીએ એ જ્ઞાનની શ્રેણીમાં આવે તો એનો નિવાસ મનમાં હોય છે પણ આપણે જે વિદ્યા પ્રાપ્ત કરીએ છીએ એ એ તો આત્માની અટારીએ કોરાય છે એટલે તો વિદ્યાને આત્મસાત કરવી એવો શબ્દપ્રયોગ થાય છે.
માનવ ઇતિહાસ જોઈએ તો એવું સમજાય છે કે જે તત્વથી માનવ ભય પામ્યો અને એને કાબુમાં લેવામાં નિષ્ફળ નિવડ્યો એ તત્વને દેવસ્થાને મૂકી પૂજવા લાગ્યો. અગ્નિ, વાયુ, વરુણ (પાણી) એના ઉદાહરણ છે. આ તત્વો ક્યારેય નષ્ટ થતાં નથી અને એના પર માનવીનો કોઈ કાબૂ નથી એટલે માનવી એની સ્તુતિ કરતો થયો. એ જ તો તર્ક આત્માની બાબતમાં પણ લાગુ પડવો જોઈએ. આત્મા તો આ ત્રણ તત્વોથી પણ નષ્ટ થતો નથી માટે એ તો સર્વોપરી છે એમ સ્વીકારવું રહે. આમ છતાં જેમાં આત્મા વસે છે એવા દરેક સજીવને આપણે પૂજાયોગ્ય માની શક્યા નથી. આત્માના અવિનાશીપણા અને સર્વોપરિતા પ્રત્યેનું આ જે અસ્થાયી વિસ્મરણ છે એ જ અજ્ઞાન છે એમ વિવિધ રીતે શ્રી કૃષ્ણએ ભગવદગીતામાં સમજાવ્યું જ છે. એ સમજવા માટે આર્જવયુક્ત અર્જુન બનવું અનિવાર્ય છે.
પતંગિયાં જેવા હળવા વિષેની વાત પણ કયા પહોંચી ગઈ? બસ એટલું સ્મરણમાં સાચવી લઈએ કે જે મારામાં છે તે જ અન્યમાં છે. અને આ વાત જ અદ્વૈતવાદની પણ છે અને અભેદવાદની પણ છે. જો કોઈ વિચારવલોણાંના અંતે સમજણનું એક પગથિયું ચડી શકીએ તો માનવું કે માખણની મટુકી મળી ગઈ ! આ જ માખણને મટુકીમાં મૂકી એક ભોળી ભરવાડણ હરિને વેચવાને ચાલી હતી જેનો આંખે દેખ્યો અહેવાલ નરસિંહ મહેતાએ આપણાં સૌ સુધી પહોંચાડ્યો છે !
- પ્રણવ ત્રિવેદી








