મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / હોઠ ચૂમવાની દુનિયામાં પગ ચૂમતા પ્રેમી…

- એય, સાંભળે છે? પ્રેમીનું માથું ખોળામાં લઈને માથે હાથ ફેરવવો એ વ્હાલ છે…અને એના પગ ખ

શતરંગ / હોઠ ચૂમવાની દુનિયામાં પગ ચૂમતા પ્રેમી…

- એય, સાંભળે છે?

પ્રેમીનું માથું ખોળામાં લઈને માથે હાથ ફેરવવો એ વ્હાલ છે…અને એના પગ ખોળામાં લઈને હાથ ફેરવવો એ શરણાગતિ…

     હોળીની રાત્રે આછા અજવાળામાં એણે મને બેડ પર  બેસાડીને કહેલું કે, “હલતો નહિ, મારે તને રંગવો છે.” એ અબીલ- ગુલાલની થાળી લઈને આવી. મારી સામે ઊભી રહી.ને બોલી, “તારી આંખો બંધ કર…” આજ્ઞાંકિત બાળકની જેમ મેં આંખો બંધ કરી દીધી અને મીંચેલી આંખોએ રાહ જોવા લાગ્યો કે એ મને હમણાં ગાલે ગુલાલ લગાવશે, કપાળે રંગનો લેપ કરશે…એ થોડી સેંકડો જાણે કેટલીય લાંબી બની ગઈ ! એના રંગભર્યા સ્પર્શની પ્રતીક્ષામાં ચહેરાની ત્વચા ઝીણું ઝીણું ફરકતી હતી.

     ત્યાં સ્નેહનું શીર્ષાસન થયું. ક્યારેય ન થયેલું એવું કંપન અનુભવાયું મારા પગના રુક્ષ પંજાઓમાં. પગની આંગળીઓ સંકોચાઈને ભીડાય ગઈ. પગની પાની અને મારી આંખ એકસાથે ઊંચી ગઈ…એ રંગોની થાળી લઈને મારા પગ પાસે બેઠી હતી. એની અબીલ ગુલાલ ભરી હથેળીઓ-આંગળીઓ મારા પગને રંગી રહી હતી, વેરાનમાં વરસાદની જેમ. એકબાજુ મુકાય ગયેલા મારા પગના ઉપેક્ષિત પંજાઓ એ ક્ષણે બાળકના પંજા થઈ ગયા. 

     દેવત્વ અને દાસત્વ પ્રેમના અબીલ ગુલાલ છે. હિન્દીમાં ગીત ચતુર્વેદી કહે કે, ‘કિસીકા માથા ચૂમના જૈસે કિસકી આત્મા ચૂમને જૈસા હૈ.’ તો પ્રેમીના પગ ચૂમવા એ? 

મેં મારી ડાયરીમાં એક ચિત્ર દોર્યું છે, જેમાં પીપળાનાં છાંયે એક પુરુષ એક સ્ત્રીના પગના અંગુઠે વેઢ પહેરાવે છે. અને લખ્યું છે કે,

પેલા પીપળાના આંછેરા છાંયાની હેઠ,

મારા પગને ચૂમીને તે પહેરાવેલો વેઢ,

પહોંચ્યો જ્યાં, કોઈ પહોચ્યું નથી ત્યાં છેક.

પ્રેમિકાના પગને કરેલું ચુંબન જ્યાં પહોંચે છે ત્યાં કશું જ નથી પહોચતું કદાચ…

હાઈસ્કૂલમાં નવો નવો આવ્યો ત્યારે કલાપીની બે પંક્તિઓ સામે આવી હતી:

યારી ગુલામી શું કરું તારી સનમ,

ગાલે ચૂમું કે પાનીએ તુને સનમ ! 

કિશોર અને તરુણ અવસ્થામાં સંધિકાળે સનમને પાનીએ ચૂમવાનું સંવેદન વાંચી ન સમજાય એવું કૈક થયું હતું. પછી એક કાગળમાં એ પંક્તિઓ લખીને એક ચિત્ર દોર્યું હતું. જેમાં કોઈ જંગલમાં એક ઝાડની ડાળી પકડીને ગ્રામ્ય યુવતી ઊભી છે, એના પગ પાસે એક યુવાન ઘૂંટણિયે બેઠો છે. યુવતીના ખુલ્લા પગે કાંટો વાગ્યો છે. યુવક એ કાંટો કાઢીને પગને ચૂમી રહ્યો છે. પ્રેમી પહેલીવાર પગને ચૂમે ત્યારે એ ચુંબનમાં ક્યારેય ન અનુભવાયેલો સાક્ષાત્કાર અનુભવાતો હોય છે !

હિન્દીમાં પ્રિયંકા દુબે ‘स्त्री के पैरों पर’ લખે છે:

होंठ चूमने वाले

प्रेमियों से भरे इस संसार में,

तुमने हमेशा

पिछले दिन की थकन में डूबे

मेरे सोते पैरों को चूम कर

सुबह जगाया है मुझे।

‘फ़ुट फ़ेटिश है तुम्हें’,

कहकर अपने पैर कंबल में समेटते हुए

झिड़क-सा दिया था मैंने तुम्हें

एक दुपहर।

जवाब में तुमने,

कुछ कहा नहीं।

सिर्फ़ इतना प्रेम किया मेरे पैरों को,

कि मुझे लगने लगा जैसे

मैं जूतों की जगह

तुम्हारे होंठों को पहने घूमती रही हूँ।

     કોઈનું ખૂબ ઋણ હોય ત્યારે ગદગદ થયેલો માણસ કહેતો હોય છે કે એને તો મારા ચામડાના ચપ્પલ કરીને પહેરાવું તો ય ઓછા પડે…અહીં તો સ્ત્રીને લાગવા લાગ્યું છે કે એના પગને પ્રેમીએ જાણે પોતાના હોઠના જુત્તા પહેરાવ્યા છે. એ સ્ત્રી કહે છે કે ભલે કેટલાય મોજા પહેરું પણ મારા ઠંડા પડી જતાં પગને સૌથી વધુ હૂંફ માત્ર તારી હથેળીઓની બખોલમાં મળે છે. 

     થાકેલી સ્ત્રીના પગના પંજાને હથેળીઓમાં લઈને પુરુષ હળવી મસાજ કરતો થોડી વાતો કરે ત્યારે તો એ વાતો સ્ત્રીનું હાલરડું જ બની જાય…પ્રેમીનું માથું ખોળામાં લઈને માથે હાથ ફેરવવો એ વ્હાલ છે…અને એના પગ ખોળામાં લઈને હાથ ફેરવવો એ શરણાગતિ…પ્રેમ શરણાગતિ છે ને? આંખ બંધ કરીને આ જ કવિયત્રીની ભાષામાં એક દૃશ્ય જુવો તો ખોળામાં માથું લેનારા પ્રેમીઓની દુનિયામાં ખોળામાં પગ લેનાર પ્રેમી કેટલો નિકટ લાગે છે?

     પ્રિયંકા દુબે આ જ કવિતાના બીજા એક કલ્પનમાં લખે છે કે પોતે દૂર હોય ત્યારે જ્યારે જ્યારે પોતાના પ્રેમીની યાદમાં વ્યાકુળ થતી ત્યારે એ હંમેશા કહેતો કે, “હું ત્યાં જ છું, તારા પગ પાસે…ન હોંઠ પાસે…ન છાતી પાસે … તારા પગ પાસે…”

હોંકારો: 

પુરુષને બાળપણમાં ગુમાવેલી માતાનો ચહેરો યાદ નથી, એને યાદ છે ચિતા રહેલા માના કંકુવાળા પગ…કોઈ ખાલી બપોરે જ્યારે માની સ્મૃતિ એની અંદર સળવળવા લાગે ત્યારે એ પુરુષ પોતાની સ્ત્રીને જે વાત કહે છે એ વાત પ્રિયંકા દુબે લખે છે:

तब नींद में डूबे मेरे पैरों को

अपनी बाँहों में खींच कर,

वह अपनी भीगी पलकें

उन पर रख देता।

मद्धम सिसकियों में डूबी

उसकी बुदबुदाती आवाज़ से

फिर नींद टूटती मेरी।

‘तुम महावर मत लगाना कभी।

मैं चूम-चूम कर

यूँ ही

लाल रखा करूँगा तुम्हारे पैर।’

- કાનજી મકવાણા

આ સમાચાર શેર કરો