સતરંગ / ઇમ્તિયાઝ અલીઃ હું અને મારા એક્ટરો
વિદ્યા બાલનની 'ડર્ટી પિક્ચર' નામની ફિલ્મ યાદ છે તમને? લગભગ સોફ્ટ પોર્ન પ્રકારનાં દૃશ્યો યા તો કહો કે અતિ કામુક ચેનચાળા કરીને સફ

વિદ્યા બાલનની 'ડર્ટી પિક્ચર' નામની ફિલ્મ યાદ છે તમને? લગભગ સોફ્ટ પોર્ન પ્રકારનાં દૃશ્યો યા તો કહો કે અતિ કામુક ચેનચાળા કરીને સફળ થયેલી સાઉથની એક્ટ્રેસ સિલ્ક સ્મિતાની તે બાયોપિક હતી. આપણને થાય કે સિલ્ક સ્મિતા જેવી સ્ટાર, કે જેને અભિનયકળા સાથે કશી લેવાદેવા નહોતી, એના જીવન પરથી શા માટે ફિલ્મ બનાવવી જોઈએ? સિલ્ક સ્મિતાનું જીવન એક કરૂણાંતિકા હતું. દુખદ આત્મહત્યાને કારણે માનવીય સ્તરે એની કહાણી ખૂબ રસપ્રદ બની જતી હતી.
'ડર્ટી પિક્ચર' યાદ આવવાનું કારણ ઇમ્તિયાઝ અલીની લેટેસ્ટ ફિલ્મ 'અમરસિંહ ચમકીલા' છે. અમરસિંહ ચમકીલા પંજાબનો એક દેશી ગાયક હતો, જે અશ્લીલ ગીતો ગાઈ ગાઈને ખૂબ પોપ્યુલર બન્યો હતો. આપણને થાય કે કળા સાથે નહાવાનિચોવવાનો સંબંધ ન ધરાવતા અને અશ્લીલ ગીતો ગાનારા ગાયકના જીવન પર ઇમ્તિયાઝ અલી જેવા સ્તરીય ફિલ્મમેકરને શા માટે બાયોપિક બનાવી હશે? ચમકીલાની ભરજુવાનીમાં હત્યા કરી દેવામાં આવી હતી. શું અણધાર્યું મોત એક લોકપ્રિય પર્ફોર્મરના જીવનને જુદી જ ભ્રમણકક્ષામાં મૂકી દેતું હોય છે?
અત્યારે, ખેર, 'ચમકીલા'ની નહીં, પણ ઇમ્તિયાઝ અલીની વાત કરવી છે. રણબીર કપૂરની બે ઉત્તમ ફિલ્મો ઇમ્તિયાઝ અલીએ ડિરેક્ટ કરી છે - 'રોકસ્ટાર' (૨૦૧૧) અને 'તમાશા' (૨૦૧૫). ઇમ્તિયાઝે 'રોકસ્ટાર'ની પ્રોસેસ શરૂ કરી ત્યારે રણબીરની પહેલી ફિલ્મ 'સાંવરિયા' હજુ રિલીઝ પણ કદાચ થઈ નહોતી. મૂળ તો ઇમ્તિયાઝ બીજી કોઈ ફિલ્મનો સ્ટોરી આઇડિયા લઈને રણબીર પાસે ગયા હતા. તે આઇડિયા પર તો કામ આગળ ન વધ્યું, પણ રણબીરના મનમાં બીજી એક વાત ઊગી. એણે કહ્યુંઃ 'સર, મેં સાંભળ્યું છે કે તમારી પાસે બીજો એક ફિલ્મનો આઇડિયા છે, જે તમે જોન અબ્રાહમને લઈને બનાવવા માગતા હતા. એમાં એક જુવાન છોકરો છે, જેનેે કોઈ કહે છે કે દિલ તૂટે તો જ માણસ કલાકાર બની શકે અને પછી એ છોકરો...'
રણબીર જે ઉત્સાહથી વાત કરી રહ્યો હતો તેનું ઇમ્તિયાઝ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા હતા. એમણે પૂછી લીધુંઃ રણબીર, બોલ, તું કરીશ આ ફિલ્મ? રણબીરે તરત હા પાડી દીધી. આ ફિલ્મ એટલે જ 'રોકસ્ટાર'. ઇમ્તિયાઝે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું. તેઓ જે કંઈ લખતા કે એમાં નાનામોટા ફેરફાર કરતા તે બધું રણબીરની સાથે શેર કરતા. ઇમ્તિયાઝ એક મુલાકાતમાં કહે છે, 'મને બરાબર યાદ છે કે રણબીર એ અરસામાં એમ જ મારી ઓફિસે અવારનવાર આવી ચડતો. અમે પછી કોઈ કૉફી શોપમાં જતા, ક્યારેક ડિનર માટે જતા ને વાતો કર્યા કરતા. મેં રણબીરને એક વાર પૂછ્યું પણ ખરૂં કે તું શું કામ મારી સાથે આટલો બધો સમય વીતાવે છે? એણે કહ્યું કે સર, તમે કઈ રીતે વિચારો છો, કઈ રીતે કામ કરો છો તે બધું મારે જાણવું છે. રણબીરની એક્ટર તરીકેની આ પ્રોસેસ છે. એ પોતાના ડિરેક્ટરમાં સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એને મૂળભૂત રીતે અભિનયકળાનો જે રસ છે, જે સ્વાદ છે એમાં સૌથી વધુ મજા આવે છે. રણબીરની પ્રતિભાનો આધાર ફિલ્મમેકિંગની પ્રક્રિયામાં એને બેહદ રસ પડે છે, તેમાં છે.'
'રોકસ્ટાર' અને 'તમાશા'ની પ્રોસેસ એકબીજા કરતાં ખાસ્સી જુદી હતી. ઇમ્તિયાઝ કહે છે, 'અમે 'તમાશા'માં બિલકુલ બંધાયા વગર કામ કર્યું હતું. કઈ રીતે, તમને સમજાવું. ધારો કે કોઈ શોટ હોય તો એના એક કરતાં વધારે ટેક લેવામાં આવે. એમાંથી જે બેસ્ટ હોય તે ફિલ્મ વાપરવામાં આવે. આ શોટની બ્રિફ એક જ હોય. એટલે તેના તમામ ટેક્સ લગભગ એકસરખા જ લાગતા હોય. 'તમાશા'માં અમે દરેક ટેકમાં આખું પર્ફોર્મન્સ જ બદલી નાખતા હતા. જેમ કે, પહેલા ટેકમાં રણબીરે ડાયલોગની પહેલી લાઇનમાં ચીસ પાડી હોય, તો પછીના ટેકમાં એ પાંચમી લાઈનમાં ચીસ પાડે. એને પણ ખબર ન હોય કે પોતે નવા ટેકમાં શું કરશે. 'રોકસ્ટાર'માં કમસે કમ એની સામે એક કેડી કંડારેલી હતી, જેના પર એણે ચાલવાનું હતું. 'તમાશા'માં તો કશું જ ડિફાઇન નહોતું. મને લાગે છે કે રણબીર માટે એક એક્ટર તરીકે 'રોકસ્ટાર' કરતાં 'તમાશા' ઘણી વધારે અઘરી ફિલ્મ હતી.'
રણબીર કપૂરમાં એવું શું છે જે નવોદિત અભિનેતાઓએ શીખવું જોઈએ? ઇમ્તિયાઝ કહે છે, 'મેં રણબીર સાથે બે ફિલ્મો કરી અને મેં નોંધ્યું કે દર બે-ત્રણ દિવસે એ આખી સ્ક્રિપ્ટ વાંચી જતો હતો. પેકઅપ થાય પછી ઘરે જઈને એ માત્ર આગલા દિવસે શૂટ કરવાનો સીન નહીં, પણ આખી સ્ક્રિપ્ટ વાંચી કાઢતો ને બીજા દિવસે સેટ પર આવીને મને કહેતો કે સર, કાલે મેં સ્ક્રિપ્ટ વાંચી તો ફલાણી-ફલાણી જગ્યાએ મને જરા કન્ફ્યુઝન થયું, મને પ્લીઝ સમજાવો કે આનો શો અર્થ થાય. મને લાગે છે કે સ્ક્રિપ્ટ વિશે આટલી હદે અવેરનેસ હોવી, સ્ક્રિપ્ટ સાથે આટલી હદે તાદાત્મ્ય સાધવું ખૂબ જરૂરી છે. બીજી વાત. રણબીર પોતાના ડિરેક્ટરને, સ્ક્રિપ્ટને, કેમેરામેનને, કહો કે ફિલ્મમેકિંગની આખી પ્રોસેસને સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. રણબીર પાસેથી આ આ બે વસ્તુઓ નવોદિત એક્ટરોએ શીખવા જેવી છે.'
આલિયાઃ ચકલી નાની ને ફૈડકો મોટો
'હાઇવે' (૨૦૧૪) પણ ઇમ્તિયાઝ અલીની એક ઉત્તમ ફિલ્મ છે. એમાં સુખી ઘરની છોકરી (આલિયા ભટ્ટ)નું અપહરણ થઈ જાય છે અને એને પોતાના કિડનેપર (રણદીપ હૂડા) પ્રત્યે લાગણી બંધાઈ જાય છે. નાનપણમાં સેક્સ્યુઅલ અબ્યુઝનો ભોગ બનેલી આલિયા આખરે આંતરિક પીડાના સ્તરે પણ મુક્ત થાય છે. આ છે ફિલ્મની સ્ટોરીલાઇન. ઇમ્તિયાઝ અલીએ 'હાઇવે'ની સ્ક્રિપ્ટ લખી ત્યારે એમના મનમાં ત્રીસેક વર્ષની પરિપક્વ નાયિકા હતી, પણ એમણે વરણી કરી બોલિવુડમાં હજુ પગલાં માંડી રહેલી આલિયા ભટ્ટની. આલિયાને પસંદ કરી ત્યારે એની સૌથી પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ઇમ્તિયાઝે હજુ જોઈ પણ નહોતી.
ઇમ્તિયાઝ કહે છે, 'બન્યું એવું કે આલિયા એની મમ્મી સાથે 'લવ શવ ચિકન ખુરાના' ફિલ્મ જોવા એક થિયેટરમાં આવી હતી. હું પણ ત્યાં હતો. મેં એને દૂરથી જોઈ. મેં આલિયાને સ્ક્રીન પર જોઈ નહોતી, પણ એનામાં એક એક્ટ્રેસમાં હોવી જોઈએ એવું સૌંદર્ય અને ગરિમા મને દેખાયાં. એનામાં એક પ્રકારનું 'ઈમોશનલ કોન્ટેન્ટ' પણ મેં જોયું. મેં એને કહ્યંુઃ મારી પાસે એક ફિલ્મની વાર્તા છે. તું વાંચીશ? એ કહેઃ જી, સર. જરૂર વાંચીશ.'
ઇમ્તિયાઝે એને 'હાઇવે'ની સ્ક્રિપ્ટ મોકલી. બે દિવસ સુધી આલિયાનો કોઈ જવાબ જ ન આવ્યો. આખરે ઇમ્તિયાઝે એને ફોન કરીને પૂછયુઃ આલિયા, તેં સ્ક્રિપ્ટ વાંચી કે નહીં? આલિયા કહેઃ સર, હું બે વાર સ્ક્રિપ્ટ વાંચી ગઈ, પણ આ તો... આમાં તો હું લગભગ બધા સીનમાં છું. મારાથી આવો અઘરો રોલ કેવી રીતે થશે?
વાસ્તવમાં 'હાઈવે'માં નાયિકાનો રોલ એટલો વજનદાર હતો કે આલિયા ડઘાઈ ગઈ હતી, પણ ઇમ્તિયાઝ અલીના મનમાં કશી અવઢવ નહોતી. આ ફિલ્મે નાજુકડી આલિયાને ગ્લેમરસ હિરોઈન તરીકે નહીં, પણ દમદાર એક્ટ્રેસ તરીકે સજ્જડ રીતે પ્રસ્થાપિત કરી દીધી... અને પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.








