મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ભારતનો વિકાસ મોદીએ ખરેખર કેટલો કર્યો?

- અર્થ અને તંત્ર નરેન્દ્ર મોદીની એનડીએની સરકારે છેલ્લાં દસ વર્ષમાં ભારતનો જબરદસ્ત વિકાસ કર્યો છે એમ કહેવામાં

શતરંગ / ભારતનો વિકાસ મોદીએ ખરેખર કેટલો કર્યો?

- અર્થ અને તંત્ર 

નરેન્દ્ર મોદીની એનડીએની સરકારે છેલ્લાં દસ વર્ષમાં ભારતનો જબરદસ્ત વિકાસ કર્યો છે એમ કહેવામાં આવે છે. તેની સાબિતી માટે નવાં એરપોર્ટ, નવાં રેલવે સ્ટેશનો, નવાં બંદરો, સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે જાણીતું પૂતળું, નેશનલ હાઈવેઝ અને એક્સપ્રેસ વેઝ, વંદે ભારત ટ્રેનો અને તેજસ ટ્રેનો, આવનારી બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેનો, નદીઓ કે દરિયા પરના લાંબા પુલો વગેરેનાં ઉદાહરણો આપવામાં આવે છે. આ બધું દેખીતી રીતે જ વિકાસ લાગે તેમ પણ છે. એ દૃશ્યમાન પણ થાય છે. પણ વિકાસ માપવાનો સૌથી મોટો અને અગત્યનો માપદંડ દેશની કુલ આવકમાં થયેલો વધારો કેટલો છે તે છે. દુનિયાભરમાં વિકાસને આવકના વધારા તરીકે માપવામાં આવે છે.

દેશની કુલ આવકને જીડીપી એટલે કે કુલ રાષ્ટ્રીય આવક કે કુલ ઘરેલૂ આવક તરીકે ઓળખવામાં આવે છે. વિકાસ એટલે જીડીપીમાં થયેલો વધારો. આવક કેટલી ઝડપથી વધે છે તે મહત્ત્વનું છે. એટલે મોદી સરકારનાં છેલ્લાં દસ વર્ષના ગાળા દરમ્યાન જીડીપીમાં જોરદાર વધારો થયો છે કે નહિ તે મહત્ત્વનું છે. ઉપરોક્ત બાંધકામોથી દેશની આવક વધે જ, પણ દેશની કુલ આવક વધી કે નહિ? કુલ આવકમાં માત્ર આવાં બાંધકામો જ ગણવામાં આવતાં નથી પણ ખેતી અને બાંધકામ સિવાયના તમામ ઉદ્યોગોમાંથી થયેલી આવક પણ ગણવામાં આવતી હોય છે. એટલે એ કુલ આવકની ગણતરી જ દેશનો વિકાસ થયો છે કે નહિ અને થયો છે તો કેટલો થયો છે તે દર્શાવે છે.

ભારત સરકારના સત્તાવાર આંકડા તેમ જ વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે આઈએમએફના આંકડા એમ કહે છે કે મોદી સરકાર દ્વારા ભારતનો જે વિકાસ થયો છે તે મનમોહનસિંહના શાસનનાં દસ વર્ષ દરમ્યાન જેટલો વિકાસ થયો હતો તેના કરતાં ખાસ્સો ઓછો થયો છે. મનમોહનસિંહના દસ વર્ષના ૨૦૦૪-૧૪ના શાસન દરમ્યાન જીડીપીનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર ૭.૫ ટકા રહ્યો હતો. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જીડીપીનો આટલો ઊંચો વૃદ્ધિ દર ક્યારેય રહ્યો નહોતો. જ્યારે નરેન્દ્ર મોદીના ૨૦૧૪-૨૪ના શાસન દરમ્યાન જીડીપીમાં વધારાનો દર ૬.૯૮ ટકા જ રહ્યો છે. સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર એટલે દર વર્ષે સરેરાશ જે દરે દેશની આવક વધી તે. આ રીતે જોતાં નરેન્દ્ર મોદીના દસ વર્ષના શાસનમાં દેશની કુલ આવક એટલી ઝડપથી વધી નથી કે જેટલી ઝડપથી મનમોહનસિંહના કાળમાં વધી હતી. તો પછી નરેન્દ્ર મોદીની સરકારે જ દેશનો વિકાસ કર્યો એમ કેવી રીતે કહેવાય?

મોદીના શાસનકાળમાં કોરોનાની મહામારી ૨૦૨૦માં આવી એટલે વિશ્વ બેંકના આંકડા મુજબ દેશની આવક ૨૦૨૦-૨૧માં તેના આગલા વર્ષની તુલનાએ ૬.૬ ટકા જેટલી ઘટી હતી; એટલે કે વૃદ્ધિ દર નકારાત્મક થઈ ગયો હતો. એટલે કે દેશની આવક વધવાને બદલે ઘટી હતી. તેનું કારણ અચાનક આવી પડેલું લોકડાઉન હતું. પરંતુ તેના આગલા વર્ષે ૨૦૧૯-૨૦માં જ આવકનો વૃદ્ધિ દર માત્ર ૩.૭૪ ટકા થઈ ગયો હતો. એટલે કોરોનાનું બહાનું ઓછી આવક વૃદ્ધિ માટે કાઢી શકાય તેમ નથી. કોરોના આવ્યો તે અગાઉ જ દેશની આવક બહુ જ ઓછી ઝડપે વધવાનું શરૂ થઈ ગયું હતું. એટલે કે ૨૦૨૦-૨૧ પછી આવક વધી છે તે તો ઘટેલા આંકડાથી વધી છે એમ કહેવાય. એટલે કે કોઈ માણસ પહેલાં જમીન પરથી ખાઈમાં ઊતરે અને પછી જમીન પર પાછો આવે તેના જેવી વાત થઈ.

માની લઈએ કે કોરોના મહામારી આવી જ ન હોત, અને જો ૨૦૨૦-૨૧માં ભારતનો જીડીપીનો વૃદ્ધિ દર પાંચ ટકા રહ્યો હોત એટલે કે તે તેના આગલા વર્ષ કરતાં વધારે રહ્યો હોત તો પણ, દસ વર્ષની સરેરાશ ૭.૧ ટકાથી વધે નહિ અને તે મનમોહનસિંહના ગાળાના વૃદ્ધિ દર કરતાં તો ઓછો જ રહ્યો હોત. 

મોદીના રાજમાં જીડીપીનો સૌથી ઊંચો વૃદ્ધિ દર ૨૦૨૧-૨૨માં ૮.૯૫ ટકા રહ્યો હતો. એટલે કે તે આગલા વર્ષે ૬.૬ ટકા માયનસ રહ્યા પછી આટલો ઊંચો ગયો હતો. એટલે કે ખરેખર તો તે એ વર્ષે એ ૨.૩૫ ટકા જેટલો જ રહ્યો કહેવાય. બીજી તરફ, મનમોહનસિંહના દસ વર્ષના ગાળા દરમ્યાન ૨૦૦૬-૦૭માં જીડીપીનો વૃદ્ધિ દર સૌથી ઊંચો ૧૦.૦૮ ટકા રહ્યો હતો. જો કે, ભારતના ઇતિહાસમાં જીડીપીનો સૌથી ઊંચો વૃદ્ધિ દર તો રાજીવ ગાંધીના શાસન દરમ્યાન ૧૯૮૮-૮૯માં ૧૦.૨૦ ટકા રહ્યો હતો. આટલો ઊંચો વૃદ્ધિ દર કદી પણ નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમ્યાન રહ્યો નથી એ એક હકીકત છે. તેઓ રાજીવ ગાંધી કે મનમોહનસિંહ જેટલો વિકાસનો દર સિદ્ધ કરી શક્યા નથી એ એક નક્કર વાસ્તવિકતા છે. 

બીજી તરફ, ભારતની માથાદીઠ આવક કેટલી વધી તે પણ અગત્યનું છે. માથાદીઠ આવક કુલ આવકને વસ્તી વડે ભાગવાથી મળે. ૨૦૧૪માં દેશની માથાદીઠ આવક ૧૫૫૯ ડોલર હતી અને તે ૨૦૨૩માં ૨૬૧૨ ડોલર થઈ છે એમ આઈએમએફ જણાવે છે. માથાદીઠ આવકની બાબતમાં દુનિયામાં ભારતનો ક્રમ ૧૩૬મો છે. આમ, દેશની આવક ઝડપથી વધતી હોવા છતાં માથાદીઠ આવક ઝડપથી વધતી નથી તે પણ એક હકીકત છે. નરેન્દ્ર મોદીના આગમનથી તેમાં બહુ મોટો ફેર પડી ગયો એવું તો છે જ નહિ.

વળી, નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં એમ કહ્યું હતું કે પાંચ વર્ષમાં ભારત ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનશે; એટલે કે ભારતની જીડીપી પાંચ લાખ કરોડ ડોલર થશે. આ તો એક મુંગેરીલાલનું સપનું જ હતું. ૨૦૨૪માં તો એ ન જ થયું, પણ હવે તે ૨૦૨૭-૨૮માં થશે એમ કહેવામાં આવે છે. અત્યારે ભારતની જીડીપી આશરે ૩.૭૩ લાખ કરોડ ડોલર છે. તેમાં આગામી ત્રણ વર્ષ દરમ્યાન સતત નવ ટકા કરતાં પણ વધારે દરે વધારો થાય તો જ એ શક્ય બને. એમ લાગે છે કે આ પણ એક મુંગેરીલાલનું સપનું જ છે. કોઈ ચમત્કાર જ એ કરી શકે.

- હેમન્તકુમાર શાહ

આ સમાચાર શેર કરો