મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / હનિમુન ટ્રેન્ડ્સ: દિલ જીતવાની વાત કે પાસે આવવાની જ!

- સ્લાઈઝ ઑફ લાઈફ ગુજરાતીઓને હવે ફેશિયલ થી મહેંદી, હનિમુનથી બેબીની ડિલિવરી સુધી બધું જ પેકેજમ

શતરંગ / હનિમુન ટ્રેન્ડ્સ: દિલ જીતવાની વાત કે પાસે આવવાની જ!

- સ્લાઈઝ ઑફ લાઈફ

ગુજરાતીઓને હવે ફેશિયલ થી મહેંદી, હનિમુનથી બેબીની ડિલિવરી સુધી બધું જ પેકેજમાં જોઈએ છે! ઉનાળો જવાનું નામ નથી લેતો, અને ચોમાસુ શરુ નથી થયું! બળબળતી બપોરે જાન વળાવ્યા પછી બીજા દિવસની જ ટિકિટ બુક હોય, અને ગુજરાતી નહિ કોઈ પણ કપલને લગ્ન પછી શેની ઉતાવળ હોય? અફકોર્સ હનિમૂનની! હનિમૂન શબ્દ પાછો બોલવામાં સંકોચ થાય એટલે ‘ફરવા જવાનું છે’ એવું બોલવામાં આવે! ગુજરાતનાં જાણીતા ટ્રાવેલ ઓપરેટર્સની જાહેરાતો વાંચવા જેવી હોય છે. ‘લગ્નનું પ્લાનિંગ કરો એ પહેલા હનિમુન પ્લાન કરો!’. ‘ગુજરાતીઓને સિંગાપોર-બાલી કે દુબઈમાં શું જોઈએ? રસ,પાત્રા અને ખમણ!’ ટુર ઓપરેટર્સ છ થી આઠ દિવસનાં પેકેજમાં પહેલા દિવસે તો એરપોર્ટ ટ્રાન્સફર થી હોટલ પર ઉતારી દેવામાં આવે અને લખ્યું હોય, ‘રિલેક્સ ઇન યોર હોટલ ફોર ધ રેસ્ટ ઓફ યોર ડે!’. દિવસમાં ત્રણ ટાઈમ ઠુંસી ઠુંસીને ખવડાવે, સવારે પૌંવા, બપોરે કેરીનો રસ અને સાંજે સેવ ટમેટાનું શાક! કરિયર થી કપડા સુધી બધું જ ખરીદવામાં મા-બાપનો ફાળો હોય એટલે ખાવા પીવાની આદતો પણ લાટ સાહેબ જેવી હોય.

ગુગલ મેપ્સમાં કે લોન્લી પ્લેનેટમાં જાતે સર્ચ કરી રખડતાં ન ફાવે અથવા કહો કે એટલી તસ્દી જ લેવી હોય એટલે ટુર ઓપરેટર્સનાં ત્રણ ગણા મોંઘા પેકેજ ખરીદીને જ હનિમૂન કરવા જવાનું! થોડી થોડી વાર માટે એક એક સ્થળ પર છુટ્ટા મૂકી દે અને થોડા ફોટોઝ અને સેલ્ફિ લઈને ફરી બસ કે કારમાં આવી જવાનું! સાંજે ફરી વહેલા હોટલ પર મૂકી આવે એટલે જમવાનું રેડી! અને છેલ્લા દિવસ પહેલાની સાંજે ગાડું ભરીને શોપિંગ અને સવારે વળતી ફ્લાઈટમાં ઘરે!
               
અરેન્જડ મેરેજ વાળા કપલ્સનાં કેસમાં એ નજીક પહેલા આવી ગયા હોય છે અને ઈશ્ક પછી થાય, એટલે એ લોકો હજુ એકાંત થી ટેવાયેલા ન હોય. ટુર ઓપરેટર્સ આ બધી કલ્ચરલ બાબતો બહુ સારી રીતે જાણે અને એટલે જ દુખતી નસ પકડી લે! લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે વર્કિંગ કપલ્સ હોય તો એ લગ્ન કરીને પહેલા એક ‘મિની મુન’ કરી આવે! મિની મુન એટલે થોડા જ દિવસો માટે પહેલા એક નાની ટ્રિપ કરી આવે જેથી પહેલા એકબીજાને સમજે અને દિલ જીતી શકે! પાસે તો જ આવી શકાય જયારે એકબીજાને પૂરતા સમજી શકાય. લગ્નનાં થોડા મહિનાઓ પછી મોટી ટ્રિપ સાથે પ્રોપર હનિમૂન પ્લાન કરવામાં આવે!

 લગ્ન પછી અફકોર્સ નજીક આવવાનું આકર્ષણ હોય જ, પણ અસલ હનિમુન કંઈ હોટેલ પર જ પડી રહીને માત્ર ‘ફિઝિકલ સ્ટેમિના’ જ નક્કી કર્યે રાખવામાં જ નથી! હનિમુન થોડું એડવેન્ચરસ હોય જેમાં કપલ માત્ર રણબીર-કેટરીનાનાં યે જવાની હૈ દિવાનીનાં મનાલી ટ્રિપનાં ફોટોઝ માત્ર વ્હોટ્સએપ સ્ટેટસમાં જ ન રાખતા હોય પણ હકિકતે ટ્રેકિંગ કરે, હમ્પી જેવા લોકેશન પર ઊંચા પથ્થર પર બોલ્ડરિંગ કરે! આંદામાન કે ફુકેતમાં જઈને સ્કુબા કરી આવે! મહેંદીનો રંગ તાજો હોય, ખિલેલો હોય, હાથમાં સેલ્ફિ સ્ટિક હોય, બ્રાન્ડેડ સ્નિકર્સ હોય અને હાથ માં હાથ નાંખીને કોઝી સ્નેપ લેવાતા હોય, દુનિયાની પડી ન હોય કે કોણ જોવે છે અને કોણ નહિ!

હનિમૂન ડેસ્ટીનેશનની વાત નીકળે તો લગભગ દર પાંચ વર્ષે ટ્રેન્ડ બદલાય છે. અત્યારે સિંગાપોર-બાલી-મલેશિયા અને મોરિશિયસનો ક્રેઝ છે! થાઈલેન્ડનું ફુકેત તો છે જ પણ ઇસ્ટ કોસ્ટ પર આવેલું ક્રાબી અને કોહ સામુઈ પણ ખાસ્સું લોકપ્રિય છે. મિડલ ક્લાસની છોકરી હોય અને સતત કંટ્રોલ્ડ વાતાવરણમાં ઉછરી હોય પણ હનિમૂન વખતે કોન્ફિડેન્સ લેવલ સ્કાય હાય હોય! કોકટેઈલ ટ્રાય કરવાનું, હોટ પેન્ટ કે શોર્ટ સ્કર્ટમાં મહેંદી વાળા પગ અને લો નેક ટીશર્ટ, મનમાં બનાવેલું બકેટ લિસ્ટ પૂરું થઇ રહ્યું હોય! પણ થોડા વર્ષો થી માહૌલ ખાસ્સો આર્ટીફીશિયલ બનતો જાય છે.

ફોટો ફિલ્ટર્સમાં યાદોને માંજવામાં આવે છે, ન ગમતા બેકગ્રાઉન્ડ ક્રોપ કરી દેવામાં આવે છે, સતત ફેસબુક પરનું ચેઈક ન ગમતું હોય તો એવા કપલ ‘ડિજીટલ ડિટોક્સ હનિમુન’ કરવા પણ જાય છે! કેન્ડલ લાઈટ ગમે કે ટેન્ટ સ્ટે ગમે? હિલ સ્ટેશન કે બિચ ડેસ્ટીનેશન? રોડ કે ટ્રેન ટ્રિપ ગમે કે ફ્લાઈટ જર્ની? હોટેલનાં રૂમમાં ટિપિકલ રીતે ટોવેલને ડક શેઈપમાં ફોલ્ડ કરી રાખવામાં આવેલો હોય એ હવે કેટલાને અપિલ કરે છે? પથારી પર પાથરેલા ગુલાબ ઓલ્ડ ફેશન્ડ થઇ ગયા, હવે ટ્યુલિપનો બુકે અને સ્પેશિયલ કેક વધુ અપિલ કરે છે!

હનિમૂનમાં ભલે સ્વિમિંગ ન આવડતું હોય પણ જોઈએ તો ‘સી વિલા’ જ! YOLO એટલે કે યુ ઓન્લી લિવ વન્સ પ્રકારનાં હનીમુનર્સ દિલ ખોલીને ખર્ચો કરે અને પછી પાછા આવીને હપ્તા ભરે! હનિમૂન પર જેમ પંજાબી કપલ હોય તો પેલી બંને હાથમાં ચુડાઓ પહેરી ફ્લોન્ટ કરતી હોય, એમ ગુજરાતી કપલ હોય તો પેલાને દારુ પીવાની અને હોટેલ રૂમ પર જવાની ઉતાવળ હોય અને પેલી શરમાતી શરમાતી કહેવાની હિમ્મત કરતી હોય કે થોડો વધુ પાસે આવીને ફોટો કેવી રીતે લેવાનું કહું? હનિમૂન પર ગયા પછી સેલ્ફિ સ્ટિક નહોતી ત્યારે લોકો ફોટોગ્રાફ લેવા દર વખતે બીજાને કહેતા હશે? ગુજરાતી કપલ્સ હનિમૂન કરવા પણ ગ્રુપ ટુરમાં જાય છે! આ લખનાર એવું સ્પષ્ટપણે માને છે કે હનિમૂન હોય કે રેગ્યુલર ટુર, પણ ટ્રેન-ફ્લાઈટ કે હોટેલ બુકિંગ જાતે કરીને જ ફરવામાં મજા છે! જ્યાં પસંદ આવ્યું ત્યાં એક બે દિવસ વધુ પણ રોકાઈ શકાય! ચાર ટ્રિપ જાતે પોતાની રીતે જ કર્યા પછી એક ટ્રાવેલ એજન્સી ખોલવા જેટલો કોન્ફિડેન્સ આવી જાય છે એ હકિકત છે. હનિમૂન આઠ દિવસ હોય કે પંદર, યુરોપ જાવ કે હિમાચલ, વાત તો દિલ જીતવાની છે!      

ડેઝર્ટ: હનિમૂનમાં જતા પહેલા છોકરીની મૂંઝવણ: મેચિંગમાં કયુ કોર્સેટ અને શ્રગ પહેરીશ? અને હનિમૂન થી આવીને: ઇન્સટાગ્રામ અને ફેસબુકમાં આમાંથી ક્યા ફોટોગ્રાફ મુકું અને ક્યા ન મુકું? કેપ્શન લખું? મારા હસબન્ડને સારા ફોટો પાડતા આવડતું જ નથી! 

- ભાવિન અધ્યારુ

આ સમાચાર શેર કરો