મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ભારતમાં પંચાયતી રાજનો ઇતિહાસ

- ઇતિહાસ ગાથા પંચાયત શબ્દ ‘પંચ’ અને ‘આયત’ આ બે શબ્દોનો બનેલો છે. જેમાં પંચ એ

શતરંગ / ભારતમાં પંચાયતી રાજનો ઇતિહાસ

- ઇતિહાસ ગાથા

     પંચાયત શબ્દ ‘પંચ’ અને ‘આયત’ આ બે શબ્દોનો બનેલો છે. જેમાં પંચ એટલે પાંચ અને આયત એટલે સ્થળ. ભારતમાં પંચાયતી રાજનો ઇતિહાસ ખૂબ લાંબો છે. જેમાં પ્રાચીન, મધ્યકાલીન, બ્રિટીશકાલીન અને સ્વંત્ર ભારતના સમયગાળા પર નજર ફેરવતા આપણને પંચાયતી રાજનું બદલાતું અને વિકસિત સ્વરૂપ જોવા મળે છે.

     ભારતીય સંસ્કૃતિ નદીકાંઠે પાંગરી અને ધીરે ધીરે વિસ્તાર પામી. આ સમયગાળા દરમિયાન પંચાયતની પદ્ધતિ
પૃથુરાજા નામના શાસકે ગંગા અને જમના નદી મધ્યેના લોક વસવાટ વખતે દાખલ કરી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ઋગ્વેદમાં ત્રણ વહીવટી સંસ્થાઓ ‘વિદથ’, ‘સભા’ અને ‘સમિતિ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયારે,
અથર્વવેદમાં ‘સભા’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને ગ્રામપંચાયતનું જ એક સ્વરૂપ કહી શકાય. સભામાં ગામના
બધા વર્ગો અને ધંધાદારીઓની હિસ્સેદારી રહેતી. તેના સભ્યોની નિશ્ચિત સમયાંતરે ચૂંટણી કરવામાં આવતી અને તે
સભ્યો નિશ્ચિત સમય માટે હોદ્દો ધરાવતા હતા. આ જ પ્રકારની વ્યવસ્થા થોડા ફેરફારો સાથે વર્તમાન સમયમાં પણ
અસ્તિત્વ ધરાવે છે.

     વાલ્મીકી રામાયણમાં ગામોના સમૂહનો ‘જનપદ’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ બૌદ્ધ જાતકકથાઓમાં
પણ ગ્રામસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાભારતના સભાપર્વમાં પંચનો ઉલ્લેખ અને શાંતિપર્વમાં ગ્રામસેવાનો ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતમાં વર્ણવાયેલી વ્યવસ્થા મુજબ, ગામોની સંખ્યા મુજબ તેના વડા/અધિકારી અલગ અલગ હોદ્દા ધરાવતા હતા. 10 ગામોના વડાને ‘દશપ’, 20 ગામોના વડાને ‘વિશ્ય અધિપતિ’, 100 ગામોના વડાને ‘શત ગ્રામ અધ્યક્ષ’ અને 1000 ગામોના વડાને ‘શત ગ્રામપતી’ કહેવામાં આવતા. મોહેં-જો- દડોમાંથી પણ નગર નિયોજન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું અસ્તિત્વ હોવાના પુરાવા મળી આવેલ છે. કૌટિલ્યએ પોતાના ‘અર્થશાસ્ત્ર’માં ત્રિ-સ્તરીય પંચાયતીરાજનો ઉલ્લેખ કર્યો હોવાના પુરાવાઓ મળે છે તેમજ પંડિત વિષ્ણુશર્મા દ્વારા લખાયેલ ‘પંચતંત્ર’માં પણ ગ્રામ્ય વ્યવસ્થાનો ઉલ્લેખ કરાયો છે. પ્રાચીન ભારતમાં દરેક ગામને પોતાનું સ્વતંત્ર વહીવટી માળખું હતું અને તેમાં લોકોની ભાગીદારી રહેતી.

     મધ્યયુગના શાસકોએ પોતાના રાજ્યના વહીવટને સરળ બનાવવા માટે રાજ્યનું વિવિધ ભાગોમાં વિભાજન કર્યું. રાજ્યના દરેક વિસ્તાર/પ્રાંતમાં વિવાદોનું નિરાકરણ લાવવા, મહેસૂલ ઉઘરાવવા અને વહીવટ કરવા માટે અલગ અલગ વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી. જેમાં ગામનો વહીવટ મુખી, પરગણાંનો વહીવટ શિકદાર, જિલ્લાનો વહીવટ સરકાર અને પ્રાંતનો વહીવટ સુબેદાર સંભાળતો હતો. અને અંતિમ સત્તા શાસક પાસે રહેતી.

     બ્રિટીશકાળ દરમિયાન આ વ્યવસ્થા બે તબક્કામાં વિકાસ પામી. પહેલું કંપની શાસન અને બીજું તાજનું શાસન. જેમાં ઈ.સ. 1668માં સૌપ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી અને ઈ.સ. 1772માં જનરલ વોરન હેસ્ટિંગ્ઝ દ્વારા કલેક્ટરના પદની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ ચાર્ટર એક્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થઈ.

     1લી નવેમ્બર, 1858થી ભારતમાં તાજનું શાસન લાગુ થયું અને વ્યવસ્થા તંત્રમાં બદલાવ આવ્યો. ગવર્નર જનરલ લોર્ડ મેયો દ્વારા જિલ્લા લોકલ બોર્ડની રચના કરવામાં આવી અને તેઓ દ્વારા સૌપ્રથમ વાર ગ્રામ્ય વિસ્તારમાં સ્વાતંત્ર્ય સંસ્થા સ્થાપવાના પ્રયાસો થયા. ઈ.સ. 1882માં લોર્ડ રિપન દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા. તેથી તેમને ‘સ્થાનિક સ્વરાજના પિતા’ માનવામાં આવે છે. તેઓએ ભારતમાં સૌ પ્રથમ વખત પદ્ધતિસરની વસતી ગણતરી શરૂ કરી. 1884માં ‘બોમ્બે લોકલ બોર્ડ એક્ટ’ને અનુલક્ષીને તાલુકા લોકલ બોર્ડ અને જિલ્લા લોકલ બોર્ડની રચના કરવામાં આવી. ત્યારબાદ 1909માં લોકોને મતદાનનો હક આપવાની ભલામણ કરવામાં આવી. ઈ.સ.1919માં સ્થાનિક સ્વરાજ્યને રાજ્યનો વિષય બનાવવામાં આવ્યો. ત્યારબાદ 1920ના ધી બોમ્બે વિલેજ પંચાયત એક્ટ મુજબ કલેકટર અથવા જીલ્લાના લોકલ બોર્ડની મંજૂરીથી ગામને પંચાયતની રચના કરવાની છૂટ આપવામાં આવી. જેમાં, પંચાયત પર જિલ્લા લોકલ બોર્ડ દેખરેખ રાખતું હતું. ભારતીય શાસન અધિનિયમ 1935 દ્વારા સ્થાનિક સ્વરાજને પ્રાંતની સત્તા હેઠળ મુકવામાં આવ્યું. જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિકાસની પ્રક્રિયા આગળ વધી.

     1946માં ભારતનું બંધારણ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી. જેમાં રાષ્ટ્રના પાયાના એકમ તરીકે નાગરિકને સ્વીકારવામાં આવ્યા. તેથી ગ્રામ્ય વિસ્તારોમાં સત્તાનું વિકેન્દ્રીકરણ અસરકર્તા ન બન્યું. મહાત્મા ગાંધીજીના મત્ત મુજબ ગામડું એ રાષ્ટ્રનું પાયાનું એકમ છે. તેના વિકાસ વગર રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી. આથી, તેમના કહેવાથી
ઈ.સ.1950માં ભારતના બંધારણના ભાગ-4માં અનુચ્છેદ 40માં ગ્રામપંચાયતનિ રચના માટેની જોગવાઈ કરવામાં આવી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો રાજ્યસૂચીમાં સમાવેશ કરવામાં આવ્યો. ત્યારબાદ 1954માં વિનોબા
ભાવેએ પંચમુખી કાર્યક્રમ આપ્યો. જેના પરિણામે પંચાયતો અને ગામડાઓનો વિકાસ વધુ ઝડપી બન્યો. 73માં અને 74માં બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજના વિકાસ માટેના પ્રયત્નો થતા રહ્યા છે. આ ઉપરાંત સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના, વિવિધ બંધારણીય સુધારા, મહિલાઓને અનામત અને ઈ-વોટીંગ દ્વારા પંચાયતી રાજનો ઉત્તરોત્તર વિકાસ થાય એવા પ્રયાસો હાથ ધરાતા રહ્યા છે.

-રક્ષા ત્રાપસિયા

આ સમાચાર શેર કરો