શતરંગ / રાષ્ટ્રવાદનો ઈતિહાસ અને વિકાસ...
- ઇતિહાસ ગાથા કોઈ નિશ્ચિત ભૂમિપ્રદેશમાં લાંબા સમયથી વસવાટ કરતા, સમાન જાતિ, ભાષા અને ધર્મ, સમાન સાં

- ઇતિહાસ ગાથા
કોઈ નિશ્ચિત ભૂમિપ્રદેશમાં લાંબા સમયથી વસવાટ કરતા, સમાન જાતિ, ભાષા અને ધર્મ, સમાન સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસો અને આર્થિક હિતો તેમજ સહિયારા જીવનમૂલ્યો ધરાવતા લોકોનો સમૂહ જ્યારે અમુક પ્રકારની સમાન ભાવાત્મક એકતાની લાગણી અનુભવે અને પોતે એવા જ બીજા લોકોના સમૂહથી નોખા છે એવું અનુભવે ત્યારે એ સમૂહને રાષ્ટ્ર કહેવામાં આવે છે. આ રાષ્ટ્રના લોકોમાં સમાન હિતો પ્રત્યેની સભાનતા એ તેને પોતાનું અલગ અને સ્વતંત્ર રાજ્યના નિર્માણ તરફ દોરી જાય છે. મૂળભૂત રીતે રાષ્ટ્રવાદનો ખ્યાલ એ ભાવનાત્મક છે. તેમાં રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી અને રાષ્ટ્રપ્રેમનો સમાવેશ થાય છે. પોતાના રાષ્ટ્ર પ્રત્યે તાદાત્મ્ય અને વફાદારીની ભાવના એટલે રાષ્ટ્રવાદ.
રાષ્ટ્રવાદની ભાવના જે તે રાષ્ટ્રના લોકો પાસેથી રાષ્ટ્રને સમર્પિત રહેવાની તથા તન,મન અને ધનથી સંપૂર્ણ રીતે રાષ્ટ્રને વફાદાર રહેવાની અપેક્ષા રાખે છે. લોકો રાષ્ટ્ર પ્રત્યેના ગૌરવને પોતાનું ગૌરવ સમજે છે અને પોતાના રાષ્ટ્રના હિતમાં પોતાનું હિત માને છે. પરંતુ જો રાષ્ટ્રવાદ ઝનૂનનું સ્વરૂપ ધારણ કરે, તો ત્યારે સંકુચિત મનોવૃત્તિ અને પોતાના જ રાષ્ટ્રને સર્વોપરી માનવાનો ભાવ લોકોના પર હાવી થઇ જાય છે.
રાષ્ટ્રવાદનો ઉદ્ભવ નિશ્ચિતપણે ક્યારે થયો એ કહી શકાય નહિ. પરંતુ વિશ્વના ઇતિહાસ પર દ્રષ્ટિપાત કરતા એવું જણાય છે કે, વાયવ્ય યુરોપમાં તથા અમેરિકન સંસ્થાનોમાં 17મી અને 18મી સદીમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો અને ત્યારબાદ 19મી સદીમાં તે યુરોપની ચળવળ દ્વારા વધુ પ્રભાવી બન્યો. ઇતિહાસકાર પામર અને પરકિન્સના નોંધ્યા મુજબ ‘ઔદ્યોગિક ક્રાંતિ, અમેરિકન ક્રાંતિ અને અને ફ્રેંચ ક્રાંતિ’ આ ત્રણેય ક્રાંતિઓએ વર્તમાન સમયના રાષ્ટ્રવાદના ઉછેર માટેના ક્યારાઓની ગરજ સારી હતી. જો બીજા શબ્દોમાં કહીએ તો -આ ત્રણ ક્રાંતિઓની ભઠ્ઠીમાં આધુનિક રાષ્ટ્રવાદનો આકાર ઘડાયો હતો.
19મી સદીમાં સમગ્ર યુરોપમાં રાષ્ટ્રવાદની ચળવળનો વિકાસ અને ફેલાવો થયો. ‘ધર્મ અને રાષ્ટ્ર બંનેમાંથી કોણ સર્વોપરી?’ આ વિષય પર લાંબો સમય ચાલેલા સંઘર્ષનું પરિણામ આવ્યું-રાષ્ટ્રવાદ. યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના કારણે ત્યાંના પરિવહન, સંચાર માધ્યમો અને વ્યાપાર(બજાર)નો વિકાસ થયો. જેનાથી લોકોમાં નૂતન ચેતનાનો સંચાર થયો અને લોકોની વૈશ્વિક સ્તરે એકબીજાથી આગળ વધવા માટેની હરીફાઈ શરુ થઇ. દરેક રાષ્ટ્રના લોકોએ વ્યાપાર દ્વારા અન્ય દેશો સાથે સબંધો વિકસાવ્યા તેમજ વિજ્ઞાન ક્ષેત્રે થયેલી નવી શોધોનું આદાનપ્રદાન થયું. જેથી લોકોમાં પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને સર્વોપરિતાની ભાવના વિકસિત થઇ. જેણે આગળ જતાં પશ્ચિમના દેશોમાં રાષ્ટ્રવાદના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી.
યુરોપ અને અમેરિકામાં થેલી રાજ્યક્રાંતિને રાષ્ટ્રવાદનો સબળો પડઘો કહી શકાય. તેણે લોકોમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો વિકસાવ્યા. નવજાગૃતિ(રેનેસાં) અને ધર્મસુધારણા(રેફર્મેશન)ની ચળવળના પરિણામે લોકોમાં નૂતન ચેતના પ્રગટી. ધર્મનું નવું સ્વરૂપ વિકસ્યું, લોકો કળા અને વિજ્ઞાનના ક્ષેત્રે પોતાના રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા થયા. રાજકીય, સામાજિક અને સંસ્કૃતિક માળખામાં પરિવર્તનો આવ્યા. આમ, રાષ્ટ્રવાદની ભાવનાએ લોકોને વિકાસ માટેનું નવું માળખું ઘડી આપ્યું, સદીઓથી ચાલી આવતી આપખુદશાહીમાંથી મુક્તિ અપાવી અને આધુનિક યુરોપનું નિર્માણ કર્યુ.
ઘણાં શક્તિશાળી શાસકોનો પણ પોતાના પ્રદેશમાં રાષ્ટ્રવાદને મજબૂત બનાવવામાં ફાળો રહ્યો હતો. શાસકોનું લોકોને સમર્થન મળવાથી લોકોમાં- શાસનવ્યવસ્થા પ્રજાની સંમતિથી, પ્રજાના હિતમાં અને અંતિમ સત્તા પ્રજા પાસે હોવી જોઈએ એવા મૂલ્યો વિકસ્યા. આથી નેપોલિયન જેવા નેતાએ પણ જયારે પોતાના હાથમાં સત્તા આવતા રાષ્ટ્રવાદને દબાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે યુરોપની સ્વતંત્ર જનતામાં તેણે જ પ્રગટાવેલી રાષ્ટ્રવાદની આગ તેની જ સત્તાને ભરખી ગઈ. લોકોએ નેપોલિયનની સરમુખત્યારશાહી ઉથલાવીને અંતે રાષ્ટ્રવાદની ભાવનાને જ સર્વોપરી રાખી.
19મી સદી અને 20મી સદીના પૂર્વાર્ધમાં એશિયા-આફ્રિકા અને લૅટિન અમેરિકી દેશોમાં સ્વતંત્રતા માટેની અનેક ચળવળો થઇ. જેનો ઉદ્દેશ્ય સામ્રાજ્યવાદમાંથી મુક્તિ મેળવવી અને પોતાના રાષ્ટ્રને સ્વતંત્ર તેમજ લોકતાંત્રિક બનાવવાનો હતો. કેટલાંક રાજ્યોમાં રાજા/શાસક/નેતા દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી. તેથી રાષ્ટ્રવાદની અવળી અસર થઇ. લોકોમાં ઉગ્ર રાષ્ટ્રવાદના પરિણામે સરમુખત્યારશાહી ઉદ્ભવી. સરમુખત્યારોએ પોતાના અંગત સ્વાર્થ અને સત્તાના લોભ ખાતર રાષ્ટ્રવાદની આડમાં લોકોમાં અન્ય રાષ્ટ્રો માટે ઝેરના બીજ રોપ્યા. જેનું પરિણામ આવ્યું બે ક્રૂર વિશ્વયુદ્ધો.
રાષ્ટ્રવાદના ચાર પ્રકાર છે. (1) લોકશાહી રાષ્ટ્રવાદ, (2) પરંપરાગત રાષ્ટ્રવાદ, (3) ઉદારમતવાદી રાષ્ટ્રવાદ અને (4) સર્વસત્તાવાદી અથવા ઉગ્ર લડાયક રાષ્ટ્રવાદ. આમાંનો ચોથો પ્રકાર એ જ વિશ્વયુદ્ધનો નિમિત્ત બન્યો. વર્તમાન રાષ્ટ્રવાદના પણ વિધાયક અને નિષેધક બંને પાસાં છે. તે લોકોમાં એકતા, સમાનતા અને બંધુતાની લાગણી પણ પેદા કરે છે અને અન્ય રાષ્ટ્ર પ્રત્યે વેર-ઝેર, કટ્ટર જાતિવાદ, ખોખલું દેશાભિમાન તેમજ હિંસાત્મક વલણ પણ જગાડે છે.
તેથી જ વિનોબા ભાવેએ કહ્યું હતું કે,
“રાષ્ટ્રવાદ શું કરે છે? દુનિયાનાં ટુકડાં કરે છે. એક તરફ આપણું રાષ્ટ્ર અને બીજી બાજું તમામ રાષ્ટ્ર! આ સ્વકીય છે અને બાકી તમામ પરકીય!! દુનિયાનાં અન્ય તમામ રાષ્ટ્રને પરકીય માનવા એ ક્યાં સુધી યોગ્ય છે? જાતિવાદ, કુટુંબવાદ, રાષ્ટ્રવાદ વગેરે તમામ ટુકડાં કરે છે. એકમાં આપણે અને બાકી રહેલામાં તમામ!
જે રીતે જાતિવાદથી આગ લાગે છે, તે રીતે વિજ્ઞાનયુગમાં રાષ્ટ્રવાદથી પણ આગ લાગે છે. હવે આ ટકી નહિ શકે. માટે જ મેં ‘જય જગત’નો નારો આપ્યો છે. સમગ્ર વિશ્વનું ભલું ભારતનાં ભલાંમાં જ છુપાયેલું છે. રાષ્ટ્રવાદનો સિદ્ધાંત જૂનો થઇ ગયો છે. આપણે વિશ્વવાદનો સિદ્ધાંત કાયમ કરવો પડશે.
વિશ્વથી નાની કોઈ વસ્તુ નથી. આપણી બુનિયાદ ગ્રામ-પરિવાર હશે અને તેનું શિખર હશે વિશ્વ-પરિવાર! ‘વ્યાપક ચિંતન અને વિશિષ્ટ સેવા’ એટલે ચિંતનમાં વિશ્વ, કાર્યમાં ગ્રામસ્વરાજ્ય. ગ્રામનીતિ અને વિશ્વનીતિ બંને ચાલશે. આપણો મંત્ર હશે જય જગત અને તંત્ર હશે ગ્રામસ્વરાજ્ય. સેવા માટે નાનું ક્ષેત્ર જોઈએ, ચિંતન માટે વિશાળતા જોઈએ. જો આપણે સેવાને વ્યાપક બનાવવાના પ્રયત્ન કરીશું, તો આપણા હાથ વડે સેવા નહિ થાય. ચિંતન નાનું થઇ ગયું, તો આપણે સંકુચિત થઇ જઈશું અને જો સેવા વ્યાપક બની જશે, તો નિષ્ફળ થઇ જઈશું.”(અનુવાદ – નિલય ભાવસાર)
- રક્ષા ત્રાપસિયા








