શતરંગ / સુખ કે દુઃખનો સીધો સંબંધ આપણી માનસિકતા સાથે છે
- ગીતા Talks દુ:ખને તાગ્યા વિના સુખને પચાવવું અઘરું છે, સુખમાં સંયમ રાખ્યા વિના દુ:ખથી

- ગીતા Talks
દુ:ખને તાગ્યા વિના સુખને પચાવવું અઘરું છે, સુખમાં સંયમ રાખ્યા વિના દુ:ખથી બચવું અઘરું છે.
ગુજરાતમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં સુરતના ‘શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ’નું નામ ઘણું મોટું છે, એના માલિક છે ગોવિંદભાઇ ધોળકિયા, મૂળ સૌરાષ્ટ્રના નાનકડા ગામડાથી આવીને આજે કરોડોનો વેપાર ઊભો કરનાર ગોવિંદભાઈ ધોળકિયાને લોકો ‘ગોવિંદભગત’ના નામથી ઓળખે છે. તો ગોવિંદભગત અને એમના આખા પરિવાર સાથે પેરીસ ફરવા ગયા ત્યારે બપોરે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયા અને છોકરાએ જમવાની વસ્તુઓ સાથે પાપડ પણ મંગાવ્યો. એટ્લે ગોવિંદભગતે કહ્યું કે,’પાપડ મંગાવ્યો? ખાલી સેકેલો પાપડ અહીં 500 રૂપિયાનો છે.’ એટલે છોકરાઓ કહે કે, ‘હા...અમે મેન્યૂમાં જમણી બાજુ જોતાં જ નથી...’ એટ્લે વસ્તુની સામે એની કિમત શું છે એ જોતા જ નથી. બસ મંગાવી લઈએ. ગોવિંદભગતને થયું કે, “છોકરાઓ ખર્ચ કરે એનો વાંધો નથી, પણ સાચી વસ્તુઓમાં ખર્ચ કરે. ઘરે રોજ પાપડ હોય જ છે ને, અહી એમાં 500 નાખે છે ને પાછા તો એમ કહે કે અમે જમણી બાજુ તો જોતાં જ નથી. આવું જ રહે તો આ છોકરાઓ આપણું આ ઊભું કરેલું એમ્પાયર સંભાળી કેમના શકે?”
એટલે ત્યાંથી આવીને ધોળકિયા ભાઈઓએ એક યોજના બનાવી કે કુટુંબમાં બધા દરેક છોકરાને યુવાનીમાં એક નાની રકમ આપીને ભારતના કોઈ એવા શહેરમાં બે મહિના રહેવા મોકલવાનો જ્યાં એ પહેલીવાર જતો હોય, એને કોઈ ઓળખાતું ના હોય. છોકરાએ પણ ઓળખ છૂપી રાખવાની. એણે ઈમરજન્સી વિના ઘરે વાત ના કરવી. અને પોતે ત્યાં આ રકમમાં સાર્વવઈવ કરવાનું, એ રકમમાં ઘટે નહીં પણ વધે એવું કરવું. કુટુંબની સ્ત્રીઓને જણાવવામાં આવે કે છોકરાને કોઈ ખાસ કોર્સ કરવા બહાર મોકલ્યો છે ત્યાં ફોન એલાઉડ નથી. નહીં તો વળી સ્ત્રીઓ આ સહન ના કરી શકે.
ગોવિંદભગતના પોતાના જ એકના એક દીકરાને પાંચ હજાર આપીને હૈદરાબાદ મૂક્યો હતો. એ છોકરા ત્યાં સસ્તો રૂમ રાખીને રહ્યો. કટેલરી સ્ટોરમાં નોકરી કરી. બાજુના રૂમવાળાઓએ એક વાર ગેરસમજણમાં ચોર સમજીને માર્યો. અને આખરે બે મહિના પૂરા થયા ત્યારે ગોવિદભગતની મરીસિડ્ઝ એ કટેલરીની દુકાન સામે સવારમાં ઊભી રહી ત્યારે એમનો એકનો એક દીકરો દુકાનમા સાવરણી ફેરવતો હતો. પિતાએ દીકરાની પાસે જઈને પુછ્યું, ‘ઠીક છો ને?”… દીકરાએ કહ્યું, ‘હા...જમણી બાજુ જોતાં આવડી ગયું છે.”
દુ:ખને તાગ્યા વિના સુખને પચાવવું અઘરું છે, એમ જ સુખમાં સંયમ રાખ્યા વિના દુ:ખથી બચવું અઘરું છે.
સુખ અને દુ:ખ વિષે ગીતામાં કૃષ્ણ શું કહે છે એ બાબતે આપણે ગત ‘ગીતા talk’માં બીજા અધ્યાયના એટલે કે ‘સાંખ્ય યોગ’ના ૧૪ શ્લોકને સમજવાનો શરુ કર્યો હતો, આજે વધુ વિસ્તારથી સમજીશું. શ્લોક છે:
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः।
आगमापायिनोऽनित्या: तांस्तितिक्षस्व भारत ।। 2.14।।
આ શ્લોકનાં ભાવાનુવાદને ફરી જોઈએ તો કૃષ્ણ કહે છે કે “હે કુંતીપુત્ર! ઇન્દ્રિયોનાં વિષયમાં (मात्रास्पर्शास्तु) અનુભવાતા સુખ ને દુ:ખ તો ઠંડી- ગરમીની જેમ (शीतोष्णसुखदुःखदाः) આવતા-જતા રહે છે, એ અનિત્ય છે, आगमापायिनोऽनित्या:) માટે હે ભારત! તેમને તું સહન કર."
શ્લોકમાં કહ્યું ને કે સુખ અને દુઃખ તો શિયાળો અને ઉનાળો આવે છે એમ આવવના જ...કઈ જ સતત નહિ રહે. માટે તું બેઉને સહન કર. એકવાર અકબરે બીરબલને એક કાગળ આપીને કહ્યું કે, "આમાં એક વાક્ય એવું લખ કે જે વાંચીને સુખી માણસ ઉદાસ થઇ જા અને દુઃખી માણસને રાહત થાય."
બીરબલે લખ્યું: "યે દિન ભી ગુઝર જાયેંગે..." બીરબલ આ જ વાત કહે છે કે, आगमापायिनोऽनित्या:- આવતા-જતા રહે છે.
આપણે એમ કહીએ કે રામને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો, પણ એ રાવણની એન્ટ્રી નહોતી એ પહેલા એ ચૌદમાંથી તેર વર્ષ રામ અને સીતાને જે દામ્પત્યનું સુખ વનમાં મળ્યું એ છે એ વન પહેલા ય નથી મળ્યું અને વન પછી નથી મળ્યું. આપણે કહીએ કે નરસિંહ, મીરાં કે અમુક તમુક ભક્તો પર કેટલા દુઃખ પડ્યા, એમણે કેટલું ભોગવ્યું. પણ એ તો આપણી માનસિકતા છે, કેમ કે આપણે મન સુખ એટલે સગવડ. બાકી ખરેખર તો એ ભક્તો જેવું સુખી કોઈ નહિ હોય. કેમ કે એનું મોટામાં સુખ જ પરમની ઉપાસના હતું. કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયા બાદ, યુધીષ્ઠીર સમ્રાટ બને એ પછી કૃષ્ણ દ્વારકા જવા રજા માંગવા કુંતી પાસે જાય ત્યારે ત્યારે કુંતી કૃષ્ણ પાસે માંગે છે કે, "તું અમને દુઃખ આપજે...કેમ કે તું દુઃખ સતત અમારી સાથે હોય છે...ને તારું સાથે હોવું એ જ મોટું સુખ છે."
ગીતા વિચાર:
કેવા પણ સુખ દુ:ખ હોય, કોઈપણ પરિસ્થતિ હોય, ગીતા આમ જ ખુદને પટાવવાની, ખુદને મનાવી લેવાની, બીજા સાથે વિવાદ નહિ પણ જાત સાથે વાદ કરવાની, પોતાની સાથે સંવાદ કરવાની કળાં શીખવે છે.
- મિલી મેર








