મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ગુણવંતરાય આચાર્યની નવલકથા અને અભિનય બેન્કરનું માસ્ટરપીસ એટલે “હાજી કાસમ તારી વીજળી”

- શબ્દ ઝણકાર વાર્તા કંઈક આવી છે: 130 વર્ષ પહેલાં ઈ.સ

શતરંગ / ગુણવંતરાય આચાર્યની નવલકથા અને અભિનય બેન્કરનું માસ્ટરપીસ એટલે “હાજી કાસમ તારી વીજળી”

- શબ્દ ઝણકાર

વાર્તા કંઈક આવી છે: 130 વર્ષ પહેલાં ઈ.સં. 1888ની 8મી નવેમ્બરે મોડી રાત્રે સૌરાષ્ટ્રનાં માંગરોળ બંદરેથી, 25કિમી દૂર દરિયામાં વેરણ થયેલી ‘વીજળી’ આગબોટ વિશે આપણે સાંભળેલું છે. મુખ્યભાવ છે: “હાજી કાસમ તારી વીજળી.” માંગરોળની પવિત્ર ભૂમિ જ્યાં હાજીનો જન્મ અને અમીના સાથેનો ઉછેર તેમજ મેણાંનો મારેલ હાજી દરિયો ખેડવા ગયો છે. આ વાત સમગ્ર નાટકનો મુખ્ય પ્રાણ છે. “જો પ્રતીક્ષા નથી, તો એ પ્રેમ નથી.” આ કથન નાટકનો આત્મા છે. માંગરોળ છોડી ગયેલા હાજીની અમીનાનાં વિવિધ ભાવાભિવ્યક્તિમાં  મુખ્ય ભાવ પ્રતીક્ષાનો છે. પછી પ્રેમનો છે. જેનો અંત આવ્યો નથી. છેવટે માંગરોળ સ્વીકારી લે છે, કે હાજીની ‘વીજળી’ ડૂબી ગઈ છે અને હાજી મૃત્યુ પામ્યો છે. પણ અમીનાની આંખે હજુ પણ પ્રતીક્ષાનાં ઓરતાં છે. યુગાન્ત પછી પણ આ પ્રેમરૂપી અખંડ જ્યોત નાટકમાં ધરબાયેલું રહે છે. પ્રેમ એ પ્રતીક્ષા છે. ભરોસો છે. 

નાટકનાં દિગ્દર્શક અભિનય બેન્કર કે જેમણે નવલકથાકાર શ્રી ગુણવંતરાય આચાર્યની “હાજી કાસમ તારી વીજળી” માંથી નાટ્ય રૂપાંતર કર્યું. ફક્ત નાટ્ય જ નહીં, પરંતુ આ નાટકને સંગીતની ઓપ આપી જીવંત કર્યું છે. જેમાં સ્ટેજનો દોર સાંભળ્યો છે યુવા લેખક રામ મોરીએ અને આ 120 મિનિટનું નાટક ગુજરાતી રંગભૂમિને ધબકીને જીવંત કરવામાં સફળ રહ્યું છે. નાટકના કલાકારો છે: આદિત્ય ગઢવી, ભાર્ગવ પુરોહિત, મયુર ચૌહાણ, સોહની ભટ્ટ, પ્રીતિ ભટ્ટ, અનિકેત પરમાર, અનુજા પુરોહિત, રાજવી અમરેલીયા, જય ઓડેદરા, ચૈતાલી તપખીરે, સૂર્યવંશી શાહ, જયદેવ ભાનુશાલી, અમન કોઠારી અને અભિનય બેન્કર. તેમજ સંગીત અને સંગીતકારોમાં શોભાયમાન છે: શશાંક આચાર્ય, કીર્તન ગરેખાન, કમલેશ ચૌહાણ, પાર્થ સોમાણી, જીગર શાહ તથા હાર્દિક દવે અને ભાર્ગવ પુરોહિત,  મેહુલ સુરતીનું આકર્ષક સંગીત.

પ્રસ્તુત મ્યુઝિકલ પ્લેમાં 12 સૂફીકલામનો ટચ આપતાં લોકગીતો છે જેમાં મેઘાણીનાં ગીતો અમૃતપાન સમાન છે. તેમજ ખાસ વાત તો એ છે, કે સંગીતની લાઈવ પ્રસ્તુતિ કલાકારો દ્વારા જ કરવામાં આવે છે જેમાં પ્રેક્ષકોને ખુબ મજા પડે છે. સંગીત આખાય નાટકનો ધબકતો અંશ છે. ખાસ આભાર આર.જે. દેવકીનો પણ માનવાનો રહ્યો. પરિકલ્પના, પટકથા, સંવાદો, શૈલી, કલા અભિગમ, નિરૂપણ રીતિ, સંગીત, પાત્રો તેમજ તમામ નાટકનાં અંશો ખૂબ જ ભાવથી અને અથાગ મહેનતથી કંડારાયેલા છે.

પ્રસ્તુત નાટક આધુનિક ગુજરાતી રંગભૂમિમાં પ્રથમ હરોળે મૂકી શકાય એવાં ઉત્કૃષ્ટ સંવાદો જેનો શ્રેય જાય છે યુવા ગૌરવ પુરસ્કાર વિજેતા એવાં રામ મોરીને. સાથોસાથ હાર્દિક દવેનો સુર લોકસંગીતને જીવંત બનાવે છે. આજે પણ આ નાટકનાં ગીતો પ્રેક્ષકોના હૈયે અને હોઠે છે. આ થિયેટ્રિકલ પ્રોજેક્ટમાં ભાર્ગવ પુરોહિતનાં સંકલન સાથે યુથ આઇકોન આદિત્ય ગઢવીની ચારણી શૈલી પ્રેક્ષકોને ઠેઠ સુધી જકડી રાખે છે તેમજ મ્યુઝિક ડિઝાઇનિંગ મેહુલ સુરતીનું એ તો ગજબ જ. સમગ્ર નાટકની નૃત્યકલા માનસી મોદી દ્વારા જે સરાહનીય છે. 

અમીના અને હાજીની પ્રેમ દાસ્તાનમાં મુખ્ય સુર વિરહનો છે. તમામ રસોનું આસ્વાદન કરાવતું ‘વીજળી : ધ મ્યુઝિકલ પ્લે.’ આજનાં બાળકોને, યુવાનોને તેમજ તમામ કલાપ્રેમી જનતાને નિહાળવા, માણવાનો મારો આગ્રહ છે. નાટ્ય કલાકારોથી મંદીને પડદા પાછળનાં કલાકારોની મેહનત ખુબ રંગ લાવી છે. આ નાટકનાં અત્યાર સુધી 20થી વધુ શૉ થયેલાં છે અને હજુ પણ રંગભૂમિનાં નવા આયામો સર કરશે એવી મારી અંગત ઝંખના પણ છે. ખાસમાં જણાવી દઉં, કે આ નાટકને ફિલ્મ બનવા જેટલો સમય લાગ્યો છે. તેમજ પ્રિ પ્રોડક્શનમાં એક વર્ષ અને 6 મહિના સુધી નાટક લખવાની પ્રોસેસ રહી છે એવું રામ મોરી દ્વારા જાણવા મળે છે. માંગરોળથી લંડન સુધી દરિયો ખેડવાની સફરને રજુ કરતું આ નાટક ગુજરાતી રંગભૂમિમાં એક ઉત્કૃષ્ટ પરિમાણ સાબિત થયું છે. સત્યઘટના પર આધારિત ગુણવંતરાય આચાર્યની કલમને ઘણી ખમ્મા અને અભિનય બેન્કર દિર્ગદર્શિત “વીજળી : ધ મ્યુઝિકલ પ્લે.”ને રંગભૂમિનાં ચરણે વંદન. હજુ સુધી ન જોઈ હોય તો અચૂક જોજો. નાટકનાં મને સ્પર્શી ગયેલાં સંવાદ અને કથનાત્મક પંક્તિઓ અહીં ટાંકુ છું: 

~ બંધ આંખે તને શું દેખાય છે?

“તું ને હું”

કોઈ આપણને જોઈ જશે તો?

“આંખ બંધ રાખશું, એટલે કોઈ નઈ જોવે”

ભીની રેતમાં પડેલા આપણાં પગલાંનું શું?

“ઈ તો દરિયો ભૂંસી નાખશે.”

~ “તમને મથુરાવાસીઓને દસવીસ મન રહેતાં હશે, અમારે તો એક મન હતું અને એ માધવ સાથે ગયું.”

 -અમીના 

~ “તને રાધાનો પ્રેમ મળે ને રુક્મણિનું સૌભાગ્ય.”

~ “અમીનાની જરાય યાદ આવી?”

“અમીના ભૂલાણી હોય તો યાદ આવેને?”

~ “ઉત્તર જાજો, દખણ જાજો, જાજો દરિયાપાર”

- પાયલ અંતાણી

આ સમાચાર શેર કરો