મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ગુજરાત સ્થાપના દિવસ: ઇતિહાસ અને રાજકારણ

- કરન્ટ કીક ભારત આઝાદ થયું એ પહેલાં સરકારે વચન આપેલું કે ભાષાકીય આધારે રાજ્યોની વહેંચણી થશે. પણ આઝાદી પછી નહેર

શતરંગ / ગુજરાત સ્થાપના દિવસ: ઇતિહાસ અને રાજકારણ

- કરન્ટ કીક

ભારત આઝાદ થયું એ પહેલાં સરકારે વચન આપેલું કે ભાષાકીય આધારે રાજ્યોની વહેંચણી થશે. પણ આઝાદી પછી નહેરુ અને સરદારે લાંબી ચર્ચા વિચારણા બાદ નક્કી કર્યું કે આ પગલું લેવામાં તો જોખમ છે. આપણે જે ભારતની એકતા અને અખંડિતતાનું સપનું જોયું હતું એનું શું? અને એટલે જ, આ જ મુદ્દા માટે ડિસેમ્બર 1948માં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ અને પટ્ટણી સીતારમૈયાએ બનાવેલી 'જેવીપી' સમિતિ એપ્રિલ, 1949માં વિખેરાઈ ગઈ.

પછી તો દક્ષિણના અનેક રાજ્યોમાં ભાષાકીય આધારે અલગ રાજ્યોના ઉગ્ર આંદોલનો શરૂ થઈ ગયા. અધિનિયમ 1956, રાજ્ય પુનગઠન હેઠળ તેલુગુ ભાષીઓ માટે આંધ્રપ્રદેશ, કન્નડ માટે કર્ણાટક અને મલયાલીઓ માટે કેરળ રાજ્ય બન્યું. પણ ગુજરાત-મહારાષ્ટ્રનો સંઘર્ષ હજી થોડો લાંબો ચાલવાનો હતો!

ગુજરાતી-મરાઠી ભાષીઓ માટે ત્યારે એક જ 'દ્વિભાષી' રાજ્ય 'બોમ્બે પ્રદેશ' હતું. પણ કાયદા મુજબ અનેક માંગણીઓ છતાં આ બે અસ્મિતાઓની માંગ ના જ સંતોષાણી. અને પછી શરૂ થયું, મહાગુજરાત આંદોલન. આ આંદોલનની આગેવાની લીધી બે ગુજરાતી વિરલાઓએ. ભાઈકાકા અને ઇન્દુલાલ યાજ્ઞિક.

દરમિયાન થયું એવું કે 7 ઓગસ્ટ, 1956ના રોજ ગુજરાત કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ અમુક કોંગ્રેસી નેતાઓ સામે માંગણી મુકવા ગયા. પણ ત્યાં પોલીસે એમના પર ગોળીબાર કર્યો. જેમાં સુરેશ જયશંકર ભટ્ટ, પૂનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઇન્દુલાલ વ્યાસ અને અબ્દુલ પીરભાઈ વસા એમ ચાર વિધાર્થીઓનું મૃત્યુ થયું. પણ આ હારાકીરીથી બેકલેશ એવો થયો કે આમાંથી જન્મ થયો સત્યાગ્રહ નામે- ખાંભી સત્યાગ્રહ. ખાંભી સત્યાગ્રહ થકી મહાગુજરાત આંદોલન વધુ મજબૂત બન્યું. જનતાનો ઉશ્કેરાટ વધ્યો, અલગ ગુજરાતની માંગના મૂળિયા ઔર ઊંડા ઉતર્યા.

8 ઓગસ્ટ, 1958ના રોજ હજારો લોકોએ કોંગ્રેસ ભવનની બહાર બેઠક જમાવી. વળી, દરમિયાનમાં અમદાવાદમાં આવ્યા મોરારજી દેસાઈ. (જે પછી તો વડાપ્રધાન બન્યા.) મોરારજી દેસાઇના આગમનની આગોતરી જાણ થતાં જ અમદાવાદ આખું બંધ રહ્યું, કહો કે સ્વયંભુ બંધ પાળ્યું. ઇન્દુલાલ યાજ્ઞિકે પેલા ચાર મૃતક વિધાર્થીઓનું ભવ્ય સ્મારક બનાવવાની પ્રચંડ જાહેરાત કરી. અને પાછળથી પ્લાસ્ટર ઓફ પેરિસનું એમનું સ્મારક બનાવ્યું પણ ખરું. અંતે સરકારે પ્રચંડ લોકલાગણી અને ઇન્દુકાકા-ભાઈકાકાની જોડી સામે નમી જવું પડયું.

બોમ્બે પ્રદેશમાં આ આંદોલન બસ્સો ને છવ્વીસ દિવસ ચાલ્યું, અને ટોટલ બે વર્ષ. અંતે આજથી 64 વર્ષ પહેલાં, 1 મે, 1960ના રોજ દ્વિભાષી રાજ્ય 'બોમ્બે પ્રદેશ' વિઘટિત થયું. અને, ગુજરાત- મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્ય બન્યા. જો કે મુંબઈ શહેર બાબતે ગુજરાતીઓ-મરાઠીઓ બન્ને અસંતુષ્ટ જ હતા. છેવટે ફરી ભાષાના આધારે, મરાઠીભાષીઓની બહુમતીના આધારે મુંબઈ મહારાષ્ટ્રમાં ભળ્યુ.

ત્યારે મહારાષ્ટ્ર ક્ષેત્રફળના આધારે દેશના ત્રીજા નંબરનું રાજ્ય હતું, અને ગુજરાત છઠ્ઠા નંબરનું. પણ આજે મજાની વાત એ છે કે એક માઁની કુખે જન્મેલા આ બે બાળકો GSTની બાબતે અનુક્રમે પહેલા અને ત્રીજા નંબરે છે.

- ડો. ભગીરથ જોગિયા

આ સમાચાર શેર કરો